સંકુચિત રાજકારણ કરનારાઓને હંમેશાં ઉછીના અાઇક્નની જરૂર પડે છે. આનું દેખીતું કારણ એ છે કે તેમની પાસે પોતાના આઇકન હોતા નથી અને તેઓ જેને પ્રેરણામૂર્તિ સમજે છે એનું પ્રજામાનસમાં આદરભર્યું સ્થાન હોતું નથી. સંકુચિત રાજકારણ કરનારાઓ કોઈ ખાસ પ્રજાવિશેષ માટે ધિક્કારનું રાજકારણ કરતા હોય છે અને સમાજમાં ધિક્કાર ફેલાવનારાઓ કેટલાક લોકોમાં લોકપ્રિય હોઈ શકે છે, પરંતુ સમગ્ર પ્રજામાં આદરણીય હોતા નથી. પ્રજાસમગ્રમાં આઇકન એ જ બની શકે છે જે ઉદારમતવાદી અને માનવતાવાદી હોય, આમ પણ કુદરતનો નિયમ છે કે મહાસાગરમાં જ મોટાં માછલાં પેદા થાય છે, ખાબોચિયામાં વહેલ માછલી પેદા ન થાય. આમ ખાબોચિયાનું રાજકારણ કરનારાઓએ કોઈના મહાસાગરમાંથી ઉછીની વહેલ અપનાવવી પડે છે. આ તેમની નિયતિ છે.
સંકુચિત રાજકારણ કરનારાઓ કોઈના ઉછીના લીધેલા કે તફડાવેલા આઇકનને પોતાને અનુકૂળ બનાવવાના કામમાં લાગે છે. દરજીકામ કરવું પડે છે. પોતાનાં નાનાં કદને અનુરૂપ થાય એ રીતે વિરાટ માણસને વામન બનાવવાની તેમને જરૂર પડે છે. મહારાષ્ટ્રમાં સિવસેનાએ છત્રપતિ શિવાજીને આ રીતે વામન બનાવવાની ચેષ્ટા કરી છે. શિવાજી મહારાજ તેમના યુગનાં વિરાટ પુરુષ હતા. તેમના જેટલી વ્યાપકતા અને દીર્ઘદ્રષ્ટિ તેમના સમકાલીન રાજવીઓમાંથી કોઈ નહોતા ધરાવતા. તેઓ ભારતના પહેલા રાષ્ટ્રવાદી હતા. તેમણે હિન્દવી સ્વરાજની જે વાત કરી હતી એનો અર્થ હિન્દુઓનું સ્વરાજ એવો નહોતો થતો, પણ હિંદનું સ્વરાજ એવો થતો હતો. તેમની શાસનનીતિ અને વહીવટીતંત્રમાં સર્વસમાવેશકતા જોવા મળતી હતી. શિવ સેનાએ હિન્દવી સ્વરાજનો અર્થવિપર્યાસ કરીને હિન્દુઓનું સ્વરાજ એવો કર્યો હતો. શિવાજી મહારાજ સાથે આનાથી મોટો દ્રોહ બીજો કોઈ ન હોઈ શકે. શિવાજી મહારાજ દરેક અર્થમાં મહામાનવ હતા, પરંતુ શિવ સેનાએ તેમને હિંદના અઈક્નમાંથી મહારાષ્ટ્રના પ્રાદેશિક આઇકન બનાવી દીધા છે. સંકુચિત રાજકારણ કરનારાઓ વટવૃક્ષને બોન્સાઈ કરવાનું પાપ કરે છે.
ભારતીય જનતા પક્ષ સહિત સંઘપરિવાર બીજી આવી એક જમાત છે જે અન્ય પ્રજાના ધિક્કારનું સંકુચિત રાજકારણ કરે છે. તેમની પાસે પણ કોઈ પોતીકા આઇકન નથી. તેમની વિચારધારા એડોલ્ફ હિટલર, મુસોલિની અને વિનાયક દામોદર સાવરકરની નજીક છે, કહો કો તેમનાથી પ્રેરિત છે. ખરું પૂછો તો આ તેમના આઇકન છે, પરંતુ તેમનું નામ લેવામાં અને તેમનું જાહેરમાં ઋણ સ્વીકારવામાં તેમને શરમ આવે છે. આનું કારણ એ છે કે હિટલર, મુસોલિની અને સાવરકર ધિક્કારના આઇકન છે. They are icon of hatred, not of love. તેઓ પ્રજા વચ્ચે ધિક્કારનું રાજકારણ શીખવાડી ગયા છે અને માટે ધિક્કારને પાત્ર છે. અહીં એક હકીકત નોંધવા જેવી છે. તમે ભલે દ્વેષ અને ધિક્કારનું રાજકારણ કરતા હો, સમાજમાં સ્વીકાર મેળવવા માટે તમારે આંગળી તો તેની જ પકડવી પડે છે જે પ્રેમ કરતાં અને આપતાં શીખવાડી ગયા છે.
