કલ્પના કરો કે જે ઘટના બુધવારે ઘટી એવી શરમજનક ઘટના ડૉ. મનમોહન સિંહના રાજમાં ઘટી હોય તો દેશભક્તિનાં નામે રુદન કરતાં રુદાલીઓ, ગુસ્સાથી થરથર કાંપતા રાષ્ટ્રભક્તો અને સ્ટુડિયોમાં સરકાર ચલાવતા અર્નબ ગોસ્વામીઓ શું કરતા હોત? કલ્પના કરવા જેવી છે. આનંદ આવશે. બીજા વર્ગના લોકોને જોઇને સરકસના જોકરોની યાદ આવશે, ત્રીજાને જોઇને સરકારના તાલીમ પામેલા જાનવરોની યાદ આવશે અને પહેલાને જોઇને હસતા, તાળીઓ પાડતા, ચિચિયારીઓ કરતા, વિસ્મયથી આંખ ફાટેલી હોય એવા અને ક્યારેક ભયથી રડી પડતા સર્કસ જોનારાં બાળકોની યાદ આવશે.
ઘડિયાળના લોલકના બે છેડાની જેમ ૨૦૧૪ અને ૨૦૧૯ની એક સરખામણી કરવા જેવી છે. આવી ઘટના જો ૨૦૧૪માં બની હોત તો તેઓ આજે દેશની આબરુના કાંકરા કરનારા સરદાર માટે ભોંઠપ અનુભવતા હોત અને આંખો પર છાજલી કરીને પૂર્વ દિશાએ શક્તિમાનના ઉદયની રાજ જોતા હોત. છાતી પર હાથ મૂકીને પૂછી જુઓ તમારા અંતરાત્માને; આના કરતાં અલગ સીન હોત ખરો? રૂપિયો આટલું જૂઠ બોલાવડાવે અને પ્રજા ગુલામી ખત લખી આપે એવું ભારતમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. આવું બનતું હોય છે, બીજા દેશોની પ્રજાએ આનો અનુભવ કર્યો છે; ભારત ગાંધીનો દેશ છે એટલે આપણને એ અવસ્થાએ પહોંચતા વાર લાગી એટલું જ.
ભારત સરકારે પાકિસ્તાનમાં બાલાકોટ પર ત્રાસવાદીઓની છાવણી પર હુમલો કર્યો ત્યારે મેં લખ્યું હતું કે આ નિરર્થક બહાદુરી છે. આમાંથી કાંઈ જ નિષ્પન્ન થવાનું નથી. જગતનો આઠ દાયકાનો ઇતિહાસ આમ કહે છે. અમેરિકા પાકિસ્તાન પર ૪૧૫ ડ્રોન હુમલા કર્યા પછી, સીધા લશ્કરી હુમલા કર્યા પછી, પ્રત્યક્ષ લશ્કર મોકલ્યા પછી, બબ્બે વરસ ઈરાક અને અફઘાનિસ્તાનમાં પ્રોક્સી સરકાર દ્વારા એક રીતે સીધું રાજ કર્યા પછી, પાકિસ્તાનના સરહદી પ્રદેશ પર કબજો જમાવ્યા પછી પણ કોઈ કાંદો કાઢી કાઢી શક્યું નથી તો ભારત એક હુમલો કરીને શું હાસલ કરવાનું છે? મેં એમ પણ લખ્યું હતું કે જે થવાનું હતું એ થઈ ગયું, હવે પાકિસ્તાનને અપમાન સહી લેવા સમજાવવું જોઈએ અને વિશ્વદેશો પાકિસ્તાન પર દબાવ લાવીને તેને શાંત રાખવા સમજાવે એ માટે પ્રયત્નો કરવા જોઈએ.
કારણ દેખીતું હતું. આજના યુગમાં લશ્કરી હુમલો કરવો એ બહુ સહેલું છે. સંયમ રાખવામાં છપ્પનની છાતીની જરૂર પડે છે, ટપલી મારવામાં નહીં. દરેક દેશ ટપલી મારવાની ક્ષમતા ધરાવે છે. સંહારક શક્તિ એટલી બધી ભેગી કરી છે કે છાતી બતાવનાર અને ડોળા કાઢનાર દેશ અંદરથી તો ડરેલો જ હોય છે. કેટલા દેશોએ અમેરિકાનું નાક કાપ્યું હતું એની યાદી પણ મેં આપી હતી. તમને ખબર છે? દરેક દેશ પાસે નકશામાંથી કાયમ માટે ભૂંસી નાખવા જોઈએ એવા દેશોની યાદી છે. કોઈ પાસે એક છે તો કોઈ પાસે પાંચ પાંચ દેશો પણ છે. તેમનું ચાલે તો તેઓ દુશ્મન દેશને નકશામાંથી ભૂંસી નાખે, પણ પ્રચંડ તાકાત હોવા છતાં તેમનું ચાલતું નથી.
