(હાસ્ય-વ્યંગકાવ્ય)
ફાડી મુખને સિંહ-જાણે કાળ ઊભા સામને !
કેટલા પ્રશ્ર્નો બની વિકરાળ; ઊભા સામને !
રામ જાણે ! કોને બનવાનું ય મારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે; રાજકારણ આવશે !
એમ અમને મન હતું; કે હૈયાધારણ આવશે !
થાય મન રાજી જરીકે; એવું કારણ આવશે !
ક્યાં ખબર એવી હતી; કે ઔર ભારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
જે હરે અંધારને; એવો સૂરજ ઊગે નહીં !
આજ પણ અજવાસ સઘળા ઘર લગી પૂગે નહીં!
કોઇ ને કોઈક અમથું વિઘ્ન-કારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
સાંસદો, વિધાનસભ્યો, મંત્રીઓ ને સરપંચ;
જ્યાં જૂઓ ત્યાં રોજ ગજવે ભાષણોથી કૈંક મંચ !
એ શબદને સાંભળીને; કૈં ન તારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
પક્ષ જેવો ! કાર્યકર્તા પણ અહીં એવા જ છે !
સહુને માટે નાનું-મોટું; પોતીકું કૈં રાજ છે !
સૂત્રધારો સહુ મગરના આંસુ – ધારણ ! આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
લોકશાહી છે; છતાંયે લોક સહુ લાચાર છે !
વસ્ત્ર લીરેલીર છે; ને છૂટેછૂટા તાર છે !
રોજ નવતર કાયદા; કાળજ-વિદારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
જ્યાં જૂઓ ત્યાં ખસ્તા હાલત છે; બધું બિસ્માર છે
હૉસ્પિટલ પોતે હવે તો ખુદ અહીં બીમાર છે !
કેમ દર્દી થાય સાજા ? શું સુધારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
રોજ અખબારો મહીં વાંચી ખબર; કૈં થાય નહિ !
આ નગર જાણે કે કોઈ છે મગર ! કૈં થાય નહિ !
જીવલેણી સહુ સમસ્યાનું નિવારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
લોભ-લાલચ, પદ-પ્રતિષ્ઠાના બધા મોહતાજ છે !
શબ્દને વેંચે બજારે ! એમ પણ કવિરાજ છે !
ક્યાંથી કોઈ શબ્દ સાચાનો ઉચારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
સહુ ભલે મરતાં ! ભલું મારું કરું; નો ભાવ છે !
કોણ સમજે; આ અસુરોનો જ જે સ્વભાવ છે !
કઇ રીતે મુશ્કેલીમાંથી અહિ ઉગારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
રાંકના રૂપિયા અમીરો કાજ જો વપરાય તો ?
શાનશૌકત કાજ જો સરકાર ખુદ ખર્ચાય તો ?
લોકલાજે યાતના-પીડાનું કારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
ફાઇલો રંકોની ટેબલ મધ્યમાં અટવાય તો ?
હક ખરેખર હોય; એ પણ હાથથી ઝુંટવાય તો ?
ભીડ રૂપે રોષ; સૃષ્ટિનો ધખારણ આવશે,
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
ક્યાં ભણેલાને મળે છે ? નાની-મોટી નોકરી !
રોજગારી વિણ ભટકતાં છોકરાં ને છોકરી !
સ્કૂલો-કોલેજો હજારો; સહુને ભારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
ટી.વી., મૉબાઈલ માંહે રત જમાનો જોઉં છું !
તન અને મન રાંક જોઈ; હું ય મનમાં રોઉં છું !
ખોઉં છું, ખોવાઇ દુનિયામાં; શું તારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
મન પડે એવી રીતે જીવે હજુ યે માણસો !
ક્યાંક દારુ ! આંસુઓ પીવે હજુ યે માણસો !
કામ ક્યાંથી દેશનું ત્યાં; એ બંધારણ આવશે ?
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
જે હતું સારું જરીકે; એ ય સહુ બગડી રહ્યું !
તાલ-સુર વિણ વાદ્ય અમથું; એનું એ વગડી રહ્યું!
