courtesy : "The Times of India, 30 March 2018
courtesy : "The Times of India, 30 March 2018
જૂના સંસ્થાનવાદમાં નિર્બળ પ્રજાની જમીનને કૉલોની બનાવવામાં આવતી હતી જ્યારે નવસંસ્થાનવાદમાં નિર્બળ માનસને કૉલોની બનાવવામાં આવી રહી છે
તમે કોઈના ઘરે અમસ્તા થોડી નારાજગી પ્રગટ કરવા કે ઠપકો આપવા ગયા હો અને એમાંથી વાત વણસી જાય, ગંભીર ઝઘડો થઈ જાય અને કોઈ અનર્થકારી ઘટના બની જાય એ પછી જે આઘાત અને ગમગીની જોવા મળે એવી ગમગીની બ્રેક્ઝિટ પછી જોવા મળી હતી. કોઈએ કલ્પના નહોતી કરી કે વાત વણસી જશે.
ડેવિડ કૅમરન બ્રિટિશ વડા પ્રધાન હતા. તેમની એવી સમજ હતી કે સમાજમાં જ્યારે ઊભી તિરાડ પડતી નજરે પડે ત્યારે લોકતાંત્રિક માર્ગે લોકમત લઈ લેવો એટલે કોઈને કહેવાપણું ન રહે કે અમારી વાત કોઈ સાંભળતું નથી. ૨૦૧૬ના જૂન મહિનામાં બ્રિટન યુરોપિયન યુનિયનમાં રહેવા માગે છે કે કેમ (બ્રેક્ઝિટ) એ બાબતે લોકમત લેવામાં આવ્યો એ પહેલાં કૅમરન બે લોકમત લઈ ચૂક્યા હતા. બ્રિટનની આપદાઓનું કારણ યુરોપ છે અને યુરોપિયન સંઘમાં રહેવાથી બ્રિટનને ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે એવો ઊહાપોહ યુરોપના સંઘની રચના થઈ ત્યારથી થતો આવે છે. દેશપ્રેમીઓ અને રાષ્ટ્રવાદીઓ દરેક દેશમાં અને દરેક યુગમાં હોય છે જેને નાની-નાની વાતે પેટમાં દુખતું જ રહેતું હોય છે અને તેઓ દરેક આપદા માટે બીજાઓને જવાબદાર ઠેરવતા હોય છે.
બ્રિટન આમાં અપવાદ નહોતું અને એમાં વળી ૨૦૦૮ પછી જગતમાં મંદી બેઠી એટલે બ્રિટનની દરેક પીડાનું કારણ યુરોપિયન સંઘ છે એવું સરળીકરણ રાષ્ટ્રવાદીઓએ કરવા માંડ્યું. ડેવિડ કૅમરનને લાગ્યું કે ગુસ્સાને નીકળવા માટે રસ્તો કરી આપવો જોઈએ. થોડી ઠપકા-ઠપકી થશે, થોડી બોલાચાલી થશે અને વાત પતી જશે. તેમણે કલ્પના પણ નહોતી કરી કે બોલાચાલી ઊભી તિરાડમાં પરિણમશે અને કોઈ અનર્થ થઈ જશે. ૨૦૧૬ની ૨૩ જૂને જ્યારે બ્રેક્ઝિટના લોકમતનું પરિણામ આવ્યું ત્યારે બ્રેક્ઝિટની તરફેણમાં મત આપનારાઓને પણ આઘાત લાગ્યો હતો. ઠપકો આપવા જનાર માણસના હાથે અજાણતા ગુસ્સામાં ખૂન થઈ જાય અને જે સ્થિતિ બને એવી સ્થિતિ બ્રિટનમાં બની ગઈ હતી. આખા દેશમાં સોપો પડી ગયો હતો. એ સામૂહિક ગ્લાનિમાંથી બ્રિટન આજે પણ બહાર નીકળ્યું નથી.
