મહાત્મા ગાંધી જેમને ‘સત્યમૂર્તિ’ કહેતા અને કાકાસાહેબ કાલેલકર જેઓને મહાન કૃતિના રચયિતા જાણતા, તે લિયો ટૉલ્સ્ટૉય (૧૮ર૮-૧૯૧૦) રશિયાના પાટનગર મૉસ્કોમાં સ્થળાંતર કરીને આવતા ગામડાંના ગરીબોને જોઈને ચિંતિત છે. લેખક તરીકે પોતાની સંવેદના વર્તમાનપત્રોની કૉલમમાં પ્રકાશિત કરતા રહેવા સાથે તેઓ ગામડાંની ગરીબી દૂર કરવા સ્વપ્રયત્નો પણ માંડે છે.
ટૉલ્સ્ટૉય નોંધે છે કે “ભૂખ અને રોગથી પીડાતા કામધંધા અને આવાસના અભાવથી ભટકતાં દયાજનો મૉસ્કોમાં આશાના તાંતણે ખેંચાઈ તો આવે છે, પરંતુ શહેરમાં આવવા છતાં નથી તો તેમના ફાટલાં કપડાં સાઇબીરિયાના કાતિલ ઠંડા પવનો રોકી શકતા કે નથી તો તેમનાં બગડેલાં પેટ તેમને કઈ વધુ રાહત આપી શકતાં. પરિણામે સ્ત્રીઓ પોતાને અને ઘરનાં સ્ત્રીબાળકોને વેશ્યાવૃત્તિમાં ધકેલે છે. પુરુષો દુઃખ ભૂલવા સસ્તા દારૂ અને જુગારમાં રચ્યા-પચ્યા રહે છે, તો પેટનો ખાડો પૂરવા બાળકો મજૂરીમાં તો કોઈ લૂંટફાટ કરી જીવન ગુજારે છે અને જે ગરીબો પોલીસના હાથમાં લાગી જાય છે, તેઓ તો જાહેરમાં હાથ-પગ કે માથું ઉતારી લેવાની શિક્ષા ભોગવી જીવતાંજીવ નરક ભોગવે છે.”
લેખક સ્વયં સમૃદ્ધ ઘરના રહીશ છે. સુંવાળા ગાલીચા, વિશાળ ગરમ ઓરડા, સ્વચ્છ મોભાદાર કપડાં અને વિવિધ રંગ-આકારની ટોપી ઓઢી શકે છે. બુદ્ધિજીવી પત્રકાર તરીકે તેઓનું શહેરી સમુદાયમાં સ્થાન છે, પરંતુ ગરીબીના સમુદ્રમાં પોતાનો વિલાસી ટાપુ લેખકને કોરી ખાય છે. આમ છતાં, ગામડાંમાં ટાંચાં સાધનોથી જીવન વિતાવતાં અને મહદંશે સુખી લોકોનાં અહેસાન ઉપર મજૂરી મેળવતા શ્રમિકોની સ્થિતિનો જાતઅનુભવ કરવા સિમન પિટર નામના મજદૂર સાથે લાકડાં ફાડી મળતી રોજીમાંથી જીવન વિતાવવાનો પ્રયોગ કરે છે. મજૂરોની કૉલોનીમાં રહેતા લિયો ટૉલ્સ્ટૉય અનુભવે છે “ગરીબી સ્વયં એક નિભાવ બની જાય છે. સાધનોના અભાવે શ્રમશક્તિ, વ્યસન, વેશ્યાવૃત્તિ, બાળમજદૂરી, ગુલામીની સ્થિતિમાં ધકેલાય છે. એટલું જ નહીં, પણ કુપોષણ, રોગ, અકાળ વૃદ્ધાવસ્થાના વિષચક્રમાં તેઓ વધુ ને વધુ ઊંડા ઊતરતા જાય છે.”
લેખક પોતાની પરિશ્રમની કમાણી ગરીબોમાં વહેંચી દે છે. ‘ઉઘાડાને ઢાંકજે, ભૂખ્યાનું પેટ ભરજે’ તેવો આદેશ આપનાર બાઇબલમાં શ્રદ્ધા ધરાવતાં ધાર્મિક જૂથોની મદદથી ગરીબોને રૂબલ આપે છે, પરંતુ થાય છે એવું કે, ગરીબ સમુદાય પોતાની વૃત્તિને છતી કરતાં દરવાજે આવેલના દાનવીરોને જ લૂંટી લે છે.
