સરુપ ધ્રુવ એ સર્જક છે, સંવેદનશીલ, કર્મશીલ અને સંસ્થાને ઊભી કરનારાં દીર્ઘદ્રષ્ટાં છે. સરુપ ધ્રુવનાં સર્જનમાં નવા સમાજની રચનાનો નકશો જોવા મળે છે. નવી હવાના એ સર્જક છે, જે નવા આંદોલનો ઊભા કરે છે. આ આંદોલનને પણ તેમના સર્જન થકી નવી-તાજી હવાનો સથવારો મળે છે. સરુપ ધ્રુવ માટે શબ્દ એ શણગારનું માધ્યમ નહીં, પણ સત્યને ઉજાગર કરવાનું માધ્યમ છે, વાસ્તવિકતાને નિરુપણ કરવાનું સાધન છે. તેઓ શબ્દોને અર્થ આપે છે, ક્યારેક તીખી રીતે કે ભીતર સોંસરું ઉતરી જાય તે રીતે તેઓ શબ્દને પ્રયોજે છે. તેમનામાં વંચિતોનો અવાજ પડઘાય છે. તેમનો અવાજ નવા યુગનો અવાજ છે. તે સમાનતામાં માનનારાઓનો પણ અવાજ છે. સરુપ ધ્રુવ પોતાની જાતને સાંસ્કૃિતક કર્મશીલ તરીકે ઓળખાવે છે. ૬૬ વર્ષીય સરુપ ધ્રુવે અનેક સર્જનો કર્યાં છે, જેમાં ‘મારા હાથની વાત’, ‘સળગતી હવા’, ‘હસ્તક્ષેપ’ અને ‘સહિયારા સૂરજની ખોજમાં’ જાણીતા કાવ્ય-ગીતસંગ્રહ છે, તો ‘ઉમ્મીદ હોગી કોઈ’માં ૩૭ વ્યક્તિઓની જીવન પ્રત્યેની આશા અને સંઘર્ષનો દસ્તાવેજ છે. ચાર દાયકાની સફરમાં સરુપ ધ્રુવ દર્શન, સંવેદન સાંસ્કૃિતક મંચ, એન્ટી સેન્સર કમિટી, જનપથ, જાગૃત અને ગુજરાતી લેખક મંડળનાં સ્થાપક સભ્ય છે. સરુપ ધ્રુવે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંસ્કૃિતમાં ડૉકટરેટ કરેલું છે. સમાજથી લઈને અનેક ઘણું સમાજને આપવામાં માનનાર ડૉ. સરુપ ધ્રુવની સાથેનો સંવાદ …
સાહિત્યને આપ કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો?
મને સાહિત્યની બહુ જૂની વ્યાખ્યા ગમે છે. સાહિત્ય એ દર્પણ છે અને દીપક પણ છે. સાહિત્ય વાસ્તવિકતા બતાવે છે. સમાજ અને સંસ્કૃિતમાં જ્યાં અંધકાર છે ત્યાં સાહિત્ય અજવાળું પણ લાવે છે. દર્પણ એટલે જેવું હોય તેવું દેખાડવું. દર્પણની ફરજ જેવી જ ફરજ સાહિત્યની પણ છે. આપણું સાહિત્ય આજે દર્પણધર્મ ભૂલી ગયું છે. સાહિત્યકારો વાસ્તિવકતા ભૂલી ગયા છે. સાહિત્યમાં આજે પલાયનવાદ છે. ભક્તિની વાત કરો, સુષ્ઠુ સુષ્ઠુ વાત કરો, કાલ્પનિક પ્રેમની વાત કરો એને સાહિત્ય કહેવાય છે. હકીકતમાં વાસ્તવિકતાના નામે સાહિત્યકારો કુટુંબજીવન અને સમાજ જીવન સુધી જ પહોંચે છે.
મહિલા સાહિત્યકાર તરીકે શું વિશેષ ફરજ હોઈ શકે?
