e.mail : mahendraaruna1@gmail.com
પરીક્ષાનાં પેપર તપાસતી અર્ચનાનાં કાને ટેલિવિઝન પરથી પ્રસારિત થતા સમાચારના શબ્દો પડ્યા અને તે સહેમી ગઈ. દૂર પડેલું રિમોટ કંટ્રોલ ઊઠાવી ટી.વી બંધ કરવું હતું, પરંતુ જાણે શરીરમાં પ્રાણ જ ન હોય તેમ સ્થિર થઈ ગઈ, છતાં હૃદયના ધબકારા હજારો માઈલની સ્પીડે દોડવા લાગ્યા!
દિલ્હીમાં છાત્રા પર થયેલા ગેંગ રેઈપની ખબર સંભળી સંસદમાં જયા બચ્ચનથી લઈ બધી સાંસદ સ્ત્રીઓ હલી ઊઠી હતી! પહેલાં આખું દિલ્હી, પછી કેટલાંક શહેરો અને હવે તો આખું ઇન્ડિયા ખળભળી ઊઠ્યું. ટોળાં ને ટોળાં સખતમાં સખત સજાની બૂમો પાડે છે.
એની બૂમો કેમ કોઈએ ન સાંભળી? કે પછી તે બૂમો પાડી જ શકી નહોતી? કે પછી કોઈએ એનું મોં સજ્જડ દબાવી રાખ્યું હતું?
મનના એક અંધારા ઓરડામાં અડ્ડો જમાવીને બેઠેલા અને વર્ષોથી ડરાવતા રહેલા પેલા બે નરાધમોને અર્ચનાએ બાજુ પર હડસેલી ને તેને ત્યાં કામ કરતી એની જૂની કામવાળી બાઈ શીલાને જોરથી બૂમ પાડી બોલાવી. શીલા આ બૂમથી ટેવાઈ ગઈ છે. એટલે આવીને ડરથી સહેમી ઊઠેલી શેઠાણી કમ સહેલીની ડરીને સ્થિર થઈ ગયેલી આંખો જે દિશામાં હતી તે તરફ જોયું અને વારંવાર ઉચ્ચારાતા ‘ગેંગ રેઈપ’ શબ્દ સાંભળીને તરત રિમોટ લઈને પહેલાં તો ટી.વી. બંધ કર્યું. પાણી લઈ આવી, આપ્યું અને ધીરે ધીરે તેને વાંસે હાથ ફેરવતી ગઈ.
અર્ચના સાવ શિથિલ બની જ્યાં બેઠી હતી ત્યાં જ માથું ઢાળી બેસી રહી.
ત્રણ દિવસમાં રિઝલ્ટ આપવાનું હતું, એટલે પેપર તપાસ્યા વગર એનો છૂટકો નહોતો. પરંતુ હાથમાંથી તાકાત જતી રહી હોય તેમ હાથ ખુરશીમાં લબડી પડ્યા હતા અને હજુ શ્વાસની ધમણ જોર જોરથી ચાલતી હતી.
‘આ સમાચારવાળાને ધંધો નથી’ બબડતી બબડતી શીલા અર્ચનાની ખુરશીના હાથા પર બેઠી. અને બાજુમાં પડેલાં ન્યુઝ પેપેરોથી એને હવા નાંખતી રહી.
ધીમે ધીમે અર્ચનાને કળ વળી, આસ્તેથી ઊઠી અને બાથરૂમમાં ગઈ. આવું કાંઈ થાય એટલે એને માથાબોળ નહાઈ લેવાનું મન થાય – હજુ તો હમણાં જ નહાઈને તો પેપેર તપાસવા બેઠી તો ય આખા શરીરે લપેટાયેલી પેલી વાસ ….. એણે જોર જોરથી માથું ધૂણાવ્યું. યંત્રવત્ ડોલમાં પાણી કાઢ્યું.
