courtesy : "The Indian Express", 02 December 2019
courtesy : "The Indian Express", 02 December 2019
કાળી ચૌદશની રાત્રે — બરાબર મધરાતે જો નાક કાપ્યું હોય તો બીજે દિવસે સવારે સોનાનું નાક ઊગે છે, એમ લોકવાર્તા કહે છે. જે કોઈ મનુષ્ય કલ્યાણકારી છે તેની દુર્ગતિ થતી નથી એમ ભગવદ્ગીતામાં કહ્યું છે. સામાન્ય માણસનો આ બંને વચનો પર સરખો જ અવિશ્વાસ હોય છે, કેમ કે બંને વચનોનો પ્રત્યક્ષ અનુભવ કોઈને નથી. બચાવમાં ભોળો માણસ કહેશે કે ‘નાક ન ઊગે તો વાંક આપણો. જ્યોતિષ પ્રમાણે કાળી ચૌદશ નક્કી કરવામાં ભૂલ થઈ હશે, અથવા બરાબર મધરાતની ક્ષણ હાથ નહીં આવી હોય, તેથી સોનાનું નાક ન ઊગ્યું. પૂર્વજોનાં વચનો ખોટાં પડે જ નહીં. આપણી જ કંઈક ભૂલ હોવી જોઈએ.’ શ્રદ્ધાળુ માણસ કહેશે, ‘કલ્યાણકારી ધર્મરાજા પર ભલે આફત આવી પડી. એ સાચી આફત જ ન હતી. બાહ્ય લાભાલાભની કિંમત શી? સાક્ષાત્ ભગવાનનો સહવાસ અખંડ મળ્યો એના કરતાં જુદી સદ્ગતિ વળી કઈ હશે? કષ્ટ વેઠવાં પડે એને તો કાયરો જ વિપત્તિ ગણે. કલ્યાણકારીની દુર્ગતિ થવાની જ નથી એ ભગવાનની ખોળાધરી છે.’
પ્રાકૃત માણસ આ બંને બચાવથી અસંતુષ્ટ રહે છે. એની દૃષ્ટિએ બંને વચનો પરનો વિશ્વાસ આંધળાપણાની સરખી જ નિશાની છે. દંભનું પડ કાઢી નાંખીએ, ઔપચારિક ધર્મનિષ્ઠા દૂર કરીએ તો આવા પ્રાકૃત લોકોની સંખ્યા જ આજના જગતમાં વધારે દેખાશે.
છતાં ઉપર કહેલાં બે વચનો અને તે ઉપરની શ્રદ્ધા શું સરખાં જ ગણી શકાય? પહેલું વચન ભૌતિક જગત વિશે ખોટો નિયમ બાંધે છે, જ્યારે બીજું વચન આધ્યાત્મિક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. પહેલા વિધાનની સત્યતા તપાસવા માટે જે જાતની કસોટી જોઈએ છે તે જાતની કસોટી બીજું વિધાન માગતું નથી. માણસને નવું નાક જોઈએ જ શા માટે? એ સોનાનું હોવાની શી જરૂર? કાળી ચૌદશ સાથે એને શી લેવાદેવા? મધરાતમાં એવી તે કેવી જાદુઈ અસર કરે છે? જ્યોતિષ પ્રમાણે કાળી ચૌદશ નક્કી કરવી, અને મધરાતની ક્ષણ બરાબર સાચવવી, એ વસ્તુઓ અઘરી ભલે હોય, પણ અશક્ય તો નથી જ. પ્રત્યક્ષ અનુભવ વગર આવી વસ્તુ સાચી મનાય જ નહીં. અને આવો વિચિત્ર અનુભવ કરાવતાં પહેલાં એ વચનોમાં કશો બુદ્ધિપ્રયોગ કે વજૂદ છે કે નહીં એ જ પ્રથમ તપાસવું જોઈએ. આવું વચન સાંભળ્યું કે તરત તેનો અમલ કરી જોયો એવો બેવકૂફ સાચી સૃષ્ટિમાં તો કોઈ મળે નહીં.