મેં જોયું છે કે ઘણાં વર્ષોથી મહિલા સાહિત્યકારોએ સાહિત્યનો દર્પણ ધર્મ બહુ સારો બજાવ્યો છે. છેક વિનોદીની નિલકંઠથી આ શરુઆત થઈ છે. એમાં ખાસ કરીને મહિલા સાહિત્યકારો પોતાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરે છે ત્યારે એ દીપક પણ બની જ જાય છે. મહિલા સાહિત્યકારો દર્પણ બની સમાજના અંધારા ખૂણાને અજવાળે છે. જેમ કે, વર્ષા અડાલજાની ‘અણસાર’ હોય કે ‘મારે પણ ઘર’ હોય, ઈલા મહેતાની ‘બત્રીસ પૂતળીઓની વેદના’ હોય કે કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’ હોય. આવાં સર્જનો દર્પણ અને દીપક એમ બંન્નેની ફરજ બજાવતી રચના છે. હિમાંશી શેલત અને શરીફા વીજળીવાળાની નિષ્ઠા નોંધપાત્ર છે.
મહિલા સાહિત્યકારની રચનાઓની સાથે આજનાં સાહિત્યની સ્થિતિ કેવી લાગે છે?
મહિલાઓ બહુ સંઘર્ષ પછી લખવા તરફ વળી છે એટલે તેઓ જાણે છે કે જીવનનો સંઘર્ષ શું છે! મહિલા સાહિત્યકારોમાં લખતા આવડી જાય અને લખ્યા કરવું એ બહુ ઓછું છે. આપણે ત્યાં સાહિત્યકારો છે જે લખ્યા કરે, તેમને ઍવાર્ડ મળ્યા કરે. બધા સમીકરણો ગોઠવાયેલા હોય. મેં બહુ વર્ષો પહેલાં લેખ લખ્યો હતો, તોરણ પોંખણ વિવેચન, વાડકી વ્યવહાર વિવેચન, માખી વિવેચન વગેરે. વિવેચકો અને અધ્યાપકોનું આખું એક જોડાણ છે. એ જોડાણને સમાજમાં બનતા બનાવો, વરવી વાસ્તવિકતાની સાથે કંઈ લેવા દેવા નથી. અત્યારે જીવનલક્ષી સાહિત્ય પુષ્કળ લખાય છે. બોધક સાહિત્ય, બોધક ટીકડીઓ જેવું, જાણે સમાજ બેવકૂફ છે અને તેઓને સમાજને શીખવાડવાનો અધિકાર મળી ગયો છે. આપણા ગુજરાતી સાહિત્યકારોને રાધા કૃષ્ણની, મોરારી બાપુની ગ્રંથિ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં નરેન્દ્ર મોદીની ગ્રંથિ બંધાઈ ગઈ છે. પુસ્તકોનું વિમોચન જાણીતા લોકો ન કરે તો જાણે તમારું પુસ્તક ઉપડે નહીં, વેચાય નહીં અને વિવેચાય પણ નહીં.
‘સળગતી હવા’ કાવ્ય સંગ્રહ કેવી રીતે સર્જાયો?
