અવિચારી સિંચાઈ વ્યવસ્થા, વેડફાટ અને ખેતીનાં રાજકારણને લીધે પાણી અદ્રશ્ય થઈ રહ્યું છે
ભારત વ્યાખ્યા હવે બદલવી પડે એવો વખત પાક્યો છે. હવે એમ કહેવું પડે કે ભારત વિરોધાભાસનો દેશ છે. એક તરફ જૂનનાં છેલ્લા અઠવાડિયામાં ચેન્નઈમાં પાણીની તંગી એ હદે વકરી કે મૉલ્સ બંધ થયાં, લોકો પાસે પીવા માટે સુધ્ધાં પાણી નહોતું અને ડૉક્ટર્સને સર્જરી કરવા માટે પાણી ખરીદવું પડ્યું. ચૈન્નઈનાં મુખ્ય ચાર સરોવરમાંથી ત્રણ સુકાઈ ગયાં છે. ત્યાં પડેલો વરસાદ હંગામી રાહત સાબિત તો થયો પણ તેનાથી પાણીનો પ્રશ્ન ઉકલતો નથી. બીજી તરફ આસામમાં પૂરે તારાજી સર્જી છે, જોખમનાં બધાં સ્તર પાર કરી ચૂકેલું પૂર કેટલું ઉજાડશે એ તો પાણી ઓસર્યે જ ખબર પડશે. આપણે ત્યાં ઘણું બધું બદલાઈ રહ્યું છે. એક સમયે શાળામાં ભણાવતા કે ચેરાપૂંજી એ પૃથ્વીની સૌથી વધુ વરસાદ ઝીલતી જગ્યા છે, એ સ્થળે પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી દર શિયાળે દુકાળ પડે છે. કેરળ પૂરમાં ડુબ્યું પણ તો ય ત્યાં કૂવા સુકાઇ ગયાં. ભારતની તાસીર અને તસવીર બદલાઈ રહી છે, ગરમીમાં તપતો, પૂરમાં તરબોળ, પાણી વગર ટળવળતો – આ બધું જ આપણો દેશ છે, તે પણ એક જ સમયે. આ વિવિધતામાં હાલાકીએ એકતા કરી છે.
ભારતમાં પાણીની સમસ્યા એક એવો કાયમી પ્રશ્ન છે જેને માટે કાયમી ઉકેલ શોધવો જ રહ્યો. સરકારે તો નવું નક્કોર ‘જળશક્તિ’ મંત્રાલય ખડું કર્યું છે અને ૨૦૨૪ સુધીમાં બધાં ગ્રામીણ ઘરોમાં પાઇપ વાટે ચોખ્ખું પીવાનું પાણી પહોંચાડવાનો દાવો કર્યો છે, પણ અત્યારે જે રીતે જળ સ્રોત સુકાઈ રહ્યાં છે, વરસાદની કાયમી પેટર્ન બદલાઇ રહી છે, જળસંગ્રહમાં આપણે પાછા પડીએ છીએ અને સરકાર જ્યાં કાચી પડે છે એ જોતાં આ દાવાનો સંઘ કાશીએ પહોંચશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. આપણે ત્યાં તોળાઈ રહેલાં પાણીની તંગીનાં જોખણ અંગે સ્વૈચ્છિક સંસ્થાઓ, પર્યાવરણવાદીઓ, વિશેષજ્ઞો તો ઘણાં વખતથી બૂમો પાડી પાડીને કહી રહ્યાં છે, પણ જ્યાં સુધી પોતાનાં ઘરનાં નળ સુધી પાણીનો રેલો પહોંચતો અટક્યો નહીં ત્યાં સુધી લોકોએ આ અવાજોને દેકારામાં ખપાવ્યા.
