વિશ્વ કૅન્સર દિવસ
અમેરિકાના કૅન્સર નિષ્ણાત સિદ્ધાર્થ મુખર્જીના 'The Emperor of All Melodies : A Biography of Cancer' પુસ્તકનો 'કૅન્સરની જીવનગાથા' નામે વાચનીય અનુવાદ કરીને વડોદરાના કર્મશીલ તબીબ ડૉ. કિરણ ન. શીંગ્લોત આપણા સમયનું એક વિશ્વવિખ્યાત પુસ્તક ગુજરાતીમાં લાવ્યા છે. તે વડોદરાના યજ્ઞ પ્રકાશને કોરોનાકાળમાં એટલે કે જૂન 2020માં બહાર પાડ્યું છે.
આ પુસ્તકમાં ઇસવીસન પૂર્વેના સમયથી લઈને અત્યાર સુધીમાં થતી રહેલી વિવિધ પ્રકારના કૅન્સર રોગની શોધ, તેની પરનાં સંશોધનો અને આ અકળ વ્યાધિની સારવારનો માહિતીથી ખીચોખીચ ભરેલો આલેખ આપ્યો છે.
પુસ્તકને અંતે મૂકવામાં આવેલી લાંબી મુલાકાતમાં ડૉ.મુખર્જી કહે છે :
‘એમાં [પુસ્તકમાં] મેં માનવજાતિ કૅન્સરને સંભવત: જાણતી થઈ ત્યારથી શરૂ કરીને તે છેક અદ્યતન સમય સુધીનો તેનો સમગ્ર ઇતિહાસ તેમ જ તેના વિકાસ અને માનવીની તેની સામેની લડાઈની વાત માંડી છે … આ પુસ્તક સામાન્ય જનતા માટે છે … પુસ્તકનું આલેખન કરતી વેળાએ મેં એવો નિયમ બનાવેલો કે કૅન્સર જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં સામાન્ય માનવીના જીવનને સ્પર્શે તેવો એક પણ મુદ્દો બાકી ન રહેવો જોઈએ.'
(તસવીર : અનુવાદક અને પુસ્તકનું મુખપૃષ્ઠ)
પોણા ચારસો પાનાંના પુસ્તકના સાત ખંડોમાં લેખકે આવરી લીધેલી બાબતોમાંથી કેટલીક આ મુજબ છે : ઇતિહાસમાં કૅન્સરના ઉલ્લેખો, કૅન્સરની અણુવૈજ્ઞાનિક (મોલિક્યુલર) ભૂમિકા અને તેનું જનીનવિજ્ઞાન, કૅન્સરનું રોગકારણ સમજવામાં અને તેની ચોક્કસ સારવાર શોધવામાં અનેક દેશોના તબીબો / વિજ્ઞાનીઓએ કરેલા પ્રચંડ પરિશ્રમ, કૅન્સરના નિદાન માટે વખતોવખત શોધવામાં આવેલી પદ્ધતિઓ, કૅન્સર નિવારણ માટેની કામગીરી, નિવારણ અને સારવારનું રાજકારણ.
તદુપરાંત, અમેરિકામાં સિગરેટના દૂષણને નાથવા માટે વિજ્ઞાનીઓ અને જાગૃત નાગરિકોએ સિગરેટ બનાવનાર કંપનીઓ અને તેમને સાથ આપનાર રાજકારણીઓની સામે માંડેલી લડત પુસ્તકનો નોંધપાત્ર હિસ્સો છે.
કાપડ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, વિશ્વયુદ્ધો, માધ્યમો, કલાકારો, ધનપતિઓ, યુરોપના દેશોમાં ચિમનીઓ સાફ કરનારા બાળકો, એઇડસનો વ્યાધિ જેવી નાનાવિધ બાબતો સાથે ગૂંથાયેલા કૅન્સરના તાણાવાણા વિશે વાંચતા અચંબો થાય છે. ત્રીસેક વૈજ્ઞાનિકોના પ્રદાનની લેખકે અહીં સંદર્ભોચિત, સપ્રમાણ, ગૌરવપૂર્ણ નોંધ લીધી છે.
ક્લિનિકલ ટ્રાયલ્સના કિસ્સા તેમ જ સંખ્યાબંધ દરદીઓના વીતકોનું લાગણી અને કૃતજ્ઞતાથી કરેલું બયાન આ પુસ્તકનો હૃદયસ્પર્શી હિસ્સો છે. ડૉક્ટરોની પોતાની વ્યથાના અનેક ઉલ્લેખો મળે છે. પુસ્તકમાં કેટલીક જગ્યાએ પ્રથમ વ્યક્તિ એકવચની કથન (first person narration) છે. ‘સામાન્ય શરીરની વિકૃત આવૃત્તિ’ નામના પાંચમા ખંડના પહેલા પ્રકરણ ‘એક કારણ’માં દરદીઓની વચ્ચે રહીને સંશોધન કરનાર લેખકની ખુદની મનોવેદના વાંચવા મળે છે. ડૉ. મુખર્જી 2003માં 33વર્ષની વયે અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કૅન્સર મેડિસિનની અદ્યતન તાલીમ માટે દાખલ થયા હતા. અનુવાદક નોંધે છે : ‘ઊગતી કારર્કિર્દીના આ વર્ષો દરમિયાન એમનાં મનમાં જે મંથન થયું તેમાંથી આ પુસ્તકનો જન્મ થયો.’ તેને પુલિત્ઝર પુરસ્કાર સહિત દસ જેટલાં આંતરરાષ્ટ્રીય ઇનામો પણ મળ્યાં.
