નવસેરો હાર નંદવાયો ને બાઈ, મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં
ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ : આ કહેવત ચોમાસામાં નક્કામી
મોતીની માળા રાણા, શું રે કરવી છે?
તુલસીની માળા લઈને પ્રભુને ભજવા છે રે.
મીરાંબાઈ આમ કહી શકે કારણ તેઓ પોતાની એક જૂદી દુનિયામાં વસતાં અને શ્વસતાં હતાં. પણ આજથી છ-સાત દાયકા પહેલાંની મધ્યમ વર્ગની ગુજરાતી ગૃહિણી આમ કહેતી નહિ. એ તો મનોમન રાહ જોતી કે ક્યારે કોઈ નજીકના કુટુંબીને ત્યાં લગ્ન આવે, અને ક્યારે એનાં મોતીનાં માળા, ઝૂમણાં, બાજુબંધ, કંગન, રવિફૂલ, અને બીજાં ઘરેણાંનો નવાવતાર થાય. એ વખતે સાચાં મોતીનાં ઘરેણાંની બોલબાલા. અરબસ્તાનના દરિયામાં પાકતાં સાચાં મોતી, ભલે મોંઘા, પણ મળી રહેતાં. અને સાચાં મોતીનાં ઘરેણાં સારે પ્રસંગે પહેરવાં એ ‘ઇન-થિંગ’ હતું. પણ મોતીનાં ઘરેણાંની એક મુશ્કેલી. ભલે મજબૂત, પણ મોતી દોરામાં પરોવાય. પહેરનારનો પરસેવો, ક્યારેક પાણીથી ભીંજાય. અને આમે ય તે દોરાની આવરદા કેટલી? એટલે દર ત્રણ-ચાર વરસે મોતીનાં ઘરેણાં ફરીથી પરોવવાં પડે. નહિતર પેલું ગીત ગાવાનો વારો આવે :
નવસેરો હાર નંદવાયો ને બાઈ!
મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં.
ખોવાઈ ગયાં મોતી, ને બાઈ!
એનો દોરો ઝૂલે છે હજી ડોકમાં.
મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં
મોતી જાય, અને દોરો રહી જાય એવું ન થાય એ માટે પરોણીગરને ઘરે બેસાડતાં પહેલાં પણ સારો દિવસ તો જોવાનો જ. એ વખતે મોટા ભાગના પરોણીગર સુરત કે ખંભાતના જૈન વાણિયા. સ્થૂળકાય પરોણીગર ભાગ્યે જ જોવા મળે. કપાળમાં પીળો ચાંદલો. લાલ કે લીલી કિનારનું સફેદ ધોતિયું. આજે જેવી બોલબાલા છપ્પનની છાતીની છે તેવી એ વખતે છપ્પનિયા ડગલાની. લાંબી બાંયના ખમીસનાં કફ લિન્ક્સ ચાંદીનાં. યજમાનને યથાયોગ્ય રીતે જય શ્રી કૃષ્ણ કે જય હાટકેશ, કે જય અંબે કહેતાં સહેજ પણ અચકાય નહિ. ઘરમાં હવા-ઉજાસવાળી જગ્યાએ આસન માંડે. સામે લાકડાનો બાજોઠ. તેના પર લાલ રંગનું કપડું એક પણ સળ ન રહે તે રીતે બાંધે. એક પછી એક મોતીનો દાગીનો હાથમાં લે. કોઈ કુશળ કાર્ડિઆક સર્જન જેમ કાપો મૂકે તેમ ધારદાર કાતરથી દોરા કાપે. પછી નાનાં-મોટાં કાણાંવાળી નાનકડી ચાળણીઓથી ચાળીને મોતીના નાના-મોટા દાણા જુદા પાડે. અરીઠાના પાણીમાં ધોઈને સાફ કરે. બંગડી, પેન્ડન્ટ જેવાં ઘરેણાં માટે સોને રસેલાં જુદી જુદી ડિઝાઈનનાં ‘ઘરાં’ પોતાની સફેદ થેલીમાંથી કાઢીને બતાવે. ઘરાક પોતે બીજા ભોઈવાડામાંથી લઈ આવ્યા હોય તો ય વાંધો નહિ. ઘરનાં બૈરાં અંદર-અંદર મસલત કરીને ઘરાં પસંદ કરે, ભાવતાલ થાય. અને પછી કામ શરૂ થાય નવા દાગીના પરોવવાનું. સફેદ, પાતળા, મજબૂત દોરાને એક છેડે લાંબી, પાતળી સોય. એક પછી એક મોતી પરોવાતું જાય. નવું ઘરેણું તૈયાર થતું જોઈને વહુઆરુની છાતી ગજ-ગજ ફૂલે.