બીજું વચન આધ્યાત્મિક છે. સામો માણસ ઉપકાર કરે કે ન કરે, અથવા અપકારે કરે, તોયે એનો વિચાર કર્યાં વગર બધા જ પ્રત્યે જેઓ સજ્જનતાથી વર્તે છે એવા કલ્યાણકારી આર્ય પુરુષોને આંતરિક સમાધાન મળે છે એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. બાહ્ય આપત્તિઓ એના પર ગમે તેટલી આવી પડે, પોતાના હૃદયની મહત્તા જ એને અખૂટ આનંદ આપે છે. તેથી એ અસ્વસ્થ નથી થતો. સમાજ પણ જાણે છે કે આપત્તિમાં પણ આવો માણસ દીપી ઊઠે છે. એના ચારિત્રની અસર વધુ ને વધુ થતી જાય છે. એની બુદ્ધિ પ્રસન્ન રહે છે. અને તેથી એની દુર્ગતિ થતી નથી. આવો પ્રત્યક્ષ અનુભવ ધારો કે ન થયો તોયે શું? દુરાચરણ કયા આર્ય હૃદયને પસંદ પડે? ગમે તે પ્રલોભનમાં પણ પોતે દુરાચરણ તરફ વળ્યો નહીં એ સમાધાન જ એને ભારે શાંતિ આપનારું હોય છે. બદલો લેવા ખાતર પણ જ્યારે માણસ કંઈ હીન કૃત્ય કરે છે ત્યારે તેની આત્મપ્રતિષ્ઠા હણાય છે. સમાજ એને ભલે વખાણે, એ સામાજિક પ્રતિષ્ઠાની કિંમત હૃદયની નાપસંદગી આગળ કશી જ નથી. આત્મપ્રતિષ્ઠા ખોઈને માણસ સામાજિક પ્રતિષ્ઠા મેળવે ત્યાં એ એને સદતી જ નથી. માણસ ભલે ગમે તેટલા આવેશથી પોતાનો બચાવ કરે, પણ એને પોતાને જ એ બધું પોલુપોલું લાગે છે. તેથી જ કલ્યાણકારીની દુર્ગતિ નથી થતી એ વસ્તુ સ્વયંસિદ્ધ છે એમ હૃદય કબૂલ કરે છે. એ વચનનો ભાવાર્થ હૃદયધર્મ સાથે એટલો બધો સમરસ છે કે હૃદય એ વચનને અનુભવની કસોટી પર પણ ચડાવવા માગતું નથી.
ધાર્મિક શ્રદ્ધાએ નોધેલાં વચનો અને વહેમનાં વચનો વચ્ચે જમીન આસમાનનું અંતર હોય છે. આજનો પ્રાકૃત જમાનો કેટલીક વેળા ધાર્મિક શ્રદ્ધા સાથે ધર્મને નામે ચાલતા તમામ વહેમોને ટકાવવા માગે છે. અને એનાં માઠાં ફળ અનુભવીને અકળાતાં લોલકને સામો હીંચકો આપી વહેમો સાથે ધાર્મિક શ્રદ્ધાને પણ ઉડાવી દેવા માગે છે.
હાથની કોણી વતી બે વેંત જમીન ખોદવાથી પાતાળ દેખાય છે એ વચનની, અને આદર્શ બ્રહ્મચારી સંપૂર્ણ નીરોગી અને પ્રસન્નપ્રજ્ઞ હોય છે એ વચનની પ્રાકૃત લોકો સરખી જ કદર કરે છે; તેથી કાંઈ એ બે વચનો સરખી કોટિનાં થઈ શકતાં નથી. કાયિક સાથે માનસિક બ્રહ્મચર્યનો અનુભવ કરનાર લોકો આજે એટલા ઓછા છે કે બ્રહ્મચર્ય વિશેનું વિધાન ઘણા લોકોને અતિશોક્તિભર્યું જણાય તો એમાં નવાઈ નથી. પણ જે લોકોએ એ દિશામાં કંઈક સંગીન અને લાંબો અનુભવ કર્યો છે તેઓ પોતાના અનુભવ પરથી અનુમાન બાંધી એ વચનને સંપૂર્ણપણે સ્વીકારવા તૈયાર હોય છે. તેઓ કહેશે કે ઘર્ષણ વિનાનું યંત્ર તૈયાર કરવું જેમ મુશ્કેલ છે, પણ જેમાં ઘર્ષણ ઓછામાં ઓછું હોય એવાં નવાં નવાં યંત્રો વધુ ને વધુ સફળતાપૂર્વક તૈયાર કરી શકાય છે, તેમ સંપૂર્ણ બ્રહ્મચર્યની કોટિએ પહોંચેલો દેહધારી મળી આવવો દુર્લભ હોય તોયે તેથી એને વિશે કહેવાયેલા વચનને આંચ આવે એમ નથી. ગણિતમાં અને અનંતશ્રેણી વિશેના સિદ્ધાંતો જેમ નિર્વિવાદ સત્ય હોય છે, તેમ સરળ કોટિ વિશેના આધ્યાત્મિક સિદ્ધાંતો પણ સત્ય છે જ છે.
