थेंक्यू ! हिमांशी शेलतना "तिर्यंकी" लेखोनो हु चाहक रह्यो छू | आ लेख तो बहु ज सरस, चोधारी कटार जेवो छे | वाह !
02 અૉગસ્ટ 2014
https://www.facebook.com/vipool.kalyani
थेंक्यू ! हिमांशी शेलतना "तिर्यंकी" लेखोनो हु चाहक रह्यो छू | आ लेख तो बहु ज सरस, चोधारी कटार जेवो छे | वाह !
02 અૉગસ્ટ 2014
https://www.facebook.com/vipool.kalyani
રાજા, તારો અહંભાવ મૂકીને …
– કેમ કે આ દર્શક શતાબ્દી વર્ષ છે અને સદ્દભાવી દર્શક ચાહકો સુધ્ધાં કંઈક વ્યામોહવશ છે, શરૂઆત ‘દીપનિર્વાણ’ના અમર અને અવિસ્મરણીય અવતરણથી.
તક્ષશિલાના (જે ત્યારે પણ બિહારમાં નહોતું, એના) પ્રવેશદ્વારે લખ્યું હતું :
“હે ચક્રવર્તી ! આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે; ને તારા રાજવીમદમર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.”
ગુજરાતમાં જેપી આંદોલનના અગ્રનિમિત્ત, જ્ઞાનગંગોત્રીકાર ભોગીભાઈ ગાંધી સાથે ત્યારના સત્તાપક્ષ(કૉંગ્રેસ)ના દબાણથી ઘોર અવિનય થયો ત્યારે આશરે અઢી દાયકા પર વ્યાપક ગુજરાતી સમાજની સેવામાં આ અવતરણપૂર્વક અંતરતમ નિવેદિત કરવાનું બન્યું હતું. આજકાલ દીનાનાથ બત્રાનું સાહિત્ય પૂરક વાચન તરીકે રાજ્યની ૪૨,૦૦૦ શાળાઓમાં પરબારું દાખલ કર્યાના હેવાલો વચ્ચે ફરીને કદાચ આ જ અવતરણના ઉજાસમાં પથસંસ્કરણ અને પથનિર્ધારણ કરવાપણું લાગે છે.
ઊઘડતી સ્કૂલે નિયત પાઠ્યપુસ્તકોના ધાંધિયા હોય અને કથિત પૂરક વાચન સુલભ જ સુલભ હોય તે વર્તમાન તંત્રનાં પ્રબંધનધોરણો અને અગ્રતાવિવેકની દ્યોતક બીના છે. જ્યાં સુધી અગ્રતાવિવેકનો સવાલ છે, આ સરકારનું વિચારધારાકીય વલણ સાફ છે અને જેની વિદ્યાકીય ગુણવત્તા તપાસલાયક પણ વિચારધારાકીય પ્રતિબદ્ધતા ટનાટન છે એવું સાહિત્ય સરકારી રાહે પેંધાડવામાં એને પોતાનો ધર્મ સમજાય છે. સાંભરે છે કે રાજીવ ગાંધી અને દૂન બૉય્ઝની બાબાલોગ સરકાર વેળાએ ૧૯૮૫-૮૬માં અસંદિગ્ધ શબ્દોમાં લખવાનું બન્યું હતું કે દીનબંધુઓ ગયા અને દૂનબંધુઓ આવ્યા. આજે શું કહેવું, સિવાય કે રવીન્દ્રનાથ અને વિશ્વભારતી ગયાં અને દીનાનાથ ને વિદ્યાભારતી આવ્યાં.
તેઓ વિકાસની વાત કરે છે, પણ એક વાતે અક્ષત આશ્વસ્ત જ આશ્વસ્ત છે કે પ્રાચીન ભારતમાં હાલ અધુનાતન મનાતું બધું જ હતું. જો કે એમના અભિગમમાં છેક નિરીહ નહીં એવી સરળતા પણ છે : જ્યાં સુધી અશોક સિંઘલ સુલભ હોય ત્યાં સુધી એમને રામાયણકોકિલ વાલ્મીકિનો પણ કદાચ ખપ નથી. રહો, મારે વક્રોક્તિમાં વહી નહીં જતાં ઉતાવળે ચારપાંચ મુદ્દા કરી લેવા જોઈએ.