ઘટના બહુ જ મોટી અને ગંભીર હતી. ડેવિડ કૅમરને રાજીનામું આપ્યું હતું અને વર્તમાન વડા પ્રધાન થેરેસા મેની રાજકીય હાલત નાજુક છે. આવું બન્યું કેવી રીતે? અત્યાર સુધી બાય ઍન્ડ લાર્જ મધ્યમ માર્ગે ચાલનારી પ્રજા એકદમ અંતિમે જાય કેવી રીતે? રાજકીય સમીક્ષકો અને સમાજશાસ્ત્રીઓ ત્યારે એમ માનતા થયા હતા કે આર્થિક વિકાસનો રથ થંભી ગયો છે એટલે નિરાશ-હતાશ પ્રજા જમણેરી પ્રતિક્રિયાવાદી વલણ અપનાવતી થઈ છે એનું આ પરિણામ છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પ્રસારિત થતી સાચી-ખોટી માહિતીના પ્રભાવે પણ કાંઈક અંશે કામ કર્યું હશે એમ માનવામાં આવતું હતું. આ બન્ને દલીલોમાં તથ્ય હતું, પરંતુ એનો પ્રભાવ કેટલો હોય? જે પ્રજા હજી ગઈ કાલ સુધી વિવેક ધરાવતી હતી એ ઘડિયાળના લોલકની જેમ અંતિમે ફંગોળાય?
સમાજશાસ્ત્રીય ખુલાસાઓ કરવામાં આવતા હતા, જાગતિક વિમર્શ ચાલતો હતો; પણ કોયડારૂપ પ્રશ્ન તો મનમાં હતો જ કે આવું બને કેવી રીતે? હવે એનો ઉત્તર મળી ગયો છે. એ સોશ્યલ મીડિયાનો પ્રભાવ નહોતો, સોશ્યલ મીડિયા દ્વારા કરવામાં આવેલું માનવચિત્તનું એન્જિનિયરિંગ હતું. બ્રિટનમાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકા નામની એક ખાનગી કંપની સ્થપાઈ જેણે પોતાના ક્લાયન્ટોને સમજાવવાનું શરૂ કર્યું કે સોશ્યલ મીડિયા એક એવું પ્લૅટફૉર્મ છે જેનો ખપ પ્રજામાનસને પ્રભાવિત કરવા પૂરતો જ નથી, પરંતુ તેના દ્વારા પ્રજામાનસનું એન્જિનિયરિંગ પણ કરી શકાય છે. ટાર્ગેટેડ રિઝલ્ટ મેળવી શકાય એમ છે.
કંપનીએ બિઝનેસ મૉડલ વિકસાવ્યું જે આ મુજબ છે. ફેસબુક જેવાં એક ડઝન નાનાં-મોટાં પ્લૅટફૉમ્સર્ છે જેના પર ભરોસો મૂકીને લોકો પોતાના વિશેની માહિતી આપતા હોય છે. તેઓ શું કરે છે, કેવા શોખ ધરાવે છે, મિત્રવર્તુળો કેવું છે અને ખાસ તો લોકો ફુરસદનો સમય કઈ રીતે વિતાવે છે. ફુરસદનો સમય વધારે નિર્ણાયક હોય છે, કારણ કે ન કરવાનાં કામ લોકો ફુરસદના સમયે કરતા હોય છે. તેઓ કોને ફૉલો કરે છે, કઈ વાતે ઉશ્કેરાઈ જાય છે, કઈ વાતે શરમ અને ગ્લાનિ અનુભવે છે વગેરે. ઉશ્કેરાટ અને શરમ માણસને ઘેટામાં પરિવર્તિત કરવા માટેનો અનુકૂળ પદાર્થ છે, કારણ કે બન્ને પરસ્પર પરાવલંબી હોય છે. હિન્દુઓનો મુસલમાન સામે પરાજય થયો હતો અને ભારત પર મુસલમાનોનું શાસન હતું એ વાતે કેટલાક લોકો ઉશ્કેરાટ પણ અનુભવે છે અને શરમ પણ અનુભવે છે. ભારતના સંસાધનો બહુરાષ્ટ્રીય કંપનીઓ લૂટી જાય છે એ વાતે કેટલાક દેશભક્તો ઉશ્કેરાટ અને શરમ અનુભવતા હોય છે.