વહેમ અને શ્રદ્ધા વચ્ચેનાં સામ્ય અને વિરોધ ધ્યાનમાં લઈ આપણે ધર્મસંસ્કરણમાં પ્રવૃત્ત થવું જોઈએ. મંદ અગ્નિ ઉપર જેમ રાખ વળે છે અને એ અગ્નિને ધીમે ધીમે ગુંગળાવી મારે છે, તેમ ધર્મમાં દાખલ થયેલા અસંખ્ય વહેમો ધર્મને ગુંગળાવી મારે છે. વહેમો-અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાન વિશેની, સત્ય વિશેની પ્રખર જિજ્ઞાસાને અભાવે એ ટકે છે. વહેમ એ શુદ્ધ નાસ્તિકતા જ છે. બેદરકરાર વૈદ જેમ ગમે તેવી દવા ગમે તે દરદીને બેવકૂફી કે બેદરકરાથી આપે છે, તેમ જેમને સત્યની સાચી ધાર્મિકતાની પડી નથી હોતી એવા મૂઢ લોકો જ વહેમોને ચાલન આપે છે, અને ખોટા આશ્વાસનથી શાંતિ મેળવવા માગનાર દુર્બળ હૃદયો એવા વહેમોને સંઘરે છે. જેને સાજા થવું છે તે જેમ પોતાની તબિયત સાથે દવાની પણ પૂરેપૂરી ચિકિત્સા કરે છે, તેમ જેને ધાર્મિકતા કેળવવી છે, સત્યરૂપી આરોગ્ય મેળવવું છે તે દરેક માણસ એકેએક માન્યતાને બુદ્ધિ અને અનુભવની કસોટી પર કસ્યા વગર નહીં રહે.
ધર્મ વિશે આપણો સમાજ એટલો બધો બેદરકાર થયો છે કે લોકોને સનાતન શ્રદ્ધાઓ કેળવવાનીયે પડી નથી, અને સમાજની જ્ઞાનશક્તિ અને પ્રાણશક્તિને કોતરી ખાનાર અસંખ્ય વહેમો વખોડી કાઢવાની પણ પડી નથી. સમાજમાં અને ખાસ કરીને નિષ્પાપ અને મહેનતુ આમવર્ગમાં જે અકર્મણ્યતા, નિરાશા અને ઘડપણ આવી ગયાં છે તેનું કારણ જેટલે અંશે ભૂખમરો છે તેટલે અંશે અશ્રદ્ધા અને વહેમો છે. એ દૂર કરીને ધર્મસંસ્કરણ જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી સમાજનું સંજીવન થવાનું નથી. ભૂખમરો ટાળીશું તો જ લોકો આપણા શબ્દો સાંભળવા તૈયાર થશે. પણ જ્યારે તેમ સાંભળવા તૈયાર થાય ત્યારે વહેમોનો નાશ કરનારી અને શ્રદ્ધા નીપજાવનારી વેદવાણી એમને સંભળાવવા સમાજસેવકોએ તૈયાર રહેવું જોઈશે. આંધળા આંધળાને દોરી ન શકે.