પાણી નીકળવાનો અવાજ સાંભળીને, શીલા, હમણાં જ દોરી પર સૂકવેલો ટુવાલ અને એક જોડ કપડાં લઈ, બાથરૂમને બારણે ટકોરો મારી, અર્ચનાને કપડાં આપી એ એનાં કામે વળગી.
આજે હવે એના ઘરમાં ટી.વી ચાલશે નહીં.
સ્કૂલે જવાનો સમય થયો એટલે માંડ માંડ બે કોળિયા ખાઈને એ એનો થેલો અને પર્સ લઈને ઝડપથી દાદર ઊતરી ગઈ.
ટુ વ્હીલર પર બેસવા ગઈ, ત્યાં તો બાજુવાળા મમતાબહેન કચરાની ડોલ બહાર રાખવા નીકળ્યાં.
‘ચાલ્યા?’
‘હા, આવજો’ કહેવા ગઈ ત્યાં તો મમતાબહેન તેના સ્કુટર પાસે આવ્યાં અને કેટલા વાગ્યે એ પાછી આવશે પૂછ્યું.
મમતાબહેન એ વિસ્તારનાં સોશ્યલ વર્કર છે, લાગલું પૂછી લીધું, ‘સાંજે મેં પેલી ‘ગેંગ રેઈપવાળી છોકરી’ના સપોર્ટ માટે રેલી યોજી છે, તું આવીશને?’
અર્ચનાને જોર જોરથી માથું હલાવી ‘ના’ પાડવાની ઈચ્છા થઈ આવી, પરંતુ માંડ માંડ મન પર કંટ્રોલ કરી ‘જોઈશ’ કહી સ્કુટર મારી મૂક્યું.
કોઈ દિવસ નહીં પરંતુ આજે ટ્રાફિક લાઈટની પીળી લાઈટ જોઈને પેલામાંના એકની પીળી આંખો યાદ આવી ગઈ.
વર્ષો થઈ ગયાં એ વાતને પણ જાણે ‘એવર ગ્રીન’ હોય તેમ મશરુમની જેમ ગમે ત્યારે ગમે ત્યાં એ ફૂટી નીક્ળે છે. તેમાં ય આવું કાંઈ થાય ત્યારે તો સહસ્ર બનીને એનાં અસ્તીત્વ પર પથરાઈ જાય છે.
સ્કૂલે પહોંચી, અને એ જ વાત!
બધાં શિક્ષકો સહિત વિદ્યાર્થિનીઓ રેલી કાઢવા કટિબદ્ધ છે.
સૌની સહાનુભૂતિનો દરિયો ઊમટ્યો છે.
સ્ટાફરૂમમાં ય ટી.વી. સતત ચાલુ રાખ્યું છે, જેથી તાજા સમાચાર મળતા રહે!
અને એની ચૂપચાપ અધમૂઈ થઈ ગયેલી વેદનાને, પળે પળનાં સમાચારો આપતી ટી.વી ચેનલોએ પાણી છાંટી જીવિત કરી મૂકી છે.
એક જ દિવસે છ છ ‘દરિંદો’એ કરેલા અત્યાચાર અને તેની પર છ છ વર્ષ સુધી થયેલા એ ……. એને શું નામ આપવું?
એ પીડાને શબ્દોથી ગૂંગળાવાનું છોડી એ સ્કૂલની બહારના કોરિડોરમાં પટ્ટાવાળા માટે રાખેલી ખુરશીમાં બેસી રહી.
આમે ય એને સૌ અતડી જ માને છે, એટલે કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં.
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમમાં એના જેવી જ સ્થિતિમાંથી પસાર થયેલાં લોકોને કેટલી હિંમત રાખી એણે જોયાં હતાં! છેલ્લે સુધી એ કાર્યક્રમ ન જ જોવાનો નિર્ણય એ કરી ચૂકી હતી, પણ બાજુવાળાં મમતાબહેનનું ટી.વી બગડી ગયું હતું, એટલે એને ત્યાં અડધો કલાક પહેલાં આવી બેસી ગયાં હતાં.
શીલાને ખબર હતી કે અર્ચના પર શું વીતશે, પણ બેમાંથી કોઇની મમતાબહેનને ના કહેવાની હિંમત ન ચાલી.
