કુદરતને અગત્યના સ્રોત તરીકે જોઇ, તેની જાળવણી સલામતી માટે થાય તે જરૂરી છે પ્રગતિને નામે કુદરતનું નિંકદન નિકળશે તો જિંદગીઓનો આમ જ કચ્ચરઘાણ વળી જશે
મોક્ષના દ્વાર ખૂલે, બધા પાપ ધોવાઇ જાય એ માટે ચાર ધામની યાત્રા હિંદુ સંસ્કૃતિમાં લાંબા સમયથી અગત્યની રહી છે. બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ્ – આ ચારેય ધામની યાત્રા હિંદુઓએ કરવી જ રહી એવું આદિ શંકરાચાર્યએ કહ્યું છે. વળી ઉત્તરા ખંડમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને છોટા ચારધામ કહેવાય છે અને ચાર દિશાના ચાર ધામ કરતાં આ છોટા ચારધામની યાત્રાનું મહત્ત્વ ક્યારે ય ઘટ્યું નથી. શિયાળામાં બરફને કારણે આ ચાર ધામ બંધ રહેતા હોય છે, અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉત્તરા ખંડમાં આવેલા આ છોટા ચાર ધામના પર્યાવરણની એવી વલે થઇ છે કે ચાર ધામમાં મોક્ષના દરવાજાનો માર્ગ તો ખુલતાં ખુલશે પણ સ્વધામનો દરવાજો જ ફટાક દઇને ખૂલી જાય તેવી દહેશત શ્રદ્ધાળુઓમાં ફેલાઇ છે. ૨૦૧૬માં વડા પ્રધાને આ ઉત્તરા ખંડમાં આવેલા આ ચારેય ધામ વચ્ચે કનેક્ટિવીટી વધે એટલે ચાર ધામ હાઇ વે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
વાઇરસના ભરડામાં જરા હળવાશ અનુભવાઇ, એટલે ‘ફુલ્લી વેક્સિનેટેડ’ શ્રદ્ધાળુઓએ તો ઉત્તરા ખંડ જવાના પ્લાન બનાવ્યા. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી તો વાઇરસને કારણે વેન્ટિલેટર પર છે જ પણ વેક્સિનેશનને કારણે અને લોકોમાં વાઇરસનો ભય જરા ઘટવાને કારણે (જો કે ગુજરાતીઓએ તો બહુ પહેલાં જ વાઇરસને ‘ઠીક હવે’-વાળું સર્ટિફિકેટ આપી દીધું હતું.) ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જરા હલચલ થઇ. છેલ્લા એક અઠવાડિયાં નૈનિતાલ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદે જે હાલત કરી છે, તેમાં ક્લાઇમેટ ક્રાઇસિસ – શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો પર્યાવરણીય કટોકટીની ગંભીરતાનો વરવો ચહેરો અને પ્રભાવ આપણે ફરી એકવાર વેઠ્યો છે.
કુદરતી આફતોની તીવ્રતા સમયાંતરે વધતી ચાલી છે. ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે આ બધી કુદરતી આફતો ખરેખર તો માનવ સર્જીત જ છે. આ ક્લાઇમેટ ઇમર્જન્સીને જો ગંભીરતાથી નહીં લેવાય તો શું વલે થઇ શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વળી આ હાલત માત્ર ઉત્તરા ખંડમાં જ છે તેમ નથી, કેરળમાં પણ ઘર ધસી પડ્યાં છે તો આસામમાં તો ફ્લેશ ફ્લડ્ઝ, જંગલી પ્રાણીઓની અવદશા વિશે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે. છેલ્લા ચાર દિવસમાં થયેલા મોતના આંકડા અગાઉ મૃત્યુ પામેલાની યાદીમાં ઉમેરો છે. હિમાલયમાં ગ્લેસિયર્સનું પીગળવું, દરિયાની સપાટી ઉપર આવવી, તીવ્ર ટ્રોપિકલ તોફાનો, પૂર અને અંધાધૂંધ વરસાદ વિશે ઇન્ટરગવર્મેન્ટ પેનલે તો પહેલાં જ આગાહી કરી હતી પણ મને ખાતરી છે કે આવી આગાહીઓ તો પહેલાં પણ થઇ હશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ખડા થતા ચક્રવાતી તોફાનો દેશ આખામાં ખડી થયેલી પર્યાવરણીય આફતનું કારણ છે. આમ જોવા જઇએ તો જેને પર્યાવરણવિદ્ ‘રિટ્રીટીંગ મોનસૂન’ કહે છે તે સંજોગોમાં કેરળ અને ઉત્તરા ખંડમાં વરસાદ થયો છે જે કુદરતી ચક્રનો ભાગ છે પણ વરસાદની તીવ્રતા કોઇ ભોગે સાધારણ માની શકાય તેવી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે કુદરતી આફતોનું પ્રમાણ વધ્યું છે તે જો આપણે એક રાષ્ટ્ર તરીકે ક્લાઇમેટને સંતુલિત કરવાના લક્ષ્ય પર ધ્યાન આપવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. જાનમાલનું નુકસાન થાય જેની અસર ફુડ સિક્યોરિટી પર પણ પડે. અંગ્રેજીમાં જેને ‘ડોમિનો ઇફેક્ટ’ કહીએ છીએ આ એવી જ કંઇ વાત છે, કે એક તરફ કંઇક ઘટના ઘટે તેનો પ્રભાવ એક પછી એક બાબતો પર, જોડાયેલી કડીઓની માફક પડતો જાય. હવાનું પ્રદૂષણ, આકરી ગરમી વગેરેને કારણે દરિયાના પાણીનું તાપમાન પણ વધે જે તોફાનોને વધુ ચક્રવાતી બનાવે.
