દલિતોના સંદર્ભે અધ્યાત્મ હોય, રૅશનાલિસ્ટ હોય કે સમરસતા – આ બધું બહુ મોટા દલિતવર્ગની પહોંચ, સમજ કે જરૂરિયાત બહારની મગજમારીઓ છે. હા, એક સમાનતાનો મુદ્દો છે, જે એમને સીધો સ્પર્શે છે, જીવનજરૂરી પણ છે. ખેર, આપણને લાગે કે આ બધામાં પણ રૅશનાલિટી તો દલિતો માટે એકદમ એલિયન / પરગ્રહી ખ્યાલ હશે – પણ દલિતોનો એક વર્ગ જે ભણીગણીને, સમજદારી કેળવીને મુખ્ય ધારામાં ઊતરી ચૂક્યો છે, એ ખૂબ આશ્ચર્યજનક રીતે રૅશનાલિટી દાખવી રહ્યો છે. અપનાવી રહ્યો છે.
રૅશનાલિટી માનસિક અભિગમ અને વૈચારિક સજ્જતાનો મુદ્દો છે. રેશનાલિટી એટલે વિવેકબુદ્ધિ, સારાસારની સમજ, નિરીક્ષણ અને તર્કબદ્ધ વિશ્લેષણને અંતે વિચારી-સમજીને નિર્ણય પર પહોંચવું કે શું યોગ્ય છે, શું અયોગ્ય છે. એવું યોગ્ય તારણ જ સૌના લાભનું અને ભલા માટેનું હોય તેને સ્વીકારો અને તે રીતે જીવો. રૅશનાલિટીમાં રહેલો ધર્મવિરોધ પણ આ સમજદારીમાંથી આવે છે. એટલે કે રૅશનાલિસ્ટોમાં ધર્મવિરોધ અને નાસ્તિકતા રૅશનાલીટીના રસ્તે આવે છે. દલિતોમાં કદાચ એવું પણ બને કે ધર્મવિરોધના રસ્તે રૅશનાલિટી આવે! જો કે રૅશનાલિટી એટલે માત્ર ધર્મ અને ઈશ્વરનો ઇન્કાર એટલું જ નથી. રૅશનલ થિંકિંગ રોજિંદા જીવન અને સમાજને સ્પર્શતા દરેક મુદ્દામાં તમને સ્પષ્ટતા, સરળતા, નૈતિકતા અને માનવતા બક્ષે છે.
અમે રૅશનાલિસ્ટો ધર્મ, ઈશ્વર, પરંપરાના સૌથી વધુ બોલકા ટીકાકારો છીએ. દલિતોને પણ આવું કરતા જોયા છે. પણ તેઓમાં આ ગુણ બ્રાહ્મણવાદી સમાજવ્યવસ્થામાં સદીઓથી કચડાતા આવ્યાની શોષણ-દમન-અન્યાયની ભાવનામાંથી આવે છે. હું હંમેશાંથી માનતો આવ્યો છું કે દલિતો અને રૅશનાલિસ્ટો એકમેકના natural allies (કુદરતી સાથીદારો) છે. અને અમારા સોશ્યલ મીડિયા ગૃપ ‘અપના અડ્ડા’એ એ વાત ઘણે અંશે સાબિત કરી છે.
વર્ણવ્યવસ્થા સનાતનધર્મ દ્વારા ખોદાયેલી ઘોર છે … અને એટલા શાતિર દિમાગોની ઊપજ છે કે હજુ સુધી ટકી છે. આજે હવે વધુ ઊંડી બનવાનાં એંધાણ છે; એની સૌથી વધુ શેતાની ગોઠવણ એ છે કે બધી જ જ્ઞાતિ – જાતિઓને પોતાને ઊંચા ગણવા માટે એમનાથી નીચા કોઈ ને કોઈ મળી રહે! અને દલિત તો પાછા ચતુર્વર્ણના આ પિરામિડમાં પણ નથી, એ તો ચારે ય વર્ણમાં નીચેના શૂદ્રોથી પણ નીચે દબાયેલા પંચમ વર્ણ ગણાય છે.