અમે (હું અને હીરેન ગાંધી) આકંઠ – સાબરમતીમાંથી છૂટા પડ્યાં ત્યારે અમારા મનમાં ભ્રામક આધુનિકતા હતી અને તેમાંથી અમને નિર્ભ્રાન્તિ થઈ. આ સાથે હીરેન ગાંધીએ જ્યારે ‘ઇતિહાસની બીજી બાજી’ લખ્યું અને અમને જે પોલિટિકલ અનુભવ થયો ત્યારે પણ આધુનિકતાની નિર્ભ્રાન્તિ થઈ. એ સમયે અમે ‘નર્મદા બચાવો’ આંદોલનની સાથે સંકળાયાં અને અમારો સંપર્ક વિશ્વ, દેશ અને ગુજરાતના માનવહક બાબતે કાર્યરત કર્મશીલોની સાથે થયો. આ સમયે મારા પહેલા સંગ્રહ – ‘મારા હાથની વાત’માં એકાંકી સ્ત્રી ખુમારીથી કહે છે કે, કવિતા હોય કે કોઈ પણ કામ, એ મારા હાથની વાત છે. આમ તો પહેલીથી હું ઉદ્દામવાદી હતી. ૧૯૮૧ પહેલાં હું હટકે સ્ટાઈલથી જીવન જીવતી. આ હટકે જીવવાને હું આધુનિકતા કહેતી. હટકે લખવું તેને પણ હું આધુનિકતા સમજતી હતી. અમુક પ્રકારના દૂષણોનો મને છોછ ન હતો. એ બધું તો જાણે મને કોઠે પડી ગયું હતું. અમે એ સમયથી જ માનતા કે આ હટકે જીવનશૈલી સિવાય પણ આધુનિકતા છે. જેમ કે, કોઈપણ પ્રકારના સામાજિક ભેદભાવમાં ન માનવું, સંસ્કૃિતની ખોટી આરતી ન ઉતારવી એ પણ આધુનિકતા છે. સમાનતા, સ્વતંત્રતા, અને બંધુત્વમાં માનવું એ આધુનિકતા છે. સંસ્થાઓ થકી હું ગામમાં જતી, ગામના લોકોની સાથે જે સંવાદ થયો, જે જિંદગીઓ જોવા મળી એ ‘સળગતી હવા’ના સંગ્રહમાં આવી. ‘સળગતી હવા’માં સ્ત્રી પુરુષ (નારીવાદ) છે, નર્મદા પણ છે, દલિત પણ છે, આદિવાસીઓ પણ છે. આધુનિકતાને સમજવાની મથામણમાં ‘સળગતી હવા’નાં કાવ્યો સર્જાતાં ગયાં અને ૧૯૯૫માં આ કાવ્યસંગ્રહ પ્રગટ થયો.
આપ લેખનની સાથે કેવી રીતે જોડાયા?
હું સેન્ટ ઝેવિયર્સ અને ભાષાભવનમાં ભણતી. મને વાંચવું, લખવું ગમે. વ્યાખ્યાનો સાંભળવા ગમે. એ સમયે લેખક થવાનાં સ્વપ્નો ન હતાં, પણ સ્કોલર થવાનાં સ્વપ્નો હતાં. પીએચ.ડી. થયા બાદ અધ્યાપકની નોકરી ન સ્વીકારી, કારણ કે હું શિક્ષક (માસ્તર) થવા નહોતી માગતી. પણ મને થયું કે, મારી પાસે ભાષાની જે આવડત છે, જે સંવેદનો છે તે લોકોના પ્રશ્નોમાં ન સંકળાય તો મારી ભાષા, મારી સંવેદના, મારી આવડત, મારી કવિતા શા કામની. આ સમયે લોક આંદોલનની સાથે અમે સંકળાયા. નવા નવા લોકોને મળતા, નવી જગ્યાએ જતા અને તે અમારા લેખન અને સર્જનમાં પડઘાતું ગયું. લેખનથી મારામાં જાગૃતિનો ઉઘાડ થયો તેવું હું અનુભવતી.
આપના ગીતો અનેક ગામોમાં ગવાયા, પરિવર્તનનું માધ્યમ બન્યા. ગીતોની રચના કેવી રીતે કરો છો?
