મેઘાણીની સવા સોમી વરસગાંઠે સ્મૃતિ વંદના
મેઘાણી અને મુંબઈ, મુંબઈ અને મેઘાણી
ગાંધીજી : મારે મન મેઘાણી કૃષ્ણની બંસરી સમાન હતા
‘મુંબઈ આવ્યું ત્યારે ગાડી જાણે કે પાટાઓની જટિલ ઝાડીમાંથી પોતાનો માર્ગ શોધતી એક સરખી ચીસો પાડતી હતી. સિગ્નલોની રાતી અને લીલી આંખો ગાડી પર સળગી રહી હતી. બારી બહાર ડોકિયું કરીને આ કોઈ પ્રકાંડ કાવતરાના પથરાવને જોઈ છાનીમાની અકળાતી અજવાળી વારે વારે પોતાની ભુજાએ બાંધેલા માદળિયાને સ્પર્શ કરતી હતી. માદળિયામાં પોતાની આખરી રક્ષા રહેલી છે, માદળિયું જ પોતાને પાછી શિવરાજ પાસે પહોંચાડનાર છે. માદળિયાએ એનો ભય મોળો પાડ્યો. મુંબઈની માયાજાળ વચ્ચે આ માદળિયું છે ત્યાં સુધી મને કોનો ભો છે? માદળિયાએ એને છાતી આપી …’ ભરોસો રાખજે હોં દિકરી!’ માલુજીએ અજવાળીના વિચારમગ્ન મોં પરથી ઉચાટ અનુભવીને કહ્યું : ‘મારો શિવરાજ લોફર નથી. એની માએ ધાવણો મેલેલો તે દા’ડાથી આ મારા હાથની જ આંગળી ચૂસીને એ આવડો થયો છે. એ તને રઝળાવે નહિ. એણે તને સુધારવા મોકલી છે.’ સુધારવા? મુંબઈમાં? અજવાળીએ આજ સુધી મુંબઈનું નામ પચીસ-પચાસ વાર સાંભળ્યું હતું … પાડોશણ કુંભારણ વિધવાને લેણદાર વેપારી આવીને ઘણી વાર સોગંદ દેતો : 'રૂપિયા ન હોય તો ખા સમ -– તારા માથે આખી મુંબઈનું પાપ!"
મુંબઈ જોઈને અજવાળી વિચારે છે : ‘મુંબઈનું પાપ! એ જ આ મુંબઈ. આમાં પાપ ક્યાં છે? આ તો ઇન્દ્રપુરી જેવું શહેર છે. અહીં તો લાખો લોકો દોટમદોટ રોજી રળે છે. આંહીના રસ્તા આરસ જેવા સુંવાળા, અહીં બબ્બે દુકાનને આંતરે ભજિયાં ને પૂરી તળાય છે, આંહી પાન ચાવીને ગરીબો ય રાતાચોળ મોઢાં કરે છે. આહીં ગલીએગલીએ માલણો ફૂલના હારગજરા વેચે છે. આહીં માર્ગે માર્ગે ઠાકરનાં મંદિરોનો પાર નથી. આહીં બાઈ માણસો પગમાં જોડા પહેરી ને માથે છત્રી ઢાંકીને ચાલી જાય છે. અહીં હીરામોતી ને ઝવેરાતની આટઆટલી હાટડીઓ ઉઘાડી પડી છે તો પણ કોઈ લૂંટ કરતું નથી. આહીં ઘરેઘરને બારીઓ છે છતાં કોઈને ચોરનો ભો નથી. – ત્યારે મુંબઈનું પાપ ક્યા?’
