હિમાલયમાં એક મજૂર રહેતો હતો. એનો અનુભવ એવો હતો કે જો તમે નર રીંછ સામે રાડો પાડો તો એ મોટે ભાગે જતું રહે છે, પરંતુ માદા રીંછ સામે જો તમે રાડ પાડી તો તમે મૂઆ સમજો. એ તમને પીંખી નાખે, ફડી નાખે.
એ મજૂરની આ વાત પરથી સાહિત્યકાર રુડયાર્ડ કિપ્લિંગે એક કવિતા રચી, જેમાં એમણે લખ્યું, ફિમેલ ઓફ ધ સ્પીશીઝ ઈઝ મોર ડેડલી ધેન મેલ. અર્થાત્, આ (રીંછ) જાતિમાં નર કરતાં માદા વધુ ખતરનાક (ડેડલી) હોય છે.
અસલમાં આ વાત પ્રાણીઓની બધી જાતિને લાગુ પડે છે. એમાં માણસજાત પણ આવી જાય.
હા, પુરુષો ગુસ્સો કરે (વધુ કરે), પુરુષો હિંસક બને (વધુ બને), છતાં વધુ ‘ખતરનાક’ કોણ? તો એના જવાબમાં સ્ત્રી જ કહેવું પડે. ખતરનાક એ રીતે કે એક વાર જો એ વિફરે તો પછી એને આસાનીથી શાંત પાડી શકાતી નથી.
એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી … ઉસકે બાદ તો મૈં ખુદ કી ભી નહીં સુનતા, એવું ફિલ્મ વોન્ટેડમાં સલમાન ખાન કહે છે અને સલમાન ખાન પુરુષ છે અને પુરુષોમાં પણ મક્કમતા-અડીખમતા હોઈ શકે … બધું સાચું, પણ વાત જ્યારે વિફરવાની આવે, ત્યારે સ્ત્રીઓ પુરુષોને અને ઓવરઓલ બધાં પ્રાણીઓની માદાઓ નરને પાછળ છોડી શકે. એટલે જ તો વિફરેલા વાઘ કરતાં વિફરેલી વાઘણ અને ઝેરીલા નાગ કરતા ઝેરીલી નાગણ વધુ પ્રચલિત શબ્દપ્રયોગ છે.
ચૂંટણીનાં માહોલમાં આ બધું યાદ આવવા પાછળનું કારણ બે નાની ઘટના છે. પહેલી ઘટના એ કે ગુજરાતમાં મતદાનના આગલા દિવસોમાં અચાનક કચ્છના એક રાજકારણીના જીવનમાંની બે મહિલાઓ વચ્ચેનો ઝઘડો વાઈરલ બન્યો. બીજી ઘટના એ કે સદગત કોંગી નેતા એન.ડી. તિવારીના દીકરાને એની પત્નીએ ગૂંગળાવીને મારી નાખ્યો હોવાના અહેવાલો ચગ્યા. આ બંને ઘટનાના પ્રકારો અને પ્રભાવો ભલે ઘણા જુદા છે, પરંતુ મૂળ વાત સ્પષ્ટ છેઃ નારીને અબળા ગણીને અવગણવી નહીં. એ અબળા નથી. એ ગમે ત્યારે ભારે પડી શકે, ખૂબ ભારે પડી શકે.
ખાતરી ન થતી હોય તો કેટલાંક જાણીતાં ઉદાહરણો યાદ કરીએ.
ઇંદિરા ગાંધીએ દુનિયાની પરવા કર્યા વિના બાંગ્લાદેશને પાકિસ્તાનથી તોડીને છૂટું કરી દીધેલું અને દેશની પરવા કર્યા વિના કટોકટી લાદેલી. સોનિયા ગાંધીએ એક વાર નક્કી કરી લીધું કે વડાં પ્રધાન નથી બનવું, પછી એમને કૉન્ગ્રેસીઓની કાગારોળ અને કાકલૂદીઓ ડગાવી શકી નહોતી. એ અગાઉ સુષ્મા સ્વરાજે જાહેર કરેલું કે જો સોનિયા ગાંધી દેશનાં વડાં પ્રધાન બનશે તો એ (સુષ્માજી) મુંડન કરાવશે. અલબત્ત, પછી સોનિયા ગાંધી વડાં પ્રધાન ન બન્યાં એ જુદી વાત છે, બાકી જો એ બન્યાં હોત તો શક્ય છે કે સુષ્માજીએ મુંડન કરાવ્યું પણ હોત (એમાં નેતાઓની ટિપિકલ જાડી ચામડી કે અભી બોલા અભી ફોકની નીતિ કદાચ વચ્ચે આડી ન હોત).