સારવારના સતત અખતરામાંથી ઊભી થતી દરદીની રિબામણીના ભોગે થતું અને છતાં ય એકંદર માનવજાતિ માટે જરૂરી સંશોધન વાચકને એક અસ્વસ્થ મનોસ્થિતિમાં મૂકે છે. જો કે લેખક હતાશ નથી. 'વિજ્ઞાને હવે ઘણાં કૅન્સર પર વિજય મેળવ્યો છે' એમ લખીને તે 1990થી 2005ના ગાળાનો અમેરિકાનો દાખલો આપીને નોંધે છે : ‘ફેંફસાં, સ્તન, મોટું આંતરડું, પ્રોસ્ટેટ એ દરેક મુખ્ય કૅન્સરને કારણે થતાં ધીમી પણ મક્કમ ગતિથી સતત ઓછો થઈ રહ્યો હોવાનાં એંધાણ વર્તાય છે.' મુલાકાતમાં તે કહે છે : '…સંપૂર્ણ અશાવાદી પણ નહીં અને છેક નિરાશાવાદી પણ નહીં એવો મધ્યમ માર્ગ સ્વીકારીને આ પુસ્તક લખાયું છે. કૅન્સર સંશોધનના ક્ષેત્રમાં ચિત્ર એક લોલકની જેમ સતત બદલાતું રહ્યું છે.'
કૅન્સર વિશે ગુજરાતીમાં આવેલાં દસેક પુસ્તકો, જાણકાર ગ્રંથપાલ તોરલબહેન પટેલ મિનિટોમાં હાજર કરે છે. સન્નિષ્ઠતાથી લખાયેલાં આ નાનાં-મોટાં પુસ્તકો માહિતી, ઉપચાર અને સ્વકથન પ્રકારના છે. યજ્ઞ પ્રકાશન, માનવીય ટેક્નોલોજી ફોરમ અને અન્ય નિસબત ધરાવતાં જૂથો દ્વારા કૅન્સર જાગૃતિ અંગે સેમિનાર, જાગૃતિ અભિયાન અને પ્રકાશન જેવાં કામ બિનધંધાદારી રીતે સમાજકાર્ય તરીકે હાથ ધરાતાં રહ્યાં છે, જેની મહિતી રજનીભાઈ દવેએ લખેલા આ અનુવાદના ‘પ્રકાશકીય’માં મળે છે.
ડૉ. શીંગ્લોતના સારાનુવાદની ખાસિયત એ છે કે તે વાંચતી વખતે એકંદરે ગુજરાતી મૌલિક પુસ્તક વાંચતા હોઈએ એવું લાગે છે. મૂળ અંગ્રેજી લખાણને કોઈ કરામતો વિના આપણી ભાષાના સામાન્ય વાચક માટે રસપ્રદ બનાવવાની સિદ્ધિ અનુવાદકે હાંસલ કરી છે. ચોટદાર નામથી શરૂ થતું પ્રકરણ સરળ રીતે અંત સુધી પહોંચે છે.
અલબત્ત,આ પુસ્તક કથારસનું પુસ્તક નથી. તેમાં ઘણી બધી ટેકનિકલ વિગતો છે તે કોઈ વાચકને છોડી દેવા જેવી લાગે, કેટલીક દુર્બોધ લાગે, કેટલીક જગ્યાએ કંટાળો આવે એમ પણ બને. છતાં પુસ્તક કૅન્સરની જટીલતા ઉપરાંત તેની સામેની માનવસંસ્કૃતિની, civilizationની લડતનો અત્યંત પ્રભાવક ખ્યાલ આપે છે. આપણા સમાજની વધતી અવૈજ્ઞાનિકતાના સમયમાં વિજ્ઞાનમાંનો આપણો વિશ્વાસ દૃઢ બને છે.
પુસ્તકની મહત્તામાં ડૉ. સિદ્ધાર્થ મુખર્જીના જ્ઞાનખચિત લેખન સાથે અનુવાદક ડૉ. કિરણ શીંગ્લોતની મહેનત પણ બિલકુલ સ્પષ્ટ થાય છે. આ ડૉક્ટર ખાનગી પ્રૅક્ટિસ કરતા નથી અને પદ-પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિ-પૈસાના ચક્રોથી દૂર રહે છે. વૈદકવિદ્યા વ્યાસંગી કિરણભાઈએ ભ્રમણપૂર્ણ વ્યસ્તતા સાથેના તબીબી સેવાકાર્ય વચ્ચે મૌલિક લખાણ અને અનુવાદનાં થઈને વીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. 'જ્યાં ડૉક્ટર ન હોય' એ માર્ગદર્શક ગ્રંથની જેમ 'કૅન્સરની જીવનગાથા' પુસ્તક માટે વાચકો ડૉ. શીંગ્લોતના ઋણી છે.
પુસ્તકનાં પ્રાપ્તિસ્થાન :
ગૂજરાત વિદ્યાપીઠ પુસ્તક ભંડાર, અમદાવાદ. ફોન 079-400016269
‘ભૂમિપુત્ર’ કાર્યાલય, હિંગળાજ માતાની વાડીમાં, હુજરાત પાગા, વડોદરા. 0265-2437957
04 ફેબ્રુઆરી 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર