courtesy : "The Indian Express", 24 March 2017
courtesy : "The Indian Express", 24 March 2017
તેમણે સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણની જોગવાઈ કરતા ખરડાનો પક્ષના વ્હીપની વિરુદ્ધ જઈ વિરોધ કર્યો હતો
ઉત્તર પ્રદેશમાં લોકોએ ભાજપને જંગી બહુમતીથી જીતાડીને શાસક પક્ષ વિરુદ્ધ સ્પષ્ટ આદેશ આપ્યો છે. ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ની અપીલ કોને ન ગમે? ગુજરાત જેવા ચાર લેનવાળા સીધાસપાટ રસ્તા અને 24 કલાક મળતી વીજળીની સુવિધા દરેક રાજ્યને પહોંચવી જોઈએ, એવી અપેક્ષાની નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા પાછળ ભૂમિકા ખરી. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક બનીને આવ્યા અને એ જ અપેક્ષાએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ પોતાનો ભાગ ભજવ્યો.
યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી તરીકે વરણી થતાં ઘણાને આઘાત લાગ્યો એ ચોક્કસ. એની પાછળ બે કારણો છે. એક, યોગી આદિત્યનાથ કટ્ટર હિન્દુત્વનો ચહેરો છે. એટલે વિકાસની વાત કરતાં હિંદુ રાષ્ટ્રના મુદ્દાને વધુ અગત્યતા અપાશે એવો સંદેશ મળી રહ્યો છે. ભલે ને સંસદના તેમના સંબોધનમાં તેમણે રાજ્યના વિકાસ અંગે જ વાત કરી. તેનાથી તેમનો મૂળ એજન્ડા બદલાવાનો નથી. બે, 44 વર્ષના યુવાન યોગી આદિત્યનાથ સામે એક નહિ અનેક ક્રિમીનલ કેસ છે, જેમાં કોમી રમખાણ કરાવવા, ખૂનનો પ્રયત્ન, હથિયાર રાખવાં, અન્ય લોકોની સલામતી પર ખતરો પેદા કરવો જેવા અનેક ગંભીર ફોજદારી ગુના સમાવેશ થાય છે. ભલેને યુ.પી માં, ખાસ કરીને ગોરખપુરમાં, તેઓ ખૂબ પ્રખ્યાત છે. 26 વર્ષની યુવાન વયથી તેઓ ગોરખપુરના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. પાંચ વખત ગોરખપુરનું પ્રતિનિધત્વ સંસદમાં કરી ચૂક્યા છે. 2014માં 1,42,309 મતની જંગી સરસાઈથી જીત્યા છે, પણ તેઓ હંમેશાં કોમી દ્વેષ ઓકતાં વિવાદાસ્પદ વિધાનો માટે જ જાણીતા રહ્યા છે.
સ્ત્રીઓના સામાજિક દરજ્જા અંગે પણ આદિત્યનાથની એક ચોક્કસ સમજ છે, જે તેમણે રાજકીય કારકિર્દી દરમ્યાન કરેલાં અનેક વિધાનો અને ટિપ્પણીઓ પરથી આપણે સમજી શકીએ છીએ. એમની વેબસાઇટ પર લખાયેલા કેટલાક લેખોથી પણ તેમના વિચારો આપણે જાણી શકીએ છીએ. તેઓ સ્પષ્ટ માને છે કે સ્ત્રીઓનું પ્રાથમિક કર્તવ્ય પત્ની અને માતા તરીકેનું છે. સ્ત્રીશિક્ષણની તેઓ હિમાયત કરે છે અને સ્ત્રીઓ સમાજમાં ગર્વભેર જીવી શકે એ માટે પણ તેઓ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચૂક્યા છે.
સ્ત્રી-પુરુષો સમાન નહિ, પણ પુરુષોથી અધિક છે અને તેમનું સમાજના વિકાસમાં વિશેષ યોગદાન રહ્યું છે, એ કહેવા માટે કુંતી, સીતા, પદ્મિની, લક્ષ્મીબાઈ જેવા સંદર્ભ તે ટાંકે છે. સાથે સ્ત્રીની પારંપરિક ભૂમિકા પર અવળી અસર ન પડે એવી ચેતવણી પણ આપે છે. 2010માં તેમણે સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણની જોગવાઈ કરતા ખરડાનો પક્ષના વ્હીપની વિરુદ્ધ જઈ વિરોધ કર્યો હતો. કારણ કે ‘સ્ત્રી ઊર્જાશક્તિ છે અને ઊર્જાને કાબૂમાં રાખવી જોઈએ. નહીંતર એ વિસ્ફોટ સર્જી શકે છે.’ એવું ઉત્તર પ્રદેશના આ મુખ્યમંત્રી માને છે.
