ગયા અઠવાડિયે કહ્યું હતું એમ શંકા તેમ જ શંકાજન્ય પ્રશ્ન અને પ્રેમ એ બે ચીજ માણસ લઈને જ જન્મે છે. આને બીજે છેડે ઇસ્લામમાં અલ્લાહની શરણાગતિ આખરી શરત છે. પ્રત્યેક મુસલમાને શરણાગતિ આધારિત વ્યવસ્થા શંકા કર્યા વિના સ્વીકારવાની હતી અને ઈશ્વર સાથેનો સંબંધ લાડ-પ્યારનો નહીં, પણ ખુદા-બંદાનો હોવો જોઈએ એવો પણ આગ્રહ હતો. આની સામે સ્વાભાવિકપણે જ બે પ્રતિક્રિયાઓ પેદા થઈ. એક મુત્તઝિલ્લા સ્કૂલ વિકસી હતી જે પ્રશ્ન કરનારી રેશનાલિસ્ટ હતી અને બીજું સૂફી વલણ વિકસ્યું જે ઢાંચાબદ્ધ (સ્ટ્રક્ચર્ડ) અને સંહિતાપ્રચુર ઇસ્લામમાં મસ્તી લઈને આવ્યું હતું.
મારું આ કથન કેટલાક મુસલમાન ભાઈઓને કદાચ નહીં ગમે પણ હું એમ માનું છું કે જો મુત્તઝિલ્લાઓની વિચારધારાઓ ટકી અને વિકસી હોત તો એમાં જગતભરના મુસલમાનોને ફાયદો જ થયો હોત. મુસલમાનોની જે શરણાગતિ છે એ વિવેકપૂર્વકની હોત. શરણાગતિનો મહિમા કરીને ગળે ઊતરે નહીં એવા ગમે તેવા ઘૂંટડા પિવડાવવામાં આવે છે એવું ન બન્યું હોત. મારી દૃષ્ટિએ મુસલમાનોના દુર્ભાગ્યે અગિયારમી સદીમાં જ મુત્તઝિલ્લા આંદોલનનો અંત આવી ગયો એટલે ભારતીય મુસલમાનોને એની જાણ પણ નથી તો પ્રભાવ તો બહુ દૂરની વાત છે. બીજો પ્રભાવ સૂફીઓનો હતો જે ભારતે ભારોભાર ઝીલ્યો છે. માત્ર મુસલમાનોએ જ નહીં, હિંદુઓએ પણ.
ભારતમાં જે ઈસ્લામ છે એ ભારતીય ઇસ્લામ તરીકે ઓળખાય છે, કારણ કે તેનું સ્વરૂપ ઈરાન-અરેબિયાના ક્લાસિકલ ઈસ્લામ કરતાં જૂદું છે. એ પશ્ચિમ એશિયા જેવો તો નથી જ પણ પૂર્વ એશિયા (મલેશિયા/ઇન્ડોનેશિયા) જેવો પણ નથી. તેનું સ્વરૂપ જ જુદું છે અને માટે તે ભારતીય ઇસ્લામ છે. આ જે ભારતીય ઇસ્લામનો ઘાટ ઘડાયો છે એ સૂફીઓના કારણે. થોભો, આ કથન પણ અધૂરું છે, એનો ખુલાસો હવે આવશે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સૂફીઓ પર હિંદુ અને બૌદ્ધ પ્રભાવ હતો કે પછી મુસલમાનો અને હિંદુઓ પર સૂફીઓનો પ્રભાવ હતો? એવું તો નથી કે બંને હતા? બધું એક સાથે અને સમાંતરે ચાલતું હતું? બધા જ એકબીજાનો પ્રભાવ ઝીલતા હતા અને આગળ વધતા હતા. તમે ઉર્દૂ શાયર મહમ્મદ ઇકબાલનું નામ સાંભળ્યું હશે. તેઓ કાશ્મીરના સૂફી ઘરાણામાંથી આવતા હતા. એ પ્રભાવમાં તેમણે ‘સારે જહાઁ સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ લખ્યું હતું જેમાં લખે છે : ‘યુનાન મિસ્ર, રોમાં સબ મિટ ગએ જહાંસે, અબ તક મગર હૈ બાકી નામ-ઓ નિશાં હમારા.’ અને આગળ, ‘કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી, સદિયોં રહા હૈ દુશ્મન, દૌર એ જહાં હમારા.’ ઇકબાલ એમ સૂચવે છે કે ભારતમાં એવું કાંઈક છે કે જે અનેક પ્રયત્નો પછી પણ નાશ પામતું નથી. કોઈક પરિબળો એવાં છે જે આપણને બચાવી લે છે.
