નોર્વેના વડાપ્રધાન જેન્સ સ્ટોલ્ટેનબર્ગે ટેક્સીચાલક બનીને લોકોનો રાજકીય મત જાણવાનો પ્રયાસ કર્યાનો વિડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેન્સના વિરોધીઓ આને રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે. માત્ર આપણા દેશમાં જ નહીં, લોકશાહી શાસનપદ્ધતિ ધરાવતા મોટા ભાગના દેશોમાં રાજકીય નાટકોની નવાઈ રહી નથી.
ગયા સપ્તાહના પ્રારંભે જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને સમૂહ માધ્યમોમાં એક વીડિયો છવાઈ ગયો હતો. આ વિડિયોએ અનેક ચર્ચાઓ જગાવી હતી. આ વિડિયોમાં કોઈ કાંડ કે કૌભાંડોનો સનસનાટીસભર પર્દાફાશ પણ નહોતો કે પાપારાઝી દ્વારા ઝડપાયેલી સેલિબ્રિટીની પાપલીલા પણ નહોતી. આ વિડિયો હતો, સ્કેન્ડીનેવિયન દેશ નોર્વેના વડાપ્રધાન જેન્સ સ્ટોલ્ટેનબર્ગે ટેક્સીચાલકના વેશમાં કરેલી નગરચર્યાનો. જેન્સ સ્ટોલ્ટેનબર્ગ વર્ષ ૨૦૦૫થી નોર્વેના વડાપ્રધાન તરીકે કાર્યરત છે. જેન્સ નોર્વેમાં એક લોકપ્રિય નેતા ગણાય છે, પણ આ વિડિયોની પ્રસિદ્ધિ પછી તેઓ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.
ટેક્સીચાલકના વેશમાં કરેલી નગરચર્યા અંગે જેન્સ સ્ટોલ્ટેનબર્ગે અખબારોમાં નિવેદન આપેલું કે હું લોકોના રાજકારણ અંગેના પ્રામાણિક અને નિખાલસ અભિપ્રાયો જાણવા માટે ટેક્સીચાલક બન્યો હતો. લોકો ટેક્સીમાં પેટછૂટી વાત કરતા હોય છે એટલે મને લોકોનાં સાચાં મંતવ્યો જાણવા માટે ટેક્સીચાલક બનવાનું યોગ્ય લાગ્યું હતું. મારે જાણવું હતું કે લોકો અમારા નેતા વિશે ખરેખર શું વિચારે છે અને એક દેશ તરીકે નોર્વે પ્રત્યે કેવી અપેક્ષા રાખે છે.
જેન્સ સ્ટોલ્ટેનબર્ગે ગયા જૂન મહિનામાં એક દિવસ બપોર પછી ટેક્સીચાલકનો વેશ પહેરીને નગરચર્યા કરી હતી. તેમણે નોર્વેની રાજધાની ઓસ્લોમાં બપોર પછીના સમયમાં ટેક્સી ચલાવી હતી. નગરચર્યા દરમિયાન લોકો પોતાને ઓળખી ન જાય એ માટે જેન્સે ટેક્સીચાલકનો યુનિફોર્મ તો પહેર્યો જ અને ઉપરથી કાળા ગોગલ્સ પણ પહેરી રાખ્યા હતા. લોકો સાથેની વાતચીત રેકોર્ડ કરી લેવા માટે કારમાં છૂપા કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા. કેમેરા દ્વારા ઝડપાયેલાં દૃશ્યોનો વિડિયો તેમણે ગયા સોમવારે પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યો અને જોતજોતાંમાં આ વિડિયો સમગ્ર વિશ્વમાં ફરી વળ્યો. આ વિડિયોને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારના મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે. એક તરફ વડાપ્રધાન કક્ષાના નેતાનો લોકોના અભિપ્રાય જાણવા માટેનો આ પ્રકારનો પ્રયાસ આવકાર પામ્યો છે તો બીજી તરફ નોર્વેના વિરોધી પક્ષો દ્વારા આને રાજકીય તરકટ (પોલિટિકલ સ્ટંટ) ગણાવવામાં આવી રહ્યું છે. જેન્સના વિરોધીઓની વાતમાં પણ દમ છે, કારણ કે આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં