courtesy : "The Times of India", 12 January 2019
courtesy : "The Times of India", 12 January 2019
સોની દાગીનો ઘડતો હોય ત્યારે કેટલીક બારીક કરચો અહીં તહીં પડી જતી હોય છે. એને 'ખેરો' કે 'ગેરો' કહેવાય છે. હાથ નવરો પડે ત્યારે એ સાવચેતીથી પહેલી આંગળીનો દાબ આપીને કે નાની ચીપૂડી વડે કરચોને અંકે કરી લેતો હોય છે. કોઇ કોઇ સાહિત્યકારો એમ કરે છે અને હું પણ એમ કરતો હોઉં છું. લખવા દરમ્યાન કોઇ વિચાર કે વિચારને રજૂ કરતું વાક્ય સરકી ગયું હોય કે કાચુંપાકું લાગ્યું હોય તો એને ત્યાં ને ત્યાં પડી રહેવા દઉં છું. ક્યારેક તો આખા ને આખા ફકરા પણ એમ જ પડી રહેતા હોય છે. ન વપરાતી રેલવે લાઈનના કટાઈને વરવા દીસતા પાટા જેવી એ લીટીઓને અવારનવાર દયાળુ નજરે જોતો હોઉં છું. કાગળ પર લખતો'તો ત્યારે તો ફટ કરતોક ને ડૂચો કરી ફગાવી દેતો. પણ કમ્પ્યૂટર પર જન્મેલા એ સુન્દર અક્ષરોનાં રૂપરૂપાળાં વાક્યોને ડીલીટ કરવાનો જીવ નથી ચાલતો. એટલે, 'ખેરો' નામના એક આર્કાઇવ્ઝ-બૉક્સમાં કાળજીપૂર્વક સંઘરી રાખું છે.
જેમ સોની જતે દિવસે એ કરચોના સંગ્રહમાંથી ઘરેણું ઘડી કાઢે છે એમ ઘણા સાહિત્યકારો એમાંથી વાર્તાઓ કાવ્યો નાનાં નાનાં ગદ્ય-ટુકડાઓ પદ્ય-પંક્તિઓ ચાટૂક્તિઓ ટુચકા કે ભીંતે લટકાવી શકાય એવાં સૂત્રો કે ચિન્તનકણિકાઓ રચી કાઢે છે. પણ મારાથી એમ નથી થતું. હું તો એને હોય એમ જ રજૂ કરવામાં માનું છું. ત્યારે મારી મહેચ્છા તો એવી હોય છે કે મારો કોઇ વાચક ભલે એમાંથી કાવ્ય વાર્તા નિબન્ધ વિવેચન કે એને જે ઠીક પડે એ ભલે ને બનાવી લે. અને એનાથી એમ ન પણ થાય તો એ ટુકડાઓને એ ક્રોધભરી નજરે વિલોકે અવલોકે તો એ ય ખોટું નથી.
તો આટલી પ્રસ્તાવના પછી હું એમને રજૂ કરીને વચ્ચેથી ખસી જઉં છું. આ રહ્યા એ બધા :
===
આપણે ત્યાં ઉમાશંકરની 'સમગ્ર કવિતા'-ની જેમ પોતાનું સમગ્ર છપાવવાનો ચાલ છે. લોકપ્રિય થયા પછી એમ કરી શકાય. પણ એમ કરવાથી લોકપ્રિય ન થવાય એ સમજાય એવું છે. મેં એવા એક સમગ્ર કવિતાકારને પૂછેલું, તરત ને તરત તમારા છસ્સો પાનના આટલા મોટા સંગ્રહની બે જ મહિનામાં બીજી આવૃત્તિ શી રીતે થઇ ગઇ? એ શાણા હતા, મૂછમાં હસતાં બોલેલા – લાઇબ્રેરીઓ, લાઇબ્રેરીઓ ! હું એમની એ સાહિત્યેતર ચતુરાઇ સમજી ગયેલો. આમે ય, કેટલાક સમગ્રો તો લાઈબ્રેરીઓમાં કેદ થવાને લાયક જ હોય છે.
