courtesy : "The Hindu", 26 May 2017
courtesy : "The Hindu", 26 May 2017
ઉચ્ચ શિક્ષણમાં અલગ મંતવ્ય-માગણી ધરાનારાને તોડી પાડવા એ એન.ડી.એ. સરકારની ખાસિયત રહી છે
નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળનાં ત્રણ વર્ષનાં શાસન દરમિયાન ઉચ્ચ શિક્ષણમાં સત્તાવાદ અને રાષ્ટ્રવાદના પ્રવેશતો રહ્યો. તેમાં કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની રાજ્ય સરકારો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અ.ભા.વિ.પ.), જમણેરી જૂથો અને અલબત્ત સોશ્યલ મીડિયાના ઉપયોગની ભૂમિકા મહત્ત્વની રહી. આ પરિબળોએ પ્રતીકાત્મક ઝનૂની રાષ્ટ્રવાદથી અલગ દૃષ્ટિકોણ ધરાવનાર, સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં માનનારા વિદ્યાર્થીઓ,અધ્યાપકો અને યુનિવર્સિટીઓની સામે મોરચો માંડ્યો.
યુનિવર્સિટીઓ પર ભા.જ.પ. સરકારે પોતાની નીતિઓ લાદવાની શરૂઆત કરી. ગુજરાતને તેનો અનુભવ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનામાં થયો. આ પરિષદને નામે ઉચ્ચ શિક્ષણના સાંપ્રત માળખાની ઉપર એક નવું પ્રચંડ સત્તામાળખું ગોઠવવામાં આવ્યું છે, જેને તળિયે યુનિવર્સિટીઓની મૂળભૂત સ્વાયત્તતા દટાઈ જવાની છે. પરિષદને લગતાં વિધેયકને વિધાનસભાના છેલ્લા દિવસે કોઈ ચર્ચા વિના કેવળ બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું. ત્યાર બાદ અધ્યાપકોએ તેનો સખત વિરોધ કર્યો, રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી પણ સરકારે મચક આપી નહીં. યુ.પી.એ. સરકારે દાખલ કરેલી આ પરિષદને એન.ડી.એ. સરકારે ચાલુ એટલા માટે રાખી કે એમાં સત્તાનું કેન્દ્રીકરણ હતું. એ જ રીતે અનુદાનિત ઉચ્ચ શિક્ષણ માટે હાનિકારક સાબિત થયેલી સેમિસ્ટર સિસ્ટમ કપિલ સિબ્બલના કાર્યકાળમાં લાદવામાં આવી. તે સ્મૃિત ઇરાનીએ ચાલુ રાખી, કારણ કે તેનાથી ખાનગી શિક્ષણ ક્ષેત્રને અને સરકારને ફાયદો થયો છે. સેમિસ્ટર હઠાવવા માટેની માગણી ગુજરાતમાં હવે રહી રહીને અ.ભા.વિ.પ.એ ઉપાડી છે. ખરેખર તો ડેમૉક્રેટિક સ્ટુડન્ટસ ઑર્ગનાઇઝેશન અને શિક્ષણ બચાઓ સમિતિએ સેમિસ્ટર સિસ્ટમ સામે પાંચ વર્ષથી યથાશક્તિ સાતત્યથી લડત ચલાવી છે. સદ્દભાગ્યે આ વિરોધી સંગઠનોને જુલમ જબરદસ્તીનો સામનો કરવો પડ્યો નથી.