કયું હતું એ પરિબળ જે બે ભિન્ન સ્વરૂપના ધર્મો છતાં પ્રજાકીય એકતા ઠીકઠીક સ્વરૂપમાં સ્થાપિત કરી આપતું હતું. એ પરિબળ હતું છોડ અને વેલાનું. ભારતમાં દરેક કોમ છોડ અને વેલાનું કામ કરતી હતી. સ્થળ-કાળ મુજબ છોડ અને વેલો બદલાતા રહે પણ રહે તો ખરા જ. ક્યાંક મુસલમાન છોડ હોય અને હિંદુ વેલો હોય તો ક્યાં ય વળી તેનાથી ઊલટું. આ જે છોડ અને વેલાનો સંબંધ રચાયો એ સંતો અને સૂફીઓને કારણે. ખરલ ભલે ધીમી પડી ગઈ, કદાચ અટકી ગઈ એમ પણ કોઈ કહી શકે; પણ તેની જગ્યા છોડ અને વેલાએ લઈ લીધી હતી. સંતો અને સૂફીઓ બે ભિન્ન સ્વરૂપના ધર્મોને ઠીકઠીક પ્રમાણમાં નજીક લઈ આવ્યા.
આ સૂફીઓનું રસાયણ બન્યું શેનાથી? એક તો જરૂરિયાતમાંથી અને એ વિષે કોઈ શંકા ન હોઈ શકે. દિલની અંદરનો તલસાટ સર્વયુગીન અને સાર્વત્રિક છે. સંસારની અસારતા જોઈને અને માત્ર કિરતારની સાર્થકતા જોઈને કેટલાક લોકોની અંદર એક પ્રકારનો તલસાટ પેદા થતો હોય છે. પણ એ તલસાટનો આધ્યાત્મિક ખુલાસો પણ જરૂરી હતો અને એ તેમને વૈદિક દર્શન અને બૌદ્ધ દર્શન પાસેથી મળ્યો હતો. બ્રાહ્મણના અહં બ્રહ્માસ્મિ અને શ્રમણના શૂન્યમ્ શૂન્યમ્ માંથી ખુલાસો મળતો હતો. એટલે બ્રાહ્મણ દર્શનનો મોક્ષ, બૌદ્ધદર્શનનું નિર્વાણ અને સૂફીઓનું ફના એક જ છે. તમે મોક્ષ કહો, નિર્વાણ કહો કે ફના કહો એ બધું એકનું એક.
એમ કહેવામાં આવે છે કે આક્રમણકારો દ્વારા ઈસ્લામ ભારતમાં આવ્યો અને ભારતમાં સ્થાયી થયો એ પહેલાં જ પશ્ચિમ એશિયાના મુસલમાનો પૂર્વ અને પશ્ચિમના પ્રભાવ હેઠળ આવ્યા હતા. મુત્તઝિલ્લાઓએ પશ્ચિમનો પ્રભાવ ઝીલ્યો હતો અને સૂફીઓએ પૂર્વનો. બ્રાહ્મણ અને બૌદ્ધ દર્શન ઈરાન, ઈરાક અને કંઈક અંશે અરબસ્તાનમાં પહોંચ્યું હતું. તેમના ધ્યાનમાં આવ્યું કે ખુદા સાથે શરણાગતિ અને ખૌફનો નહીં, એકાકાર થવાનો પણ સંબંધ હોઈ શકે છે. ઈશ્વરના શાસન સામે તાબેદારી જ શા માટે, ઈશ્વર સાથે દોસ્તીનો પણ સંબંધ હોઈ શકે છે અને તલસાટનો સંબંધ પણ હોઈ શકે છે. આમ સૂફીઓનો ફના એ મોક્ષ અને નિર્વાણ જ છે.