એ જ રીતે, પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા કરુણાનિધિને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં પૂરવાનો જોખમી નિર્ણય જયલલિતા અમલમાં મૂકાવીને જ ઝંપ્યાં હતાં. મમતા બેનરજીની મમતના કિસ્સા અનેક છે. માયાવતીએ કાંશી રામ પર કબ્જો જમાવી રાખવા માટે એમને હોસ્પિટલમાં કેવી રીતે ‘કેદ’ કરી રાખેલા એના વર્ણનો આપણે વાંચી ચૂક્યા છીએ.
ટૂંકમાં, સ્ત્રીહઠ આકરી હોય છે.
આપણે ત્યાં પ્રચલિત છાપ એવી છે કે આદર્શ હિન્દુ નારી ત્યાગ અને સહિષ્ણુતાની મૂર્તિ હોય છે. વાત સાચી છે. નારીમાં ત્યાગ, સમર્પણ, નિષ્ઠા, ચીવટ, સહિષ્ણુતા વગેરે જેવાં અનેક ગુણો ઠાંસીઠાંસીને ભરેલાં હોય છે, પરંતુ આ તો સિક્કાની એક બાજુ થઈ. નારીની બીજી બાજુ એ છે કે સ્ત્રીઓ બધી વાતે બધું જ ચલાવી લેવા જેટલી ‘સહિષ્ણુ’ નથી હોતી. એ પગલૂછણિયું નથી હોતી. એ વળી શું કરી લેશે એવા મિથ્યા ગુમાનમાં રાચનારા પુરુષો નાદાન હોય છે.
જૂની ફ્લ્મિ ‘વક્ત’માં વિલન મદન પુરી ચાકુ કાઢે છે ત્યારે રાજ કુમાર એનું જ ચાકુ બંધ કરીને એને પાછું આપતાં કહે છેઃ ‘જાની, ઇસે ચાકુ કહતે હૈ. લગ જાયે તો ખૂન નિકલ આતા હૈ.’ એમ સ્ત્રીઓને પગની ધૂળ કે અબળા કે ફ્ક્ત ઉપભોગનું સાધન ગણતાં પુરુષોએ એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે ‘જાની, ઇસે ઔરત કહતે હૈ. ભીડ જાયે તો ધૂલ ચટા દેતી હૈ.’
કુદરતે સ્ત્રીને ઘડી છે જ એવી. માનવજાત પેદા થઈ ત્યારથી આજ સુધી, બાળકોનું રક્ષણ કરવાથી માંડીને આહાર, આવાસ અને એવી બધી મૂળભૂત બાબતોને આવેશપૂર્વક જકડી રાખવાની જવાબદારી સ્ત્રીએ નિભાવી છે. ભલું થજો સ્ત્રીઓનું કે કેટલીક બાબતોમાં એ પઝેસિવ હોય છે, ઇમોશનલ હોય છે, નોન-નેગોશિયેબલ હોય છે, સમાધાન કર્યા વિના ઝઝૂમી લેવાનો જુસ્સો ધરાવતી હોય છે. મારા બાળકના હિતની આડે કોઈ આવ્યું તો હું એને છોડીશ નહીં … આવો આપણી માતાઓનો જે જુસ્સો છે એના જોરે આપણે એકદમ સુરક્ષિત અને હૂંફાળું બાળપણ ભોગવી શકીએ છીએ એ હકીકત જગતનાં તમામ સંતાનોએ યાદ રાખવા જેવી છે.
ટૂંકમાં, સ્ત્રીઓ જો આવી આકરી કે ખતરનાક કે જેવી કહીએ તેવી ન હોત તો માનવજાતિ પણ ડાયનોસોરની માફ્ક આ પૃથ્વી પરથી ક્યારની છૂ થઈ ચૂકી હોત.
માટે, સમગ્ર પુરુષજાતે સમગ્ર સ્ત્રીજાતને ફ્ક્ત ત્યાગ અને સહિષ્ણુતા બદલ જ નહીં, પરંતુ ‘ખતરનાક’ બની રહીને માનવજાતને ટકાવી રાખવામાં ભજવેલી મહત્ત્વની ભૂમિકા બદલ થેંક્સ કહીને એક કડક ફૌજી સલામ કરવી જોઈએ.
facebook .com / dipaksoliyal
સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 ઍપ્રિલ 2019