અન્યથા, ઉચ્ચ શિક્ષણમાં અલગ મંતવ્ય અને માગણી ધરાવનારા વિદ્યાર્થીઓને પોલીસ અને કાનૂનની મદદથી તોડી પાડવા એ એન.ડી.એ. સરકારની ખાસિયત રહી છે. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં બહુ સાધારણ પણ ભા.જ.પ.ના માનીતા નટની વડા તરીકેની નિમણૂંકની સામે 11 જૂન 2015થી 139 દિવસ લડનારા વિદ્યાર્થીઓ પર સરકારે ભારે દમન કર્યું હતું, જે જાણીતી વાત છે. તે પછી તરત ખાસ કરીને દિલ્હીમાં ચાલેલી ‘ઑક્યુપાય યુ.જી.સી.’ ચળવળ બહુ ધ્યાનમાં આવી નથી. ઉચ્ચ શિક્ષણને ખાનગી ક્ષેત્રના હાથમાં ધકેલવાના પેંતરાના ભાગ રૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુ.જી.સી.)ને એમ.ફિલ. અને પીએચ.ડી.ના સંશોધકો માટેની ફેલોશીપની નીતિ સાથે કરેલાં ચેડાં વિરુદ્ધ આ ચળવળ ચાલી. તેમાં વિદ્યાર્થીઓ પર વૉટર કૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)ના વિદ્યાર્થી આગેવાન કન્હૈયા કુમાર અને તેના સાથીદારો સામે સરકારે દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ સહિત કડક કાર્યવાહી કરી. એટલા માટે કે તેઓ અફઝલ ગુરુને ફાંસીની સજા, કાશ્મીર સમસ્યા અને દેશભક્તિ સહિત કેટલીક બાબતોમાં શાસક પક્ષથી અલગ વિવાદાસ્પદ મત ધરાવે છે. એ મત લોકોના મોટા વર્ગને કઠે એવા છેડાના છે. પણ લોકશાહીમાં ભિન્ન મતનું સ્થાન, દેશના બંધારણમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, રાજકીય બાબતોમાં અરુઢ યુવા મત, ચર્ચા-વાટાઘાટો-સમજાવટની પ્રક્રિયા, જે.એન.યુ.ની દેશ-દુનિયાના બૌદ્ધિક જગતમાં ખ્યાતિ જેવી અનેક બાબતોનો વિચાર કર્યા વિના કેવળ રાષ્ટ્રવાદનો ઝંડો પકડીને કેન્દ્ર સરકારે યુનિવર્સિટીને રાષ્ટ્રવિરોધીઓના અડ્ડા તરીકે ચિતરવાની ઝુંબેશ ચલાવી. તેનો સામનો જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ટેકેદારોએ કેવી વિચારપ્રેરક ક્રિયાશીલતા દ્વારા કર્યો તે ‘વૉટ ધ નેશન રિઅલિ નીડસ ટુ નો : ધ જે.એન.યુ. નૅશનાલિઝમ લેક્ચર્સ’ (હાર્પર કૉલિન્સ પબ્લિશર્સ, 2016) પુસ્તકમાંથી જાણવા મળે છે. જે.એન.યુ.ના રાજ્યશાસ્ત્ર વિષયના નારીવાદી અધ્યાપક નિવેદિતા મેનન પર ‘રાષ્ટ્રદ્રોહી’ તરીકે એક કરતાં વધુ વખત પસ્તાળ પાડવામાં આવી છે. તેની પાછળનું કારણ કાશ્મીર અને ભારતીય લશ્કર વિશેના તેમના વિચારો છે. લશ્કરના જવાનોનું વિવાદાસ્પદ રીતે ચિત્રણ કરતાં મહાશ્વેતા દેવીની વાર્તા નાટક ‘દ્રૌપદી’ને પણ અ.ભા.વિ.પ. અને સ્થાનિક જૂથોએ રાષ્ટ્રવિરોધી ગણીને અટકાવી દેવાનો બનાવ હરિયાણાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં બન્યો.
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના ગરીબ દલિત આશાસ્પદ વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી. અ.ભા.વિ.પ.ના વિરોધી સંગઠન આંબેડકર સ્ટુડન્ટસ યુનિયનના કાર્યકર્તા રોહિતને યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર અપ્પા રાવે ભા.જ.પ.ના એક મંત્રી અને સ્મૃિત ઇરાનીના દબાણ હેઠળ નિલંબિત કરીને તેની સ્કૉલરશીપ અટકાવી હતી. રોહિતના કમોતનો વિરોધ કરનાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સત્તાવાળાઓએ કરેલી દુર્દશાની વાત ઓછી જાણીતી છે. ટૂંકા ગાળાના નિલંબન પછી અપ્પા રાવને ફરીથી હોદ્દા પર બેસાડવામાં આવ્યા કારણ કે તેઓ ભા.જ.પ.ના કહ્યાગરા હતા. આ જ રીતે કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટૉરિકલ રિસર્ચના પ્રમુખપદે પક્ષને ગમતા અને જ્ઞાતિવાદના પ્રખર સમર્થક વાય.એસ. સુદર્શન રાવની નિમણુંક કરવામાં આવી. વેદકાળના અભ્યાસી અને નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર માનનાર લોકેશ ચન્દ્રને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સના વડા તરીકે ગોઠવવામાં આવ્યા. ઝફર સરેશવાલાની મૌલાના આઝાદ ઉર્દૂ નૅશનલ યુનિવર્સિટીના, એમ. જગદેશ કુમારની જે.એન.યુ.ના વાઇસ-ચાન્સલર તરીકે તેમ જ બલદેવ શર્માની નૅશનલ બુક ટ્રસ્ટના પ્રમુખ તરીકેની નિમણૂકો તેમના જમણેરી જોડાણોને કારણે થઈ હોવાનું ઠીક નોંધાયું છે.