જન્મ : ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ • અવસાન : ૯ માર્ચ ૧૯૪૭
મુંબઈનું આ વર્ણન છે ૧૯૩૮માં પ્રગટ થયેલી ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘અપરાધી’નું. મેઘાણી એટલે લોકજીવન, લોકબોલી, લોકસાહિત્યનું ગુજરાત અને ગુજરાતીને બાવડે બંધાયેલું માદળિયું. પણ એનો અર્થ એવો નથી કે મેઘાણી ગામડાની બહાર પગ મૂકતા જ નથી. આ નવલકથા પ્રગટ થઈ તે પહેલાં મેઘાણીને મુંબઈનો સારો એવો પરિચય થઈ ચૂક્યો હતો. મુંબઈની જ્ઞાનપ્રસારક મંડળીએ લોકસાહિત્ય વિષે છ વ્યાખ્યાનો આપવાનું આમંત્રણ ૧૯૨૯માં મેઘાણીને આપેલું. આ છ વ્યાખ્યાન એક સાથે નહિ પણ થોડા થોડા દિવસને અંતરે આપવાનાં હતાં. એટલે મેઘાણીને સારી એવી આવ-જા કરવી પડેલી. પણ એ વાત મેઘાણીના પોતાના જ શબ્દોમાં સાંભળીએ. ‘એ વ્યાખ્યાનમાળાનું ટાંચણ માનસપટ પર રહ્યું છે. રણજિતરામ સુવર્ણચંદ્રકનું પહેલવહેલું સન્માન પામીને મુંબઈ છેલ્લું ભાષણ દેવા ગયો હતો. કાવસજી જહાંગીર હોલમાં શ્રોતાસમૂહ ચિક્કાર રહેતો. પ્રમુખસ્થાને બેસતા ડો. સર જીવણજી મોદી. પોતે કડક હતા, કરડા હતા, સહેલાઇથી પ્રસન્નતા બતાવતા નહિ, શીખાઉ માણસ મલકાઈ-છલકાઈ જાય એવી રીતે વર્તતા નહિ. મારો ચંદ્રક હાથમાં લઈ, પંપાળીને શ્રોતાસમૂહને એ બતાવીને મને કહ્યું : ‘આ ચંદ્રકથી તારી જવાબદારી વધી જાય છે. સંશોધન કરતો જ રહેજે, મલકાઈ જતો ના.’
તો એક વખત આ વ્યાખ્યાનમાળાને નિમિત્તે મુંબઈ આવેલા ત્યારે જીવના જોખમમાંથી મેઘાણી બચી ગયેલા. તેમની સાથે વઢવાણના એક સ્નેહીની દીકરી અને એનું ધાવણું બાળક પણ સાથે હતાં. સ્નેહીનાં પત્નીએ કહેલું : ‘તાર કર્યો છે, જમાઈ સ્ટેશને આવશે.’ પણ ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતર્યા ત્યારે કોઈ આવેલું નહોતું. વિક્ટોરિયામાં ભીંડી બજાર જવા નીકળ્યા. રસ્તા સાવ સૂમસામ, પણ એ તરફ ધ્યાન જ ન ગયું. જુમા મસ્જિદ નજીક્ના એક બે માળવાળા મકાન પાસે પહોચ્યા. જુએ છે તો મકાનનું પ્રવેશદ્વાર બંધ. આજુબાજુનાં બધાં મકાનો પણ બંધ. રસ્તા પર અવરજવરનું નામ નથી. ફક્ત સામે ઉઘાડી પડેલી ભોંય ઉપર લજ્જતથી ચૂપચાપ બેઠેલ કાળા કપડાવાળા સોએક માણસનું ટોળું. મેઘાણી બૂમ પાડે છે : ‘કોઈ બોલતું કાં નથી? અરે, બારણું ખોલો.’ કશો જવાબ નહિ. મેઘાણીની નજર ઉપર જાય છે. જોયું કે અગાસીમાં ધોતિયું ને ખમીસ પહેરેલા હિંદુ મહોલ્લાવાસીઓ ચૂપચાપ ઊભાં છે. એમાં પેલાં બહેનના પતિ પણ હતા. એટલે કહ્યું : અરે, ‘ઉઘાડો તો ખરા, બહેનને લાવ્યો છું.’ જવાબ નહિ. થોડી વાર પછી નીચે આવીને એ ભાઈ પોતાની પત્નીને ઉપર લઈ જાય છે. પણ મેઘાણી સાથે એક શબ્દ પણ બોલતા નથી. મેઘાણી ચાલતા ચાલતા મહમદઅલી રોડ પર આવે છે. એ જ ક્ષણે એક ટેક્સી ત્યાંથી પસાર થાય છે. થોડે આગળ જઈને ઊભી રહે છે. ડોકું બહાર કાઢીને ડ્રાઈવર ધીમા અવાજે પૂછે છે : ‘ક્યાં જવું છે?’ ‘ધોબી ગલ્લીમાં.’ ‘બેસી જાવ ગાડીમાં.’ ‘કેમ?’ ‘ખબર નથી? અહીં તો હુલ્લડ ચાલે છે. આ બેઠા છે તેને જોતા નથી? હમણાં તમારું કાસળ કાઢી નાખશે. અને અજાણ્યો ડ્રાઈવર મેઘાણીને ધોબી ગલ્લી લઈ ગયો. ત્યાં પણ વેરાન દશા. દરવાજા બંધ. ઉપર ઊભા હતા મેઘાણીના પિતરાઈ ભાઈ ડો. વ્રજલાલ મેઘાણી અને ચાર ખેતાણી ભાઈઓ. ટેક્સીવાળાને એક રૂપિયો આપતાં મેઘાણી પૂછે છે : ‘કેવા છો?’ ‘મુસલમાન.’ અને હા, એવા કોમી હુલ્લડ વચ્ચે પણ જ્ઞાનપ્રસારક મંડળીએ વ્યાખ્યાન ચાલુ રાખેલું, અને એ સાંભળવા સારી એવી સંખ્યામાં સ્ત્રી-પુરુષો આવેલાં પણ ખરાં! વ્યાખ્યાન પૂરું થયા પછી તરત જ મેઘાણીએ કાઠિયાવાડ મેલ ટ્રેનમાં મુંબઈ છોડ્યું.