કૅમ્બ્રિજ ઍનૅલિટિકાના માલિકોએ ક્લાયન્ટોને સમજાવ્યું કે પૈસા ફેંકો તો ફેસબુક જેવી કંપનીઓ પાસેથી ડેટા મેળવી શકાય છે. ડેટા મેળવ્યા પછી એનું વર્ગીકરણ કરી શકાય છે. એમાંથી ઉશ્કેરાટ અને શરમ અનુભવનારાઓને જુદા તારવી શકાય એમ છે અને તેમનું એન્જિનિયરિંગ કરીને તેમને ઘેટામાં રૂપાંતરિત કરી શકાય છે. એક વાર ઘેટાઓનું સાર્વત્રિક બેં-બેં શરૂ થયું કે પછી નીરક્ષીર વિવેકનો અવાજ રૂંધાઈ જશે. આમ પણ વિચક્ષણ બુદ્ધિ (ઍનૅલિટિકલ માઇન્ડ) ધરાવનારાઓ ક્યારે ય સંગઠિત થતા નથી એટલે તેમનાથી ડરવાની જરૂર નથી. કૅમ્બ્રિજ ઍનૅલિટિકાને એક પછી એક ક્લાયન્ટ મળવા લાગ્યા અને જગતભરના દેશોમાં ઓફિસો ખૂલવા લાગી. ભારતમાં JD-Uના નેતા કે.સી. ત્યાગીનો પુત્ર એક કંપની સ્થાપીને કૅમ્બ્રિજ ઍનૅલિટિકા માટે કામ કરતો હતો.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૪માં સ્પષ્ટ બહુમતી કેવી રીતે મળી એ કોયડો હતો. ૨૦૧૬માં ડોનલ્ડ ટ્રમ્પ જેવો મૂરખ બિલ્ડર અમેરિકાનો પ્રમુખ કઈ રીતે બન્યો એ કોયડો હતો. ૨૦૧૬માં બ્રેક્ઝિટની ઘટના કઈ રીતે બની એ કોયડો હતો. અમેરિકાની ચૂંટણીમાં રશિયા કઈ રીતે દખલગીરી કરી શકે એ કોયડો હતો. સો કરોડની કંપનીઓ જોતજોતાંમાં દસ હજાર કરોડની કઈ રીતે થઈ જાય એ કોયડો છે. આ તો મોટાં આશ્ચર્યોની વાત છે, બાકી નાનાં-નાનાં આશ્ચર્યો તો રોજ સર્જાતાં હતાં. હવે જગતને જાણ થઈ છે કે આ સોશ્યલ મીડિયાનો પ્રભાવ નથી, પરંતુ માનવચિત્તનું રીતસર કરવામાં આવતું એન્જિનિયરિંગ છે. જેમ જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા ડૉલી નામનું ઘેટું પેદા કરી શકાય એમ માઇન્ડનું એન્જિનિયરિંગ કરીને અનુકૂળ અભિપ્રાય આપનારા રોબો પેદા કરી શકાય.