વહાલાંનો સરવાળા સામે દવલાંની બાદબાકી થાય એવો માહોલ ઊભો કરવામાં આવતો રહ્યો. નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગના નિયામક પ્રવીણ સિન્કલેર તેમ જ વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સુશાન્તા ગુપ્તા પર આર્થિક ગેરવ્યવહારોના આરોપો હેઠળ હોદ્દા છોડવાની ફરજ પાડવામાં આવી. જાણીતા અણુવિજ્ઞાની અનિલ કાકોડકરે સરકારી દખલઅંદાજીના વિરોધમાં આઇ.આઈ.ટી.ના બોર્ડ ઑફ ગવર્નર્સમાંથી રાજીનામું આપ્યું. નોબેલ સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને 2015માં નાલંદા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર પદેથી રાજીનામું આપ્યું તેનું કારણ સરકારી હસ્તક્ષેપ.
યુનિવર્સિટીના સરકારી ઉપયોગનું હમણાંનું ઉદાહરણ વિમુદ્રાકરણની આપખુદ અને આપત્તિજનક પ્રક્રિયામાં જોવા મળ્યું . સરકારે ચાર પાનાંના આદેશાત્મક પત્ર થકી તમામ કેન્દ્ર, રાજ્ય તેમ જ ખાનગી યુનિવર્સિટીઓને વિત્તિય સાક્ષરતા આભિયાનમાં જોતરી હતી ! જો કે આના પહેલાની સરકારો આદર્શ હતી એવો દાવો થઈ શકે તેમ નથી જ. પણ ઑથોરિટેરિયન- સત્તાવાદી અભિગમ ઠીક ઓછો હતો. ખરેખર તો શાસનતંત્રનું કામ શિક્ષણના સંચાલનમાં સહાયભૂત થવાનું છે, નહીં કે શિક્ષણને પોતાના તાબા હેઠળ રાખવાનું. યુનિવર્સિટી સરકારનું એક ખાતું નહીં સ્વાયત્ત જ્ઞાનમાર્ગી સંસ્થા હોવી ઘટે.
આવી એક સંસ્થા તે ઑક્સફર્ડ યુનિવર્સિટી. પહેલા વિશ્વયુદ્ધ પછી એકાદ દાયકા બાદ યુરોપમાં ફરીથી ડહોળાઈ રહેલી શાંતિના સંજોગોમાં બ્રિટને શસ્ત્રસજ્જતાની શરૂઆત કરી હતી. યુનિવર્સિટીના એક મોટા હિસ્સાની આ લાગણી તેની વિરુદ્ધ હતી. એટલે ઑક્સફર્ડના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના યુનિયને નવમી ફેબ્રુઆરી 1933ના રોજ એક પેસિફિસ્ટ એટલે કે શાંતિવાદી ઠરાવ પસાર કર્યો. તેનું કેન્દ્રવર્તી વિધાન હતું : ‘આ ગૃહ કોઈ પણ સંજોગોમાં રાજા માટે અને દેશ માટે લડશે નહીં.’ અલબત્ત બ્રિટનમાં આ ઠરાવનો ચર્ચિલ અને સમાજના અનેક વર્ગોમાં વ્યાપક વિરોધ હતો. વળી, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ત્રણેક હજાર કૉલેજના યુવકો યુદ્ધમાં સ્વેચ્છાએ જોડાયા પણ હતા. પણ ગયા ત્રણ વર્ષમાં ઉચ્ચ શિક્ષણ જે રીતે તેની સ્વાયત્તતા ગુમાવી રહ્યું છે ત્યારે આ કિસ્સો મહત્ત્વનો છે.