એક તો, રાજ્ય સરકારે જેમની પાસે પરામર્શન કરાવ્યાના હેવાલો છે તે ત્રણે (હર્ષદ શાહ, ઋતા પરમાર, રેખા ચુડાસમા) સંઘ પરિવાર-વિદ્યાભારતી મંડળીનાં છે. વિચારધારાકીય ડામણાં અને ડાબલાં એ એમની વિશેષ લાયકાત છે. ખરું જોતાં, એમની સામેલગીરીભેર ગુજરાતનાં વ્યાપક વિદ્યાવર્તુળોમાં પરામર્શ અનિવાર્ય છે.
બીજું, મારી દૃષ્ટિએ, જેમ આધુનિક યુદ્ધ કેવળ સેનાપતિઓ પર છોડી શકાતું નથી; જેમ લોકશાહીમાં રાજકારણ કેવળ રાજકારણીઓ પર છોડી શકાતું નથી; તેમ કોઈ પણ મુક્ત અને પુખ્ત સમાજ કેવળ સરકાર અને એના શૈક્ષણિક ઉપગ્રહોની તાંબુલવાહિની જેવું પાઠ્યક્રમનિર્ધારણ સ્વીકારી શકે નહીં. ગુજરાતમાં આવી બાબતોમાં પૂર્વે ઊહાપોહભેર ચર્ચાના અને પુનર્વિચારના પ્રસંગો આવ્યા પણ છે.
ત્રીજું, સરકાર આ દિશામાં પહેલ કરો વા ન કરો, ગુજરાતમાં જે સત્તાપક્ષ ઉપરાંતનાં વર્તુળો અને બીજાં બિનપક્ષીય મંડળો, નાનીમોટી શૈક્ષણિક ચળવળો છે તે તો આ પ્રકારનાં પુસ્તકો અને એમની પસંદગીની પ્રક્રિયા પરત્વે શીલ અને શૈલીની દૃષ્ટિએ ચર્ચાપહેલ કરી જ શકે છે.
ચોથું, એક અંગ્રેજી દૈનિકને સૂઝ્યું અને દેખાયું તે મોટાભાગનાં ગુજરાતી દૈનિકોને કેમ નહીં સૂઝ્યું હોય એ સવાલ છોડી દઈએ; પણ જે મંડળો અને સામયિકો કેવળ શિક્ષણને જ વરેલાં છે તે તો આવી ક્ષ-તપાસ અને વૈચારિક ઊહાપોહમાં જઈ જ શકે છે. “કોડિયું”, “ઘરશાળા”, “પ્રગતિશીલ શિક્ષણ”, “કેળવણીવિમર્શ” વગેરે પાસે પ્રયોગસિદ્ધિઓનું કે પ્રેરક પુનર્મુદ્રણોનું પૂરતું પાથેય હશે પણ ચાલુ વિદ્યાપ્રવાહોની સમીક્ષા થકી એમાં જે ઊંજણ અને અનુબંધ થવાં જોઈએ તે ક્યાં. નજર સામેના વિદ્યાપ્રશ્નોને બદલે કેવળ સમાંતર આદર્શ સૃષ્ટિમાં કે પોતપોતાના પ્રયોગોની નાર્સિસસીમાં રાચવું તે એક પ્રકારે હિપ્પી હોવું છે. (અમે ભલાં ને ભલી અમારી કંદરા – અગર તો, અલબત્ત, અમારો બીચ !)