આ માનવસમાજ સાથેની ખતરનાક રમત છે. ખતરનાક નહીં ક્રૂર રમત છે અને આવાં કામ એ જ કરી શકે જેનો અંતરાત્મા મરી ચૂક્યો હોય. ઉશ્કેરાટ અને શરમનું એન્જિનિયરિંગ કરીને તમે જ્યારે માણસને રોબો કે ઘેટામાં પરિવર્તિત કરો ત્યારે તે માત્ર ટ્રમ્પનો મતદાર જ નથી બનતો, હાથમાં ગન લઈને નિર્દોષ લોકોની હત્યા કરનારો પણ બને છે. અમેરિકામાં હત્યાઓની જે ઘટનાઓ બની રહી છે એમાં ઉશ્કેરાટ અને શરમના કરવામાં આવેલા એન્જિનિયરિંગે ભાગ ભજવ્યો છે. ૧૯૮૦ના દાયકામાં અમેરિકાએ ઉશ્કેરાટ અને શરમ અનુભવનારા મુસ્લિમ યુવકોના દિમાગમાં ઇસ્લામનું એન્જિનિયરિંગ કરીને ત્રાસવાદી પેદા કર્યા હતા એના કેવી જ આ ઘટના છે. પ્રમાણ અનેકગણું છે, કારણ કે ત્યારે ટાર્ગેટ સુધી પહોંચવા માટે ફેસબુક જેવાં પ્લૅટફૉર્મ નહોતાં. જો ટેક્નૉલૉજીરહિત મર્યાદિત એન્જિનિયરિંગ જગતમાં આટલો આતંક પેદા કરી શકે તો ટેક્નૉલૉજીસભર સાર્વત્રિક એન્જિનિયરિંગ શું નહીં કરે?
કૅમ્બ્રિજ ઍનૅલિટિકામાં ક્રિસ્ટોફર વાઇલી નામનો એક યુવક કામ કરતો હતો. એક દિવસ તેના અંતરાત્માએ તેને સવાલ પૂછ્યો કે તું શું કરી રહ્યો છે અને તેણે વટાણા વેરી નાખ્યા. અત્યારે તે બ્રિટિશ સંસદ સમક્ષ જુબાની આપી રહ્યો છે. જુબાનીમાં તેણે કહ્યું છે કે બ્રેક્ઝિટના લોકમત વખતે અને અમેરિકન પ્રમુખની ચૂંટણી વખતે કંપનીએ ફેસબુકના ડેટા મેળવીને મતદાતાઓનું એન્જિનિયરિંગ કર્યું હતું. ભારતમાં ૨૦૧૪માં કૉન્ગ્રેસનો પરાજય થાય અને નરેન્દ્ર મોદી વિજયી બને એ માટે એક અબજોપતિ અનિવાસી ભારતીયે કંપનીની સર્વિસ ખરીદી હતી. તેણે કહ્યું હતું કે ઘણું કરીને કૉન્ગ્રેસ માટે પણ કંપનીએ કામ કર્યું હતું. તેણે JD-Uનું નામ પણ આપ્યું છે જે સ્વાભાવિક છે, કારણ કે JD-Uના નેતાનો પુત્ર ભારતમાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની સબસિડિયરી કંપનીનો માલિક છે.
આ તો ઠીક છે, પણ એ બ્રિલિયન્ટ યુવકે પોતાની જુબાનીમાં જે એક નિરીક્ષણ કર્યું છે એ વિચારતા કરી મૂકનારું છે. તેણે કહ્યું છે કે આ નવા યુગનો નવો સંસ્થાનવાદ (કૉલોનિઅલિઝમ) છે અને પહેલાં કરતાં વધારે ખતરનાક છે. જૂના સંસ્થાનવાદમાં નિર્બળ પ્રજાની જમીનને કૉલોની બનાવવામાં આવતી હતી જ્યારે નવસંસ્થાનવાદમાં નિર્બળ માનસને કૉલોની બનાવવામાં આવી રહી છે.
કંઈ સમજાય છે?
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 30 માર્ચ 2018
હૈયાને દરબાર
ફિલ્મ-ટેલિવિઝન-થિયેટરના એક સુપ્રસિદ્ધ વરિષ્ઠ કલાકાર સાથે ફિલ્મ-સાહિત્ય વિશે અનૌપચારિક વાતો થઇ રહી હતી, ત્યારે એમણે બહુ ગર્વપૂર્વક કહ્યું, "એક જમાનો હતો જ્યારે ગુજરાતી તખ્તા પર અદ્ભુત નાટકો આવતાં અને ફિલ્મો પણ કેવી રસપ્રદ! ઝેર તો પીધાં જાણી જાણી, કંકુ, ગુણસુંદરીનો ઘરસંસાર, જેસલ-તોરલ, લીલુડી ધરતી, માલવપતિ મુંજ, કાશીનો દીકરો, ભવની ભવાઈ …! ઓહો, કેટલી સુંદર કથાઓ, કેવો જાનદાર અભિનય અને કેવું શાનદાર સંગીત! જેમ આપણા વડીલો કહે છે ને કે અમારા જમાનામાં અમે સાચુકલું ઘી અને કઢિયેલ દૂધ પીધાં છે એમ અમે ગૌરવપૂર્વક કહી શકીએ કે અમે ગુજરાતી ફિલ્મ-થિયેટરનો સુવર્ણકાળ જોયો છે."