અને પોતાનાં જ ઘરમાં એને ફરજિયાત એ કાર્યક્રમ જોવો પડ્યો! અને એક રીતે એ સારું જ થયું ને?
પોતે એકલી નથીનો સધિયારો તો મળ્યો!
એને પહેલીવાર એ લોકોની હિંમત પર માન થયું. ટી.વી. પર આવીને લાખો લોકો સામે મનની અંદર રાખેલા ભારેલા અગ્નિને ફૂંક મારીને ફરી ધખાવવો ….. શું વીત્યું હશે એ લોકો પર?
તે દિવસે એ વિષય પર એના અભિપ્રાયો જાણવા મમતાબહેને ખાસ્સો પ્રયત્ન કર્યો, પણ માથું દુઃખે છે, કહી તેમને ટાળ્યાં; પરંતુ મનની અંદર એ દારુણ ક્ષણોનો એક એક બનાવ વળ ખાઈ ખાઈને થોડા દિવસ તો એનામાં પછડાતો રહ્યો. પલવડીની કપાઈ ગયેલી પૂંછડી ક્યારેક તો શાંત થાય પણ આ તો ……
ફણગાવેલાં કઠોળ ભલેને પૌષ્ટિક ગણાય એનાં જેવાં લોકોની વેદનાને ફૂટેલા ફણગા કેટલા ય દિવસો સુધી એનાં જેવાં લોકોને પીડતા હશે – કોને ખબર?
‘સત્યમેવ જયતે’માં પછી બીજે અઠવાડિયે બીજો વિષય! અને એમને એમ જુદા જુદા વિષયોના ફણગા ફૂટતા રહ્યા અને થોડી મિનિટ માટે આવા દુરાચારીઓ પર ફીટકાર વરસાવી સૌ સૌને કામે વળગ્યાં – જમવા પહેલાંનાં સ્ટાર્ટરની જેમ જમવાનું આવતાં જ સ્ટાર્ટરને ભૂલી ગયાં!
પરંતુ આજે એને થયું કે કદાચ આજે ઊઠેલા આ જુવાળની પાછળ આવી જાગૃતિ જ યુવાનોને મક્કમ બની સરકાર સામે ઝઝુમવાનું બળ આપે છે.
વારંવાર ટી.વી ઉપરથી આવતો ‘પીડિત’ શબ્દ એને ક્યારે ય નથી ગમ્યો, છતાં એનાં જેવાં કેટલાં ય લોકોને શું કહેવું તેને માટે ય એને કોઈ શબ્દ હજુ હાથ લાગ્યો નથી.
કેટલું સાચું હતું એ કે જેના પર વિશ્વાસ હોય એ જ લોકો ….
એની ૮મી વર્ષગાંઠ આવી જ ન હોત તો કેવું સારું! ન તો એની વર્ષગાંઠ ઉજવાત, ન તો મેઘ એને ગમતી ભેટ લેવા લઈ જાત અને ન તો ……. ન તો …. વિચારી વિચારી થોડી રાહત લેવાનો ઠાલો પ્રયત્ન કર્યા કરે – કરે તો ય બીજુ શું કરે?
પછી તો મેઘને જોઈને એ લાકડું બની જતી અને એના ઘરમાં સૌ એને જોઈને પુલકિત થઈ ઊઠતાં – મેઘ આમ … અને મેઘ તેમ ….!
પપ્પા પણ એમના ભાઈના દીકરાને જોઈને પોરસાતા, ‘કેવો હોનહાર છે – we are proud of you, beta!’
મમ્મી કહેતી, ‘મેઘ, તારી સ્માર્ટનેસ થોડી થોડી આ અમારી અર્ચુને આપતો જા!’
અને પછી અર્ચનાનાં શરીરને ચૂંથવામાં વળી એક ગીધ ઉમેરાયું – મેઘનો મિત્ર વિરાટ!
મેઘ અને વિરાટે લગ્ન કર્યા પછી, અર્ચનાનાં ૧૫મે વર્ષે એનો છૂટકારો થયો!