‘સ્ત્રીની રક્ષા બાળપણમાં પિતા કરે છે, યુવાનીમાં પતિ કરે છે અને ઘડપણમાં પુત્ર કરે છે. એટલે કોઈ પણ અવસ્થામાં સ્ત્રીને મુક્ત છોડવી યોગ્ય નથી.’ આ શાસ્ત્રોક્તિ ટાંકીને તેઓ લખે છે કે વાતનું તાત્પર્ય સ્ત્રીને પરાધીન બનાવવાનું નહિ, પણ ઊર્જાના સ્વરૂપમાં એનું સંરક્ષણ અને નિયંત્રણ કરવાનું છે. આ રીતે સંરક્ષિત સ્ત્રીશક્તિ જ ‘મહાપુરુષ’ની જન્મદાત્રી અને પાલક બની શકે.
સ્ત્રીઓએ પણ ભાજપને મોટા પ્રમાણમાં મત આપ્યા છે. વધતી જતી હિંસાના સમયમાં ‘બેટી બચાવો’ની વાત મોટો દિલાસો આપી ગઈ. પણ કોઈએ સવાલ ન પૂછ્યો કે દીકરીઓને કોનાથી બચાવવાની વાત થઈ રહી છે. એવું સમજીને બેસી રહ્યાં કે આ સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવાની વાત છે. સાથે શેરીઓમાં થતી મશ્કરી, છેડછાડ અને બળાત્કારથી બેટી બચાવવાની વાત છે. ચૂંટણી પહેલાં એન્ટી-રોમિયો સ્ક્વૉડ બનાવવાની વાત ઢંઢેરામાં હતી. સત્તા સંભાળતાની સાથે જ યોગી આદિત્યનાથની સરકારે ‘રોમિયોગીરી’ રોકવા 11 જિલ્લામાં સ્ક્વૉડની રચના કરવા પોલીસને આદેશ આપી દીધો છે. આ સ્ક્વૉડ સ્કૂલો અને કૉલેજોની બહાર પહેરો ભરશે અને છોકરીઓને કનડગત રોકશે.
આનાથી ચોક્કસ જે-તે વિસ્તારમાં છેડતી પર અંકુશ આવવો જોઈએ. તાત્કાલિક પગલાં તરીકે એ ચોક્કસ આવકાર્ય છે, પણ એનાથી પ્રશ્નનો જડમૂળથી નિકાલ થાય છે ખરો? સ્ત્રી સામે હિંસા કેમ થાય છે એ સવાલ આપણે પૂછ્યો? પ્રશ્નના નિદાન વગર એનો ઇલાજ કરીએ તો એ કેટલો અસરકારક રહેવાનો? સ્ત્રીઓ સામે થતી હિંસા અંગે થયેલા વિવિધ અભ્યાસોમાંથી આપણને હિંસા આચરનારાની માનસિકતા વિશે જાણવા મળે છે. આવા લોકો માનતા હોય છે કે, સ્ત્રીઓનો દરજ્જો પુરુષો કરતાં નીચો જ હોવો જોઈએ, સ્ત્રીઓને કાબૂમાં રાખવી જોઈએ, સ્ત્રીઓનું સ્થાન ઘરમાં જ છે, એટલે જ્યારે સ્ત્રી જ્યારે ઘરની બહાર પગ મૂકે ત્યારે તેના પર નિયંત્રણ મૂકવામાં – એને ‘પાઠ ભણાવવા’માં એમને કશું ખોટું નથી લાગતું.
આ મોટા ભાગે એ પુરુષો હોય છે કે જેઓ સ્ત્રી-પુરુષને સમાન દરજ્જાના માનવ ગણતી આધુનિક વિચારધારામાં નથી માનતા. તેમને આ વિચાર પાશ્ચાત્ય લાગે છે. સ્ત્રીઓનું બહાર નીકળવું, કામ કરવું, હરવુંફરવું, અગત્યના નિર્ણયો લેવામાં સહભાગી થવું વગેરે તેમને પાશ્ચાત્ય સંસ્કૃિતનું આંધળું અનુકરણ લાગે છે. તેનો તેઓ જોરશોરથી વિરોધ કરે છે. હવે સત્તાધારી નેતા પણ આવા જ વિચારો ધરાવતા હોય ત્યારે નીતિવિષયક નિર્ણયો કઈ દિશામાં જશે એ અંગે ચિંતા થવી સ્વભાવિક છે. સ્ત્રીઓ માટે સલામત સમાજ બનાવવા માટે ભયમુક્ત વાતાવરણની જરૂર છે. બોડીગાર્ડ પૂરા પાડવા એ કામચલાઉ ઉપાય છે.