= = =
પોતાને લોકપ્રિય માનતા એક કવિએ તેમછતાં પણ કહ્યું – હું કવિ છું. તો પેલાએ કહ્યું, હું બહેરો છું. આ જોકનો મેં વળી વિસ્તાર કર્યો છે. કવિએ કહ્યું, મને એનો વાંધો નથી ! પેલાએ કહ્યું, હું તો ચાલ્યો, ઘરે કામ છે. કવિ કહે, તો તમારે ઘરે બેસશું, ગમશે મને. પેલાને થયું, ઘરે આવે તો તો આવી જ બન્યું ! એટલે કહ્યું, ભલે સંભળાવો : ત્યાં બેસીએ : ભલે : કવિએ એક ઑર, એક ઑર, આ છેલ્લું, કરીને નવ કાવ્યો સંભળાવ્યાં ! પેલો વચ્ચે વચ્ચે ઊઠું ઊઠું થયા કરે. નવે નવ કાવ્યો ઉત્તરોત્તર લાંબાં હતાં : પેલાએ આવજો કહ્યું : પણ કવિએ વિવેકે પૂછ્યું : કાલે અહીં જ મળશું? : ના-ના, મારે તો કાલે દિલ્હી થઇને હિમાલય જવાનું છે, સૉરિ : એ ઘાયલચિત્ત છિન્નવદન માણસને મેં જોયેલો, કાવ્યરસસિક્ત માથું નીચું રાખીને ચાલતો'તો તોપણ મને તો દોડતો લાગતો'તો.
= = =
વાચકો પર દબાણ નાખવું એવી પણ એક સાહિત્યહઠ છે; જેમ કે, લેખકો કહેતા હોય છે : આ નવલકથા માટે મેં ઘણાં સંશોધન કર્યાં છે -આ કાવ્યે તો મારો બહુ કસ કાઢ્યો છે – આ નાટક લખતાં મને દસ વર્ષ લાગ્યાં છે. જાણે એ વર્ષોમાં આ બધાઓએ બીજું કશું કર્યું જ ન હોય ! અરે, નોકરીધંધો દિલ દઇને કર્યો હોય. સાંજે લગ્ન-સમારમ્ભોમાં ગયા હોય, સવારે કોઈના બેસણામાં હાજરી આપી આવ્યા હોય. આપણને વાચકોને થાય, વ્હાલા, અમે તો તમને કશી અરજી ન્હૉતી કરી કે લખો ને છપાવો !
= = =
હું મારી કારકિર્દી દરમ્યાન બે જ સાહિત્યકારોની વ્યાખ્યાનશૈલી માણી શક્યો છું : સુરેશ જોષી -જોસ્સો એમના રમૂજી પણ ધારદાર કટાક્ષમાં રસાઇને ઑગળી જાય ને અનોખા વિચાર-સંવેદનની આસ્વાદ્ય કશી લહર વારે વારે માણવા મળે. થાય, આ માણસ બોલ્યા જ કરે તો કેવું સારું. ઉમાશંકર કશા જોસ્સા વિના હસતા રહીને ભોમિયાની માફક શ્રોતાને પોતાની જોડે જોડે લાંબો વિહાર કરાવે ને એમ વક્તવ્યને વિકસાવતા જાય. છેલ્લે આપણે હાથ આવે, ચમકતું વિચાર-મોતી.
= = =
સાહિત્યને સ્વહિતાર્થે કીર્તિવન્તો પણ ઑજાર તરીકે વાપરતા હોય છે. મેં બહુ જોયા છે. હું રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીની ઍડવાઇઝરી કમિટિમાં હતો. મીટિન્ગમાં કાવ્યસમ્પાદનની વાત આવી. સમ્પાદિત થનારાં કાવ્યોની અમુક વર્ષમર્યાદા હતી. એ દરમ્યાન નિરંજનભાઇનું એકેય કાવ્ય પ્રગટેલું નહીં. છતાં સમ્પાદક હઠ લઇ બેઠેલા; કહે, નિરંજન ભગત વિનાનું કોઇ કાવ્ય-સમ્પાદન હોય જ નહીં. મીટિન્ગમાં રાજેન્દ્ર શાહ પણ હતા. એમણે કહેલું, નિરંજન આ સમ્પાદનમાં નહીં જ હશે. એનું જૂનું કાવ્ય છાપીને શિસ્તભંગ નથી કરવો અને ખાસ તો આપણે મારા પરમ મિત્રની આબરૂ નથી લેવી. છેલ્લાં વરસોમાં નિરંજનભાઈનાં નબળાં કાવ્યો છાપનારાઓએ એમના ટીકાકારોને તકો પૂરી પાડેલી. ગુજરાતી સાહિત્યની આ બધી બલિહારી છે.