એ એકની એક દીકરી – ન ભાઈ, ન બહેન – કોને મનની મુંઝવણ કહે?
એક દિવસ ડરતાં ડરતા એણે મ્મમીને કહ્યું હતુ, ‘મા, મને મેઘ નથી ….’
‘અર્ચુ, મેઘભાઈ કહેવાનું, બેટા! તારાથી મોટો છે. હં … તું શું કહેતી હતી?’
માંડ માંડ ભેગી કરેલી હિંમત છૂટી પડી અને પછી ક્યારે ય એ હિંમત પછી આવી જ નહીં – વહી ગયેલાં પાણીની જેમ!
પપ્પા સિવાયના પરપુરુષના સ્પર્ષ માત્રથી એ પત્થર બની જતી, લગ્નની તો વાત જ ક્યાંથી એ વિચારે?
એ બળજબરી, આ આપણું ‘સિક્રેટ’થી શરૂ કરી, ’કોઈ તારું માનશે જ નહીં’નું અમોઘ શસ્ત્ર, એ બદબૂ અને આંખ બંધ કરીને જીરવી લઈ લઈને સંવેદના રહિત બની ગયેલી અર્ચના!
એની ઉંમરની છોકરીઓ જ્યારે પતિ સાથે સમાગમનાં સ્વપ્નો સેવતી હતી, ત્યારે અર્ચના એ વિચાર માત્રથી કંપી ઊઠતી હતી!
એક વખત મેઘ અને એની પત્ની જ્હાન્વી આવ્યાં હતાં – વૃદ્ધ પપ્પાએ મેઘને કહ્યું, ‘બેટા, આ તારી બહેનને લગ્ન કરવા સમજાવને!’
તે જ વખતે શાક સમારતી અર્ચનાની આંગળી કપાઈ ગઈ અને સૌનું ધ્યાન તે તરફ જતું રહ્યું!
કેટલી ય વખત ઝરપેલું એનું લોહી ‘માસિકનાં ડાઘામાં’ ખપી ગયું, એ ડાઘા વિસ્તરતા રહ્યા અને એમને એમ અર્ચના ભંડારી રાખેલા ડાઘા સાથે વધતી રહી – પણ એ ક્યારે ય પુખ્ત ન બની શકી!
અને એમને એમ જ લગ્ન કરવાનું સમજાવી સમજાવીને આખરે મમ્મી-પપ્પા એની સમજની પારની દુનિયામાં જતાં રહ્યાં.
એ હંમેશાં જીવે છે – એક સાથે બંધ અને ઉઘાડી આંખે!
એની સાથે કામ કરતાં એક શિક્ષક મિત્રને ખબર હતી કે અર્ચનાને બંગાળી વાર્તાઓ ખૂબ ગમે છે અને તેમાં ય નગીનદાસ પારેખ દ્વારા ભાષાંતરિત નવલકથાઓ તો એની એકદમ ફેવરિટ. એટલે થોડો વખત પહેલાં એમણે જરાસંઘ નામના બંગાળી લેખકની ગુજરાતીમાં ભાષાંતર કરેલી ‘ઉજળા પડછાયા કાળી ભોંય’ વાંચવા આપી. એમાંની બળાત્કારનો ભોગ બનેલી ‘મલ્લિકા’ની વાર્તા ભલે અધૂરી છોડી દીધી હતી, પણ એની બંધ આંખોમાં તો વારંવાર એ પૂરેપૂરી ભજવાતી રહે છે.
ઘણીવાર મનોચિકિત્સક પાસે જવાનો વિચાર કરે અને કોઈ અજાણ્યાને એની શરમજનક વાત કરવાના વિચાર માત્રથી માથું હલાવી એના મનને નકાર ભણી દે.
‘સત્યમેવ જયતે’માં કોઈ બોલ્યું હતું કે, ‘બળાત્કારનાં ભોગ બનેલાંએ શરમાવાનું નથી એ ગુનેગારોએ શરમાવાનું છે!’ એ સાંભળી કરુણરસનું એક ઝરણું એનાં મનમાં ફૂટી નીકળ્યું!
