‘નિરીક્ષક’ તા. ૧૬.૫.૨૦૨૨ના અંકમાં નિલય ભાવસારનો પંડિત શિવકુમાર શર્માર્ને ભાવસભર સ્વરાંજલિ આપતો લેખ વાંચી આનંદ થયો. એમાં ‘ઝનક ઝનક પાયલ બાજે’ની વાત વાંચતા પંડિતજીની સ્મરણકથા ‘सन्तूर मेरा जीवन संगीत’ (મૂળ અંગ્રેજી ‘જર્ની વિથ એ હન્ડ્રેડ સ્ટ્રિંગ્સ – માય લાઈફ ઇન મ્યુઝિક’નો શૈલેન્દ્ર શૈલ દ્વારા હિન્દી અનુવાદ) વાંચતાં એ ચલચિત્ર સંદર્ભે થોડી રસપ્રદ વાતો વાંચેલી તે મનમાં તાજી થઈ. ‘નિરીક્ષક’ના વાચકો સાથે એ વાતો વહેંચવાનું મન થયું. તો એ પુસ્તકના આધારે જ થોડી વાતો મૂકું.
વર્ષ ૧૯૫૫. ડૉ. કર્ણ સિંહ એ દિવસોમાં શિવકુમારના પિતાજી પાસે સંગીત-ગાન શીખે. એમના કહેવાથી ૧૭ વર્ષના શિવકુમારને મુંબઈમાં હરિદાસ સંગીત સંમેલનમાં વાદન માટે નિમંત્રણ મળ્યું. એ સંમેલનમાં બડે ગુલામ અલીખાં, ઉસ્તાદ અમીરખાન, પં. ઓમકારનાથ ઠાકુર, પં. પન્નાલાલ ઘોષ, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, પં. રવિશંકર, ઉસ્તાદ વિલાયત ખાન – જેવા અનેક દિગ્ગજ સંગીતકારો ભાગ લેનારા હતા. આવા મહાનુભાવો સાથે ભાગ લેતાં આ તરુણે કેવો આહ્લાદ અનુભવ્યો હશે!
શિવકુમાર ત્યારે તબલાવાદન માટે જાણીતા, તેથી તેમને તબલાવાદન માટે કહેવાયું પણ આ યુવાને તો તબલા અને સંતૂર – બંને વગાડવાનો આગ્રહ રાખ્યો. ઘણીબધી રકઝક પછી આ છોકરાની જિદ સામે નમતું જોખી આયોજકોએ કહ્યું, ‘તારી પાસે રોકડી ૩૦ મિનિટ છે. એમાં તારે કરવું હોય તે કર.’
મંચનો સુંદર મખમલી પરદો ઊંચકાયો. શિવકુમાર સંતૂર અને તબલા સાથે પૂરા આત્મવિશ્વાસપૂર્વક મંચ પર આવી ગયા. સંતૂર પડખે મૂક્યું. તબલા પર થાપ દીધી અને એમને મળેલ પૂરા અર્ધા કલાક સુધી તબલાવાદન કર્યું. તાળીઓનો ગડગડાટ અને વાહ વાહ એમને પ્રોત્સાહિત કરતા રહ્યા. અને પછી હાથમાં લીધું સંતૂર. સમ મેળવ્યો અને સંગીતરસિયા શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા કાવશજી જહાંગીર હોલમાં પૂરો એક કલાક રાગ ચમન વગાડ્યો. દ્દઢ મનોભાવ સાથે. બધું ઈશ્વરને સોંપી દઈને અને જમ્મુનો આ યુવક શ્રોતાઓ પર છવાઈ ગયો. ‘દુબારા, દુબારા’ના નાદ ઊઠ્યા – યાદ રહે, જમ્મુ બહાર અને વિશેષ રૂપે મુંબઈ નગરીમાં આ યુવકે પહેલી વખત પગ મૂક્યો હતો.