રૅશનાલિટીના દલિતો સાથેના આંતરસંબંધો ચકાસતાં મને એક સવાલ થયેલો. દલિતોએ હિન્દુ કહેવાતો આ બ્રાહ્મણધર્મ હજુ સુધી સર્વથા કેમ નથી છોડ્યો?! મારે જાણવું હતું કે અન્યાય દમનનો વિરોધ તો કદાચ દરેક જનરેશને કર્યો છે. પણ અત્યારે જે નામજોગ બ્રાહ્મણવાદ અને હિન્દુધર્મ સામે આક્રોશ દેખાય છે તે બાબાસાહેબ આંબેડકરે લાવેલી જાગૃતિ પછીનો જ છે કે એ પહેલાં પણ હતો? આ સવાલ ઉપર ‘અપના અડ્ડા’માં જ ચર્ચા થઈ. જે સ્પષ્ટતા મળી તે મુજબ અછૂતોની અવદશા માટે સનાતન ધર્મને સીધો જવાબદાર ગણાવીને તેની સામે બળવો પોકારવામાં સૌથી મજબૂત નામ જ્યોતિબા ફુલેનું લેવું પડે. (એમની પહેલાંના સંદર્ભો પણ ઘણા છે, પણ અહીં મારી નિસબત ધર્મ સામે મોરચાની વધુ છે). ફુલે દ્વારા ૧૯મી સદીના મધ્યમાં ધર્મ સામેની લડત ચાલુ થઈ અને ૨૦મી સદીમાં ભીમરાવ આંબેડકરે આ લડતને પૂરેપૂરી રૅશનલ એવી તીવ્રતમ સ્પષ્ટતા સાથે આગળ ધપાવી. આંબેડકરની સમાંતરે દક્ષિણમાં ઈ.વી. રામાસ્વામી પેરિયારે પણ તેમાં ખૂબ મોટું પ્રદાન કર્યું છે, જેને કારણે આજે પણ હિન્દુ ધર્મના નામે સત્તાના ખેલ પાડતી પાર્ટીને દક્ષિણમાં પગ પસારવાના ફાંફાં પડે છે.
આ નોંધ હું એટલે લઉં છું કે દલિતો માટે સામાજિક સમાનતા, ન્યાય અને હકની લડાઈમાં રૅશનાલિસ્ટનો દૃષ્ટિકોણ ફુલે-આંબેડકર-પેરિયાર જેવા મહાનુભાવોથી જોડાઈ ગયેલો ગણો. આંબેડકર સંપૂર્ણપણે રેશનલ હતા. એમનું સમગ્ર સાહિત્ય રૅશનાલિટીની દૃષ્ટિએ લખાયેલું ધારદાર વિશ્લેષણ છે. એ સાહિત્યના સહારે જાગૃત થયેલો દલિતવર્ગ વૈચારિક રીતે થોડો તો રૅશનલ થવાનો જ.
… અને અમને, ‘અપના અડ્ડા’ના આયોજકોને એ સ્પષ્ટપણે દેખાય છે. અને હિન્દુત્વથી પ્રભાવિત સવર્ણ લોકોના વિચારો, અભિગમો, અભિવ્યક્તિના કૉન્ટેક્સ્ટમાં તો આ દલિતો ગૌરવપ્રદ રીતે સજ્જ અને સજ્જન બનીને ઊભરી આવે છે. અડ્ડાની રૅશનલ, લિબરલ અને સેક્યુલર વિચારધારાને કારણે અમારું વલણ હંમેશાં ન્યાય-સમાનતા-સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી તરફી રહ્યું છે. તેને કારણે પહેલેથી જ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના દલિત યુવાનો અડ્ડા તરફ આકર્ષાયા છે. કોઈને અમે પકડીપકડીને ત્યાં જમા નથી કર્યા! જે રીતે એમણે રૅશનાલિટીને embrace કરી છે, આત્મસાત્ કરી છે એ મારે માટે આશ્ચર્યજનક હતું. ઉગ્ર ચર્ચાઓમાં સવર્ણોને મિજાજ ગુમાવીને બેફામ અપમાનજનક બોલતા, અશ્લીલ અને અપશબ્દો પર ઊતરી આવતા વારંવાર જોયા છે; પણ એવો દલિત જવલ્લે જ મળે! અડ્ડામાંથી રિમૂવ કે બ્લૉક થતા સભ્યોમાં સવર્ણો અને ક્ષત્રિયો જ વધારે હોય છે. તો પણ હું કોઈ એવા વહેમમાં નથી કે આને રૅશનલ ક્રાંતિ હોવાનો દાવો કરું, પણ આ ખૂબ સારી શરૂઆત જરૂર છે.
આમ તો દલિતોનાં હક, ન્યાય, સમાનતા માટેની અનેક રાજકીય સામાજિક લડતો, આંદોલનો ચાલે છે. આંબેડકરવાદી, બહુજનસમાજવાદી ડાબેરી સામ્યવાદી, સંધિ સમરસતાવાદી વગેરે. હવે એમાં એક આ વિવેકબુદ્ધિવાદી / રૅશનાલિસ્ટ ધારાનો પણ સમાવેશ ગણજો. મારો વ્યક્તિગત મત તો એ જ છે કે આમાંની કોઈ લડતો ધર્મ-ઈશ્વર છોડો, જ્ઞાતિ-જાતિ તોડોની વાત નથી કરતી. આ હિન્દુ માળખામાં રહીને જ સમાનતા / હકની વાત કરે છે. જે ક્યારે ય નથી મળવાના. આંબેડકરે પણ એટલે જ હિન્દુ ધર્મ છોડેલો. માત્ર રૅશનાલિઝમ એ બધું છોડવાની વાત કરે છે. એટલે જે લડત વૈચારિક રીતે રૅશનાલિસ્ટને અપનાવશે એ જ દલિતો માટે ન્યાય -સમાનતા હાંસલ કરી શકશે.
(તા. ૧૯-૬-૨૦૧૯ના રોજ વિનોદ વ્યાસ-જટાયુ આયોજિત કાર્યક્રમમાં આપેલું વક્તવ્ય)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 10 – 11