= = =
એક વાર હું નિરંજન ભગતને મળવા ગયેલો ત્યારે એમના 'જલદર્શન' ફ્લૅટની નદી તરફની બારી બંધ હતી. કાચ પર અગણિત જિવાત ચૉંટેલી. કાચ જેવું કશું બચેલું જ નહીં. કહે, આ અમારું જિવાતદર્શન છે. કૉર્પોરેશન આ સાબરમતીનું કંઇ સરખું ઑપરેશન નહીં કરે તો એક દિવસ આ જિવાત અમદાવાદીઓને ખાઇ જશે ! કવિના આવા તો કેટલા ય પુણ્યપ્રકોપ હૅવમોરનાં ટેબલ પરથી અમદાવાદના ટાઉનહૉલની ટોચે પ્હૉંચેલા. હવે એવો પ્રકોપ કરનારો સાહિત્યકાર કોઇ છે નથી.
= = =
આપણે ત્યાં વિવેકહીનો કાં તો અધોભાવથી અથવા અહોભાવથી વિવેચનો કરતા હોય છે. એવા વિવેચકો ઝટ પરખાય કેમ કે અમુક પર હમેશાં વરસી પડતા હોય ને અમુકને ઉતારી પાડવાની મળે એટલી તકો ઝડપી લેતા હોય. કૃતિ-કર્તાનું ખરેખરું મૂલ્ય શું છે એ નથી કહી શકતા. બલકે, નથી કહેવા માગતા. આને વિવેચન ન કહેવાય, સામાના કાર્યને નુક્સાન કરનારો રંજાડ કહેવાય.
= = =
આ 'કટ ઍન્ડ પેસ્ટ'-નો જમાનો છે. એ સગવડનો લાભ લેનારને ઉન્નતભ્રૂઓ નીચી નજરે જુએ છે. વર્લ્ડ વાઇડ વેબ્સ માહિતીનો નિત્યવર્ધમાન અખૂટ ભંડાર છે. પહેલેથી જેવાં આવડ્યાં હોય એવાં વાક્યોની મર્યાદામાં એ-ની-એ લઢણમાં લખ્યા કરતા પરમ્પરાપ્રાપ્ત વિદ્વાનો ઇન્ટરનેટ-યુગમાં પ્રવેશતાં ભડકે, એ સમજી શકાય એવું છે. બાકી, કોઇપણ લેખકે, કૉલમનવીસે તો ખાસ, એ માહિતીભંડારોનો ભરપૂર લાભ લેવો જોઇએ. અલબત્ત, મળેલાં માહિતી-પુષ્પોને એણે પોતાના આગવા વિચાર-દોરાથી પરોવીને નાનકડો હાર રચવાનો હોય છે. નહીં તો એની 'ફલાણા કટ ઍન્ડ પેસ્ટવાલા' અટક પડી જાય !
= = =
સોમવારે કામે ચડવાનું. સોમ નહીં સારો. મંગળ જરાક સારો. બુધ વધારે સારો કેમ કે એથીયે વધારે સારો ગુરુ દેખાવા લાગ્યો હોય. ને શુક્ર તો છેલ્લો એટલે મજા મજા, કેમ કે શનિ અને રવિ રજા રજા !