[નવજીવન, તા. ૨૪-૭-૧૯૨૭]
સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 311-312
હિંદુઓ માટે ત્રણ ચીજ સાવ પરાઈ છે.
એક આત્મકથા-લેખન. પોતે થઈને પોતાના વિષે લખે એ કેટલી મોટી ગુસ્તાખી! કોઈ અભિમાની આત્મરતિથી પીડાતો માણસ જ આમ કરે. આત્મકથા લેખન તો ઠીક, આપણે ત્યાં એવા અનેક ગ્રંથો છે જેમાં કર્તાનું નામ નથી અથવા પુરોગામી કર્તાઓનાં નામ આપવામાં આવ્યાં છે. જેમ કે વ્યાસના નામે અનેક ગ્રંથો છે જે મહાભારતકાર વ્યાસ પછી થયેલા વિદ્વાનો કે સર્જકો દ્વારા લખાયા છે, પણ તેમણે પોતાનું નામ આપવાની જગ્યાએ વ્યાસનું નામ મૂક્યું હતું. આનું મુખ્ય કારણ નમ્રતા. “મેં કઈ એવી મૌલિક વાત કહી છે જે આગળના વિદ્વાનોએ નથી કહી!” વિચાર એક પરંપરા છે, એક ધારા છે એટલે એમાં ઉમેરો હોય, હજુ વધુ સ્પષ્ટતા હોય; પણ સાવ નવું કે મૌલિક કશું ન હોઈ શકે. આવી નમ્રતાથી પ્રેરાઈને અનેક લેખકોને પોતાનાં પુસ્તકમાં લેખક તરીકેનું પોતાનું નામ નથી જાહેર કર્યું. આને કારણે વ્યાસ એ વ્યક્તિ નથી, પરંતુ પરંપરા છે એમ માનવામાં આવે છે.
પોતાના ધર્મને અને પોતાના ધર્મગ્રંથને વિચારના આ પ્રવાહથી, પ્રવાહપતિતતાથી અને એમાં સ્વાભાવિકપણે રહેલી મર્યાદાઓથી બચાવી લેવા માટે ધાર્મિકજનો તેને અપૌરુષેય કહે છે. વેદ કોઈ પુરુષની રચના નથી એટલે એમાં કહેવાયેલ પ્રત્યેક વાક્ય મૌલિક છે. એ કથનો પહેલીવાર કહેવાયેલાં છે અને માનવજાતના કલ્યાણ માટે ઈશ્વરે કહેલાં છે. કુરાન માટે પણ આમ જ કહેવાય છે. અંગ્રેજીમાં આને રિવીલેશન કહે છે. ખાસ તમારા માટે ઈશ્વરે કહેલું દર્શન. તો વિચાર એક પ્રવાહ છે અને પ્રવાહનું સ્વરૂપ એવું છે કે ધાર્મિક લોકોને પોતાના ધર્મગ્રંથોની કહેવાતી મૌલિકતા બચાવવા માટે તે ‘અપૌરુષેય’ હોવાનો આશરો લઈને તેને તેનાથી બહાર રાખવા પડ્યા છે. આ રીતે જોઈએ તો જે વિચારકોએ પોતાના ગ્રંથના કર્તા તરીકે પોતાનું નામ નથી આપ્યું એ લોકો ખરેખર મહાન હતા.
જો કે આ પરંપરાનો દુરુપયોગ પણ થયો છે. જો કોઈ પૂર્વસૂરીનું નામ આપવાથી પોતાનો ગ્રંથ કાળના ચાળણામાંથી બચતો હોય અને અમર થતો હોય તો મોકો ઝડપવો જોઈએ એવી ગણતરીથી પણ ગ્રંથના કર્તાઓએ પોતાનાં નામ આપ્યાં નથી. હું ભલે અમર ન થાઉં, પણ મારો પરિશ્રમ બચી નીકળે તો ઘણું. નામ છૂપાવવા પાછળની ગ્રંથકર્તાની પ્રેરણા નમ્રતા હોય કે સ્વાર્થ પણ આ પરંપરાને કારણે વિચારવિમર્શમાં સમસ્યાઓ પેદા થઈ છે. કોણ ક્યારે થયો અને કોણે કોની પાસેથી શું લીધું એના તાળા મળતા નથી. ગમે તે દાવાઓ થઈ શકે અને દરેક પાસે પ્રમાણ છે. આપસમાં ઝઘડવું હોય તો પણ પ્રમાણ મળી રહેશે અને એક બીજાનું એક બીજા પરનું ઋણ સ્વીકારવું હોય તો પણ પ્રમાણ મળી રહેશે. આમ એક બીજા પર સરસાઈ મેળવવા ઇચ્છનારાઓને આમાંથી ભરપૂર મસાલો મળી રહે છે.