આજે લોકશાહીના નામે રાજકીય પક્ષો 'ગરીબી હટાઓ, ગરીબી મીટાઓ’ના નારા જોર-શોરથી પ્રચલિત કરવા સક્રિય રહે છે. તે સંજોગોમાં એક વર્ષ સુધી ખિત્રોવની શ્રમિક વસાહતમાં રહેનાર ટૉલ્સ્ટૉય આજથી ૧૪૮ વર્ષ પહેલાં પોતાના જાતઅનુભવથી કહે છે કે, “શ્રમિકો માટે ગરીબી એ સ્વભાવગત બીમારી બની જાય છે અને માત્ર કરુણાથી પરિસ્થિતિમાં બદલાવ લાવી શકતો નથી. ઘેટાં-બકરાં બાંધી રાખી ચારો-પાણી નાખીએે તેમ માનવ-સમુદાય વિકસિત રહી શકે નહીં. સમાન સામાજિક દરજ્જાથી જ માનવજાત ટકી શકે છે.”
ર૭૦૦ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે વૃદ્ધાવસ્થા, માંદગી અને મૃત્યુને જોતાં સમાજને બોધિજ્ઞાન તરફ દોર્યો તેમ આપણા આ રૂસી રશિયન લેખક ‘What Shall we do then?’/ What is to Be Done?1 નામના પુસ્તકના પાને સમાજવાદી સમાજરચનાને ઉપાય તરીકે ઉદ્ઘોષિત કરે છે.
મોહનદાસ ગાંધીએ જેમના વિચારોને આધાર બનાવી દક્ષિણ આફ્રિકામાં ફિનિકસ આશ્રમ સ્થાપી જાડું અનાજ – જાડાં વસ્ત્રો અને જાડી હથેળીનો રાહ અપનાવ્યો, તે ટૉલ્સ્ટૉય એક સાધનસજજ પૈસાપાત્ર લેખક તરીકે અનુભવે છે કે “મુઠ્ઠીભર સત્તાધિપતિઓના વિલાસ માટે પ્રાકૃતિક સ્રોતનો મહત્તમ હિસ્સો વપરાય જાય છે.”
મૉસ્કોમાં પરવાનો લઈને વસતાં ર૦,૦૦૦ ગરીબો શહેરી સમુદાય માટે તો વપરાશનું સાધન માત્ર છે. મૉસ્કોના આવા એક ગાર્બેજ એરિયા તરીકે જાણીતો ખિત્રાવ બજારમાં વેશ્યાઓ, રોગીઓ, દારૂડિયા અને જુગારીઓ તથા બાળમજદૂરોથી ખદબદતો જોઈ લેખક વધારે વ્યથિત બને છે. બજારવાદનો વિકલ્પ ટૉલ્સ્ટૉય પાસે નથી. આમ છતાં, સામાજિક પાપ અને દુઃખનાં કારણોને તપાસતાં અનુભવે છે કે, ગરીબીનું કારણ ગુલામી છે. ગુલામીનું કારણ જમીન ઉપર રઇસ લોકોનો કબજો છે. શહેરના સંપન્ન લોકો કાચોમાલ તૈયાર કરનાર મજદૂરો ઉપર જોર-જુલમ આચરી તૈયાર માલ-સામાન ઊંચી કિંમતે વેચી અમાનવીય આનંદ મેળવ્યાનું ગૌરવ અનુભવે છે.”
સમાજજીવન સાથે ઓતપ્રોત રહીને જીવન સમજવાની પદ્ધતિ અખત્યાર કરનાર ટૉલ્સ્ટૉયને અમેરિકા અને યુરોપની ગરીબી માટે પણ નિરક્ષરતા, ટાંચાં સાધનો તથા શહેરી સમુદાયની શોષણ મનોવૃત્તિ સમાન રીતે જવાબદાર લાગે છે. ટૉલ્સ્ટૉય ઉપાય તરફ આગળ વધતા લખે છે કે “મજૂરીની પરવશતામાંથી બહાર કાઢવા ગ્રામીણ યુવકોને શિક્ષણ, વિજ્ઞાન અને તક્નીકના સહારે સ્વાવલંબન તરફ લઈ જવા પડશે.” શૃંગાર, ભોગ અને સાધનોના દુર્વ્યયને પ્રતિષ્ઠા ગણતાં નગરજનો પ્રત્યે ભારોભાર સૂગ સ્પષ્ટ કરી લિયો શહેરો ઉપર ઉપભોક્તા કરબોજ નાખી ગામડાંઓ તરફ પાછા વળવા સમાજને હાકલ કરે છે.
શ્રમ પ્રત્યેની સૂગ ખંખેરી લેખક પોતાને આઠ-આઠ કલાક પરસેવાની કમાણી માટે જોતરે છે અને અનુભવે લખે છે “સ્વૈચ્છિક શ્રમથી સર્જનશીલતા વિસ્તરે છે. આનંદ અને સ્વાસ્થ્ય ખીલી ઊઠે છે. સરવાળે બૌદ્ધિકતાને ન્યાયનું કવચ મળતાં જીવનમાં વધુ સત્ત્વશીલતા ઉમેરાય છે.”