પાંચ, એક ચર્ચા વેળાસર ને વિગતે કરી લેવા જેવી છે. એમાં એકંદરમતી ભલે સધાઓ અગર ન સધાઓ, પણ ભારતીય ઇતિહાસ વિશેની સમજ-અણસમજ-ગેરસમજના મુદ્દા વ્યાપક સમાજ સમક્ષ, ખાસ કરીને એના વિદ્યાવ્યાસંગી તબકા સમક્ષ આવવા જોઈએ. સાંસ્થાનિક દૃષ્ટિબિંદુથી લખાયેલ ઇતિહાસ, એક રીતે યુરોપીય સંસ્થાનવાદથી ઉફરા માર્કસીય અભિગમથી ચાલેલી ઇતિહાસચર્યા, રાષ્ટ્રીય દૃષ્ટિબિંદુથી ઉપાડાયેલ ઇતિહાસ-પ્રકલ્પો (રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્યસંગ્રામ દરમ્યાન કાર્યરત ઇતિહાસ પરિષદ હસ્તક અને મુનશી-ભારતીય વિદ્યાભવન હસ્તક) એમ ખાસું કામ થયું છે. આ દરેકને વિશે ઓછુંવત્તું સમીક્ષાત્મક સાહિત્ય પણ છે. ‘રાષ્ટ્રીય’ અને ‘રાષ્ટ્રવાદી’ અભિગમો વચ્ચેની વિવેકરેખા જાળવવાનીયે ચર્ચા થયેલી છે. સ્વરાજ સરકાર હસ્તક પણ સ્વાતંત્ર્યસંગ્રામ ગ્રંથોની શ્રેણી સુલભ થયેલી છે. આ દરેકમાં શીખવા સમજવા સંસ્કારવા કાઢવા ઉમેરવા જેવુંયે કંઈક ને કંઈક છે. ઇતિહાસનો સમ્પ્રદાય કે વાદ કરવામાંથી બચીએ તે માટે (અને ઇતિહાસ એક જ વાત શીખવે છે કે મનુષ્યજાતિ એમાંથી કશું શીખતી નથી એ હેગલવચન વળી વળીને સાચું ન પાડીએ તે માટે) કોઈ ઉપક્રમ તત્કાળ હાથ ધરવો રહે છે.
દરમ્યાન, હમણાં તો સંભારી આપું કે કણ્વાશ્રમનો મહિમા આખરે શી વાતે હતો. એક વાત સમજો મારા ભાઈ, મૃગયાર્ત રાજાને કણ્વશિષ્યો કહી શકતા હતા કે આશ્રમમૃગને હણશો મા. જ્યાં આશ્રમની સીમા શરૂ થાય છે ત્યાં તારી શિકારહદ પૂરી થાય છે.
હશે ભાઈ, એનો આભાર જેણે આત્મમંથનનો અવસર અને આગળનો એજન્ડા સંપડાવ્યો.
જુલાઈ ૨૯, ૨૦૧૪
સૌજન્ય “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2014
અર્થ = અનર્થ
ઃ મને તો બહુ ચિંતા થાય છે. ઊંઘ હરામ થઈ છે ! આ રૂપિયાનું હવે શું થશે ?
ઃ રૂપિયાનું થઈથઈને શું થવાનું છે ? તમે તો, યાર, અમથા-અમથા જ પરેશાન થઈ જાવ છો ! આપણા જેવાઓને હતું શું, ને ગયું શું જેવો તાલ, કરોડોની ધમાલવાળાઓને માથાકૂટ, આપણે તો તીરે ઊભા તમાશો …
ઃ એવું નથી ભઈ, આ વાજતું-ગાજતું તમારે બારણે આવ્યું જાણો ! લોકો કેવી રીતે જીવે છે તે જરા જોઈ આવો, તો ખબર પડે. જે ચીજ પર હાથ મૂકો એ મોંઘીદાટ, દાઝી જવાય એવી. ખેંચાઈ જશો જીવવામાં !
ઃ તમને ખબર છે આ રૂપિયાના પતનની ઘટનાનું રહસ્ય ?
ઃ ના, મને અર્થશાસ્ત્ર નથી આવડતું. બચી ગયો છું બાલબાલ, તમને ખબર છે ?