મેઘાણીના જીવનના બીજા એક મહત્ત્વના પ્રસંગ સાથે પણ મુંબઈ સંકળાયેલું છે. ૧૯૩૩ના નવેમ્બર-ડિસેમ્બરમાં મેઘાણી મુંબઈમાં હતા. અગાઉ મેઘાણીએ કેટલાંક લોકગીતો કલાકાર અને ગુરુદેવ ટાગોરના નિકટવર્તી નંદલાલ બોઝને સંભળાવેલાં. એમણે ગુરુદેવને આ ગીતો સાંભળવા ખાસ ભલામણ કરેલી. એ અરસામાં ગુરુદેવ મુંબઈ આવ્યા ત્યારે તેમના બે શિષ્યો પિનાકિન ત્રિવેદી અને બચુભાઈ શુક્લ ગુરુદેવને મળવા મેઘાણીને લઈ ગયા. મેઘાણીએ લોક ગીતો સંભળાવવાનું શરૂ કર્યું. ગુરુદેવ તેમાં એવા તો મગ્ન થઈ ગયા કે અગાઉથી ફાળવેલા સમય કરતાં ત્રણ ગણો વધુ સમય તેમણે મેઘાણીને ફાળવ્યો. મેઘાણી લોક ગીતો સંભળાવતા હતા એ દરમ્યાન સરોજિની નાયડુ ગુરુદેવને મળવા આવ્યાં. તેમણે અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધેલી. પણ ત્યાંનો તાલ જોઈને હળવે પગલે ત્યાંથી નીકળી ગયાં. ગુજરાત આવવા મેઘાણીએ આમંત્રણ આપ્યું ત્યારે ગુરુદેવ કહે : ‘ફરી આવવા દિલ બહુ છે, પણ હવે તો કોણ જાને … તું શાંતિનિકેતન આવ. આપણે ગુજરાતી ને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું અને ચૂંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરશું. તું જરૂર આવ.’
યુનિવર્સિટી ઓફ બોમ્બેનો કોનવોકેશન હોલ, જ્યાં મેઘાણીએ પાંચ વ્યાખ્યાન આપેલાં
ગુજરાતી ભાષા-સાહિત્યના ક્ષેત્રે એક જમાનામાં યુનિવર્સિટી ઓફ બોમ્બે આયોજિત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનો ઘણો દબદબો હતો. આ વ્યાખ્યાનો આપવાનું આમંત્રણ મળે એ જ મોટું સન્માન ગણાતું. લાગલાગટ પાંચ દિવસ સુધી યુનિવર્સિટીના ભવ્ય, વિશાળ, સુશોભિત કોન્વોકેશન હોલમાં આ વ્યાખ્યાનો થતાં અને સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં તે સાંભળવા આવતા. ૧૯૪૩ના ઓગસ્ટની ૨૪મીથી ૨૮મી સુધી મેઘાણીએ આ વ્યાખ્યાનો આપ્યાં. પહેલે દિવસે એ સાંભળવા એટલી મોટી સંખ્યામાં શ્રોતાઓ આવ્યા કે ધક્કામુક્કીમાં હોલના મજબૂત લાકડાનાં બારણાંને સારું એવું નુકસાન થયું. એટલે બીજા દિવસથી હોલની બહારના વિશાળ બગીચામાં પણ શ્રોતાઓ માટે બેસવા-સાંભળવાની સગવડ કરવી પડેલી. પણ મેઘાણી એવા સજાગ લેખક હતા કે લોકપ્રિયતાનો કેફ તેમને સહેજ પણ ચડતો નહિ. એટલે આ અંગે પછીથી લખે છે : ‘વ્યાખ્યાનોમાં જનતાનો પ્રેમ બેશક છે જ. પણ હું મોહાઇને છેતરાતો નથી. જનતાની ઊર્મિ ભયંકર તત્ત્વ છે. નાના માણસોએ એનાથી ચેતવા જેવું. મારી નાનપ હું જાણું છું એટલે જનતાથી હું જેમ બને તેમ દૂર નાસું છું. ન છૂટકે જ સામો ઊભો રહું છું, પણ અંદરથી ધ્રૂજું છું. મારું ચાલે તો લાંબા લાંબા મૌન પાળું.’