આજ સુધીના એના અનુભવમાં એણે કોઈ પરણિત સ્ત્રીને પણ એનાં બંધરૂમમાં થતી પ્રવૃત્તિની વાત કહેતાં નથી સાંભળી તો આ તો ૮ વર્ષની કુમળી છોકરી – શું કહે? કોને કહે? કેવી રીતે કહે?
વિશ્વાસના ધરાશાયી થઈ ગયેલા કાટમાળમાંથી માંડ માંડ એ બહાર નીકળે અને છાશવારે બનતી આવી ઘટના એને ફરીને ફરી ત્યાં પાછી ધકેલી દે છે!
એ વિચારોમાંથી જાગી ત્યારે દૂર સ્ટાફરૂમનાં ટી.વી.માંથી કોઈ સ્ત્રીનો ચીસો જેવો અવાજ સાંભળ્યો, ‘ તુઝે જીના હોગા. હમ તુમ્હારે સાથ હૈ, સારી જિંદગી તક હમ તુમ્હારે સાથ રહેંગે. યે અન્યાય સે ઝૂઝને કે લિયે આજ હમ સબ ઈશ્વરકો પ્રાર્થના કરેંગે ……..’
એ જોરથી બોલી ઊઠી, આખો કોરિડોર ગાજી ઊઠ્યો, ‘મહેરબાની કરી પ્રાર્થના નહીં કરો – એ છોકરીની નર્કની યાતનાનો કોઈને ……’
એને નવાઈ લાગી, કેમ કોઈ એને સાંભળતાં નથી?
પછી એને ખ્યાલ આવ્યો કે એનો અવાજ તો પેલી અનહદ પીડાનાં ધોધ નીચે વર્ષોથી ધરબાઇ ગયો છે!
એનાં તો આંતરડાં જ નહીં, એનું આખું અસ્તિત્વ અંદરને અંદર કોકડું વળીને બેભાન પડ્યું છે, વર્ષોથી!
પેલી ફૂટેલાં કરમની છાત્રા માટે નહીં, પરંતુ દુનિયાના અમાનુષી – પ્રાણીથી પણ ઊતરતી કક્ષાના સઘળા પુરુષોને સજા કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવાનું મન થયું, પછી થયું –
સમજણી થઈ પછી એણે ભગવાનને ઓછી પ્રાર્થના કરી છે?
થઈ મેઘને સજા? થઈ વિરાટને સજા?
અત્યાર સુધીના કેટલા ય અત્યાચારીઓમાંથી કોને ભગવાને સજા કરી છે? નીચેની સરકાર કાંઈ નથી કરતી તો ઉપરની સરકાર કોણે જોઈ?
જોડાતા હાથને એણે પાછા વાળી લીધા!
[આ વાર્તા ‘નિર્ભયા’નો બનાવ બન્યા પછી, ‘મોનિટર’ મેગેઝિનમાં ડિસેમ્બર ૨૦૧૨માં પ્રગટ થઈ હતી.]
29 Lindisfarne Road, Syston, Leicester, LE7 1QJ, U.K
વાડજમાં ટોળાએ ‘વાદી’ નામની વિચરતી અને વિમુક્ત જાતિનાં મહિલા શાન્તાદેવીની કરેલી હત્યાના વિરોધમાં ગઈ કાલે થયેલા ધરણાંનો સંદર્ભ આ ખાનાબદોશ લોકોના યાતનાલોકને સ્પર્શે છે.
અમદાવાદમાં આઠ દિવસ પૂર્વે ટોળાંએ એક ભિક્ષુક મહિલાને તે બાળકચોર હોવાના વહેમથી મારી નાખી અને તેની સાથેની ત્રણને ઘાયલ કરી. તેના ચાર જ દિવસ પછી ટોળાંએ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના રાઇનપાડામાં ગામમાં એ જ વહેમથી પાંચ પુરુષોને અને તેના દસેક દિવસ પહેલાં ઔરંગાબાદમાં બે અલગ બનાવોમાં બે પુરુષોને મારી નાખ્યા.