‘લવજેહાદ’ સામે યોગીની પોતાની ‘જેહાદ’ છે. એમને એવું કહેતાં ટાંકવામાં આવ્યાં છે કે જો કોઈ એક મુસ્લિમ પુરુષ હિંદુ સ્ત્રી સાથે લગ્ન કરી તેને વટલાવશે, તો સામે એક હિંદુ પુરુષ 100 મુસ્લિમ સ્ત્રીને વટલાવશે. સ્ત્રી એમને માટે બદલો લેવાનું એક સાધન હોય એવું આ વિધાન પરથી લાગે છે. જાણે પરધર્મી સ્ત્રી એટલે ‘માણસ’ની વ્યાખ્યામાંથી બાકાત. આ અભિગમ દરેક ધર્મના ‘રક્ષકો’માં જોવા મળે છે. એટલે સ્ત્રીઓએ તો બીજાથી ડરીને જ ચાલવાનું. તો પછી ‘બેટી બચાવો’નું શું થશે?
નીતિના ઘડવૈયાની પાયાની જે સમજણ હોય તે એમની નીતિઓમાં દેખાવાની તેની સ્ત્રીઓ પર અવળી અસર નહીં દેખાય? આ સંદર્ભે ચોક્કસ સવાલ થાય કે ‘સૌનો સાથ’માં ‘સૌ’ની વ્યાખ્યા કેટલી વિસ્તૃત છે? એમાં કોનો સમાવેશ થાય છે? ‘વિકાસ’ની વ્યાખ્યા શું? એની કલ્પના શું? વિકાસ અંગે દરેક વર્ગની સ્ત્રીઓના અભિપ્રાયને મહત્ત્વ ખરું કે નહિ? આદિત્યનાથે પોતાની કેબિનેટમાં ત્રણ સ્ત્રીઓને સ્થાન આપ્યું તો છે, પણ સ્ત્રીઓના વિકાસને તેઓ પોતાની નીતિઓમાં કઈ રીતે સંકલિત કરે છે એ સમય કહેશે.
નેહા શાહ, લેખિકા અર્થશાસ્ત્રનાં અધ્યાપક છે.
e.mail : nehakabir00@gmail.com
સૌજન્ય : ‘હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 24 માર્ચ 2017
સરકારો બહુમતીથી બને છે પણ તેણે કામ સર્વમતીથી કરવાનું હોય છે. ખરો રાજધર્મ આ જ છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો ભારે વિજય થયો છે. દેશની પાંચમા ભાગની વસ્તીનો આ જનાદેશ દૂરગામી પરિણામો લાવનાર નીવડશે. આ પરિણામોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અઢી વરસના શાસન પર મંજૂરીની મહોર લાગી છે. આ પરિણામોએ આગામી ગુજરાત વિધાનસભા અને લોકસભા ચૂંટણીને એકતરફી બનાવી દીધી છે, તો વડાપ્રધાન પ્રત્યેની મતદારોની અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઈ છે.
આ ચૂંટણી પરિણામો ચૂંટણીસુધારા, વર્તમાન ચૂંટણીપદ્ધતિમાં ફેરફાર, રાજકીય પક્ષોનું ચરિત્ર અને ચૂંટણીમુદ્દા જેવી બાબતોએ વિચારવા મજબૂર કરે છે. પાંચ રાજ્યોની કુલ 690 બેઠકોમાં ભાજપને 405 બેઠકો મળી છે. એટલે કે તેણે 58% બેઠકો મેળવી છે, જેમાં ઉત્તરપ્રદેશનો સિંહભાગ છે. જો તેને બાદ કરીએ તો બાકીનાં ચાર રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની કુલ 287 બેઠકોમાંથી ભાજપને 96 જ બેઠકો મળી છે, જેની ટકાવારી 32.3 થાય છે.