મૂડીવાદ અને ઔદ્યોગિક ક્રાંતિની બોલબાલા વચ્ચે પણ ‘શ્રમસાગરમાં ટીપું એવા મથાળે ૨૦મો લેખ લખીને લિયો પ્રત્યેક નાગરિકને આત્મદીપોત્સવના આચરણ માટે પ્રેરે છે અને કહે છે : (૧) પોતાની જાત કે બીજા સાથે જૂઠો વ્યવહાર કરવો નહીં. (૨) જાતમહેનતથી પોતાની જરૂરિયાતનું અન્ન પેદા કરવું. (૩) સ્વ-ગુજરાન માટે પ્રકૃતિનો આધાર લેવો. (૪) પ્રામાણિકતાથી જ કમાઈ મેળવવી. (૫) પોતાનું કામ જાતે જ કરવું. (૬) અંતરઆત્માના અવાજને પ્રાધાન્ય આપવું.
અસહાય વ્યક્તિને ધન અને સત્તાના જોરે ખરીદી લઈ પોતાની માલિકીના ગુલામના માસની મિજબાનીનું ગૌરવ અનુભવતા મૂડીપતિઓને ડંકાની ચોટે ૧૬ પાનાંના લેખમાં ટૉલ્સ્ટૉયે જણાવ્યું કે, “ખોટી ટેવ ઘટાડશો તો જ ખર્ચ ઘટશે અને શરીરસૌષ્ઠવ વધશે. સામાજિક સમરસતા વધારીશું, તો જ સમાજમાં તંગદિલી ઘટશે.” શ્રમના ગૌરવને વ્યક્તિવિકાસ સાથે સ્થાપિત કરી સમાજવાદી સમાજરચનાનો રાહ આપનાર લિયો ટૉલ્સ્ટૉયે સત્તાના જોરે ગુલામી, ગુલામીના ટેકે બૃહદ્ ઉત્પાદન અને અતિ વપરાશથી વિલાસ તરફ જવાના શહેરી અભિગમને વિનાશકારી ગણાવ્યો છે.
પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં જ્યાં સ્ત્રીઓ માત્ર પ્રજોત્પત્તિનું સાધન હતું, ધર્મ કે રાજ્યવ્યવસ્થાપનમાં તેની ગણના જ નહોતી, તેવા સમયે એક શતાબ્દી પહેલાં દૂરદૃષ્ટા લિયો લખે છે. “સ્ત્રીઓ ઈશ્વરના કાયદા પ્રમાણે વર્તન કરે છે, આથી સ્ત્રીઓના હાથમાં ઉદ્ધારની આશા છે. સત્તા અને પ્રદર્શનથી પર સ્ત્રીઓ પોતાના ચારિત્ર્યથી સમાજને નિયમન(શિસ્ત)માં રાખી શકે છે, સીમિત સાધનોથી સંસારને ખુશહાલ રાખી શકે છે. લોકમતનું ઘડતર કરી શકે છે. જાતે ગરીબી વહોરી ગરીબીના ઉપાયની શોધમાં નીકળેલ લેખક પોતાના પુસ્તક ‘What then Shall we do?ના સમાપને લખે છે, “હે સ્ત્રીઓ અને માતાઓ જગતનાં ઉદ્દઘાટનનો ઉપાય બીજા કોઈ કરતાં તમારા હાથમાં વધુ છે.”
ઍરકન્ડિશનર ચેમ્બર, કૉફીની ચૂસકી અને ઇન્ટરનેટના ડેટાને લઈ શબ્દોની રંગોળી સજાવતા સાહિત્યકારોની કૃતિ અત્યંત ટૂંકું આયુષ્ય ભોગવી પસ્તીમાં પડી જાય છે, તે વેળાએ એક શતાબ્દી પહેલાં મૂડીવાદના ધસમસતા પ્રવાહ સામે ઊભા રહી લિયો ટૉલ્સ્ટૉયે ભોગવાદી સમાજવ્યવસ્થાને વખોડી, સ્ત્રીઓને સમાન દરજ્જો આપવા હિમાયત કરી સત્તાના કેન્દ્રીકરણના વિનાશમાંથી બચવા સમાજવાદી સમાજરચનાનું બીજ રોપ્યું તે આજે એક શતાબ્દી પછી પણ મનનીય બને છે.
1. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ નવજીવન પ્રકાશન મંદિરે ‘ત્યારે કરીશું શું?’ નામે પ્રકાશિત કર્યો છે. કાકાસાહેબની પ્રસ્તાવના પ્રાપ્ત આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વિઠ્ઠલ વળામેએ કર્યો છે. પુસ્તક પ્રાપ્ય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 06-07