૨૦૧૫ બેસતે બેસતે દિલ્હી વધામણાં લઈને આવ્યું હતું અને ઉતરતે ઉતરતે આ પટણાનાં રંગછાંટણાં! લાગે છે, મે ૨૦૧૪થી શરૂ થયેલા મનાતા મોદી સંવત સબબ વૈકલ્પિક વિમર્શનો દોર અપેક્ષાતીત પ્રભાવકતા સાથે શરૂ થઈ શકે છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળ્યું ત્યારે આપ ઘટનાને કારણે અરવિંદ કેજરીવાલની વૈકલ્પિક સંભાવનાનો પણ અવકાશ ખૂલતો માલૂમ પડ્યો હતો. અલબત્ત, આપ સંગઠના ભાજપની પેઠે વ્યાપક અને સઘન નહીં એટલે આ અવકાશ વાસ્તવિક ઓછો અને મનોવૈજ્ઞાનિક ઝાઝો હતો. જો કે, સોશ્યલ મીડિયાના આ જમાનામાં ‘વર્ચ્યુઅલ’નુંયે એક વાસ્તવવિશ્વ હોઈ શકે છે તે સાચું; પણ બિહારનાં કદ અને કાઠીના મોટા રાજ્યમાં નરેન્દ્ર મોદી-અમિત શાહની દંતકથા રૂપ વ્યૂહરચના ન ચાલી, ભાજપ અને સાથીઓ (એનડીએ) સામેના મહાગઠબંધને બેતૃતીયાંશ બેઠકોનો કોઠો કેમ જાણે પનાઈ વિહારની આશ્વસ્ત આસાન મુદ્રામાં પાર પાડ્યો એ તો વાસ્તવનું યે વાસ્તવ બનીને આપણી સામે આવ્યું છે, શંકરની જટા અને જહ્નુની જંઘામાંથી મુક્ત અલકનંદા-મંદાકિની-જાહ્નવી બિલકુલ ગંગા મહાનદરૂપે ચક્ષુપ્રત્યક્ષ.
પ્રાયોજિત રેલી માહેર, પ્રધાનમંત્રી કરતાં વધુ તો પ્રચારમંત્રી, ‘મોદી’સન મોમેન્ટ’ પ્રકારના આયોજને ઈવેન્ટ મેનેજમેન્ટના ધીટ રંગકર્મી, રાજનેતા કરતાં વધુ તો રોકસ્ટારનો પેરેલલ જગવતા નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચારના પ્રારંભે જે પણ ઊંચાઈ પર હોઈ શકતા હશે તે હશે, પ્રચાર પતતે પતતે તો એક સરેરાશ રાજકારણી (જો કે ચાલુ કરતાં અદકા વૈખરીછૂટા) જ જણાયા. લાલુપ્રસાદ અલબત્ત લાલુપ્રસાદ જ રહ્યા, પણ નીતિશકુમારની છબિ (ગ્રાસરુટ ફતેહમાં લાલુ આગળ રહ્યા છતાં) એકંદરે રાજપુરુષોચિત ઊંચકાઈ રહી. સાધનોની સ્થિતિ, બંને ગઠબંધનો વચ્ચે, શરદ યાદવની કંઈક અતિશયોક્તિ બાદ કરીને વાંચીએ તો પણ એકંદરે એવી હતી જેવી સસલા ને હેલિકોપ્ટર વચ્ચે હોઈ શકે છે.
મોદીની વિકાસવાર્તા અને કથિત ગુજરાત મોડલ વસ્તુતઃ તપાસ અને બહસની બાબત છે. બિહારમાં, કેમ કે નીતિશની ખુદની એક વિકાસપુરુષ છબિ બનેલી છે, મોદી પાસે એ કોઈ વિશેષ મુદ્દો નહોતો. બલકે, ગુજરાતને મુકાબલે નિમ્નતંત્ર(ઇન્ફ્રાસ્ટ્રક્ચર)માં પાછળ એવા બિહારને જોતાં નીતિશ વિકાસ વેચવા બાબતે કદાચ અચ્છી પીચ પર સન્નધ્ધ હતા. અને, ૨૦૧૪ના મોદીવ્યૂહકાર આઈટી માહેર પ્રશાન્ત કિશોર હૈયાઉલટથી નીતિશની સખાતે સંયોજાયા એ નવમીડિયાસજ્જ નમો વ્યૂહની સામે જરૂર એક લબ્ધિ હતી.
અહીં બે જુદા જ મુદ્દા સામે આવે છે. વિકાસ વેચવાની અશક્તિવશ (અને જાતિગુણવશ) નરેન્દ્ર મોદી – અમિત શાહ સૌએ બિહારને કોમી કગાર પર મૂકી સાંપ્રદાયિક ધ્રુવીકરણની જનસંઘજૂૂની નીતિમાં ઉગાર શોધ્યો. દાદરી ઘટના(વસ્તુતઃ ‘લિન્ચિંગ’)થી શરૂ થઈ તે છેક મતદાન લગોલગના છેલ્લા દિવસોમાં ગોમાંસભક્ષણલક્ષી જાહેર ખબર સુધી આ દોર ચાલુ રહ્યો. ચૂંટણી પંચને સત્તાપક્ષની જાહેરખબર સામે એફઆઈઆર દર્જ કરવાની ફરજ પડી હોય એવું છ દાયકાના ઇતિહાસમાં કદાચ પહેલીવાર બન્યું હશે. ૨૦૦૧માં મોદી ગુજરાતમાં દિલ્હીનીમ્યા દંડનાયક તરીકે આવ્યા ત્યારથી એમણે મંદિર-મંડલ એકત્રીકરણની રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, અને ૨૦૧૫માં બિહારમાં મંડલ તાકાતો સામે એક પર્યાયપુરુષ તરીકે પોતાનું પ્રક્ષેપણ ફળશે એવો એમનો અંદાજ પણ હશે. ઉલટ પક્ષે, લાલુ-નીતિશની મંડલ રાજનીતિ ઠોસ બુનિયાદ પર ઉભેલી હતી એટલે મોદીનો મદાર છેવટે મંદિર કહેતાં કોમી ધ્રુવીકરણ પર ઠર્યો એમ સમજાય છે.
નીતિશે ભાજપથી મોદી મુદ્દે છૂટા પડવાપણું જોયું – જો કે, જ્યોર્જ ફર્નાન્ડીઝના નેતૃત્વમાં એની સાથે જોડાવાપણું મૂળે જ કદાચ નહોતું – તે પછી, રાજકીય ડહાપણનું કામ લાલુ સાથે ગઠબંધનનું કર્યું. લાલુએ પણ એકંદરે અનુકૂલનનો અભિગમ લીધો, અને હમણાં સુધી તો પ્રમાણમાં પ્રૌઢિથી ચાલ્યા છે. પછી તો નીવડ્યે વખાણ. પણ બીજી એક વાત જે નીતિશે કરી તે કૉંગ્રેસને પણ સાથે જોડવાની. બિનકૉંગ્રેસવાદના પૂર્વઇતિહાસ સામે આ જરૂર એક મનોવૈજ્ઞાનિક અવરોધને લાંઘતો નિર્ણય હતો. બલકે, જ્યોર્જ ફર્નાન્ડીઝ વાજપેયી કાળમાં એનડીએના સંકટ મોચક (અને અંજીરપાંદ) રૂપે ઉભરી શક્યા એનું રહસ્ય બિનકૉંગ્રેસવાદના કાલબાહ્ય બની રહેલા અભિગમમાં પડેલું હતું. નીતિશ તે લાંઘી શક્યા, એ એક મોટી વાત બની; કેમ કે સત્તા-પ્રતિષ્ઠાન સામે ક્યારેક જેમ બિનકૉંગ્રેસવાદનું લૉજિક હતું તેમ પછીનાં વર્ષોમાં બિનભાજપવાદનું છે. માત્ર,કૉંગ્રેસને આવી રચનાઓમાં દ્વૈતીયિક ભિલ્લુ તરીકે જોડાતાં ઓછું આવે છે તો અન્ય પક્ષોને પોતાના બિનકૉંગ્રેસવાદી પૂર્વરંગથી ઊંચે ઊઠતા કે ઉફરાટે ચાલતાં મુશ્કેલી પડે છે.