ઃ છે, તેમાં તો તમને પૂછું છું. એમાં આપણી પ્રાચીન પરંપરા અને અસાધારણ જ્ઞાનને જાળવી રાખવાની એક અપૂર્વ યોજના રહેલી છે. એમાં ભારતીય જીવનશૈલીનો આદર કરવાની ઉચ્ચ ભાવના છે.
ઃ બકવાસ ! રસ્તા પર આવો કશો બબડાટ કરશો, તો માર ખાશો ક્યારેક !
ઃ એ જ, એ જ બાબત છે. આ માર મારવાની ઉગ્રતા, આ બેફામ દુરાચાર, આ અમર્યાદ ભ્રષ્ટાચાર, બધું ક્યાંથી આવે છે ? આપણે આપણી જીવનશૈલી બગાડી મૂકી છે. એ ગંદીગોબરી ઢબમાંથી જ બધો ગંદવાડ ફેલાય છે.
ઃ વારુ, તો કઈ જીવનશૈલીની તમે હિમાયત કરો છો ? તમે, એટલે કે તમારા કહેવા મુજબ સરકાર જે શિખવાડવા ધારે છે તે જીવનશૈલી ?
ઃ શંકરાચાર્યવાળી, પ્રાચીન સંતો-મહાનુભાવોએ પ્રબોધેલી. કરતલ ભિક્ષા, તરુતલ વાસ, એ જ જીવનની શ્રેષ્ઠ પદ્ધતિ છે. આપણે એ ભૂલી ગયાં છીએ, અને એને સ્મરવાનો આ ઉત્તમ અવસર છે. એથી પ્રાચીન વૈભવ પુનઃ પ્રાપ્ત થશે. જોજો ! નોંધી લેજો, આ તારીખ અને મારું વચન …
ઃ તે ભારતની મોટી વસ્તી આમ નથી કરતી શું ? કરતલ ભિક્ષાવાળો જથ્થો તો બહુ મોટો છે અને તેમાં અપવાદરૂપ તો સાવ મુઠ્ઠીભર કહેવાય એવું નથી ?
ઃ ના, હું તો પેલા સંસ્કૃત સુભાષિતોની કથા દોહરાવું છું. અહીં અમે વલ્કલથી તુષ્ટ છીએ, અને તમે લક્ષ્મીથી તુષ્ટ છો. હકીકતમાં ભિખારી તો એ છે, જેની તૃષ્ણા વિશાળ છે, જો તમે મનથી સંતુષ્ટ છો, તો ધનવાન કોણ અને દરિદ્ર કોણ ?
ઃ એટલે કોઈ વંચિતો નથી, એમ સાબિત કરો છો તમે ?
ઃ પાકે પાયે. ‘નથી’ એમ વિચારવું એ માત્ર મનની દશા છે. જે ક્ષણે આ સુંદર ભાવ મનમાં પેઠો, તે દિવસથી આઠે પ્રહર ઉત્સવ. સરકાર આપણી ગુરુ. કૌન બતાવે બાટ, ગુરુ બિન ?
ઃ એટલે રૂપિયો ભોંય પર ચપ્પટ થયો. એ બાબત આખેઆખી નકારવાની ?
ઃ એમ જ કરવાનું, દૃઢતાપૂર્વક, અર્થ અનર્થ છે, એ ભાવ ઘૂંટો, ઘૂંટતા જ રહો, તમામ ભયનું મૂળ અર્થ છે, તમામ શંકાનું મૂળ અર્થ છે, તમામ ગોટાળાનું મૂળ અર્થ છે, તમામ પીડાનું મૂળ અર્થ છે, તમામ …
ઃ બસ, બસ, હવે પમાય છે સરકારના આ ચમત્કારનું રહસ્ય. જો મૂળ નથી, તો શાખા નથી, તો ક્યાંયે લટકવાનું નથી ! જો રૂપિયો નથી, તો એનું પતન પણ નથી … જે છે જ નહીં, તે ગગડે શી રીતે ?
ઃ સાધુ ! સાધુ ! તમે આજથી જ્ઞાતા થયા, પ્રસાર કરો આ જ્ઞાનનો સત્વર, અને દોડો કોઈ ટીવી ચૅનલ પર !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2014