૮૦ના દાયકા પછી મોટાભાગની ગુજરાતી ફિલ્મોનો કરુણ રકાસ જેમણે જોયો છે, તેમને તો આ વાત સ્વપ્નવત્ લાગે, પરંતુ, ઉપરોક્ત ફિલ્મોનાં નામ વાંચીએ, ત્યારે થાય કે વાતમાં ખરેખર દમ તો છે. તમારામાંના કેટલા ય વાચકો ફિલ્મના આ સુવર્ણકાળના સાક્ષી હશે અને કેટલાયને એનાં લાજવાબ ગીતો હૈયે વસેલાં હશે, પરંતુ, શક્ય છે દોડતી-ભાગતી જિંદગીના કોલાહલમાં એ ક્યાંક વિસરાઈ ગયાં હોય. ‘હૈયાને દરબાર’ કોલમમાં આવાં જ હૈયે વસેલાં, ગમતીલાં ગીતોની વાત શરૂ કરી અને વાચકોના સરસ પ્રતિભાવો મળવા લાગ્યા છે. હેતુ એ જ છે કે આ મજાનાં ગુજરાતી ગીતો આપણે ફરીથી સ્મરણપટ પર વહેતાં કરીએ. તો ચાલો, આજે વાત કરીશું ફિલ્મ ‘કાશીનો દીકરો’ના ગીતની.
જેના શબ્દે શબ્દે સંવેદનશીલતા પ્રગટે છે, જેનો સૂર તમારા હૃદયને પરિતૃપ્ત કરે છે એવી અવિસ્મરણીય રચનાઓથી પરિચિત કરાવવાના આ ઉપક્રમમાં આજે એક ખૂબ સંવેદનશીલ ગીત વિશે વાત કરવી છે. કાંતિ મડિયા વિષે સંજય છેલે સંકલિત કરેલું પુસ્તક ‘મુઠ્ઠી ઊંચેરા કાન્તિ મડિયા’ વાંચી રહી હતી, ત્યારે મડિયાએ ડિરેક્ટ કરેલી સીમાચિહ્નરૂપ ફિલ્મ ‘કાશીનો દીકરો’નાં ગીતોનો એમાં ઉલ્લેખ હતો. પુસ્તક ખોલતાં જ અનાયાસ એ ગીતો લખેલું પાનું ઉઘડ્યું અને ગુજરાતી ફિલ્મોનો આખો ઇતિહાસ જાણે સજીવન થઇ ગયો. ક્ષેમુ દિવેટિયાનાં મધુર સ્વરાંકનો મનમાં ગૂંજવા લાગ્યાં. જેમણે આ ફિલ્મ જોઈ હશે એમને આ બધાં કર્ણપ્રિય ગીતો યાદ હશે જ. ગુજરાતી સાહિત્યની હૃદયસ્પર્શી કવિતાઓને જે રીતે ફિલ્મની કથા સાથે ગૂંથવામાં આવી છે, એ મડિયાનો ઉચ્ચ સાહિત્યપ્રેમ દર્શાવે છે. ફિલ્મનાં એવાં રે મળેલાં મનનાં મેળ, ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં કે નાગલા ઓછા પડ્યાં રે લોલ, આંખે કંકુના સૂરજ આથમ્યા … ગીતો તો ખૂબ લોકપ્રિય થયાં હતાં, પણ એક ગીતે જરા જુદી રીતે ધ્યાન ખેંચ્યું હતું. એ ગીત હતું ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં …!