બીજું, માણસ આખરે માણસ હોય છે. કીર્તિની વાસના પ્રબળ વાસનાઓમાંની એક છે. હવે આત્મકથા લખીને સ્વપ્રસંશા કરવી એ તો આપણે ત્યાં અવિવેક ગણાય એટલે બીજા દ્વારા પ્રશસ્તિગાનો લખાવવાનું શરૂ થયું. બીજા આશ્રિત માણસ પાસે જ્યારે વ્યક્તિની પ્રશસ્તિ કે કૂળપ્રશસ્તિ લખાવવામાં આવે ત્યારે પહેલી ખો સત્યને અને પ્રમાણભાનને આપવામાં આવે. સાવ અસત્ય પણ હોય અને અતિશયોક્તિઓ પણ હોય. આમાંથી આપણે ત્યાં ભાટ-ચારણ-બારોટની એક પરંપરા વિકસી છે. આવાં પ્રશસ્તિગાનોમાં કહેવાયેલી વાતોને પ્રમાણ તરીકે ન લઈ શકાય.
સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે બીજા પાસે પ્રશસ્તિ કરાવવાને કારણે અને પોતાના કથનને પોતાના કથન તરીકે નહીં કહેવાને કારણે અથવા બીજાના નામે કહેવાને કારણે વસ્તુનિષ્ઠાને કેટલી હાનિ પહોંચી છે! પહેલી નજરે જે નાની વાત લાગે છે તેણે એક બીજા પર સરસાઈ ધરાવવા ઇચ્છનારાઓ માટે, અંગ્રેજીમાં કહીએ તો ફ્રી ફોર ઑલ જેવી સ્થિતિ પેદા કરી આપી છે. કહો જે કહેવું હોય તે, પ્રમાણ મળી રહેશે. આને કારણે આપણે ત્યાં સાંકડી, સંકીર્ણ, સંપ્રદાયીક એજન્ડાવાળી અને કૃતક (જૂઠી) વિદ્વત પરંપરા વિકસી છે.
હવે આનો કોઈ ઉપાય ભલે નથી, પણ આપણી પરંપરાની સારી-નરસી બાજુ સમજી લીધી હોય તો આપણે વિવેક તો જરૂર કરી શકીએ. વર્તમાનમાં અને ભવિષ્યમાં આપણું અને આપણાં સંતાનોનું હિત છે એટલે અતીતને જોતાં શીખવું જોઈએ. જે લોકો પોતાના વર્તમાન અને ભવિષ્યને સુધારવા માટે અતીતનો ઉપયોગ કરે છે તેમનો એજન્ડા સમજી લેવો જોઈએ. તેઓ અતીતનો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે કરે છે અને તમે અતીત માટે વર્તમાન અને ભવિષ્ય ગુમાવો છે. આની ગંભીરતા સમજાય છે?