મૌનને દિવસે ગાંધીજીએ કરેલી મેઘાણી સાથેની ‘વાતચીત’
મુંબઈમાં મેઘાણીનો મેળાપ ગુરુદેવ સાથે થયો તેમ ગાંધીજી સાથે પણ થયો. અલબત્ત, અગાઉ ઘણાં વર્ષો પહેલાં મેઘાણી રાણપુરમાં ગાંધીજીને મળેલા. ૧૯૪૪માં મુંબઈમાં મળવા ગયા ત્યારે મેઘાણી નવપરિણીત દીકરા મહેન્દ્રભાઈ અને પુત્રવધૂ નિર્મલાબહેનને પણ સાથે લઈ ગયેલા. એ દિવસ ગાંધીજીનો મૌનનો દિવસ હતો એટલે વાત લખીને જ કરવાની હતી. ગાંધીજીએ ગીતો સાંભળવાની ઈચ્છા જણાવી. એટલે મેઘાણીએ સ્વાભાવિક રીતે જ દેશભક્તિનાં ગીતો સંભળાવ્યાં. પછી પૂછ્યું : બીજું કશું સાંભળવાની ઈચ્છા ખરી? લાગલો જ જવાબ મળ્યો: લગ્નગીતો સંભળાવો.
પ્રખ્યાત ગીત, મેઘાણીના હસ્તાક્ષરમાં
શરૂઆતની એક મુલાકાત વખતે મુંબઈમાં હિંદુ-મુસ્લિમ રમખાણો ચાલતાં હતાં તેમ મેઘાણીની મુંબઈની છેલ્લી મુલાકાત વખતે પણ એ જ સ્થિતિ હતી. કોમી તોફાનો દરમ્યાન મુસ્લિમ લત્તામાં સેવા કરવા જતા મેઘાણીના સાધુચરિત પિતરાઈ ભાઈ ડો. વ્રજલાલ મેઘાણીનું ખૂન થયું. એ અંગે ખરખરો કરવા મેઘાણી મુંબઈ આવ્યા. શોકસભામાં સ્વરચિત કાવ્ય ‘હળવાં હળવાં લોચન ખોલો’ ગાયું ત્યારે હાજર રહેલા સૌની આંખો ભીની થઈ ગઈ. પછી વિમાનની મુસાફરીનો અનુભવ લેવા મુંબઈથી વિમાનમાં દિલ્હી ગયા. ત્યાં ત્રણ દિવસ રહ્યા. બંધારણ સભાની મુલાકાત લીધી. વિમાનમાં અમદાવાદ ગયા. મેઘાણીની મુંબઈની આ છેલ્લી મુલાકાત.
૧૮૯૬ના ઓગસ્ટની ૨૮મીએ જન્મેલા ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૫મી વરસ ગાંઠ. ૧૯૪૭ના માર્ચની નવમી તારીખે તેમનું અવસાન થયું ત્યારે ગાંધીજીએ કહેલું : ‘મારે મન મેઘાણી કૃષ્ણની બંસરી સમાન હતા.’ એ બંસરીના સૂર આજે પણ ગુજરાતીઓના હૃદયમાં ગૂંજી રહ્યા છે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 28 ઑગસ્ટ 2021