નીતિ આયોગે ગયા વર્ષે જૂનમાં ‘કમ્પોઝિટ વૉટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, અ નેશનલ ટૂલ ફર વૉટર મેનેજમેન્ટ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ’નો રિપોર્ટ બહાર પાડ્યો. એમાં પાણીની તંગીને કારણે ભારતની વસ્તીનાં ૪૫ ટકા લોકો ટળવળી રહ્યાં છેની કબૂલાત સાથે કઇ રીતે ૨૦૨૦ સુધીમાં દેશનાં ૨૧ શહેરો ભૂગર્ભ જળ વિનાનાં થઇ જશેની વાત સચોટ રીતે રજૂ કરાઇ હતી. આ રિપોર્ટ અનુસાર ૨૦૩૦ સુધીમાં દેશનાં ૪૦ ટકા લોકો પીવાનાં પાણીથી સદંતર વંચિત થઇ જશે, અને ૨૦૫૦ સુધીમાં પાણીની સમસ્યાને કારણે ભારતનાં જી.ડી.પી.માં ૬ ટકા જેટલી ખોટ જશે. આ વાસ્તવિકતા છે. શક્યતાઓની વાત કરીએ તો સરકારે ભારતનાં પાણીની અછત ધરાવતા ૨૫૦ જિલ્લાઓને ધ્યાનમાં રાખીને જળ સંરક્ષણ અભિયાન શરૂ કર્યું છે, જેમાં આ વિસ્તારોમાં જઇને ટીમો સ્થાનિક અધિકારીઓ સાથે જળ સંરક્ષણની પ્રક્રિયાને વેગ આપશે. આ ઉદ્દેશ ચોક્કસ સારો છે પણ તેનો અમલ કેટલી હદે થાય છે તે કહેવું અત્યારે તો મુશ્કેલ છે. વરસાદનાં પાણીનાં સંગ્રહની વાતો તો વર્ષોથી થઇ રહી છે. તાજેતરમાં ‘મિન્ટ’માં આવેલા એક અહેવાલ અનુસાર, દિલ્હીની દરેક ઇમારતમાં રેઇન વૉટર હારવેસ્ટિંગ સિસ્ટમ ફરજિયાત હોવી જોઇએ-નો નિયમ હોવા છતાં મોટાભાગની સરકારી ઇમારતોમાં જ આમ કરવામાં નથી આવ્યું. વડા પ્રધાને આપેલા આંકડા અનુસાર દેશમાં માત્ર આઠ ટકા વરસાદી પાણીનો જ સંચય થાય છે.
આપણે આખરે આ હાલતે પહોંચ્યા કેવી રીતે? આમ તો ‘ક્લાઇમેટ ચેન્જ’ પર દોષનો ટોપલો ઢોળી દેવાય પણ ખરેખર તો આ માનવસર્જીત સમસ્યા છે. ચૈન્નઈની વાત કરીએ તો ત્યાં તળાવો અને વેટલેન્ડ્ઝનું ‘રિક્લેમેશન’ જો ન થયું હોત તો ભૂગર્ભ જળનું સ્તર સંતુલિત રહ્યું હોત. પુર આવી શકે એવી સ્થિતિ છે એવી ખબર હોવા છતાં લેન્ડ રિક્લેમેશન કરાયું અને ભારે વરસાદ પછી પાણી શહેરની જમીનમાં ઊંડે ન ઊતરી શક્યું અને જમીન પર વહ્યું અને વેડફાયું – તારાજી સર્જી. આવું અનેક પ્રકારનું મિસ-મેનેજમેન્ટ આખા દેશને ડુબાડી ચુક્યું છે.
ભારતમાં દર વર્ષે એટલો વરસાદ તો પડે જ છે જે ૧૦૦ કરોડ લોકોની જરૂરિયાતને પહોંચી શકે. દેશનાં સેન્ટ્રલ વૉટર કમિશન અનુસાર દેશને ૩,૦૦૦ બિલિયન ક્યુબિક મિટર પાણીની જરૂર છે અને આપણે ત્યાં ૪,૦૦૦ ક્યુબિક મિટર વરસાદ તો પડે જ છે, પણ મોટા ભાગનું પાણી રેઢિયાળપણા અને દુરુપયોગને પગલે વેડફાઇ જાય છે. ઉત્તરપશ્ચિમ ભારતનાં પ્રદેશો દેશ માટે ધાન્યનો કોઠાર તો બન્યાં, ત્યાં હિમાલયમાંથી વહેતી નદીઓમાંથી સિંચાઇ પણ પહોંચી, પરંતુ ૭૦ના દાયકાની હરિયાળી ક્રાંતિ ટકી ન શકી. ૨૦૧૧માં ત્યાં સિંચાઇ માટે ૨૪૫ બિલિયન ક્યુબિક મિટર્સ પાણી કાઢવામાં આવ્યું – તે વર્ષે વિશ્વમાં ભૂગર્ભ જળમાં જેટલી પડતી થઇ તેનો આ પા ભાગ હતો. ઉત્તરપશ્ચિમનાં પ્રદેશોમાં એવા પાકની ખેતી થવી જોઇએ જેમાં બહુ પાણીની જરૂર ન પડતી હોય, પૂર્વીય પ્રદેશોમાં જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં ધાનનાં કોઠાર બને તો આ સંતુલન જાળવી શકાય, પરંતુ પાક ઊગાડવાની પેટર્નમાં બદલાવ કરવો એ રાજકીય રીતે જ મુશ્કેલ થઇ પડે એમ છે. ઉત્તર પશ્ચિમનાં ખેડૂતોને માત્ર ખૂબ પાણી માગી લે તેવા પાક ઊગાડવા છે તેમ નથી તેમને એ સાથે મફત અથવા સબ્સિડાઇઝ દરે વીજળી પણ જોઇએ છે, જેથી તે ટ્યુબ વેલ્સ ચલાવીને વધુ ઊંડું ઊતરી રહેલું ભૂગર્ભ જળ તેઓ ખેંચી શકે. રાજ્ય સરકારોએ જ્યાં પાણીની તંગી હોય તેવા વિસ્તારોમાં કઠોળ, દાળ, તેલી બીયાં વગેરેની ખેતીને પ્રોત્સાહન આપવું જોઇએ. જ્યાં પાણી વધુ હોય ત્યાં જ ચોખા જેવાં પાક ઊગાડવા જોઇએ. પણ અત્યારે તો નહેરો દ્વારા સિંચાઇને બદલે ભૂગર્ભ જળનો સિંચાઈમાં ઉપયોગ વધ્યો છે. વળી, ચોખા તથા ખાંડ જેવા ખૂબ પાણી માગી લેતા પાકમાં તેનો ઉપયોગ કરાય છે. આ પાકની નિકાસ પણ થાય છે, એટલે આપણું પાણી આપણા સિવાય આખી દુનિયામાં પહોંચે છે. સરકારે ઓછાં પાણીનાં પાકની ખેતી તરફ વાળવા ખેડૂતોને ઇન્સેન્ટીવ્ઝ આપવા જોઇએ, ટપક પદ્ધતિ, સ્પ્રિન્કલર્સ, સબ સરફેસ ઇરિગેશન, વાવાણી માટે રેઇઝ્ડ બીડ પ્લાન્ટિંગ રિજ ફરોની પદ્ધતિ વગેરે અનુસરવી જોઇએ.
બીજી તરફ નદીનું રાજકારણ પણ પેચીદું બની રહ્યું છે. કાવેરી જળ વિવાદમાં કર્ણાટક અને તમીલનાડુની ખેંચતાણ છે, તો ઉત્તરમાં વહેતી નદીનાં પાણીને મામલે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને ભારતની કંજુસાઈ નડે છે, ભારતને ચિંતા છે કે ચીન હિમાલયમાંથી તીબેટમાં નદીઓનાં પાણીનાં વહેણ ફંટાવી દેશે.
શહેરીકરણનાં જંગલમાં જળ સ્રોતની અવગણના આપણને પોસાય તેમ નથી. ચોમાસું હવે મોડું બેસે છે અને વરસાદ ક્યાં – કેટલો વરસશે એમાં પણ કોઇ નિશ્ચિતતા નથી. ખેતી પ્રધાન દેશમાં ખેતી લાગણીથી નહીં પણ ગણતરીથી કરવી પડશે, વૉટર હાર્વેસ્ટિંગ અજાયબી નહીં સાહજિકતા બનવી જોઇએ, ‘સ્માર્ટ’ શહેરોને દુકાળ રહિત બનાવવા પડશે.
બાય ધી વેઃ
વાંક વરસાદનો નથી પણ વર્ષો સુધી જળસ્રોતોને બેફામ ઉપયોગનો, પાયા વગરની નીતિ અને સરકારની લાંબા ગાળાની અવગણનાનો જ છે. ખેતી, ઘર અને ઉદ્યોગ ત્રણે ય ક્ષેત્રે પાણીની જરૂર પડે છે અને ખેતીમાં ૯૦ ટકા પાણી વપરાય છે. સિંચાઈ પદ્ધતિમાં વૉટર મેનેજમેન્ટ આપણી તાતી જરૂરિયાત છે. ચીનનો સિંચાઈ વિસ્તાર ભારત કરતાં વધુ છે છતાં ય ત્યાં ખેતી માટે ભારત કરતાં ઓછું પાણી વપરાય છે. ખેતી પ્રધાન દેશમાં પ્રધાનોએ ખેતીનાં રાજકારણને કોરાણે મુકીને ઓછાં પાણીએ સમૃદ્ધ થવાનાં રસ્તાઓ અપનાવવા જ રહ્યાં, પણ આ સાંભળવા-સમજવાની તસ્દી કોણ લેશે?
(સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2019)