હિંદુઓ માટે બીજી પરાઈ ચીજ દસ્તાવેજીકરણ છે. ઇતિહાસની ઇન્દ્રિય જ આપણે ધરાવતા નથી એટલે કોઈ ઐતિહાસિક ચીજનું મૂલ્ય આપણને સમજાતું જ નથી, પછી એ વસ્તુ હોય કે દસ્તાવેજ. જો બનારસ જવાનું થાય તો સારનાથના સંગ્રહાલયમાં અવશ્ય જજો. ત્યાં અશોકના શિલાલેખમાંના ચાર દિશામાં જોનારા ચાર સિંહવાળો અશોકસ્તંભ ભગ્ન અવસ્થામાં રાખવામાં આવ્યો છે. એ ચાર સિંહોવાળો સ્થંભનો હિસ્સો બસો-ત્રણસો વરસ સુધી અવાવરુ ખંડેરમાં પડ્યો હતો અને કોઈએ તેને હાથ નહોતો લગાડ્યો. કોઈએ ચોરી પણ નહોતી કરી. બીજા કોઈ દેશમાં આ અમૂલ્ય ઐતિહાસિક ચીજ પડી હોત તો ચોરાઈ ગઈ હોત અને અબજોમાં વેચાતી હોત!
અંગ્રેજોએ સારનાથના ખંડેરને સુરક્ષિત કર્યું હતું અને ચાર સિંહવાળા અશોકસ્તંભને મ્યુઝિયમમાં મૂકાવ્યો હતો. આપણે અવશેષ અને ખંડેર વચ્ચેનો ફરક સમજતા જ નથી. અવશેષ આપણે મન ખંડેર છે. એટલે બનારસમાં જગતગંજ નામની કોલોની સારનાથની ઇંટોથી બંધાઈ છે અને બિહારમાં નાલંદા નજીકનું આખું ગામ નાલંદા વિશ્વ વિદ્યાલયના અવશેષોથી એટલે કે ત્યાંની ઇંટોથી બંધાયું છે. અંગ્રેજોએ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરીને આપણાં ખંડેરોને અવશેષોમાં ફેરવી આપ્યાં હતાં. આપણે જ્યારે રાષ્ટ્રવાદી બની જઈએ છીએ અને કોહિનૂર અને મયૂરાસન માટે લોહી ઉકળી ઊઠે છે ત્યારે આપણે આપણી પરંપરાનું આ પાંસુ પણ સમજી લેવું જોઈએ.
આમ દસ્તાવેજ રાખવાની અને પાછળ મૂકી જવાની આવશ્યકતા આપણને ક્યારે ય સમજાતી નથી. દૂરની ક્યાં વાત કરીએ આપણા દાદા વિષે બે વાત કહેવી હોય તો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ નહીં મળે. મારા પિતાશ્રીની ચોક્કસ જન્મતારીખ અને વર્ષ અમારી પાસે નથી. કોઈ ઘટના ક્યારે બની હતી એમ કહેવું હોય તો મારાં બા કહેતાં કે જયહિન્દ પહેલાં દસ-બાર વરસે વગેરે. મોટા મોટા દુકાળો આપણે ત્યાં માઈલસ્ટોન્સ તરીકે વપરાય છે. આ આપણો સ્વભાવ છે. સ્થાયીભાવ છે. આજે પણ છે. ફિલ્મ આર્કાઇવના ક્યુરેટર રહી ચૂકેલા મારા મિત્ર અમૃત ગંગર કહે છે કે કોઈ હિંદુને મ્યુઝિયમમાં ક્યુરેટર નહીં બનાવવો જોઈએ, કારણ કે સાચવણ હિંદુના સ્વભાવમાં નથી.
જ્યારે રેકોર્ડ રાખવામાં જ ન આવે અને જે રેકોર્ડ હોય તેને જાળવવામાં ન આવે તો સ્વાભાવિકપણે તેને કારણે પેદા થતા શૂન્યાવકાશનો ઉપયોગ આગળ કહ્યું તેવા પોતાના વર્તમાન અને ભવિષ્ય સુધારવા માટે ઇતિહાસનો ઉપયોગ કરનારા કરવાના છે. જેટલો ઇતિહાસ સંદિગ્ધ એટલો તેમને ફાયદો. અહીં પણ તમારે સમજી લેવું જોઈએ કે તેઓ નક્કર દસ્તાવેજરહિત સંદિગ્ધ અતીતનો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે કરે છે અને તમે અતીત માટે વર્તમાન અને ભવિષ્ય ગુમાવો છે.
અને હિંદુઓ માટે ત્રીજી અજાણી ચીજ છે; ઇતિહાસલેખન જેની વાત હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 ડિસેમ્બર 2019