૧૯૭૯માં રજૂ થયેલી આ ફિલ્મમાં ગુજરાતી સંગીતની અગ્રગણ્ય ગાયિકાઓનો તાજો અને મધુર અવાજ આ ગીતમાં સાંભળવા મળ્યો, એટલે મજા પડી ગઈ હતી. આ બંને ગાયિકાઓ એટલે તાજેતરમાં જ ગુજરાત ગૌરવ પુરસ્કૃત આદરણીય કૌમુદી મુનશી અને અમદાવાદનાં સૂરીલાં વિભા દેસાઈ. આપણે ત્યાં ફિમેલ ડ્યુએટ પ્રમાણમાં ઓછાં સાંભળવા મળે છે, ત્યારે આ બંને ઉત્તમ ગાયિકાઓને કંઠે આ ગીત સાંભળવું એ લહાવો છે. આ ગીતને સમજવા માટે ખરેખર તો ‘કાશીનો દીકરો’ ફિલ્મ જોવી પડે. નહીં તો, ગીતના શબ્દો સમજવા અઘરા બની જાય. ‘કાશીનો દીકરો’ એ સ્વચ્છ-સુઘડ મનોરંજક ગુજરાતી ફિલ્મ હતી. લેખિકા વિનોદિની નીલકંઠની એક વાર્તા ‘દરિયાદિલ’ પરથી બનેલી આ ફિલ્મમાં સંગીત એનું જમાપાસું હતું.
હવે વાંચો ગીતની કથા અને નારી સંવેદનાની પરાકાષ્ઠા. આજથી ૭૦-૮૦ વરસ પહેલાંની આ વાત હશે એવું લાગે છે. કાશી (રાગિણી શાહ) નામની એક સમજુ, રૂપાળી અને બ્રાહ્મણ કુટુંબમાં પરણેલી સ્ત્રીને એની સાસુ નાના દીકરા કેશવ(રાજીવ)ની જવાબદારી સોંપીને મરણ પામે છે. કાશી પોતાના દિયર અને સગા દીકરા બન્નેને ખુશીથી મોટા કરે છે. કાશીને પોતાને ઘણાં વર્ષે દીકરો અવતર્યો હોય છે, એટલે એ માટે તો સમાજની નિંદાનો ભોગ બનેલી જ છે, વળી નાનકા દિયરને પણ સગા દીકરાની જેમ જ ઉછેરે છે, એટલે ય એને સમાજની કૂથલીનો ભોગ બનવું પડે છે. કાશી પોતાના દિયર કેશવનાં લગ્ન રમા (રીટા ભાદુરી) સાથે કરાવે છે, પરંતુ લગ્નની પહેલી રાતે મધુર મિલન પહેલાં જ દિયરને સાપ કરડવાથી તેનું મૃત્યુ થાય છે. લગ્નજીવનનાં તમામ સપનાં રમાની આંખે છિન્નભિન્ન થતાં હોય છે, ત્યારે ફિલ્મમાં કારુણ્યના શિરમોરસમું રાવજી પટેલનું અમર ગીત ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ આવે છે, જે રમાની વિક્ષુબ્ધ મનોસ્થિતિનું વર્ણન કરે છે.