હાલની ચૂંટણીપદ્ધતિમાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળે તે વિજેતા ગણાય, તો જે પક્ષને બહુમતી બેઠકો મળે તેની સરકાર રચાય છે. એટલે જ નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વર્તમાન ચૂંટણીપદ્ધતિને લોકોનો સંપૂર્ણ જનાદેશ કે મતદારોની પૂર્ણ અભિવ્યક્તિ માનતા નથી. નમૂનાદાખલ યુ.પી.નાં પરિણામો જોઈએ તો, ભાજપને કુલ 403 બેઠકોમાંથી 312 બેઠકો મળી છે, જે પ્રચંડ બહુમતી છે. પરંતુ તેને મળેલા મતો 39.7 % જ છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીને તેના પછીના ક્રમે 22.2% મત મળ્યા છતાં તેને માત્ર 19 જ બેઠકો મળી છે.
પંજાબમાં કોંગ્રેસને 38.5% મત સાથે 117માંથી 77, તો અકાલી દળને 25.2% મત સાથે માત્ર 15 જ બેઠકો મળી છે. ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. પરંતુ આ બંને રાજ્યોમાં મતોની ટકાવારીમાં ભાજપ સૌથી આગળ છે. ગોવામાં ભાજપને 32.5% મત, 13 બેઠકો, કોંગ્રેસને 28.4% મત, 17 બેઠકો. મણિપુરમાં ભાજપને 36.3% મત, 21 બેઠકો, કોંગ્રેસને 35.1% મત, 28 બેઠકો.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 31% મતો અને 282 બેઠકો, તો કોંગ્રેસને 19.31% મતો અને માત્ર 44 જ બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીમાં બસપાનો મળેલા મતોમાં તે પછીનો, ત્રીજો ક્રમ હતો. તેને 4.14% મત મળ્યા હતા. પણ એકેય બેઠક મળી નહોતી. અન્નાડીએમકેને 3.27% મત અને 37 બેઠકો મળતાં તે લોકસભામાં ત્રીજો મોટો પક્ષ બન્યો હતો. તૃણમુલ કોંગ્રેસને તેના કરતાં વધુ (3.84%) મત મળ્યા છતાં 34 બેઠકો મળતાં તે બેઠક સંખ્યામાં ચોથા ક્રમનો પક્ષ બની રહ્યો. 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 32.2% મત મળ્યા હતા, પરંતુ તેને બેઠકો માત્ર 3 જ મળી હતી.
લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોમાં મોટે ભાગે 50% કરતાં ઓછા મત મેળવીને રાજકીય પક્ષોએ સત્તાના સુકાન સંભાળ્યાં છે. વળી આ તો થયેલ મતદાનના આંકડા પરથી મળેલા મતોની ટકાવારી છે. તેમાં જો મતદાન નહીં કરનાર અને મતદાર ન હોય તેને પણ ઉમેરીએ તો સરકારો સાવ જ અલ્પમતથી બનતી હોવાનું સાબિત થાય છે. 2011ની ભારતની વસ્તી 1.21 અબજ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 17.16 કરોડ મત મળ્યા હતા.
કુલ વસ્તીની સરખામણીમાં ભાજપને મળેલા મતો જોઈએ તો તે દેશની માંડ 14.8% વસ્તીની પસંદગીનો પક્ષ છે. પરંતુ લોકસભામાં તેની બેઠકો 282 હોઈ પૂર્ણ બહુમતીની સરકાર છે! આ પ્રકારની ચૂંટણીપદ્ધતિને કારણે સત્તાસ્થાને આવતા પક્ષો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.પી. ફતેહ પછીના દિલ્હી વક્તવ્યમાં કહેલી વાત ખૂબ જ પ્રાસંગિક અને સમયસરની છે કે સરકારો બહુમતીથી બને છે પણ તેણે કામ તો સર્વમતીથી કરવાનું હોય છે. આ બાબત જો સૌ રાજકીય પક્ષો ગાંઠે બાંધે તો જ ભલે ચૂંટણીમાં સર્વનો સાથ ન હોય પણ સર્વનો વિકાસ થઈ શકે. ખરો રાજધર્મ આ જ છે, જે પાળવો બહુ કઠિન છે.