++++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 26 મે 2017
પ્રહ્લાદ પારેખની આ અન્ય સંદર્ભની કાવ્યપંક્તિમાં માતૃભાષાનું રહસ્ય વણાયેલું છે, એમ મારું માનવું છે. જ્ઞાનની તરસ અને ભૂખ, સમજની કેળવણી અને આદર્શ પરંપરાઓને આત્મસાત્ કરવા. સૂક્ષ્મ સંવેદનોની અભિવ્યક્તિ, લાગણીઓનાં બંધનોની સુચારી માવજત આ બધું માતૃભાષામાં કથન વગર સહજ શક્ય બને ખરું ?
કહેવાય છે કે સ્વભાવની અમુક ખાસિયતો – સકારાત્મક કે નકારાત્મક – વ્યક્તિને ગળથૂથીમાંથી મળે છે અને તેની સાથે મૃત્યુ પર્યંત રહે છે. એમ માતૃભાષા પણ ગળથૂથીમાંથી મળે છે. તો એનો વિચ્છેદ કેમ કરી શકાય ? એ તો umbilical cord છે, નાળ છે જેમાંથી વ્યક્તિના મનનું ઘડતર થાય છે.
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંગ્લિશ(હૈદરાબાદ)માં અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા ગયો ત્યારે બ્રિટિશ કાઉન્સિલના નિષ્ણાતે કહેલું : Mother tongue is like mother’s milk : it nourishes the mind, માતાનું પયપાન બાળકનાં મન અને શરીરને પુષ્ટ કરે છે.
જો બે કાંઠા વગરની નદી સંભવી શકતી હોય તો માતૃભાષા વગર આ બધું સંભવી શકે. પ્રેમ, અકારણ ક્રોધ કે રમૂજમાં કહીએ તો ઝઘડાની (પ્રેમીઓ વચ્ચેના) ભાષા પણ માતૃભાષા હોય તો ધારી અસર ઉપજાવી શકાય. નહીં તો કદાચ આ માટે કરેલા પ્રયત્નો ધાર્યું પરિણામ લાવી ન શકે. વળી સૂક્ષ્મ સંવેદનાઓને વાચા આપવાનું માધ્યમ પણ તે જ બની શકે. કેટલાક અમૂર્ત ખ્યાલો, વિચાર(abstract concepts)ની સમજ માતૃભાષા દ્વારા જ બાળક મેળવી શકે તે કદાચ અન્ય ભાષા દ્વારા મેળવી શકતો નથી એવું સર્વેક્ષણમાં ફલિત થયું છે. ખાસ કરીને પ્રાથમિક તબક્કાનું શિક્ષણ માતૃભાષા દ્વારા થાય એ ઇચ્છનીય છે. આપણી સંસ્કૃિતમાં સંસ્કારસિંચનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને તે માટે ચોક્કસ મૂલ્યોને બાળકમાં સંક્રાંત કરવા માતૃભાષા વગર કોઈ બીજો વિકલ્પ શું હોઈ શકે ? દેશ-વિદેશની વાણી જગમાં હોય અનેક પણ આ માટે તો વાણી અવનીભરમાં એક, આ સનાતન સત્ય છે.
એક વૈશ્વિક સર્વેક્ષણ કહે છે કે વાચન અને લેખન પ્રથમ માતૃભાષામાં થવું જોઈએ. વાચન અને વાચનમાં સરળતા માતૃભાષામાં ઝડપથી અને સરળતાથી આવી શકે છે. વિજ્ઞાનીઓના મતે આઠ વર્ષની નીચેનાં બાળકો નવી ભાષા ઝડપથી શીખી શકે છે અને એ સાચું છે. પરંતુ, એ પણ સાચું છે કે એક ભાષામાં મેળવેલી ક્ષમતા કે કૌશલ્ય બીજી ભાષાઓ શીખવાનો માર્ગ મોકળો કરે છે અને તેથી માતૃભાષા ઉપરની પકડ અન્ય ભાષઓ માટે ઉપકારક બની શકે. વૈશ્વિક સર્વેક્ષણ એમ કહે છે કે Learning the first language expands the cognitive network of a child’s mind, making it easier to grasp the same concepts in a second language. પ્રથમ ભાષાના (ગુજરાતી) અભ્યાસને કારણે બાળકના મનનો વિકાસ અને સમજ કેળવાય છે અને પરિણામે અન્ય ભાષાનાં concepts તે