સંઘપરિવારે ભારતના આધુનિક ઇતિહાસમાંથી બે આઇકન ઉછીના લીધા છે અથવા તફડાવ્યા છે. આ બે આઇકન છે; સ્વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વામી વિવેકાનંદને ફ્રેંચ સાહિત્યકાર રોમાં રોલાએ હિંદુ ધર્મના નેપોલિયન બોનાપાર્ટ ગણાવ્યા હતા. એ એટલા માટે કે વિવેકાનંદે હિંદુ ધર્મમાં રહેલ પૃથ્થકતા અને સંકુચિતતાને હટાવીને તેને વધુ વ્યાપક અને સ્વીકૃત બનાવ્યો હતો. સંગઠીત ધર્મ જ્યારે પૃથ્કતાવાદી (exclusive) મટીને ઉદાર અને સમાવેશક (inclusive) બને છે ત્યારે એ વધારે સ્વીકાર્ય બને છે અને ફેલાય છે. રોમાં રોલાએ વિવેકાનંદને આ અર્થમાં નેપોલિયન સાથે સરખાવ્યા હતા. સંઘપરિવાર સ્વામી વિવેકાનંદને વામન-બોન્સાઇ બનાવી રહ્યો છે. તેમના સંકુચિત રાજકારણને વિરાટ વિવેકાનંદ પોસાય એમ નથી.
જો કે સ્વામી વિવેકાનંદને વામન બનાવવામાં તેમને મુશ્કેલી પડી રહી છે. આનું કારણ એ છે કે વિવેકાનંદ ખૂબ લખીને અને બોલીને ગયા છે. વિવેકાનંદ સાહિત્યનાં દસ ખંડોમાં હિંદુ ધર્મ વિષે, તેની વ્યાપકતા વિષે, સર્વસમાવેશક ભારતીય રાષ્ટ્ર વિષે, ઇસ્લામ વિષે, હિંદુ-મુસ્લિમ સંબંધો વિષે, અન્ય ધર્મો વિષે, ચાતુર્વણ્ય વિષે, હિંદુ ધર્મની મર્યાદાઓ વિષે, પાશ્ચત્ય સંસ્કૃિતની ખૂબી અને મર્યાદા વિષે વિગતે વાત કરી છે. ટૂંકમાં, વિવેકાનંદ આપણા યુગનાં well-documented ફિલોસોફર છે. વિવેકાનંદની આ ખૂબીના કારણે સંઘપરિવાર તેમનાં દર્શન સાથે ચેડાં કરી શકતો નથી. વિવેકાનંદનાં સાહિત્યમાંથી તેમને એવું એક કથન જડતું નથી જે તેમને તેમના હિન્દુત્વના દર્શનને પુષ્ટિ આપતું હોય. તમારા ધ્યાનમાં જો હજુ સુધી આ વાત ન આવી હોય તો હવે પછી નજર રાખજો; સંઘપરિવાર વિવેકાનંદને આઇકન તરીકે વાપરે છે, પરંતુ તેઓ ક્યારે ય વિવેકાનંદને ટાંકતા નથી.
વિવેકાનંદથી ઉલટું, સરદાર પટેલ તેમને વધુ માફક આવે છે. આનું એક કારણ એ છે કે સરદાર પટેલને કોગ્રેસે છોડી દીધા છે. કોગ્રેસનું જ્યારે એકચક્રી સામ્રાજ્ય હતું ત્યારે તેમને નેહરુ-ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અને તેમનું યોગદાન નજરે પડતું નહોતું. પરિવારનો જયજયકાર કેટલેક અંશે પરિવારને ગમતો હતો અને કેટલેક અંશે કોગ્રેસીઓ ભાટાઈ કરતા હતા એનું પરિણામ હતું. સરવાળે સરદાર પટેલને કોગ્રેસે અન્યાય કર્યો છે એ એક હકીકત છે. કોગ્રેસે અન્યાય તો સુભાષચન્દ્ર બોઝ સાથે પણ કર્યો છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સંકુચિત રાજકારણ કરતા નથી એટલે તેમણે સુભાષબાબુનો આઇકન તરીકે ઉપયોગ નહોતો કર્યો.
