courtesy : "The Hindu", 20 December 2019
courtesy : "The Hindu", 20 December 2019
ભારતીય નાગરિકતાના એક નિયમમાં પાયાનો ફેરફાર કરતો ખરડો લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઈ રાષ્ટ્રપતિની સહી પામી ચૂક્યો છે.
સંસદીય લોકશાહીની કલ્પના થાય ત્યારે તેમાં એક ભયસ્થાન હોય છેઃ Brute Majroity/આંકડાકીય બહુમતીનું નકરી દાદાગીરી જેવું જોર. વર્તમાન સરકાર પાસે એવી બહુમતી છે. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે પણ એવી બહુમતી હતી. આવી બહુમતી હોય ત્યારે, કેવળ સંખ્યાના જોરે (અલબત્ત લોકોના નામે) સરકાર ઇચ્છે તેવો કાયદો બનાવી શકે. તેમાં બે જ અડચણ હોયઃ ૧) રાષ્ટ્રપતિ સહી કરે તો જ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ પોતાના નીમેલા હોય, તો આ અડચણ રહેતી નથી. ૨) કાયદો ઘડવાની સર્વોપરી સત્તા સંસદ પાસે છે. છતાં, તે બ્રુટ મેજોરિટીના જોરે બંધારણના હાર્દથી વિપરીત કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલત તે કાયદાને રદ્દબાતલ કરી શકે છે. (યાદ આવે છે ત્યાં સુધી, રાજીવ ગાંધીની સરકાર ડીફેમેશન બિલ લાવી હતી. પણ તેનો વ્યાપક લોકવિરોધ થતાં એ ખરડો પડતો મૂકવો પડેલો. તેનું એક કારણ એ પણ હતું કે તેમાં રેલો સીધો છાપાં-મેગેઝીન પર આવતો હતો.) ત્રીજી સંભવિત અડચણ હોઈ શકે લોકોનો વિરોધ.
વર્તમાન સરકારે નાગરિકતાને લગતા કાયદામાં ફેરફાર બંને ગૃહોમાંથી પસાર કરાવી દીધો, તેનો ઠીક ઠીક વિરોધ થયો છે—અને વર્તમાન સરકારની કાર્યપદ્ધતિની ખાસિયત પ્રમાણે, એ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ સંજોગોમાં આ ખરડાનો વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી બની જાય છે. આ ખરડા થકી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ડિસેમ્બર, ૨૦૧૪ સુધી ભારતમાં વસેલા અને ભારતની નાગરિકતા ન ધરાવતા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકપદું આપવામાં આવશે. આ યાદીમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી છે.
કાયદામાં થયેલા આ ફેરફાર (અમૅન્ડમૅન્ટ) પ્રત્યે વાંધાનાં મુખ્ય બે સાવ જુદા જુદાં કારણ છેઃ
૧) બીજા દેશોમાંથી આશ્રય લેનાર કે ઘૂસણખોરી કરનારને ધર્મના આધારે નાગરિકતા આપવાનો નિર્ણય. ભારતના બંધારણ પ્રમાણે અને ભારતની પરંપરા પ્રમાણે ધર્મ એ નાગરિકતાનો આધાર બની શકે નહીં અને બનવો પણ જોઈએ નહીં. એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં બનતો હોય તો ભલે, પણ ભારતમાં તો નહીં જ. માટે, આ બાબતની ઉગ્ર ટીકા થઈ રહી છે.
૨) ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રશ્ન જુદો છે. ત્યાંની મુખ્ય ચિંતા સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક વસ્તીનું પ્રમાણ જાળવવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમને (દા.ત. આસામને) મુસ્લિમ બાંગ્લાદેશીઓ જેટલો જ વાંધો હિંદુ બાંગ્લાદેશીઓ સામે પણ છે. કેમ કે, સવાલ ફક્ત હિંદુ-મુસ્લિમનો નહીં, આસામી સંસ્કૃતિ વિરુદ્ધ બંગાળી સંસ્કૃતિનો પણ છે. એવી જ રીતે, ઈશાન ભારતમાં બીજે, બિનમુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તેના કારણે, સ્થાનિક જાતિઓ અને સમુદાયોના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર થશે અને સરવાળે સ્થાનિકોનું મહત્ત્વ ઘટી જશે, એવી બીક વિરોધનું મુખ્ય કારણ છે. મણિપુરમાં નવી જોગવાઈ લાગુ નહીં પડે, તેવી સ્પષ્ટતા છતાં ત્યાંના લોકોને સરકાર પર ભરોસો નથી. એટલે તે પણ વિરોધ કરી રહ્યા છે.
આમ, કહી શકાય કે સરકારે જુદાં જુદાં કારણ, જુદી જુદી ગંભીરતા અને જુદી જુદી અસરો ધરાવતા બે મોરચા એક સાથે ખોલી નાખ્યા છે. આવું કરવાની શી જરૂર હતી? તેના બે-ત્રણ જવાબ છે.