વિલે પાર્લે ઇસ્ટની એક ઝવેરીની દુકાન બહાર બેસતા પરોણીગર દેવેંશ મોતીવાલા. તસવીર સૌજન્ય : ડો. પ્રીતિ જરીવાલા
પણ પછી સાચાં મોતી મળતાં લગભગ બંધ થયાં. કલ્ચર મોતી આવ્યાં, જાપાની મોતી આવ્યાં, ખોટાં મોતી આવ્યાં. સિન્થેટિક દોરા વપરાતા થયા. ધીમે ધીમે મોતીની ફેશન ઓછી ને ઓછી થતી ગઈ. હીરા અને સોનું ફેશનમાં આવ્યા. વળી મોતીની રિસેલ વેલ્યૂ ઓછી. એટલે એવી કહેવત પણ સાંભળવા મળતી કે ‘મોતીની મા રોતી.’ આજે હવે કેટલાક ઝવેરીની દુકાનની બહાર પરોણીગર બેઠેલા જોવા મળે. પણ સાચા મોતીનું કામ બહુ ઓછું. બીજા, જાત જાતના ‘પારા’નાં ઘરેણાં પરોવી આપે.
***
‘સોના ઇંઢોણી, રૂપા બેડલું રે નાગર ઊભા રહો રંગ રસિયા.’
પણ રૂપાનું બેડલું એ તો કલ્પનાની દુનિયાનું. એક જમાનામાં ઘરના રસોડામાં તો પિત્તળનું રાજ. આજે ઘણી મહેનત કરો તો કદાચ ઘરમાંથી પિત્તળનો એકાદ જૂનો પ્યાલો કે નાની રકાબી મળી આવે, વરસોથી વણવપરાયેલાં. એક જમાનામાં રસોડામાં લાકડાની અભરાઈઓ પર હારબંધ ગોઠવાયેલાં પિત્તળનાં ચકચકતાં વાસણ એ ઘરનું આભૂષણ. પણ આ વાસણની એક મુશ્કેલી. દર બે-ચાર મહીને તેને કલાઈ કરાવવી પડે. એટલે વરસમાં ત્રણ-ચાર વખત તો કલાઈ કરવાવાળો ઘરે આવે જ. રસોઈ થઈ જાય અને ઘરનાં બધાં જમી લે પછી કલાઈવાળો આવે. તેમાંના ઘણા પુરબિયા મુસ્લિમ. માથે સફેદ ગોળ ટોપી. બાંયો ચડાવેલું ખમીસ. મેલો પાયજામો. કાબરચીતરાં દાઢી-મૂછ. એની સામે પિત્તળનાં વાસણોનો ઢગલો થાય. એક પછી એક વાસણને તપાવીને ગરમ કરે. તેના પર નવસારનો સફેદ પાવડર છાંટીને કલાઈનો તાર કે પાતળી ‘સ્ટિક’ વાસણમાં ફેરવે. કપડાના ચોખ્ખા કટકાથી કલાઈને આખા વાસણમાં સરખી રીતે ફેલાવી દે. અને પછી વાસણ ઝબોળાય પાણીથી ભરેલા વાસણમાં. પહેલાં ચોક્કસ ગંધવાળો ધૂમાડો, અને પાણીમાં ઝબોળાય ત્યારે થાય છમકારો. પિત્તળનું વાસણ અંદરથી ચાંદીનું હોય એવું ઝગારા મારે. પણ જેમ અજવાળા-અંધારાની આવનજાવન સતત ચાલ્યા કરે છે તેમ ઝગારા ઝાંખા પડતા જાય. વાસણ અંદરથી કાળું પડતું જાય. ફરી કલાઈવાળાને યાદ કરાય. આદિ શંકરાચાર્યની વાત યાદ આવે : ‘પુનરપિ જનનમ્, પુનરપિ મરણમ્.’