આ બધા બનાવોમાં મળતાંપણું એ હતું કે જેમની પર ચોર હોવાના આરોપ હતા, તે બધાં ચોક્કસ કોમોના હતા. વાડજમાં ભોગ બનનાર મહિલાઓ વાદી, ધુળે જિલ્લાના મૃતકો ડવરી ગોસાવી અને ઔરંગાબાદના બહુરૂપી સમુદાયનાં હતાં. આ ત્રણેય કોમોનો સમાવેશ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં થાય છે. ભારતના દરેક રાજ્યમાં આ સમુદાયની કેટલીક જાતિઓ વસે છે. તેમની દશા બહુ જ ખરાબ છે. ભૂખમરો, ગરીબી, બેકારી, અજ્ઞાન, ખનાબદોશી, અલગાવ, અપમાન જેવાં આ દેશના વંચિતોને લલાટે લખાયેલા તમામ શાપ વિચરતી વિમુક્ત સમુદાયોના લોકો પર છે. આટલું ઓછું હોય તેમ આ સમુદાયો પર જન્મજાત ગુનેગાર જાતિઓ એવો સિક્કો વિદેશી અંગ્રેજ શાસકોએ માર્યો હતો, જે આપણા દેશનો સમાજ હજુ સુધી મિટાવી શક્યો નથી, એટલું જ નહીં આ સમુદાયોના લોકો પર દેશના કોઈ ને કોઈ ભાગમાં થતાં રહેતાં અત્યાચારો બતાવે છે કે એ સિક્કાની છાપને આપણે વધુ ઘેરી બનાવતા જઈએ છીએ.
સાદી ભાષામાં કહીએ તો એવું બને છે કે ગુજરાતમાં કોઈ જ્ગ્યાએ ચોરી કે લૂંટનો ગુનો થાય અને તપાસમાં ઝડપી કામયાબી ન મળતી હોય તો પોલીસ ડફેર કે છારા કોમના, કે મહારાષ્ટ્રમાં રામોશી કે ફાસેપારધી જેવી કોમના લોકોને પકડીને ખૂબ મારે. તેઓ મોટે ભાગે શહેરની બહાર, વગડામાં કે રસ્તાની બાજુ પરની તેમની વસાહત કે દંગા પર રહેતા હોય. આવો વારો બીજી ઘણી ફરતી કોમનો પણ પડી શકે. પોલીસ જેવું જ સમાજ માને. ‘બેટા બાવો ઉપાડી જશે’ એવા બોલ આપણા બાળઉછેરનો હિસ્સો બની ગયા છે. એક જમાનામાં સાપ-ઘો-નોળિયા-વીંછીના ખેલ બતાવનાર માટે હવે ‘આ વાદીઓ છોકરાં ચોરી જાય’ એવો ડર ફેલાવવામાં આવે છે. ભભૂત લગાવીને ભીક્ષા માંગતા ગોસાવી માટે મહારાષ્ટ્રમાં ‘ગોસાવડા બચ્ચાને લઈ જશે’ એમ મનાવા લાગ્યું. ફલાણી કોમનો છે તો સાચવજે કંઈ ઊઠાવી ન જાય, એવી ચેતવણીઓ મળે છે. સમાજમાનસનાં આ જાળાં પાછળ દોઢસોએક વર્ષનાં ઇતિહાસ અને સમાજવ્યવસ્થા છે.