૧૯૪૫માં વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી કેટલા દેશો નકશામાંથી ભૂંસાઈ ગયા? એક નામ બતાવો. ઊલટા નકશામાં નવા દેશો ઉમેરાયા છે. જેમ કે પાકિસ્તાન ભારતને નકશામાંથી ભૂંસી નાખવા માગે છે, પણ ઊલટું બંગલાદેશ ઉમેરાયું. આપણે પણ જો આપણાંને નિર્વ્યાજ પ્રેમ કરતા નહીં શીખીએ તો આપણે પણ જગતના દેશોમાં વધારો કરીશું. આ આજના યુગનું અફર સત્ય છે. તો વાતનો સાર એટલો કે જો પાકિસ્તાનને સમજાવામાં ન આવે અને દબાણ લાવવામાં ન આવે તો ભારતને ટપલી મારવી એ પાકિસ્તાન માટે કોઈ અઘરું કામ નહોતું અને એ પાકિસ્તાને કરી બતાવ્યું છે. પહેલવાનને પણ ટપલી મારવાની તાકાત આજે જગતના મોટાભાગના દેશો ધરાવે છે. ખરું પૂછો તો આ તાકાત જ નથી, જાગતિક વિકૃતિ છે.
બુધવારે પાકિસ્તાનના લશ્કરી વિમાનો ભારતમાં પ્રવેશ્યાં, પાકિસ્તાનના દાવા મુજબ ભારતના બે વિમાનો તોડી પાડ્યાં અને અભિનંદન વર્ધમાન નામના તૂટી ગયેલા વિમાનના પાયલોટને કબજે કર્યો. અચાનક દેશમાં સોપો પડી ગયો. સોશ્યલ મીડિયા પર ન્યુઝ ફરતા હતા, પરંતુ પાળીતા મીડિયા એ વિષે ચૂપ હતા. વડા પ્રધાન, ગૃહ પ્રધાન, વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, રવિશંકર પ્રસાદ, બટકબોલા પ્રવક્તાઓ બધા ચૂપ હતા. એ પછી જ્યારે પાકિસ્તાને અભિનંદનને બતાવ્યો અને અભિનંદનને પોતાનું નામ આપતો બતાવ્યો ત્યારે મોઢું છુપાવવા માટે કોઈ જગ્યા બચી નહોતી. ભારતની વીરતા સામે પાકિસ્તાનના નાપાક કૃત્યની નિંદા થવા લાગી. એક કૃત્ય વીર અને બીજું નાપાક. ખેર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તો એ રાતે જ સંકેત આપી દીધો હતો કે ભારતના પાયલોટને પાછો સોંપી દેવામાં આવશે. ભારતે બાલાકોટ પર કરેલા હુમલામાં કેટલા ત્રાસવાદીઓ માર્યા ગયા એ કોઈ જાણતું નથી. ભારતે આજ સુધી સત્તાવાર આંકડો આપ્યો નથી, પણ પાકિસ્તાનના કબજામાં ભારતના પાયલોટને આખા જગતે જોયો.
આવી વીરતા વાંઝણી હોય છે અને આજના યુગમાં દરેક ટપલી મારવાની ક્ષમતા ધરાવે છે એવી મારી ધારણા બીજે જ દિવસે સાચી પડી એ રાજી થવાનો પ્રસંગ નથી. ઊલટું દુઃખ થાય છે કે મારા વડા પ્રધાન પાકિસ્તાનના વડા પ્રધાન કરતાં પણ ઓછા પરિપક્વ સાબિત થયા. ઇમરાન ખાનનું વક્તવ્ય યુ ટ્યુબ પર જોઈ જાઓ તો તમને પોતાને જ ફરક અનુભવાશે. લોકસભાની આવી રહેલી ચૂંટણી, પરાજયનો ભય અને ભય કરતાં પણ પરાજીત થવાની શરમ, રુદાલીઓનું છાતીફાડ રુદન, થરથર કાંપનારા રાષ્ટ્રવાદીઓનો આગભભૂકતો ગુસ્સો અને અર્નબ ગોસ્વામીઓના વૉર-રૂમ સ્ટુડિયોમાં મરું કે મારુંની ભવાઈ વગેરેથી દોરવાવાનું આ પરિણામ છે. છૂટકો જ નહોતો, કારણ કે આ જમાત આજના શાસકોની જીવાદોરી બની ગયા છે. ઓછામાં પૂરું હુમલો કર્યા પછી જાણે કે દુનિયા જીતીને આવ્યા હોય એવી ઉન્માદક કિકિયારીઓએ પાકિસ્તાનના શાસકોને સરહદ ઓળંગવા મજબૂર કર્યા. રુદાલીઓ અને થરથર કાંપતા રાષ્ટ્રવાદીઓ તો ત્યાં પણ છે ને!
01 માર્ચ 2019