પિત્તળનાં વાસણને ચમકાવતો કલાઈવાળો
પણ પછી એક રાજાને પદભ્રષ્ટ કરીને બીજો રાજા સિંહાસન પર ચડી બેસે તેમ પિત્તળને અભરાઈભ્રષ્ટ કરીને સ્ટેનલેસ સ્ટીલનાં ઝગારા મારતાં વાસણ બંધ બારણાંવાળી કિચન કેબિનેટમાં ગોઠવાઈ ગયાં. જુદી જુદી ધાતુઓનું મિશ્રણ કરીને, ખાસ પ્રક્રિયા વડે સ્ટેનલેસ સ્ટીલ બનાવાય છે. અનેક જુદાં જુદાં ક્ષેત્રોમાં આજે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે. વાસણમાં વપરાતું સ્ટેનલેસ સ્ટીલ તો કુલ ઉત્પાદનનો નાનકડો ભાગ છે. શરૂઆતમાં સ્ટેનલેસ સ્ટીલ પરદેશથી, ખાસ કરીને જાપાનથી, આવતું. પણ પછી આ બાબતમાં ઘણાં વરસ પહેલાં આપણો દેશ ‘આત્મનિર્ભર’ થઈ ગયો છે. તેમાં ય વાસણો માટે તમિલનાડુમાં આવેલા સાલેમ શહેરનું સ્ટેનલેસ સ્ટીલ વખણાય છે. પરદેશી કાચના ડિનર સેટ, ટી સેટ, પારદર્શક કાચવાળી ‘એન્ટિક લૂક’ના વોલ યુનિટમાં શોભવા લાગ્યા. લગભગ દરેક બાબતમાં વધુ નહિ તો બે મત તો હોય જ છે. એટલે કેટલાક કહે છે કે કલાઈ કરેલા વાસણમાં રાંધેલી વસ્તુઓ સાથે રોજ થોડી થોડી કલાઈ પણ પેટમાં જાય એથી ફાયદા થાય. તો બીજા કહે છે કે કલાઈ એ એક હલકી જાતની ધાતુ છે અને આરોગ્ય માટે હાનિકારક છે. પણ પિત્તળનાં વાસણો ગયાં તેની સાથે નવસારની ગંધ ગઈ, કલાઈની સ્ટિક ગઈ, છમકારો ગયો, કલાઈવાળો પણ ગયો.