ગીતો લખવાની મારી ખાસ શૈલી છે. જો કે હવે આપણી સ્વૈચ્છિક સંસ્થાઓ ગુજરાતી ગીતો ગાતાં નથી. દિલ્હીથી આયાતી ગીતો ગાય છે. દ્વારકાથી લઈને દાંતા સુધીના વિસ્તારો માટે મેં ગીતો અને જાગૃતિ નાટકો લખ્યા છે, જેમાં પાણી, મારપીટ, અત્યાચાર, સમાનતાના વિષયો આવી જાય છે. ૧૯૮૫માં સ્ત્રી ભૃણહત્યા વિશે ગીત લખ્યું કે, દીકરો વ્હાલો, દીકરી નહીં. હંુ પૂછું છું કેમ? એક જમાનામાં દીકરી દૂધ પીતી થઈ જતી અને આજે માના પેટમાં જ જન્મ પહેલા ગૂંગળાઈ જાય છે. ૧૯૮૪થી મેં ટી.વી કાર્યક્રમો માટે લખવાનું શરું કર્યું. હું લેખક તરીકે ખેડાના કોઈ પણ ગામડે જઈને જે પ્રસંગ બન્યો હોય તે પ્રશ્નોમાં ઊંડે સુધી ઉતરી ચર્ચા કરતી અને પછી જે-તે મુદ્દાને ‘કાકાની ડહેલી’ નામના ટી.વી. કાર્યક્રમમાં અમે પ્રસ્તુત કરતા. આ કામ અમે ત્રણ-ચાર વર્ષ કર્યું. નર્મદા બચાવો આંદોલનમાં મેં આદિવાસી વિસ્તારો જોયા. જેટલી વધુ જિંદગીઓને જોતા ગયા, લોકોને મળતા ગયા, તેમની સાથે સંવાદ કરતા ગયા એટલી કવિતા બદલાતી ગઈ. ભાલબારા વિસ્તારમાં ગઈ. ત્યાં બહેનોને પૂછ્યું કે આપણાં ગાણાં કેવાં? તો બહેનો કહે ગાણાં તો સુખનાં ય હોય અને દુઃખનાં હોય. મેં પૂછ્યું કે કયા દુઃખો હોય? બહેનો કહે સાસરિયાના દુઃખ. મેં કહ્યું કે પાણીનું દુઃખ હોય તો કહે હા. તો મેં કહ્યું પાણીનાં ગાણાં કરીએ તો. દીકરો ઇચ્છનારા ‘પગલીનો પાડનાર દે ને રન્ના દે’ એવાં ગાણાં ગાતાં. તેમની સાથે વાતચીતમાં મેં તેમને એક સૂત્ર આપ્યું કે જો ગાણાં બદલાય તો જિંદગી બદલાય અને જો જિંદગી બદલાય તો ગાણાં પણ બદલાવાં જોઈએ ને!
‘હસ્તક્ષેપ’ સંગ્રહમાં ભૂકંપ અને ૨૦૦૨ પછીના ગીતોનો સંચય છે. તેના વિશે જણાવશો?
ભૂકંપ અને ૨૦૦૨ના તોફાનો વિશે ગીતો, ગઝલ, અછાંદસ લખ્યું, જે ‘હસ્તક્ષેપ’ કાવ્યસંગ્રહમાં છે. આ સંગ્રહ વર્ષ ૨૦૦૩માં પ્રકાશિત થયો. ‘હસ્તક્ષેપ’માં સમાજની બદલાયેલી સંવેદના છે. આ સાથે તેમાં વ્યાપક પોલિટિક્સની વાત પણ છે. ભૂકંપના દુઃખોની વાત પણ છે. એમાં અછાંદસ કાવ્યો પણ છે ને ગઝલ પણ છે, જેમ કે ‘ગામ બનાવે, ગામ બનાવે, કાગળ ઉપર કામ બનાવે, માણસને મરતા મેલીને, ગોડ, ખુદા અને રામ બનાવે.’ ધર્મસ્થાનો બહુ બનતા. ભૂકંપમાં જે નવા ગામો બનતા તે જૂની વ્યવસ્થા થકી જ બને. આ વેદના પણ એમાં પડઘાય છે. આ સંગ્રહમાં હું જે જીવી તેને કાવ્ય, ગીતો કે અછાંદસમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. લેખનનું સ્વરૂપ મને આવડે છે, પણ મારા માટે જે કહેવું છે તે મહત્ત્વનું છે. ગીતો આદિવાસીઓ, ગ્રામીણ લોકોને ગળે ઉતરી જાય એવા લખ્યા એ માટે મને કેટલાક લોકો કહેતા કે ‘ફ્રોમ ધ પીપલ, ટુ ધ પીપલ.’ લોકો પાસેથી લઈને લોકોને આપવું, પણ કેવી રીતે તેનું સંસ્કરણ કરીને આપવું એ મહત્ત્વનું છે. આથી મેં આપણા જાણીતા ગરબા, લોકગીતો, રાસડા, કરુણ ગીતોના ઢાળને લઈને એ પ્રયાસ કર્યો. ‘દીકરી સાસરિયા સળગી મરી.’ (ગામમાં પિયર, ગામમાં સાસરિયા રે લોલ, કે વહુ એ વગોયા મોટા ખોરડાં રે લોલનો ઢાળ) એ રાસડો જાણીતો છે.
