સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.
સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!
આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
![]()




બાર્બાડોસ એક એવો દેશ જેનું નામ તમે સાંભળ્યું તો હશે જ પણ બહુ ધ્યાન નહીં આપ્યું હોય. અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદી મળી એને હજી સો વર્ષ નથી થયા, પણ છતાં ય જાણે આપણને એ ઇતિહાસને ઉછાળીને વિવાદો ખડા કરવાની મજા આવે છે. આ બન્ને વાતો વચ્ચે શું સંબંધ એવો વિચાર તમે કરો તે પહેલાં એ સ્પષ્ટતા કરવાની કે બાર્બાડોસ જે કેરેબિયન દેશ છે તેને હમણાં, એટલે કે સાવ હમણાં ગયા અઠવાડિયે, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી છે. અંગ્રેજોના સંસ્થાનવાદનો શિકાર રહેલા બાર્બાડોસમાં પહેલું અંગ્રેજ જહાજ ૪૦૦ વર્ષ પહેલાં પ્રવેશ્યું હતું અને ત્યારથી જે તેઓ અંગ્રેજોને તાબે હતા. આમ તો બાર્બાડોસને ૧૯૬૬ના નવેમ્બરમાં યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી હતી, પણ ત્યાં હજી સુધી અંગ્રેજોની સંપ્રભુતા યથાવત હતી. આઝાદી મેળવવાના રસ્તે તેમણે ધીમે પગલે અંગ્રેજોના પ્રભુત્વને ઘટાડવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. જેમ કે બ્રિટિશ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને બદલે તેમણે પોતાની વ્યવસ્થાઓ વાપરવાનું શરૂ કર્યું. ૨૦૦૫માં ન્યાય તંત્ર માટે લંડનની પ્રિવી કાઉન્સિલને બદલે ટ્રિનિદાદની કેરેબિયન કોર્ટ ઑફ જસ્ટિસમાં બાર્બાડોસની ન્યાયિક કામગીરી થવા માંડી. ૨૦૦૮માં પ્રજાસત્તાક દેશ બનવા માટેની હલચલ શરૂ કરાઇ પણ આખરે ગયા વર્ષે બંધારણિય રાજાશાહીનો અંત લાવવાની દેખતી હલચલ શરૂ થઇ જેમ કે નેશનલ હીરોઝ સ્ક્વેરમાંથી અંગ્રેજ વાઇસરોય એડમિરલ હોરેશિયો નેલ્સનની પ્રતિમા હટાવવાની જાહેરાત કરાઇ. હવે બાર્બાડોસમાં રોયલ કે ક્રાઉન જેવા શબ્દો કોઇ સત્તાવાર જાહેરાતમાં નહીં વપરાય. રોયલ બાર્બાડોસ પોલીસ સર્વીસ અને ક્રાઉન લેન્ડ્ઝમાંથી રોયલ અને ક્રાઉન શબ્દો વાપરવાનું બંધ થશે. ગણતંત્ર દેશ બનેલા બાર્બાડોસને પ્રિન્સ ચાર્લ્સે પણ ભવ્ય સમારંભમાં શુભેચ્છાઓ પાઠવી અને બ્રિટનના રાજવી પરિવાર સાથેના સંબંધો ગાઢ રહેશે તેમ પણ કહ્યું.