સૂફીઓએ દિલી તલસાટ અનુભવ્યો હતો અને તેમાં તેમને બ્રાહ્મણ અને બૌદ્ધ દર્શનમાંથી આધ્યાત્મિક ખુલાસો મળ્યો. એ લઈને તેઓ ભારતની ભૂમિમાં આવ્યા પછી તો પૂછવું જ શું? તેમને ભાવતી જમીન મળી ગઈ અને એ ભાવતી જમીનમાં ભારતીય ઇસ્લામ આકાર પામ્યો હતો. આગળ કહ્યું એમ ભારતીય ઇસ્લામની પોતાની જ એક અલાયદી ઓળખ છે. એમાંથી ઝાડ અને વેળાનો સંબંધ વિકસ્યો હતો જેણે ખરલની જગ્યા લીધી હતી. જો કે અત્યારે હવે અલાયદી ઓળખ હતી એમ કહેવું પડે એમ છે.
સૂફીઓની ચીજ જો સાંભળો અને જો રચનાકારનું નામ કહેવામાં ન આવે તો તમે કહી શકો નહીં કે રચનાકાર હિંદુ છે કે મુસ્લિમ! એક સરખો તલસાટ, એક સરખી અરજ, એક સરખી તરસ, એક સરખી ભાષા! અહીંથી ઝડપભેર આગળ વધવા માટે હું સૂફીઓની રચના ટાંકવાનું ટાળું છું, પણ તમારે તેમની રચનાઓ જોવી જોઈએ. એ પણ ખ્યાલ આવશે કે માનવપુરુષાર્થ એકંદરે એક જ દિશાનો હોય છે.
અહીં બે વાત નોંધવી જોઈએ. એક તો એ કે ભારતમાં હિંદુઓએ ઇસ્લામ ધર્મનો અંગીકાર ડરીને તલવારના જોરે નથી કર્યો, પણ તેમનું ધર્માંતરણ કરાવનારું મુખ્ય પરિબળ સૂફીઓ હતા. સૂફીઓ હિંદુઓની જ ભાષામાં બોલતા હતા અને હિંદુઓની જ જેમ ઈશ્વરને અલગ અલગ સ્વરૂપે ભજતા હતા. હિંદુઓને અલ્લાહમાં અને તેમના અનેક ઈશ્વરોમાં ખાસ કાંઈ ભેદ જોવા નહોતો મળ્યો. આ ઉપરાંત જે હિંદુઓ સાથે સવર્ણ હિંદુઓ અન્યાય કરતા હતા તેમને ઇસ્લામમાં ન્યાય પણ મળતો હતો. પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા, પોતાની શ્રદ્ધાથી ખાસ દૂર ગયા વિના તેમને ન્યાય મળતો હતો.
મારું એવું અનુમાન છે કે ૮૦ ટકા ભારતીય મુસલમાનોના પૂર્વજોએ સામે ચાલીને જ્ઞાતિકીય ભેદભાવો આધારિત અન્યાય સામે ન્યાય મેળવવા ધર્માંતરણ કર્યું હતું. વધુમાં વધુ દસ ટકા હિંદુઓને જબરદસ્તીથી વટલાવવામાં આવ્યા હશે. પાંચ ટકા ભારતીય મુસલમાનોના પૂર્વજોએ મુસિલમ શાસકો પાસેથી લાભ મેળવવા સામે ચાલીને ધર્માન્તરણ કર્યું હશે. એમાં નાગરો, કાયસ્થો, ચિત્તપાવન બ્રાહ્મણો જેવા સરકારી નોકરી કરતા શાસકવર્ગીય સવર્ણો હતા. બાકીનાં પાંચ ટકા મુસલમાનોને મટન ખવડાવીને કે બીજે રીતે વટલાવીને કે ઈમામને હિંદુઓના કલ્કી અવતાર તરીકે ઓળખાવીને છેતરપિંડી કરીને વટલાવવામાં આવ્યા હશે. આ મારું અનુમાન છે જેનું મારી પાસે કોઈ પ્રમાણ નથી અને હોઈ પણ ન શકે.