અહીંથી આરંભાય છે પેલા ચલચિત્રની વાત. વાહવાહોની ગુંજ અને શ્રોતાઓ તેમ જ સંગીતકારોનો પ્રેમ લઈ આ યુવક મોડી રાતે ઉતારે પહોંચ્યો. સવારે હજુ જાગ્યો જ છે ત્યાં એક સુરુચિ સંપન્ન સન્નારી એમની રાહ જોતાં બેઠાં હતાં. એ હતા મધુરા શાન્તારામ. વિખ્યાત ફિલ્મ નિર્દેશક વી. શાન્તારામનાં પુત્રી. તેઓ એમના પિતાનો સંદેશ લાવ્યાં હતાં કે “શું શિવકુમાર એમની આગામી ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’ માં સંતૂર વગાડવાનું પસંદ કરશે?” વિચાર કરો, કેવી ઉત્તેજના અનુભવી હશે આ યુવાને! પણ પંદર દિવસ પછી જ હતી એની કૉલેજની ફાઇનલ પરીક્ષા. એ છોડીને તો એ ન આવી શકે. એણે પ્રસ્તાવ પાછો વાળ્યો, પણ સાથે સાથે એમ પણ કહ્યું કે ‘પરીક્ષા પછી પણ તમારો પ્રસ્તાવ ખુલ્લો હોય તો, આ રહ્યું મારું સરનામું’, એમ કહી સરનામું આપ્યું.
સંગીત સમારોહની મધુર યાદો સાથે શિવકુમાર જમ્મુ પહોંચ્યા અને બરાબર પરીક્ષાના આગલે દિવસે જ મુંબઈના રાજકમલ સ્ટુડિયોમાંથી એક તાર આવી પહોંચ્યો. ‘ઝનક ઝનક પાયલ બાજે’ના પાર્શ્વ સંગીત માટે આવી જાવ.”… ફરી મુંબઈ.
ત્યાં સ્ટુડિયોમાં વી. શાન્તારામ સાથે હતા સંગીત-નિર્દેશક વસંત દેસાઈ. અન્ય કેટલા ય લોકોની જેમ સન્તૂર સાંભળવાની વાત તો દૂર રહી, એમણે સંતૂર જોયું પણ ન હતું. એમણે શિવકુમારને સંતૂરના થોડા પીસ સંભળાવવાનું કહ્યું. લગભગ એક આખો કલાક શિવકુમારે સન્તૂર વગાડ્યું. વસન્ત દેસાઈ બોલી ઊઠ્યા, “હું તારે માટે સંગીત-નિર્દેશન નહીં કરું. તું પોતે જ ફિલ્મ જોઈને ક્યા દૃશ્ય માટે શું વગાડવું એનો નિર્ણય તારી જાતે જ લે. મને વિશ્વાસ છે કે તું જે કંઈ વગાડીશ એ ઉત્તમ જ વગાડીશ”. અને પછી એક અઠવાડિયું આખું સ્ટુડિયોમાં રહી શિવકુમારે સંગીત આપ્યું. રોમાંચસભર સુંદર દૃશ્યો માટે એવું જ મધુર સંગીત.
વસંત દેસાઈએ જ્યારે શાન્તારામને એવું જણાવ્યું કે શિવકુમારે પોતાના સંગીતનું નિયોજન પોતે જ કર્યું છે ત્યારે તેઓ વિચારમાં પડી ગયા. એમણે ધ્યાનપૂર્વક એ સંગીત સાંભળ્યું. ખુશ થયા અને થોડાં નાનાં – મોટાં સૂચનો સાથે એ સંગીત તરત રેકૉર્ડ કરાવી લીધું.
પછી શાન્તારામે એમની આગામી ફિલ્મ માટે સંગીત-નિર્દેશનનો પ્રસ્તાવ પણ એમની પાસે મૂક્યો અને એમાં અભિનય કરવાની વાત પણ કરી. પણ આ યુવાન સામે લક્ષ્ય હતું સંગીત. બી.એ.ની પરીક્ષા પાસ કરી સંગીત-સાધનામાં લાગી જવાની એમની નેમને ગ્લેમરની દુનિયાના એ પ્રસ્તાવો લલચાવી ન શક્યા.
આ થોડી વાત ‘ઝનક ઝનક પાયલ બાજે’ના સંગીત-નિર્દેશન અને જોડાયેલી રસપ્રદ સ્મરણ-ગાથાની.
(સંદર્ભ : “सन्तूर मेरा जीवन संगीत’’ – पं. शिवकुमार शर्मा − प्रकाशक भाग्य ज्ञानपीठ, ई.स. ૨૦૧૨)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 15