‘સહિયારા સૂરજની ખોજમાં’ ગીત સંગ્રહ આપનો વિશિષ્ટ છે. આ ગીત સંગ્રહ વિશે વાત કરશો?
આ સંગ્રહમાં ફક્ત ગીતો છે, જે ગવાયા છે. તેની કેસેટો બની છે. હું લોકઢાળ પસંદ કરું છું. જે તે વિસ્તારની બોલી, રૂપક, પ્રતિક પસંદ કરું છું એટલે એ ગીતો ગવાય છે. આપણો સમાજ અર્ધશિક્ષિત છે એટલે મૌખિક પરંપરાથી તેમના સમક્ષ પહોંચી શકાય છે. મેં આવી જ રીતે કવિતાઓ લખી છે. મારે લાચાર ફૂલોની કવિતા નથી લખવી, ટટ્ટાર માણસની કવિતા લખવી છે. કારણ કે ફૂલ તો કુદરતી રીતે ખીલે છે. એને જાણ વગર કોઈ સ્મશાને લઈ જાય છે, તો કોઈ દેવસ્થાને લઈ જાય છે!
નાટ્યકાર સરુપ ધ્રુવની નાટ્યક્ષેત્ર સફર કેવી રહી?
હું આંકઠ-સાબરમતીમાં (૧૯૭૪થી ૧૯૭૯) લેખક તરીકે જોડાઈ હતી. મેં ત્યાં બહુ નાટકો લખ્યાં અને ઘણાં નાટકો એ જ ઘડીએ ભજવાયાં પણ હતાં. લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી બધા આધુનિક કવિઓ મારા સારા મિત્રો હતા. અમે બધાએ ગલ્લાબાજી બહુ કરી હતી. ચીનુ મોદીએ મારા કાવ્યો વાંચીને કહેલું કે, ‘તમારી કવિતામાં બહુ નાટકીયતા છે. કવિતામાં નાટક કરો છો એના બદલે નાટકો જ લખોને.’ એ સમયે હું એકાંકી લખતી. બે લાંબા બે અંકી નાટકો પણ લખેલાં અને ત્યારે જ હું લોકસાહિત્યમાં પીએચ.ડી. પણ કરતી હતી. લોકવાર્તામાં મને એવી વાર્તાઓ દેખાઈ, જેના નાટકો કરી શકાય. પછી મેં કાલ્પનિક નાટકો લખ્યાં, જેમાં પાયો લોકકથાનો હોય, જેમાં ‘ઉજૈનીનગરી ને વિક્રમરાય’ નાટક લખ્યું. એવા બે એકાંકી અને એક લાંબું નાટક લખ્યું. એ સમયે ‘એનઘેન’ (બાળ રમત છે) નાટક લખ્યું. આ નાટકમાં આધુનિક સ્ત્રી અને તેની વિચારધારાની વાત છે અને જે હાથે આવ્યું તેને બંધ આંખે સ્વીકારી લે છે તેની વાત છે. મારા ઘરમાં, બાળપણમાં આવું ચાલતું એ બધાના સંસ્કારો મારા સાહિત્યમાં આવે છે. એ વખતે સાહિત્યકાર, કવિ બનવું એ સ્વપ્ન હતું. ભાષાબાજી આવડે એટલે થયું કે નંબર વન હોવું જોઈએ. શ્રેષ્ઠતાના ખ્યાલો પણ ઓછા ન હતા. આકંઠ-સાબરમતી પછી સંવેદનમાં નાટકો લખ્યા. ‘મારીચ સંવાદ’નું ગુજરાતીકરણ કર્યું. મહાશ્વેતા દેવીની નોવેલ ઉપરથી ‘હજાર ચોર્યાસી’(પ્રતિભારાય)નું એપેન્ડીસ ગુજરાતીમાં કર્યું. આ ભજવાયું નહીં. મારું લખેલું ‘મારીચ સંવાદ’ ભજવાયું. પછી રાજ પરિવર્તન(૧૯૮૬)માં લખ્યું. ૧૯૮૭ પછી સ્ટેજનાં નાટકો બંધ કર્યાં અને ગામોમાં શેરી નાટકની કાર્યશિબિર કરી. ભૂકંપ પછી ‘અંધેરી નગરી અને ઊંઘણશી