સરદાર પટેલ સંઘપરિવારને સૌથી વધુ માફક આવે છે એનું કારણ સરદારનું હિંદુ તરફી રાજકારણ નથી, સરદારનું મૌન છે. આગળ કહ્યું એમ વિવેકાનંદે કેટલા બધા વિષયો પર કેટલું બધું ચિંતન કર્યું છે અને એને અભિવ્યક્ત કર્યું છે. વિવેકાનંદથી ઉલટું સરદારનું વૈચારિક સાહિત્ય છે જ નહીં. જેમાં સરદારનું વિઝન કે અાઈડિયોલોજી (વિચારધારા) મળતાં હોય એવો એક પણ લેખ આ લખનારના જોવામાં નથી આવ્યો. સત્ય, અહિંસા, લોકશાહી, કોમવાદ, સેક્યુલરિઝમ, સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ, પશ્ચિમી સભ્યતા, રાષ્ટ્રવાદ, વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ જેવા સામાજિક પ્રશ્નો વિષે વલ્લભભાઈના વિચારો આપણે જાણતા નથી. તેમના વૈચારિક લેખોનો સંગ્રહ કરવો હોય તો ૨૫ પાનાંની બુકલેટ પણ ન થાય. સરદાર શુદ્ધ રાજકારણી હતા. સંગઠન શક્તિ કમાલની હતી. કોઠાસૂઝ અને વ્યવહાર બુદ્ધિમાં તેમની તોલે કોઈ ન આવે. એટલે તો ગાંધીજીએ તેમને સરદાર તરીકે બિરદાવ્યા હતા. સરદાર વિચારક નહોતા. બહુ કંઈ ખાસ વાંચતા પણ નહોતા. વૈચારિક કાથાકૂટમાં તેમને રસ નહોતો. તેમણે બેસીને કોઈ વિષયે કોઈ લેખ લખ્યો નથી. પત્રો અને ભાષણોમાં રાજકીય અને વ્યાવહારિક વાત જ લખતા અને કહેતા હતા.
સરદારની આ કોરી પાટી સંઘપરિવારને ખૂબ માફક આવે છે. ખોટી વાત વિવેકાનંદના મોમાં ન મૂકી શકાય, કારણ કે તરત વિવેકાનંદના શબ્દબદ્ધ પ્રકાશિત અભિપ્રાય સામે ધરી શકાય છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ કરી શકાય છે. એમ તો આ જમાતે વચ્ચે સુભાષચન્દ્ર બોઝ અને ભગતસિંહને પણ હાથ લગાડવાની કોશિશ કરી હતી, પરંતુ એ પછી તેમને એમાં જોખમ દેખાયું હતું. આ બન્ને જણ પોતાના વિચારો લખીને અને બોલીને ગયા છે અને એ માફક આવે એવા નથી. સરદાર બિચારા ક્યાં કંઈ લખી કે બોલી ગયા છે અને છાપેલો શબ્દ તો છે જ નહીં એટલે આરોપો જે વિચાર આરોપવા હોય એ સરદાર પર. શિવસેના શિવાજી મહારાજ સાથે દ્રોહ કરી રહી છે એના કરતાં પણ મોટો દ્રોહ સંઘપરિવાર વલ્લભભાઈ સાથે કરી રહ્યો છે. વલ્લભભાઈના કોરા કેન્વસ પર આ લોકો પોતાને માફક આવે એ રીતે વલ્લભભાઈનું ચિત્ર દોરી રહ્યા છે. સરદારનું Hindu communal re-construction થઈ રહ્યું છે. ભારતીય ઇતિહાસમાં જેને ‘લોખંડી પુરુષ’ અને ‘સરદાર’ તરીકે ઓળખવામાં આવે છે એનું પિગ્મી અને કદરૂપા સાંચામાં re-construction થઈ રહ્યું હોય એનાથી મોટી પીડાજનક ઘટના બીજી કઈ હોઈ શકે અને એનાથી મોટું બીજું પાપ કયું હોઈ શકે.
આ રાજકારણ છે અને નરેન્દ્ર મોદીના યુગનું રાજકારણ છે જેમાં મોદી સિવાય કોઈ સલામત નથી. મોદીને સુંદર દેખાડવા માટે સરદારને કદરૂપા કરવા જરૂરી છે.
e.mail : ozaramesh@gmail.com