વક્રતા તો એવી છે કે આ એ જ લોકો છે કે જે પોતે રઝળીને આપણાં વસેલાં ઘરસંસારની જરૂરિયાતોને પૂરી પાડતા રહ્યા છે. એ બધા આપણી આજુબાજુ જ હોય છે, પણ તેમનાં હોવાની દખલ ભાગ્યે જ લેવામાં આવે છે. બંધારણ, સમાજશાસ્ત્ર અને સરકારી પરિભાષામાં તેમને વિચરતી અને વિમુક્ત જાતિઓ અથવા ડિનોટિફાઇડ અને નૉમૅડિક ટ્રાઇબ્સ (ડી.એન.ટી.) તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહોના મહેનતકશ હુન્નર અને કામધંધાનું સ્વરૂપ એવું છે કે જે તેમને ફરતી જિંદગી જીવવા માટે મજબૂર કરે છે. આ સમૂહોના લોકો જંગલમાં કે પહાડોમાં નહીં, પણ આપણા શહેરો અને કસબાની રોજબરોજની જિંદગીમાં પણ જોવા મળતા હોય છે. છતાં તેમના રઝળપાટનો આપણને ખ્યાલ હોતો નથી. આપણી સોસાયટીઓમાં છરી-ચપ્પાની ધાર કાઢવા માટે આવનાર સરાણિયા નામના વિચરતા સમુદાયના હોય છે. ચાદરો વેચનાર સલાટ અને ગધેડાં પર માટીફેરા કરનાર તે ઓડ. થોડાં વર્ષો પહેલાં સુધી સાપ લઈને આવનાર વાદી-મદારી, અને અને કાંસકામાં ઊતરી આવેલા વાળ વેચાતા લેનાર વઢિયારી બજાણિયા. વેશ કાઢનાર તે બહુરૂપી અને ભજવનાર તે ભવાયા. શહેરમાં રસ્તાની બાજુએ નેતર કે વાંસમાંથી પડદા બનાવનાર તે વાંસફોડા, દોરડાં પર ખેલ કરનાર તે બજાણિયા અને અને અંગકસરતના દાવ બતાવનાર નટ. રાવણહથ્થા વગાડતાં ફરનારા ભરથરી, લોબાન લઈને જનાર ફકીર, મૂર્તિઓ બનાવનાર કે નદીના ભાઠામાં શાકભાજી ઊગાડીને વેચનાર દેવીપૂજક. પોલીસના અમાનુષ જુલમોનો હંમેશાં વગર કારણે ભોગ બનાનારા ડફેર. આ કંઈક અંશે જાણીતી જાતિઓ ઉપરાંતની કેટલીક વિચરતી જાતિઓ આ મુજબ છે : કાઠોડી, કોટવાળિયા, ગરો, ગાડલિયા, ગારુડી, ઘાંટિયા, ચામઠા, જોગી, તુરી, નાથ, પારઘી, બાવા-વૈરાગી, ભવૈયા, ભોપા, ભાંડ, રાવળિયા, વણઝારા, વાદી, વિટોળિયા, શિકલીગ, છારા, મે, મિયાણા, વાઘરી, વાઘેર.
આમાંથી અનેક કોમોનો કર્મશીલ મિત્તલ પટેલે કરેલો સમાજશાસ્ત્રીય અભ્યાસ ‘ગુજરાતના વિચરતા-વિમુક્ત સમુદાયો’ પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પુરોગામી સંશોધન-પુસ્તક ‘સરનામાં વિનાનાં માનવી’ વિરલ સામાજિક કાર્યકર અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય અરવિંદ આચાર્યે લખ્યું છે. તેમાં તેમણે ઝવેરચંદ મેઘાણીએ નાથ-બાવા, ડફેર, મિયાણા જેવા સમુદાયોનું લોકસાહિત્યના અભ્યાસના ભાગ તરીક જે ગૌરવ કર્યું છે તેના સંદર્ભો પણ આપ્યા છે. ખોટી રીતે ગુનેગાર ગણાયેલી પાટણવાડિયા કોમની પોલીસ દ્વારા લેવાતી ખૂબ અપમાનકારક હાજરીનો નિયમ દૂર કરાવવા માટે મહારાજે સરકારી કચેરીઓમાં જે કેટલા ય માઇલોના ધક્કા લોઢા જેવા પગે ચાલીને ખાધા છે તેનું વૃત્તાન્ત ‘માણસાઈના દીવા’માં મળે છે. મહાશ્વેતાદેવીની કેટલીક કૃતિઓ, લક્ષ્મણ ગાયકવાડની ‘ઉઠાઉગીર’ કે કર્મશીલ દક્ષિણ છારાની ‘બુધન બોલતા હોય’ કે સાત છારા રંગકર્મીઓની ‘કહાની મેરી તુમ્હારી’ જેવી આપવીતી, છારા યુવાનો જે ભજવતા રહે છે તે ‘બુધન’ નાટક, મિત્તલ અને સાથીઓની સંસ્થા ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’નો બ્લૉગ એ આ સમૂહોના યાતનાલોકમાં લઈ જાય છે. વળી, સરકાર અને સમાજને તેમાંથી બહાર નીકળવાની દિશા મથામણ પણ મિત્તલની સંસ્થા કે દક્ષિણ અને એના સાથીઓના ડી.એન.ટી. અધિકાર મંચ જેવાં જૂથોનાં કામમાંથી જ મળે છે.