રાજા’ શેરીનાટક લખ્યું. ‘દિલમાં છે એક આશ’ એ ૨૦૦૨માં રાહત છાવણીમાં ભજવાયું. હું અને હીરેન ગાંધી સાથે ચર્ચા કરીને નાટકો તૈયાર કરીએ. દર્શન અને સંવેદન સાંસ્કૃિતક મંચ થકી ‘દિલમાં છે એક આશ’, ‘રામ કે નામ’, ‘સુનો નદી ક્યા કહેતી હૈ’, ‘તાણો-વાણો’, ‘એસા ક્યોં’, ‘હમ’, ‘ફીર ભી’ અને ‘હવાની એક લહર’ જેવા હિન્દી અને ગુજરાતી નાટકો અમે રચ્યાં છે.
તમારી સર્જનપ્રક્રિયા કેવી છે?
કોઈ પણ સર્જન માટે બે ધક્કા જરૂરી છે. એક અંદરનો ધક્કો અને એક બહારનો ધક્કો. બહાર બહુ ધક્કા વાગતા હોય છે. સર્જન માટે અંદરના ધક્કાની જરૂર હોય છે. સર્જન કરવા માટે આંતરિક ભાવો પ્રગટ કરવાની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. મને લખવા માટે શાંતિ જોઈએ, ટેબલ જોઈએ તેવું નથી. ગલ્લે બેસીને પણ ઘણી કવિતા, નાટકો લખ્યાં છે. આસપાસનું વાતાવરણ મને બહુ અસર ન કરે. ૨૦૦૯ પછી આરોગ્યનાં કારણે શાંતિ જોઈએ. હું એક જ વાર લખું તેવું પણ નથી. હું લખીને પછી એમાં પરિવર્તન પણ કરું, ભલે તે કવિતા હોય કે નાટક. કવિતામાં એક કે બે વાર પરિવર્તન કરું, તેમાં બહુ છેડછાડ ન કરું, પણ નાટકની અમારી પ્રક્રિયા જુદી હોય છે. પહેલાં શેના વિશે લખવું તેની ચર્ચા કરીએ, પછી રૂપરેખા તૈયાર કરીએ. કોરગ્રુપમાં પહેલો ડ્રાફ્ટ સાથે બેસીને વાંચીએ, પછી રિહર્સલ સમયે તેને થોડું સુધારીએ. એક નાટક દસ વાર પણ લખ્યું હોય. એટલે મારી સર્જન પ્રક્રિયા વૈવિધ્યપૂર્ણ રહી છે. મારે આ જ લખવું છે તેવું નહીં. મને ધક્કો વાગે એટલે લખું. ઘણી વાર પંક્તિઓ મનમાં આવી જતી હોય છે. જો કે હું બૈદ્ધિક રીતે આ માનતી નથી, પણ પંક્તિ એકસાથે આવી જાય છે. જેમ કે, ‘સળગતી હવા શ્વસુ છું હું મિત્રો, પથ્થરથી પત્થર ઘસું છું હું મિત્રો.’ આ આખો શેર એકસાથે જ આવી ગયો હતો. કારણ કે હું એ વાતાવરણમાં હતી. દલિતો ઉપર પુષ્કળ હિંસા થતી. ‘હું સર્વણ છું, દલિતો પરના અત્યાચારમાં હું પણ ભાગીદાર છું’ એવું અનુભવતી. ‘હું સળગું છું અને તેને સળગાવનાર પણ હું છું’ આ પીડા તેમાં આવી છે. કવિમાં પીડ પરાઈ ના હોય તેવું ન બને. બહારની પીડાની સાથે ખુદ વફાઈ પર પણ લખવું જોઈએ. ‘સળગતી હવા’માં આવે છે કે આ બનાવોમાં હું પણ કારણભૂત છું. ૨૦૦૨માં એવો વળાંક આવ્યો કે, હું પણ છું કારણ. હું અન્યો કરતા અલગ નથી. કવિ એ પણ પરકાયા પ્રવેશ કરવો પડે. ‘સળગતી હવા’માં એક સળગનાર અને સળગાવનાર તરીકેની સંવેદના છે.