અત્યારે ભારતના ૭૫ ટકા જેટલા જિલ્લાઓ આકરા મોસમનો ભોગ બની ચૂક્યા છે અને બનતા રહેશે. ચાળીસ ટકાથી વધુ જિલ્લાઓમાં પર્યાવરણીય અસંતુલન થયું છે જેમ કે જ્યાં પૂર આવતાં હતાં ત્યાં હવે દુકાળ જેવા સંજોગો થાય છે, અને જ્યાં દુકાળ પડતો ત્યાં અતિવૃષ્ટિ થાય છે. વૈશ્વિક સ્તરે બદલાતી આબોહવા પણ અચોક્કસ વરસાદ પર અસર કરે છે. ઉનાળામાં દરિયાઇ બરફ પીગળે એટલે ચોમાસું પાછું ખેંચાય પણ જતા જતા ઝપાટો બોલાવીને જાય. માત્ર ભારતની જ વાત કરીએ તો જે ખેડૂતો જી.ડી.પી.માં ૧૬થી ૨૦ ટકા જેટલું યોગદાન આપે છે, તેમાં નિયમિતતા રહે તેવી શક્યતાઓ ઓછી છે, કારણ કે વરસાદની અચોક્કસતાને પગલે તેઓ પાક અંગે કોઇ જ યોગ્ય પ્લાનિંગ નથી કરી શકતા.
કોરોના વાઇરસના રોગચાળાને પગલે આપણે ન્યુ નોર્મલ શબ્દનો ઉપયોગ કરતાં શીખી ગયા પણ કમનસીબે મોસમની અરાજકતા અને અંધાધૂંધી પણ આપણા દેશ માટે ન્યુ નોર્મલ બની ગયાં છે. ક્યાંક વાદળ ફાટે છે, ભેખડો ધસે છે તો ક્યાંક સાવ સૂકું ચોમાસું જાય છે. હવામાન ખાતું વરસાદને માટે ભલે જે આગાહી કરે પણ સરેરાશ આંકડા તોફાનોમાં ધોવાઇ જાય છે. જૂનમાં ધમધોકાર શરૂ થતો વરસાદ જુલાઇ અને ઑગસ્ટમાં ગાયબ થઇ જાય છે અને પછી ચોમાસાની ઋતુ જવાનો વખત થાય ત્યાં તોફાનો, ચક્રવાત, પૂર જેવા સંજોગો ખડા થાય. ચોમાસાની ઋતુમાં કોઇ સાતત્ય જ નથી, તેમાં દર મહિને કે પંદર દિવસે ફેરફાર આવતા રહે છે. બદલાતા મોસમની અસર દેશના અર્થતંત્ર પર, ખેડૂતોની જિંદગીઓ પર, પાણીની સ્થિતિ પર પણ પડે છે. મોસમમાં આવી તીવ્ર સ્થિતિ થવા પાછળ એક માત્ર કારણ હોય છે ક્લાઇમેટ ચેન્જ! પશ્ચિમી હિમાલયના પ્રદેશોમાં અતિવૃષ્ટિ તો દક્ષિણમાં વરસાદનું કોઇ નામોનિશાન નહોતું. એક સંશોધન અનુસાર ટૂંક ગાળાનો અને આકરો વરસાદ વૈશ્વિક સ્તરે વિસ્તરતી સ્થિતિ છે. ક્લાઇમેટમાં ગરમી વધતી જશે તેમ તેમ વાદળ ફાટવાના બનાવો પણ અવારનવાર બનશે.
આ જ સંજોગો રહ્યા તો ચાર ધામ યાત્રા સ્વધામનું સરનામું બની જાય તેવી હાલત થતી રહેશે અને હિંદુ શાસ્ત્રોમાં જે સ્થળોનું મહત્ત્વ છે, અર્થતંત્ર માટે જે પ્રદેશો અગત્યનાં છે તેની હાલત વખતો વખત બદતર થતી જશે.
બાય ધી વેઃ
સરકારના અભિગમની વાત કરીએ તો ટૂંકા ગાળાના લાભ ખાટવામાં લાંબા ગાળાનું વિચારવાનું ચૂકી જવાય છે. ઇલેક્ટ્રીક વાહનોની રેસમાં આગળ આવવા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. પર્યાવરણને કોઇ અગ્રિમતા અપાતી નથી. પીગળી રહેલાં ગ્લેશિયર્સ, વાદળોનું ફાટવું, અંધાધૂંધ વરસાદ સામે પગલાં લેવા હશે તો આપણે કુદરતને એક મિલકત – એક એસેટ તરીકે જોવી પડશે તો જ તેના સાચા રસ્તા મળી શકશે. નદીઓ જળવાય, જંગલો જળવાય, પહાડી વિસ્તારો પણ જળવાય – અહીં ક્યાં ય ‘એનક્રોચમેન્ટ’ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે, પણ માળું આપણે ત્યાં મોટું માથું નર્મદાની મુલાકાતે જવાનું હોય તો મગરોનાં સરનામાં બદલી દેવાય છે એમાં પર્યાવરણની ચિંતા ક્યારે થશે તે વિચારવું રહ્યું. કુદરતને અગત્યના સ્રોત તરીકે જોઇ તેની જાળવણી સલામતી માટે થાય તે જરૂરી છે પ્રગતિને નામે કુદરતનું નિંકદન નિકળશે તો જિંદગીઓનો આમ જ કચ્ચરઘાણ વળી જશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑક્ટોબર 2021