= = =
"સાહિત્ય સાહિત્ય" : લેખક્રમાંક : 225 : તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૧૯
https://www.facebook.com/suman.shah.94/posts/2293206120710288
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર અસરકર્તા મુદ્દાઓમાં એક મુદ્દો અનામતનો પણ હતો. છત્તીસગઢમાં અનુસૂચિત જાતિને તેની વસ્તીના પ્રમણમાં અનામતવધારો મળતો નથી તેનો રોષ હતો તો તેલંગણામાં સત્તાધારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ મુસ્લિમોને અનામત આપી ખુશ રાખ્યા હતા. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. આ રાજ્યનો બળુકો મરાઠા સમુદાય લાંબા સમયથી અનામતની માંગણી કરી રહ્યો છે. એટલે મહારાષ્ટ્રમાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં ૧૬ % અનામત આપતો કાયદો સર્વાનુમતે પસાર થયો છે. મહારાષ્ટ્રમાં હાલ ૫૨ % અનામત અમલમાં છે. નવી ૧૬ % સાથે અનામતનું પ્રમાણ ૬૮% થયું છે. ૪૯ % કરતાં વધુ અનામત આપી શકાય નહીં તે અને અન્ય બાબતોને લઈને આ અનામતને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અદાલતે જો કે કોઈ મનાઈહુકમ નથી આપ્યો પણ જ્યારે આ મેટર સબજ્યુડિસ છે ત્યારે નવી મરાઠા અનામત પ્રમાણે સરકારી ભરતીની જાહેરાત અંગે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે અઢીએક વરસ પહેલાં, ૧૬મી જુલાઈ ૨૦૧૬ના રોજ, મરાઠા કિશોરી પર કેટલાક દલિતોએ સામૂહિક બળાત્કાર કરી તેને મારી નાંખી હતી. આ બનાવથી આક્રોશિત મરાઠાઓએ દોષિતોને ફાંસીની સજા અને દલિત આદિવાસી અત્યાચાર પ્રતિબંધક કાયદાની નાબૂદીનું આંદોલન ઉપાડ્યું હતું. સ્વયંભૂ, સામૂહિક નેતૃત્વ ધરાવતું, બિનરાજકીય, ખાસ્સું અહિંસક અને ભારે લોકસમર્થન ધરાવતું “મરાઠા ક્રાંતિ મોરચા”નું આંદોલન કોપર્ડીકાંડથી હઠીને મરાઠા અનામત આંદોલન બની ગયું. ૫૦ કરતાં વધુ મૂકમોરચા અને લાખોની મેદનીએ તમામ રાજકીય પક્ષોને મરાઠા અનામતની તરફેણમાં મૂકી દીધા.
૧૩ કરોડની મહારાષ્ટ્રની વસ્તીમાં મરાઠાઓ ૩૦% હોવાનું મનાય છે. વિધાનસભાની સો કરતાં વધુ બેઠકો પર મરાઠા વોટ નિર્ણાયક છે. રાજ્યના મોટાભાગના મુખ્યમંત્રીઓ મરાઠા હતા. સુગર ફેકટરીઓ સહિતના સહકારી ક્ષેત્ર, ખાનગી, સ્વનિર્ભર શિક્ષણ સંસ્થાઓ મરાઠાઓના હાથમાં છે. જો કે તેને કારણે રાજ્યનો સઘળો મરાઠા સમુદાય સાધન સંપન્ન નથી. એક નાનકડો વર્ગ જરૂર સુખી અને સંપન્ન છે પણ મોટો ગ્રામીણ સમાજ પછાત અને ગરીબ છે.
૨૦૧૪માં રચાયેલી નારાયણ રાણે સમિતિ અને તે પૂર્વેના બાપટ આયોગ અને સર્રાફ આયોગે તેના અહેવાલોમાં મરાઠાઓની વિકટ સ્થિતિ દર્શાવી હતી. વર્તમાન અનામત આંદોલન પછી રાજ્ય પછાત વર્ગ પંચે ૨ લાખ રજૂઆતો, ૨૦ લોકસુનાવણીઓ અને ૩૬ જિલ્લાઓનો સર્વે કરીને મરાઠાઓ પછાત હોવાનું તારણ કાઢી, ૧૬% અનામતની ભલામણ કરી છે. સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિશનના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના ગામડાંઓમાં મોટા ખેડૂત મરાઠાઓ અલ્પ છે જ્યારે નાના સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોનો વિશાળ વર્ગ છે. શહેરોમાં તે કૂલી અને માથોડી કામદાર તરીકે પણ જીવે છે. ૭૦% મરાઠા કાચા ઘરોમાં રહે છે, ૭૮.૮૬% ખેતી અને ખેતમજૂરી પર નભે છે. ૫૨% દેવાદાર છે. ૩૭.૨૮% ગરીબીની રેખા હેઠળ જીવે છે. ૧ લાખ રૂપિયા કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા મરાઠા ૯૩ % છે. માત્ર ૪.૩૦% જ ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને સરકારી નોકરીઓમાં તેમની ટકાવારી ૬.૯૨ % જ છે.
