કરસનદાસ માણેક સાથે થોડી પળો
(1)
હરિનાં લોચનિયાં
સારંગ
એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા :
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા !
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી :
શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તન્તી.
દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,
દેવદ્વારની બ્હાર ભટકતા ટુકડા કાજ ટટળતા,
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
લગ્નવેદિપાવક પ્રજળ્યો’તો વિપ્ર વેદ ઉચ્ચરતા,
સાજન મ્હાજન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા !
જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેતસમાણું,
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું !
’બ્રાહ્મણવચને સૂરજસાખે’ કોમળકળી ત્યાં આણી :
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી !
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા :
વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ—લાલચે ધાયા !
થેલી, ખડિયા, ઝોળી, તિજોરી : સૌ ભરચક્ક ભરાણાં :
કાળી મજૂરીના કરતલને બે ટંક પૂગ્યા ન દાણા !
ધીંગા ઢગલા ધાન્ય તણા સૌ સુસ્તોમાંહિ તણાણા :
રંક ખેડૂનાં રુધિર ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં !
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
હૂંફાળાં રાજવીભવનોથી મમતઅઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદીઓએ દીધા જુદ્ધ—દદામા !
જલથલનભ સૌ ઘોરઅગનની ઝાળમહિં ઝડપાયા :
માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઈ હડકાયા !
નવસર્જનના સ્વપ્નસંગી ઉર ઉછરંગે ઉભરાણાં :
લખલખ નિર્મલ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા !
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં :
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં !
વસંત, વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધા ય ભુલાણા :
જીવનમોદ તણા લઘુતમમાં પ્રગતિપાદ છેદાણા !
હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણા :
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં :
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
30-05-1933
(‘આલબેલ’માંથી)
***********************************************
(2)
મને એ જ સમજાતું નથી
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે :
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરશ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !
ઘર—હીણાં ઘૂમે હઝારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મ્હાલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું :
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
(‘મધ્યાહ્ન’માંથી)
==============================
(3)
જાનારાને …
જાનારાને જાવા દેજે :
એકલવાયું અંતર તારું
ચૂપ રહી ચીરવા દેજે !
જાનારાને જાવા દેજે !
લાવજે ના લોચનમાં પાણી;
ધ્રુજવા દેજે લેશ ન વાણી,
પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી
છાનોમાનો છેદાવા દેજે !
જાનારાને જાવા દેજે !
નીરવ જીરવી લેજે ઝુરાપા,
છોને પડે તારે કાળજે કાપા :
હૈયાની ધરતી તરસી, તારાં
શોણિતથી સીંચાવા દેજે !
જાનારાને જાવા દેજે !
ઝંખનાની કાળી ઘોર ગુલામી;
વહોરજે ના વેદનાઓ નકામી.
સપનાની તારી વાડી રૂપાળીને
સામે ચાલી વેડાવા દેજે !
જાનારાને જાવા દેજે !
*********************************************
(4)
હરિ, હું તો એવું જ માગું મોત
એવું જ માગું મોત,
હરિ, હું તો એવું જ માગું મોત !
આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
અંતિમ શ્વાસ લગી આતમની અવિચત ચલવું ગોત :
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણકપોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદ :
જોજે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
ગિરિગણ ચઢતાં, ઘનવન વીંધતાં, તરતાં સરિતાસ્રોત,
સન્મુખ સાથી જનમજનમનો : અંતર ઝળહળ જ્યોત !
હરિ, હું તો એવું જ માંગુ મોત !