કાશી ત્યાર પછી પુત્રવધૂ રમાને દીકરીની જેમ રાખે છે, પણ એક સમયે એવી દુર્ઘટના બને છે જેમાં બપોરના એકાંતમાં કાશીનો પતિ અંબાલાલ (ગિરેશ દેસાઈ) સંયમ ગુમાવે છે-પુત્રવધૂ રમા પર બળાત્કાર કરી બેસે છે. રમાને પોતાના સસરાથી જ ગર્ભ રહે એ કેવી વિવશ કરુણતા! હલબલાવી મુકતી આ ઘટનાની કાશીને ખબર પડે છે, ત્યારે કુટુંબની આબરૂ બચાવવા એ રમાને લઈને જાત્રાએ ચાલી નીકળે છે. આડોશ-પડોશ, સગાં-સ્નેહીઓને કાશી એમ જ કહે છે કે પોતે ગર્ભવતી છે અને એને પોતાને જ બાળક અવતરવાનું છે, એટલે એ પિયર જઈ રહી છે. બહારગામમાં રમાની સુવાવડ પછી કાશી રમા અને તેના બાળકને ઘરે લાવે છે, અને બાળકને પોતાના દીકરા તરીકે જ ઉછેરે છે! એક સ્ત્રી સિવાય આટલું મોટું સમર્પણ કોણ કરી શકે? પીઢ અને પાકટ પતિનાં કારનામાં છુપાવીને પરિવાર અને પુત્રવધૂની આબરૂને બચાવી લેનાર કાશી પર શું વીત્યું હશે એ કલ્પનાતીત છે! આ સિચ્યુએશન પર ગીત આવે છે, ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં .. જે રમા અને કાશી બન્ને સ્ત્રીઓની મનોવેદના આબેહૂબ દર્શાવે છે.
ફિલ્મનાં નાયિકા રાગિણી શાહ આ સિચ્યુએશન વિશે કહે છે, "આ ફિલ્મ જ્યારે મેં સાઇન કરી ત્યારે હું બીજી ત્રણ ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત હતી. એક ગામથી બીજે ગામ શૂટિંગ માટે રોજ ભાગવું પડતું. ઝીણાં ઝીણાં રે … ગીતનું શૂટિંગ ગુજરાતનાં જુદાં જુદાં તીર્થસ્થળોએ થઈ રહ્યું હતું, પરંતુ મારા બિઝી શેડ્યુલને લીધે આ ગીતમાં મહદ્ંશે મારા બોડી ડબલ(ડુપ્લિકેટ)નો ઉપયોગ કરવો પડ્યો હતો. લોંગ શોટ કે પીઠ દેખાડવાની હોય ત્યારે ક્યારેક કાંતિ મડિયાનાં પત્ની તો ક્યારેક ગિરેશ દેસાઈનાં વાઈફ ડુપ્લિકેટ તરીકે ગોઠવાઈ જતાં. એ જમાનાની વાત જ જુદી. બધાં એકબીજાને ખૂબ સપોર્ટ કરતાં. જો કે, આ હૃદયસ્પર્શી ગીતને મારી વ્યસ્તતાને લીધે હું સ્વયં ના અનુભવી શકી એ રંજ તો રહી જ ગયો.
એક સ્થાને નાટ્યકાર રાજુ પટેલે આ વિષે બહુ સરસ લખ્યું છે, "આ ગીત હકીકતમાં માત્ર રમા માટે કે માત્ર કાશી માટે નથી. કેશવની અણધારી વિદાય રમા માટે સંસારની ભગ્નતા છે, તો કાશી માટે લૂંટાઈ ચૂકેલી મમતા છે, અને આ બંને જુદા જુદા છેડાના દુ:ખને દુર્ભાગ્યે મળે છે. ગીત આ અનન્ય સ્થિતિમાં મુકાઈ ગયેલી બંને સ્ત્રીઓની વેદનાને નિરૂપે છે. દુ:ખની ચાળણી એવા સૂક્ષ્મ છિદ્રોની છે કે કાયા લોટ થઇ જાય છે. આ કઈ કાયા છે? નિશ્ચિતપણે અહીં દેહની વાત નથી. કાયાના પડઘા સમાન ઇચ્છાઓની વાત છે. કાયા લોટ થઈને ઊડી માયા તોય હજી ના છૂટી ..! મનુષ્યની માયા કદી ય છૂટતી નથી. આ પૂર્વભૂમિકા સાથે ગીત સાંભળીએ તો ગીતનું ઊંડાણ ખબર પડશે કે સૂની મેડીને જોઈ પૂછશો ના કોઈ અવસરિયાં કેમ નથી આવતાં …! આ પંક્તિ સાથે લોન્ગ શોટમાં સફેદ સાડીમાં ચાલતી બે સ્ત્રીઓનું દૃશ્ય હલબલાવી મૂકે એવું છે. નોંધપાત્ર વાત અહીં એ છે કે "કાશી પણ વિધવાની જેમ સફેદ સાડીમાં છે. રમા કાળ સંયોગથી વિધવા છે તો કાશી કર્મ સંયોગથી.”
કાગડો જાણી ના ઉડાડજો, ખાંપણ (કફન)નો ઉલ્લેખ, એકલી સળીનો માળો
વળી, માળામાં કોઈ ઈંડું ના મૂકશો, પણ મૂકશો તો હાલરડાં ગાઈશું …
પંક્તિમાં રહેલો વિરોધાભાસ પણ કેવો કઠિન છે! ખૂબ સંવેદનશીલ ગીત બન્યું છે. આ ગીત બે સ્ત્રીઓ પર ફિલ્માવાયું છે એટલે બે ગાયિકાઓ તો લેવી જ પડે. વિભાબહેનનો અવાજ કોન્ટ્રાલ્ટો પ્રકારનો, જેમાં ગાવાની પીચ નોર્મલ હોય અને કૌમુદીબહેનનો અવાજ સોપ્રનો કહેવાય જેમાં કલાકારની ગાવાની રેન્જ ઊંચી હોય. ગીતનું સ્વરાંકન એ રીતે થયું હોવાથી અવાજની તદ્દન વિપરીત રેન્જ ધરાવતી ગાયિકાઓને પસંદ કરવામાં આવી હતી અને બંનેએ અદ્ભુત એ ગીતને નિભાવ્યું.
કવિ અનિલ જોશીએ આ ગીત ફક્ત એક કલાકમાં લખીને આપ્યું હતું એ કિસ્સો પણ રસપ્રદ છે. મડિયાએ એમને મુંબઈમાં આવેલી મરીનલાઇન્સની એક હૉટેલમાં ગીતની સિચ્યુએશન સમજાવવા બોલાવ્યા હતા. કવિએ કહ્યું કે બે-ત્રણ દિવસમાં લખી આપીશ. હજુ એ વાક્ય પૂરું કરે એ પહેલા જ મડિયાએ કહ્યું, "મારે હમણાં જ ગીત જોઈએ છે. કલાઈમેક્સ શૂટ કરવાની છે ને ક્ષેમુભાઈના સાજીંદાઓ રાહ જોઈને બેઠા છે. કવિને એક રૂમમાં પૂરી દીધા અને એમણે માત્ર એક કલાકમાં નારી સંવેદનાનું આ અદ્ભુત ગીત રચી આપ્યું. આવી તો અનેક કથાઓ-સંવેદનાઓ ગુજરાતી ગીતોમાં આલેખાઈ છે. કથાતત્ત્વ કદાચ કોઈને બળકટ ના પણ લાગે, પણ ફિલ્મ જોઈએ ત્યારે એની વાસ્તવિકતા, નારીસંવેદના, માનવતા, ફિલ્માંકનની કલા વગેરે હૃદયને સ્પર્શ્યા વિના રહે જ નહીં. આ ફિલ્મને ઘણા એવૉર્ડ્ઝ મળેલા છે.
અને હા, યુ ટ્યુબ પર આ ગીત સાંભળવાનું ચૂકતાં નહીં. ગુજરાતી કાવ્યસંગીતની મોંઘી મિરાંત છે આ બધી. [નીચે આ ગીતની લિંક આપી છે. : વિ.ક.]
———————————–
ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં
કાયા લોટ થઇને ઊડી
માયા તો ય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા
સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા
છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો
એકલી સળીને કોયલ માળો માનીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું …
સ્વર : વિભા દેસાઇ – કૌમુદી મુન્શી * સંગીતકાર : ક્ષેમુ દિવેટિયા * ગીતકાર : અનિલ જોશી
https://www.youtube.com/watch?v=vz6C5kLmP0U
————————————————
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 માર્ચ 2018