એમ અમને તો હતું કે; કૈં સુધારણ આવશે !
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
કચડી નાખે; એ ચરણને શીઘ્રતાથી રોકજો,
અણસમજ એ હોય તો સાચી શિખામણ ઠોકજો,
કારણો લાખો નહીંતર; દુ:ખવધારણ આવશે;
સહુએ સારા કામ વચ્ચે રાજકારણ આવશે !
તા. ૨૬-૨૭/૦૫/૨૦૨૦
![]()


આપ સૌને વિવિધ સમયે દાઉદભાઈનાં વિધવિધ પાસાંનો પરિચય થયો હશે. વિષય શિક્ષણ હોય કે સાહિત્ય, વાત ચૂંટણી ને લોકશાહીની હોય કે ભાષા અને સંસ્કૃતિની, મુદ્દો સ્ત્રી-પુરુષ સમાનતાનો હોય કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો, અભિવ્યક્તિ સંશોધનલેખ તરાહની હોય કે કટારલેખનની, ક્ષેત્ર વિદ્યાનું હોય કે વહીવટ-વ્યવસ્થાપનનું અને હા, આ સર્વે માટેનો મંચ વર્ગખંડ હોય, વ્યાખ્યાન ખંડ, સભાગૃહ કે પછી કાર્યાલય … કહો જોઈએ, દાઉદભાઈના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિમાંથી કયું તત્ત્વ અવિરત ફોરતું લાગે?
આ પુસ્તકના લેખો ‘નાગરિક’, ‘નાગરિકતા’, ‘સભ્ય સમાજ’ કે ‘civil society’ શબ્દના ઉલ્લેખ સાથે કે ઉલ્લેખ વગર પણ નાગરિકતાના પાઠ બની રહે છે. ‘સર્જકનો ધર્મ’ નિબંધ આ અનુભૂતિને એક અલગ જ ઊંચાઈ બક્ષે છે. લેખક કહે છે, “સર્જક એક અતિ સંવેદનશીલ વ્યક્તિ છે. … સંવેદનશીલ અને દિલદાર સર્જક તો સમાજના આત્માનો, એની સ્વતંત્રતા અને પવિત્રતાનો રખેવાળ છે. એનું સર્જનકર્મ માનવીના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે, પુરસ્કાર કરે એ અનિવાર્ય છે. આર્થિક, સામાજિક, રાજકીય કે લશ્કરી દબાણો કે ત્રાસથી દુનિયામાં ક્યાં ય અને ક્યારે ય પણ સર્જક ઝૂક્યો નથી.” પછી આગળ ઉમેરે છે, “આમ સમાજને તેથી જ સર્જકમાં એની આશાઓ અને એના ભાવિનો આખરી વિસામો જોવા મળ્યો છે. સાચો સર્જક હંમેશાં ઉદ્ઘોષતો રહ્યો છે.” ક્યારેક નાગરિકો મૂક થઈ જાય છે, સમાજ લથડિયાં ખાતો થઈ જાય છે, ત્યારે તેમને જગાડવાની, અવાજ ઉઠાવવા માટે પ્રેરવાની જવાબદારી સર્જકની બની રહે છે એમ પણ લેખક સોય ઝાટકીને કહે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સર્જકોએ સેવેલું મૌન લેખકને અકળાવતું રહ્યું છે, એ અંગે લેખકની અકળામણ આ લેખમાં પડઘા પડી પડીને અથડાઈ છે.
ચાલી રહેલા ગૃહયુદ્ધનું એક કારણ ત્યાંની ૩૦ ટકા જેટલી આલ્બેનિયન વસ્તીની ભાષાનાં રક્ષણ અને પ્રોત્સાહન માટેની ઉત્કટ લાગણી છે. આ લાગણી યુદ્ધ થકી ખેલાય એ ઇતિહાસની એક વાસ્તવિકતા રહેલી છે. … પરંતુ નાગરિક સમાજ – civil society – યુદ્ધ સિવાયના માર્ગો વિશે વિચારે એ સભ્યતા અને સંસ્કૃતિના જતન માટે આવશ્યક છે.”