સહેલાઈથી સમજી શકે છે. મા-બાપનો તર્ક કંઈ આવો છે : મારું બાળક ગુજરાતી તો બોલે છે. પછી તેને ગુજરાતીમાં શિક્ષણ આપવાનો અર્થ ખરો ? તર્કની દૃષ્ટિએ આ સાચું લાગે છે પણ તે ભૂલભરેલો તર્ક છે. જો બાળક માતૃભાષામાં પ્રભુત્વ ધરાવશે તો તે બીજી ભાષા(અત્યારે અંગ્રેજી)માં ચોક્કસ કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે. પ્રશ્ન ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજીનો નથી. વાત એમ છે કે સારું ગુજરાતી (માતૃભાષા) એ સારા અંગ્રેજી માટેનો પાયો પૂરો પાડે છે. સુપ્રસિદ્ધ ન્યુરોલૉજિસ્ટ ડૉ. અશોક પાનગરિયા તેમનાં વર્ષો સુધીનાં સંશોધન પછી એવા તારણ ઉપર આવ્યા છે કે બાળકોને માતૃભાષામાં શરૂઆતના તબક્કે શિક્ષણ આપવાથી તેમનું વ્યક્તિત્વ ખૂબ સરળ બને છે અને તેમનામાં શાણપણ (wisdom), કામ કરવાનું પ્રેરકબળ (motivation), સર્જનાત્મકતા (creative) અને પ્રત્યાયનનું કૌશલ્ય (communication skill) જેવા ગુણો સંક્રાંત થાય છે.
આજે જ્યારે માતૃભાષાના ભોગે અંગ્રેજીમાં જ શિક્ષણ આપવાનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ડૉ. પાનગરિયાનું સંશોધન ખૂબ જ મહત્ત્વનું પુરવાર થાય છે. વૈશ્વિકીકરણ અને મજબૂત અર્થતંત્રને કારણે અંગ્રેજીની માંગ વધી રહી છે અને અંગ્રેજી ભાષાનું કૌશલ્ય જરૂરી બની ગયું છે. પરંતુ, શરૂઆતના તબક્કે માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા બાળકના માનસિક વિકાસને રૂંધનારું પરિબળ બની શકે તેવી ચેતવણી તેમણે ઉચ્ચારી છે. તેમના મતે અંગ્રેજી કે અન્ય ભાષા દ્વારા અપાયેલાં શિક્ષણનાં સકારાત્મક પરિણામોનો ડેટા હજુ સુધી પ્રાપ્ત થયો નથી. ડૉ. પાનગરિયાનું જ્ઞાનતંતુઓ ઉપરનું સંશોધન સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ પામ્યું છે અને તેમના મતે ભાષા એ મનુષ્યનો વિશિષ્ટ હક્ક છે અને મનુષ્યના મજ્જાતંત્રમાં ભાષા દ્વારા બુદ્ધિ, પૃથક્કરણ, નિર્ણય લેવાની તેની શક્તિ અને ધાર્મિક વલણોની પુષ્ટિ થતી હોય છે. તેમના સંશોધનમાં એવું પુરવાર થાય છે કે પ્રથમ ભાષામાં અપાયેલા શિક્ષણથી બાળકની દૃષ્ટિ વિશાળ બને છે અને અન્યની કદર કરવાની તથા નવા વિચારોને આત્મસાત્ કરવાની ક્ષમતા વધી જાય છે. તેમનાં શબ્દોમાં “The brain of a primary student is hard wired for the mother tongue and child understanding a subject through it (mother tongue) would be able to assimilate its ideas and interact and cross question in a better way after getting stimulated,” ટૂંકમાં બાળકના મગજનું બંધારણ માતૃભાષાને સ્વીકારવા સજ્જ હોવાથી તેના દ્વારા બાળક વિષયને સરળતાથી સમજી શકે. વિચારને ગ્રહણ કરી શકે અને તેની સાથે આંતરક્રિયા કરી શકે. પ્રશ્નોનું સમાધાન શોધી શકે, કારણ માત્ર એ જ કે તેનું મગજ પૂરતા પ્રમાણમાં ઉત્તેજિત થયેલું હોય છે. ઉદાહરણ આપતાં ડૉ. પાનગરિયા ખ્યાતનામ ભાષાશાસ્ત્રી નોમ ચોમસ્કીને ટાંકીને જણાવે છે કે બાળકમાં રહેલા આંતરિક વ્યાકરણ(innate grammar)ની રચનાને કારણે માતૃભાષાને બદલે (L1) અન્ય ભાષા (અર્હી અંગ્રેજી L2) દ્વારા અપાયેલી સૂચનાનો અર્થ તે ઝડપથી ગ્રહણ કરી શકતો નથી અને તેની વિષયરચનાને સમજી શકતો નથી કારણ તે ભાષા તે બોલી કે વાંચી શકતો નથી. ઉદાહરણ આપી તે સમજાવે છે કે આ તો કોઈ બાળકને તરવાનું શિખવાડ્યા વગર પાણીમાં ડુબાડી રાખવો તેના બરોબર છે. વિશ્વપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી ડૉ. ક્યુમીન્સને ટાંકતાં ડૉ. પાનગરિયા જણાવે છે કે માતૃભાષાને કારણે તેને અન્ય ભાષા ઉપર પ્રભુત્વ મેળવવામાં સરળતા રહે છે. ડૉ. ક્યુમીન્સ તેમના દ્વિભાષાકીય શિક્ષણના સંશોધન માટે ખૂબ જાણીતા છે. ડૉ. પાનગરિયા મગજ, શરીર અને મનનાં સંશોધનમાં હાલમાં પ્રવૃત્ત છે અને એ દ્વારા તેઓ વિજ્ઞાન, ફિલસૂફી અને ધર્મને સાંકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અંતમાં તેઓ જણાવે છે કે માતૃભાષા એ બાળકની વૈયક્તિક, સામાજિક અને સાંસ્કૃિતક ઓળખ માટે જરૂરી છે અને તે દ્વારા શિક્ષણ મેળવવાનો તેનો હક્ક છીનવી લઈને આપણે તેની શીખવાની ક્ષમતા ઉપર બિનજરૂરી કાપ મૂકી રહ્યા છીએ.
માતૃભાષાના સમર્થનમાં એક અન્ય અભ્યાસનાં તારણો પણ જાણવા રહ્યા. Programme for International Student Assessment (PISA) દ્વારા બાળકો માટે લેવાયેલાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 73 રાષ્ટ્રોમાં ભારતનો ક્રમ 72મો હતો. આ સંદર્ભે થયેલા સર્વેક્ષણમાં એક તારણ એવું હતું કે પ્રાથમિક કક્ષાએ અંગ્રેજી દ્વારા અપાતા શિક્ષણની અસર તેમના Learning outcome ઉપર પડે છે. ગરીબ માબાપો પણ અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકોને મોકલતાં થયાં છે અને અધકચરું અંગ્રેજી જાણતા શિક્ષકો દ્વારા બિલાડીના ટોપની જેમ શરૂ થયેલી શાળામાં શિક્ષણકાર્યથી વિપરીત અસરો પેદા થાય છે. જે બાળકો પોતાની માતૃભાષામાં સરળતાથી વાંચી શકે તેઓ સહેલાઈથી અંગ્રેજી શીખી શકે છે. આનો અર્થ એ છે માતૃભાષાથી શરૂ કરો અને અંગ્રેજીને ધીમે ધીમે શરૂ કરો. સરકારે શિક્ષણ પાછળ કરેલા ખર્ચાનું વળતર ન મળવાનું એક કારણ અપરિપક્વ કક્ષાએ શીખવાતું અંગ્રેજી હોઈ શકે એવું સર્વેક્ષણમાં જણાય છે અને ભારતનો 72મો ક્રમ પણ આ વાત પુરવાર કરે છે.
માતૃભાષાને બચાવવા લેખ લખવો પડે એ દુઃખદ ઘટના છે, પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં એને ધર્મકાર્ય ગણી અહીં વિચારો વ્યક્ત કર્યા છે. આવનાર વર્ષોમાં માતૃભાષા અને વૈશ્વિક ભાષા(અંગ્રેજી)નો અભ્યાસ બળવત્તર બને તેવી આશા રાખીએ. બંનેને સિક્કાની બે બાજુઓ ગણીએ તો કદાચ સંઘર્ષ નિવારી શકાય અને ગુજરાતીને દુર્બોધ બનાવવાના પ્રયત્નો નિવારીએ અને રોચક બનાવીએ તો તે પ્રત્યે આકર્ષણ થાય.
સૌજન્ય : “વિશ્વવિહાર”, વર્ષ : 19; અંક : 08; મે 2017; પૃ. 07-09