ભાજપ-એનડીએની હારને અને નીતિશ ગઠબંધનની ફતેહને સરળ અંકગણિતની રીતે જોવું ખોટું નથી, પણ આ આકલન સપાટ ખસૂસ છે. કારણ, એમાં મુસ્લિમ-યાદવ-કુર્મી અને કૉંગ્રેસ ઉજળિયાત મતો એકત્ર આવવા ઉપરાંત પણ કશુંક રાસાયણિક બની આવ્યું છે.નીતિશની વ્યક્તિગત અપીલ છે તો જેપી આંદોલનની ક્ષીણદુર્બળ પણ અંતઃસલિલા ધારા પણ છે. જેપી-લોહિયા સૌને અંગીકારવા નહીં પણ આત્મસાત્ ઉર્ફે ઓહિયા કરવા લાલાયિત નમો નેતૃત્વ સામે આ લાલુ-નીતિશ જમાવડો (એની ચોખ્ખી દેખીતી મર્યાદાઓ છતાં) પ્રમાણમાં ઠીક પીચ પર દાવ લઈ શકે એમ છે. ગાંધીનહેરુપટેલની જ સ્વરાજ ધારામાં જેપી-લોહિયા વગેરે પણ આવે છે એવો વિવેક કૉંગ્રેસ કેળવી શકશે? જોઈએ.
આરંભે જે વૈકલ્પિક વિમર્શની જિકર કરી એ સંદર્ભમાંયે એક બે વાનાં નોંધવા જોઈએ. છેલ્લાં પાંચ છ અઠવાડિયાં દેશના કલાકારો, લેખકો, ફિલ્મકારો વગેરેની એવોર્ડ વાપસીનાં તો નારાયણ મૂર્તિ અને રઘુરામ રાજન જેવા નરવા અવાજોનાં છે – આ હિલચાલ સહિષ્ણુતા અને સંવાદની સંસ્કૃિત માટેની છે. સત્તા-પ્રતિષ્ઠાન, કમનસીબે, આ અવાજોને વિપક્ષ તરીકે જુએ છે. પણ, છેવટે તો, એ નાગરિક સમાજની નરવીનક્કુર વાણી છે. ઇંદિરા ગાંધીએ આવા અવાજો અણસાંભળ્યા કર્યા હતા. નરેન્દ્ર મોદી પણ એ જ રસ્તે છે. અરુણ જેટલીએ અસંમતિના આ અવાજો સામે હાલના સત્તા-પ્રતિષ્ઠાન વતી જે ભાષા પ્રયોજી છે એમાંથી નકરી અસહિષ્ણુતા અને વિસંવાદની બૂ ઊઠે છે. રાહુલ ગાંધીએ કૉંગ્રેસ નાગરિક સમાજનાં બળો સાથે મળીને કામ કરે એવો ઉચ્ચ અભિલાષ પ્રગટ કર્યો છે તે ઠીક જ છે. પણ હાલ ભલે વિપક્ષમાં છતાં કૉંગ્રેસનોયે એટલો સત્તા-સંસ્કાર (અગર હૅંગ ઓવર) છે કે તે બૌદ્ધિકોને દરબારી જેવા ઈચ્છે છે. અજ્ઞેયની રચના ‘બૌદ્ધિક બુલાયે ગયે’માં એનું સચોટ ચિત્ર ઝિલાયેલું છે. અસંમતિના અવાજોની, પક્ષના માળખામાં બંધ નહીં બેસતા સ્વતંત્ર અવાજોની, કદરબૂજ વગર કોઈ પણ લોકશાહી સરકારનો જયવારો નથી હોવાનો.
ગમે તેમ પણ, અરવિંદ કેજરીવાલની જેમ (એક અર્થમાં એથીયે અધિક) વૈકલ્પિક સત્તાકેન્દ્ર તરીકે ઉભરી શકતા નીતિશકુમારે એ પણ સમજવું જોઈશે કે ભાવિના ગર્ભમાં અપેક્ષિત નવ્ય સત્તાકેન્દ્ર ૧૯૭૫-૭૭ના જનતા પ્રયોગ કે પછીની મોરચેરી સરકારો કરતાં આગળ જતું હોવું જોઈશે. થોડીકેક સન્ધિક્ષણો વાસ્તે પણ ‘આપ’માં ત્રીજા મોજાનો જે વાયરો વરતાયો હતો, એ વધુ સ્થિરપ્રતિષ્ઠ થાય તો વાત બને.
દરમ્યાન, હમણાં તો ભલે પરંપરાગત રાજનીતિમાં પણ મોદીગત તરાહ ને તાસીર કરતાં અલગ ભાત સાથે ઉભરી શકતા વિકલ્પનું સ્વાગત, આ એકબે હિતવચનો (અને ટીકાવયનો) સાથે.
(નવેમ્બર ૮, ૨૦૧૫)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2015; પૃ. 01-02