‘ઉમ્મીદ હોગી કોઈ’ ૨૦૦૨ના રમખાણો ઉપરનું આ પુસ્તક કેવી રીતે સર્જાયું?
રાજ્યના કુલ સાત અસરગ્રસ્ત જિલ્લાના ૭૦૦થી ૮૦૦ લોકોની મુલાકાત લઈને ૩૭ સત્ય ઘટનાઓ જાણ્યા બાદ તેને ‘ઉમ્મીદ હોગી કોઈ’ પુસ્તકમાં સમાવાઈ. આ પુસ્તકમાં બે પાત્ર છે, રચના (હું) અને ચિંતન (હીરેન). આ પુસ્તકમાં જે બચી ગયા છે અને જેઓએ બચાવ્યા છે તેમના વિશેની સત્ય ઘટના છે. આ ૩૭ વ્યક્તિઓને એકથી વધુ વાર હું મળી છું. આ પુસ્તકમાં માણસ ચોતરફથી ભાંગીને તૂટી જાય ત્યારે કેવી આશા એને જીવાડે છે તેની વાત કરી હતી. મેં જોયું કે આપણે બિલકુલ કલ્પેલું ન હોય એવા માણસોએ એકબીજાની મદદ કરી છે. આ પુસ્તકમાં હકારાત્મક અને નકારાત્મક એમ બંને વાર્તા છે. વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬માં ફિલ્ડ વર્ક કર્યું અને ૨૦૦૭ અને ૨૦૦૮માં આ સત્ય ઘટનાઓ લખી. લોકોને મળી, ઘટનાઓ જાણી. આ બધાની અસર મારા શરીર પર પણ થઈ, પણ તેનું દુઃખ નથી.
કવિતા કોને કહો?
બુદ્ધિ અને સંવેદનાનું જ્યાં સંયોજન થયું હોય, ચિત્તમાં વમળો સર્જાયા હોય અને તેને શબ્દોમાં ઢાળો એટલે કવિતા રચાય. પંક્તિઓ એમ જ નથી આવતી. મને જેની પીડાઓ સ્પર્શે તેની જ કવિતાઓ સર્જાય છે. ખરેખર એ સંવેદનાઓ મારી અંદર જ હોય છે. એ મને થયેલી પીડા, અનુભવો અને મારા સંસ્કારોનું સંયોજન છે. મને માહોલ લખવા પ્રેરે છે, કારણ કે એ મારી આવડત સાથે સંયોજાય છે. મારી કોઈ કવિતા નકરા સંવેદનાની નથી, સંવેદના સાથે આવડત, વિચાર અને માહોલ એ બધું ભેગું થાય એ મારી કવિતા!
સરુપ ધ્રુવને સમાજ કેવી રીતે ઓળખે તે ગમે?
મને બૌદ્ધિક અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે ઓળખાવું ગમે. શબ્દની આવડત અને દુનિયા સાથેની જે રોમાંચક સફર છે તેનાથી ઓળખાવાનું ગમે. મને સાંસ્કૃિતક કર્મશીલ તરીકે ઓળખે તો ગમે.
e.mail : pdave68@gmail.com