ગુજરાતના પાટીદાર, રાજસ્થાનના ગુર્જર, હરિયાણાના જાટ, આંધ્રના કાપૂ અને મહારાષ્ટ્રના મરાઠા લાંબા સમયથી અનામતની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશોની સરકારો પૂરતા બંધરણીય અને કાયદાકીય અભ્યાસ વિના, જાણે કે થોડા સમય માટે મુદ્દાને થાળે પાડવા જ, અનામત આપી દે છે. અદાલતો તેને ગેરબંધારણીય ઠેરવે છે. તેથી દોષનો ટોપલો કોર્ટો પર ઢોળી પોતે તો પછાતોના હામી છે પણ અદાલતો અંતરાય છે તેવી છાપ ઊભી કરે છે. ૨૦૧૪માં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકારે અને ૨૦૧૫માં વર્તમાન બી.જે.પી.-શિવસેના સરકારે મરાઠાઓને અનામત આપી હતી. પણ તે અદાલતમાં ટકી નહોતી. હાલની ૧૬% અનામત પણ અદાલતમાં ટકશે કે કેમ તે સવાલ છે જ. મહારાષ્ટ્ર સરકારે બચાવ તો કરી જ દીધો છે કે “તેણે મરાઠાઓની માંગણી માટે ઈમાનદાર અને ઉત્તમ પ્રયાસ કર્યો છે.”
ભારતના બંધારણના આર્ટિકલ ૧૬માં રાજ્યની નોકરીઓમાં નાગરિકને ભેદભાવ વિના સમાન તકની જોગવાઈ છે. તેમાં “જે વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ના હોય તેવા વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવાની” અને તેથી “સમાન તકનો ભંગ થશે નહીં” તેમ જણાવી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતો માટે અનામતની જોગવાઈ કરી છે. અનુસૂચિત જાતિ, જન જાતિને બંધારણના અમલ સાથે જ અનામત આપવામાં આવી છે જ્યારે અન્ય પછાત વર્ગો માટેની અનામતો ઘણી મોડી અમલી બની હતી. રાષ્ટ્રીય કક્ષાએ વી.પી. સિંઘના પ્રધાનમંત્રીત્વ કાળમાં મંડલ કમિશનના સ્વીકાર પછી ૨૭ % ઓ.બી.સી. અનામત આવી છે.
અનામતનો માપદંડ સામાજિક શૈક્ષણિક પછાતપણું અને વહીવટ તથા રાજકારણમાં અપૂરતા પ્રતિનિધિત્વનો છે. ભારતના બંધારણમાં હાલમાં ગરીબો માટે એટલે આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ નથી. નરસિંહરાવની કૉન્ગ્રેસી સરકારે ગરીબો માટે ૧૦% અનામતની જોગવાઈ કરી હતી. તેને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય જાહેર કરી હતી. અદાલતે અનામતની મહત્તમ મર્યાદા ૪૯ % ઠરાવી હતી. તે પછી જુલાઈ ૨૦૧૦માં ચોક્કસ કારણો અને હકીકતોના આધારે તે મર્યાદામાં થોડી છૂટ આપી હતી. દેશના કેટલાક રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, અનામતનું પ્રમાણ ૪૯% કરતાં વધારે છે.
મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિની ૧૩%, જનજાતિ ૭%, ઓ.બી.સી. ૧૯%, વિચરતી અને વિમુક્ત જાતિ સહિતની ખાસ જાતિઓની ૧૩ % મળી કુલ ૫૨% અનામતો અમલી છે. હવે નવી ૧૬% મરાઠા અનામત ઉમેરતાં કુલ પ્રમાણ ૬૮% થયું છે. રાજ્ય સરકાર મરાઠા અનામતને વાજબી ઠેરવવા ઓ.બી.સી. કમિશનનો આધાર લે છે. પરંતુ દેશમાં અને રાજ્યોમાં ઓ.બી.સી. અનામત એક જથ્થે અને વધુમાં વધુ ૨૭% જ રાખી શકાતી હોય ત્યારે મરાઠા અનામત રાજ્યની હાલની ૧૩% ઓ.બી.સી. અનામત ઉપરાંત માત્ર મરાઠાઓ માટે જ રાખવી કાયદાકીય રીતે ન સમજાય તેવી બાબત છે. વળી ૪૯% કરતાં વધુ પ્રમાણ માટે રાજ્ય ઓ.બી.સી. પંચનો રિપોર્ટ જ પર્યાપ્ત નથી. તમિલનાડુ સરકારની જેમ મરાઠા અનામતને અદાલતી સમીક્ષાથી પર રાખવા, તેને બંધારણની નવમી અનુસૂચિમાં મુકવાનો બંધારણ સુધારાનો માર્ગ પણ સરકારે લીધો નથી. એટલે સરકાર જેને ઈમાનદાર પ્રયાસ ગણાવે છે તે લોલીપોપ પણ બની જાય તેમ છે.
e.mail : maheriyachandu@gmail.com