નોર્વેમાં ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે લોકોને રિઝવવા માટે આવું નાટક કરવામાં આવ્યું હોય તેનો પણ ઈનકાર ન થઈ શકે. નોર્વેમાં જેન્સ એક લોકપ્રિય નેતા છે અને ૨૦૦૫થી સતત સત્તાસ્થાને છે, છતાં તાજેતરનાં સર્વેક્ષણોમાં જેન્સ અને તેમની લેબર પાર્ટીની પીછેહઠ થઈ રહી છે. વળી, વિરોધી કન્ઝર્વેટિવ્ઝ પાર્ટી બઢત મેળવી રહી હોવાનાં તારણો જોતાં તેમણે પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા અને ચૂંટણીમાં ફરી એક વખત ચૂંટાવા માટે એવું કંઈક તો કરવું જ પડે, જેથી તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ફરી ઊંચકાય. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે એક એડવર્ટાઇઝિંગ એજન્સી દ્વારા ચૂંટણી પ્રચાર માટે આ ટેક્સી સ્ટંટ આયોજિત કરવામાં આવ્યો હતો. વળી, ટેક્સીચાલકનો વેશ તેમણે જૂનમાં ભજવ્યો હતો અને તેની વિડિયો છેક ઓગસ્ટના બીજા અઠવાડિયામાં પ્રસારિત કરવામાં આવ્યો છે ત્યારે આ ટાઇમિંગ જોતાં વિરોધીઓના પોલિટિકલ સ્ટંટના આરોપને નકારી શકાય નહીં.
જેન્સનું નગરચર્યાનું નાટક જોયાં પછી તરત જ પહેલો વિચાર તો એ આવ્યો કે 'કાગળા બધેય કાળા'વાળી કહેવત નેતાઓને એ રીતે લાગુ પાડી શકાય કે – નેતાઓ બધેય નાટકિયા! ચૂંટણી આવે ત્યારે નેતાઓ કેવાં કેવાં ગતકડાં કરતાં હોય છે, એનાથી આપણે સૌ સુપરિચિત છીએ. ગરીબોના બેલી તરીકે પ્રસ્થાપિત થવા માટે ગરીબોના બાળકને તેડીને રમાડવામાં આવે છે, સામાન્ય માણસની જેમ પગે ચાલીને ગલી ગલી ફરે છે અને મત માગે છે. કોઈ સાઇકલ યાત્રા કાઢે છે તો કોઈ બાઇક યાત્રા, કોઈ વળી સફેદ ગાંધી ટોપી પહેરે છે તો કોઈ વળી લાલ ટોપી ધારણ કરે છે. ભાષણ કરતાં કરતાં ગળે ડુમો બાઝી જતો હોય છે, આંખોમાંથી આંસુ સરી પડતાં હોય છે. ભાષણમાં વચ્ચે વચ્ચે તાળીઓ પડાવવા માટે લોકોને ભાડે રાખવાથી લઈને ફેસબુક-ટ્વિટર પર લાઇક/ફોલોઅર્સ વધારવા માટે કોન્ટ્રાક્ટ અપાતા હોય છે. જુદા જુદા સ્તરે કરાતા નોખા-અનોખા વાયદાઓની તો વાત જ શું પૂછવી!
આમ, લોકશાહી શાસનપદ્ધતિ ધરાવતા મોટા ભાગના દેશોમાં ચૂંટણી આવતાં જ નેતાઓ યેનકેન પ્રકારેણ લોકોના વહાલા થવા અનેક પ્રકારના તુક્કા અને તરકીબો અજમાવતા હોય છે. પહેલી નજરે આવાં ગતકડાં પર ગુસ્સો આવી શકે પણ જરા ઠંડા દિમાગથી વિચારીઓ તો શાતા મળે છે કે સારું છે કે આ નેતાઓએ દર પાંચ વર્ષે એક વાર લોકોની સ્વીકૃતિને સાબિત કરવી પડે છે, બાકી રાજાશાહી કે સરમુખત્યારશાહીમાં લોકોને કોણ પૂછે છે? લોકોના અવાજને, લોકોના ગમા-અણગમાને ક્યાં ગણકારવામાં આવે છે? લોકશાહી જ એવી શાસન પદ્ધતિ છે, જેમાં અનેક ખામીઓ હોવા છતાં આખરી સત્તા તો લોકોના હાથમાં જ હોય છે. લોકો જો જાગૃત હોય તો કોઈની તાકાત નથી નાટક કરીને તે સર્વમાન્ય નેતા બની જાય.
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, અમદાવાદ, Aug 17, 2013