***
કહેવાય છે કે જબ ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. પણ આ કહેવત ચોમાસામાં નક્કામી. ગળતા છાપરામાંથી વરસાદનું પાણી ઘરમાં આવે એને ઉપરવાળાની ભેટ ન મનાય. એમાં તો પાણી પહેલાં પાળ બાંધવી પડે. એ વખતે મુંબઈમાં મોટા ભાગનાં મકાન બહુ બહુ તો ચાર-પાંચ માળનાં. સૌથી ઉપર નળિયાવાળું છાપરું. એ જમાનામાં જેમ મુંબઈની વસતી ‘દેશી’ અને ‘પરદેશી’માં વહેંચાયેલી, તેમ મકાનોનાં છાપરા પણ દેશી નળિયાં અને પરદેશી નળિયામાં વહેંચાયેલાં. આખા મકાન પર અગાસી હોય એવું ઓછું જ જોવા મળે. દેશી નળિયાં હાથે બનાવેલાં, અર્ધગોળાકાર, નીભાડામાં પકવેલાં, ઝાંખા કાળાશ પડતા કથ્થાઈ રંગનાં. વિલાયતી નળિયાં મશીનમાં બનાવેલાં, લગભગ સપાટ, એક સરખા માપનાં, ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પકવેલાં, ચમકતા લાલ રંગનાં. પણ નળિયાં ગમે તે હોય, દેશી કે વિલાયતી, વરસે – બે વરસે છાપરું ‘ચળાવવું’ પડે. એ કામ કરે ડામરિયા. બિલ્લીપગે એક જણ છાપરા પર ચડીને બધાં નળિયાં ખસેડી નાખે. પછી છાપરા પર પાતળું કપડું પાથરી દે. તેનો જોડીદાર નીચે ભઠ્ઠીમાં ડામર ગરમ કરતો હોય. બરાબર ગરમ થઈ જાય એટલે ઉપરવાળાને હાક મારે. મજબૂત દોરડાને છેડે બાંધેલું ડબલું એ નીચે ઉતારે. ધગધગતો ડામર ડબલામાં રેડાય. દોરડું ખેંચીને ડબલામાંનો ડામર છાપરે ચડાવે, અને ફટાફટ છાપરા પર પાથરી દે. ફરી ડબલું નીચે, ફરી ગરમાગરમ ડામર ભરાય, ફરી ડબલું ઉપર ખેંચાય. આખા છાપરા પર ડામર પથરાઈ જાય ત્યાં સુધી એપ્રિલ-મેના ભર તડકામાં, આમ ચાલ્યા કરે. ગળતા છાપરાને કારણે ભીંજાઈ ગયેલી ભીંતોની જેમ ડામરિયો પરસેવે ભીંજાઈ જાય. ડબલું ઉપર ખેંચવા માટે જીવના જોખમે છાપરાની ધારે ઉભડક બેસે, કે ક્યારેક ઊંધો સૂઈ પણ જાય. આખા છાપરા પર લગાડેલો ડામર સૂકાઈ જાય પછી નળિયાં પાછાં એની જગ્યાએ ગોઠવી દે. થોડાં ભાંગેલાં તૂટેલાં નળિયાંની જગ્યાએ નવાં ગોઠવાઈ જાય.
ડામરિયા ડામર લગાવ
પણ પછી મકાનોને માથેથી નળિયાંની લાલ પાઘડીઓ ગઈ, અને ખુલ્લા માથા જેવી અગાસીઓ આવી. વોટર લીકેજનાં જાતજાતનાં ‘સોલ્યુશન્સ’ આવ્યાં. જે કામ બે-ત્રણ માણસો કરતા તે કરવા માટે મોટી મોટી કન્સલટન્ટ કંપનીઓ ઊભી થઈ. અને છતાં આજે પણ દર ચોમાસે મલબાર હિલ પરના ગવર્નરના બંગલામાં પણ ‘વોટર લીકેજ’નો પ્રોબ્લેમ ઊભો થાય જ છે. હા, આજે પણ ગિરગામ, કાલબાદેવી જેવા તળ મુંબઈના વિસ્તારોમાં એપ્રિલ-મેમાં ડામરિયા જોવા મળે ખરા. જો કે એમાંના ઘણા હવે ધગધગતા ડામરને બદલે ‘કોલ્ડ ટાર મિક્સ’ વાપરતા થયા છે.
શું પ્રકૃતિનો, કે શું સંસ્કૃતિનો અફર નિયમ એક જ છે કે આ દુનિયામાં કશું જ અફર નથી. જે સતત ગતિશીલ છે તે જ છે જગત. અને એટલે જ પરોણીગર, કલાઈવાળો, ડામરિયો હળવે સાદે કવિ નર્મદની પંક્તિ ગણગણતા સંભળાય છે :
‘નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.’
E.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 ફેબ્રુઆરી 2022