બીજું સૂફીઓના સિલસિલા સ્થાપાયા એ પછી અનુવર્તી સૂફીઓ મૂળ મિજાજથી દૂર જતા રહ્યા હતા. માટે મૂળ સૂફી મિજાજ અને સિલસિલામાં ફરક નજરે પડશે. ઈશ્વરી મિજાજ વ્યક્તિગત હોય છે, પણ જ્યારે તેને સંગઠિત સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે તેમાંથી આત્મા જતો રહે છે. ભારતમાં સૂફીમિજાજ સિલસિલાગ્રસ્ત બની ગયો એ તેનું પાછળથી ઉમેરાયેલું ઉધાર પાસું છે.
અહીં એક વાત દુઃખ સાથે નોંધવી રહી. આગળના લેખમાં મેં લખ્યું હતું કે મોટા ભાગના ભારતીય મુસલમાનોના પૂર્વજો સામેચાલીને જ્ઞાતિગ્રસ્ત હિંદુ ધર્મ સામે એક રીતે વિદ્રોહ કરીને ન્યાય મેળવવા મુસલમાન થયા હતા. કેટલાક મુસલમાન ભાઈઓને મારી એ વાત ગમી નહોતી. તેઓ એ વાત સ્વીકારવા નથી માગતા કે તેમના વડવાઓ પછાત હિંદુ જ્ઞાતિમાંથી આવતા હતા.
અહીં એક વિસંગતિ તરફ ધ્યાન દોરવું છે. મહમ્મદ પેગંબર થયા એ પહેલાં અરબસ્તાનની કુરૈશ અને બીજી વાંશિક જાતિઓ વહેંચાયેલી હતી, આપસ આપસમાં લડતી હતી, અનેક દેવ-દેવીઓનાં નામે ખૂન રેડતી હતી. ટૂંકમાં તેઓ ઝહાલિયા હતા જેને મહમ્મદે ખુદાનો માર્ગ બતાવીને તેમનો ઉદ્ધાર કર્યો હતો. ઇસ્લામના કોઈ પણ પુસ્તકમાં અને પેગંબરના કોઈ પણ જીવનચરિત્રમાં આ વાત કહેવામાં આવશે. મહમ્મદ ઉદ્ધારક હતા એમ સિદ્ધ કરવામાં આવે છે. પરંતુ જેમને પેગંબરના પૂર્વજોને ઝહાલિયા કહેવામાં વાંધો નથી તેમને પોતાના પૂર્વજોને પછાત કહેવામાં નાનપ અનુભવે છે.
આવા ભાઈઓએ ગર્વ સાથે કહેવું જોઈએ કે અમારા પૂર્વજો દલિત-શીષિત હતા જેને ઇસ્લામમાં ન્યાય મળ્યો હતો. જો આટલું પૂરતું ન હોય તો હું શરમ સાથે કહેવા તૈયાર છું કે મારા હિંદુ પૂર્વજોએ તેમના સહધર્મી ભાંડુઓ સાથે અન્યાય કર્યો હતો તે એટલે સુધી કે તેમને ન્યાય મેળવવા બીજા ધર્મનો આશરો લેવો પડ્યો હતો. જો અરબસ્તાનમાં મહમ્મદ ઉદ્ધારક હોય તો ભારતમાં મહમ્મદનો ધર્મ ઉદ્ધારક કેમ ન હોય?
પણ ભારતીય મુસલમાનો આમાં નાનપ અનુભવે છે. વાહ રે હિંદુ જ્ઞાતિ. સેંકડો સદી પછી પણ તેનાથી મુક્ત નથી થવાતું.
e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 ઑક્ટોબર 2019