વિચરતા અને વિમુક્ત જાતિ સમૂદાયોને એંગ્રેજોએ ‘ગુનેગાર કોમો’ તરીકે કેમ ખતવી અને આઝાદ ભારતની પોલીસે તે કલંક શી રીતે ટકવા દીધું છે તેની સમજૂતી જાણીતા વિદ્વાન સમાજસેવક ગણેશ દેવીએ આપી છે. દેવી કહે છે કે અંગ્રેજો તેમના સામ્રાજ્યનો વિરોધ કરનાર સહુને ગુનેગાર ગણતા, અને તેમાં ય જેમની પાસે હથિયાર હોય તેમને વિશેષ. એમાં શાહિરો-ચારણો, ફકીરો, ગામે ગામ ફરીને ધંધો કરનાર નાના વેપારીઓ, ગામડાંમાં માલ વહન કરનાર, વિખરાયેલા કે છોટા થયેલા સૈનિકો વગેરે બધા આવી જતા. ઓગણીમી સદીના પૂર્વાર્ધમાં ઇશાન ભારતની આદિવાસી જાતિઓનો વારો આવ્યો, ત્યાર બાદ બીજા રાજ્યોનો. 1871માં અને ક્રિમિનલ ટ્રાઇબ્સ (સી.ટી.) ઍક્ટ હેઠળ આવતી જાતિઓની લાંબી યાદી બની. દેશ આઝાદ થયો ત્યારે પણ સંખ્યાબંધ જાતિઓ ‘જન્મજાત ગુનેગાર’ની યાદીમાંથી મુક્ત ન થઈ. 1952માં સંસદે તેમને આ યાદીમાંથી મુક્ત કર્યા, એટલે વિમુક્ત જાતિ શબ્દ આવ્યો.
જો કે અંગ્રેજોએ પછી ય આ સમુદાયોની હાલતમાં ઝાઝો ફેર ન પડ્યો. સી.ટી. ઍક્ટની જગ્યાએ હૅબિચ્યુઅલ ઑફેન્ડર્સ ઍક્ટ એટલે કે કાયમી ગુનેગાર કાયદો બન્યો ! પોલીસ અને સત્તાનો એક હિસ્સો અંગ્રેજોના જમાનાના જ રહ્યા. પોલીસ વાડજના કિસ્સામાં મહિલાઓને બચાવવાની કોશિશ કરે છે. પણ સારી જિંદગી માટે વલખાં મારનાર ડફેરોના કડી તાલુકાના વામજ ગામ બહારના દંગા પર ચૌદમી મેએ તૂટી પડે છે! મ્યુિનસિપલ કૉર્પોરેશન સાબરમતી વિસ્તારમાં વર્ષોથી વસતા દેવીપૂજક, બજાણિયા અને વાંસફોડા લોકોનાં છાપરાં પર સત્તરમી જૂને બુલડોઝર ફેરવે છે ! તેના બાર દિવસ પછી વાડજમાં ટોળું વાદી મહિલાને મારી નાખે છે !
*******
05 જુલાઈ 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 06 જુલાઈ 2018