આ ચૂંટણી પરિણામોએ જે અન્ય એક બાબત ઘૂંટી આપી છે તે એ છે કે જાતિ, ધર્મ, કોમ, લિંગ જેવા ભેદોમાં જકડાયેલા મતદારને તેમાંથી બહાર કાઢી શકાય છે. દલિત, આદિવાસી, મુસ્લિમ, મહિલા, જાટ જેવી તરેહતરેહની વોટ બેન્ક ચૂંટણીટાણે નજરે પડે છે. રાજકીય પક્ષો પણ આવી મત બેન્કો ઊભી કરે છે અને તેને પોષે છે. આ ધોરણે ઉમેદવારોની પસંદગી અને હારજીત થાય છે. ઉત્તરપ્રદેશના 14.12 કરોડ મતદારો ચૂંટણી પરિણામો પછી જાતિ-ધર્મ-કોમ-લિંગથી મુક્ત થઈ જશે એવું બનવાનું નથી. પરંતુ રાજકીય પક્ષો જો તેને માત્ર વોટબેન્ક તરીકે જ જોશે અને તે કાયમ તેમના ખિસ્સામાં જ છે તેમ માનશે તો તેમાં હંમેશાં સફળ થવાના નથી.
મુખ્યત્વે દલિતો અને તેમાં ય જાટવોના પક્ષ મનાતા બહુજન સમાજ પક્ષને યુ.પી.માં દલિત વસ્તી 21% હોવા છતાં વિધાનસભાની 87 દલિત અનામત બેઠકોમાંથી માત્ર બે જ મળી છે. તેમ છતાં કેટલાક રાજકીય વિશ્લેષકો બસપાએ તેની જાટવ વોટ બેન્ક અકબંધ રાખ્યાનું કહે છે! જો કે આ વખતે ઉત્તરપ્રદેશમાં બસપાનો દેખાવ સૌથી કંગાળ રહ્યો છે. માયાવતી ચચ્ચાર વખત આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તેમને આ ચૂંટણીમાં 19 જ બેઠકો મળતાં ખુદ માયાવતી માટે રાજ્યસભામાં પુન: ચૂંટાવું મુશ્કેલ બનવાનું છે. સમાજવાદી પક્ષની સરકારમાં 10 મુસ્લિમ મંત્રીઓ હતા. હાલની ધારાસભામાં ભાજપનો એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી. ઉ.પ્ર.ના ઇતિહાસમાં આ સહુથી ઓછા 24 મુસ્લિમ ધારાસભો ધરાવતી વિધાનસભા છે. જો કે વિધાનગૃહોમાં વાજબી રાજકીય પ્રતિનિધિત્વ હોય તો જ વહીવટ અને વિકાસમાં લાભ મળી શકે તે બાબત ચર્ચાસ્પદ છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સમાજવાદી પક્ષ તેણે રાજ્યના કરેલા વિકાસના મુદ્દે લડી હતી. મુખ્યમંત્રી અખિલેશ યાદવ માટે વિકાસ એટલે દિલ્હી-આગરા એકસપ્રેસ વે અને લખનૌ મેટ્રો હતી. અખિલેશની વિકાસવાર્તા એ હકીકત પરથી જણાઈ આવે છે કે માર્ચ-2016માં તેમની સરકારે ચાર વરસ પૂરાં કર્યાં ત્યારે રાજ્ય સરકારે ‘સમાજવાદી સુગંધ’ નામે ચાર જાતનાં અત્તર ખાનગી કંપની પાસે બનાવડાવી લોકાર્પિત કર્યાં હતાં. આ ‘સમાજવાદી સુગંધ’ નામનાં અત્તર લોકો માટે નહોતાં. તે માત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા વિશિષ્ટ મહાનુભાવોને ભેટ આપવા માટે ઉત્પાદિત કરાયાં હતાં.
જો રાજ્યના સમાજવાદી કહેવાતા મુખ્યમંત્રીની વિકાસ વિશેની આ સમજણ હોય અને તેને કાનપુરના ચામડાઉદ્યોગની પડતી, દલિત અત્યાચારો, ખાડે ગયેલી કાયદો વ્યવસ્થા, મહિલા ઉત્પીડન, મુસ્લિમોની બેહાલી, રોજગારનો અભાવ, ગરીબી અને મોંઘવારી નજરે ન ચડતા હોય તો યુ.પી.ના મતદારનો તેમના માટેનો આ જનાદેશ વાજબી છે. આ સાદું સત્ય અખિલેશને ભલે ન સમજાયું, યોગી આદિત્યનાથને સમજાય તો ભયોભયો.
સૌજન્ય : ‘શાણપણના શબ્દો’, “દિવ્ય ભાસ્કર”, 23 માર્ચ 2017