*
બાંગલાદેશી ઘુસણખોરો એ ભા.જ.પ.નો-સંઘ પરિવારનો પ્રિય મુદ્દો છે. અલબત્ત, તેમની ઘુસણખોરોની વ્યાખ્યામાં ફક્ત મુસ્લિમ ઘુસણખોરો આવે છે, જ્યારે આસામી લોકોને બાંગલાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમ અને હિંદુ બન્ને ઘુસણખોરો સામે વાંધો છે. મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે, એટલે અને પરંપરાગત કારણોસર તેમની સામે વાંધો પણ મોટો હોય. હિંદુઓની સંખ્યા નાની છે. એટલે ‘બધા મુસ્લિમ ઘુસણખોરોને નાગરિકતામાંથી બાકાત કરી નાખો, તો અમે થોડા હિંદુ ઘુસણખોરોને સ્વીકારી પણ લઈએ’—એવું સમાધાન આસામમાં અમુક વર્ગને લોકોને કદાચ સ્વીકાર્ય બને.
ભા.જ.પ. સરકારે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ(NRC)નો કાર્યક્રમ ઉપાડીને રાજ્યના લોકોની નાગરિકતાની તપાસ ચલાવી અને નાગરિકોની નવેસરથી યાદી બનાવી ત્યારે આસામના લોકોની અને ભા.જ.પ.ના સમર્થકોની અપેક્ષા ઉપર પ્રમાણે બને એવી હશે. તેને બદલે થયું એવું કે આસામમાં ૩.૧૧ કરોડ લોકોનાં નામ કાયદેસર નાગરિક તરીકેની યાદીમાં આવ્યાં અને આશરે ૧૯ લાખ લોકો તેમાંથી બાકાત રહી ગયા. તેમાંથી આશરે ૧૨ લાખ હિંદુ હતા.
અપેક્ષાથી વિપરીત, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ કાયદેસરની નાગરિકતાથી બાકાત રહી ગયા, એટલે ભા.જ.પ.શાસિત રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને સંઘ પરિવાર સુધીના બધાએ આખરી યાદીનો વિરોધ કર્યો. હવે આ બારેક લાખ હિંદુઓને કાયદેસરના નાગરિક બનાવવા હોય—અને એ સિવાયના પાંચેક લાખ મુસ્લિમોને નાગરિકતા ન આપવી હોય તો—તો નાગરિકતાના કાયદામાં ધર્મઆધારિત ફેરફાર કરવો પડે. તે આ ફેરફાર કર્યો.
આમ કરોડોના ખર્ચે થયેલી કવાયત અને અનેક લોકોની હેરાનગતિ પછી (નોટબંધીની જેમ જ) આસામમાં સિટિઝન રજિસ્ટરનો હેતુ સિદ્ધ થયો નહીં. ઊલટું, ગેરકાયદે જાહેર થયેલા હિંદુઓનો પ્રશ્ન ઊભો થયો, જેના માટે મુસ્લિમોને બાકાત રાખીને બીજા બધાને નાગરિકતા આપવાનો ફેરફાર કરવાનો વારો આવ્યો.
*
ફરી સિટિઝનશિપ અમૅન્ડમૅન્ટ બિલ અંગેના મુખ્ય વાંધાની વાત (જે ઇશાન ભારતમાં થઈ રહેલા વિરોધ કરતાં પણ વધારે વ્યાપક, વધારે પાયાની છે). હવે તો રાષ્ટ્રપતિએ તેની પર સહી કરી દીધી હોવાથી તે ફેરફાર કાયદાનો હિસ્સો બની જશે. તેમાં પહેલી વાર ચોક્કસ સંજોગોમાં ભારતના નાગરિકત્વ માટે ધર્મને માપદંડ તરીકે રાખવામાં આવ્યો છે અને મુસ્લિમો પ્રત્યેના વિરોધને, ભલે ગમે તેટલું નિર્દોષ કે અવિરોધી લાગે એવું મહોરું પહેરાવીને પણ, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
– સાંસદોમાં જે ખરડો વાચન માટે વહેંચવામાં આવ્યો તેમાં અને ત્યાર પહેલાંની ચર્ચામાં એક શબ્દ બહુ અગત્યનો હતોઃ ‘પર્સીક્યુશન’. એટલે કે, સતામણી. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સતાવાયેલા બિનમુસ્લિમો માટે આ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ પસાર થયેલા ખરડામાં ‘પર્સીક્યુશન’નો ઉલ્લેખ જ નથી. (https://www.telegraphindia.com/india/persecution-hole-in-citizenshipamendment- bill-fuels-theroies/cid/1726169) તેનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ૨૦૧૪ પહેલાંના અરસામાં પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણોસર સતામણી થઈ હતી, એવું પુરવાર શી રીતે થઈ શકે? સામાન્ય સંજોગોમાં તેના પુરાવા શી રીતે હોય? એટલે, ખરડાની ચર્ચામાં ધાર્મિક સતામણી કેન્દ્રસ્થાને રહી, પણ કાયદામાં એ શબ્દની, ખરું જોતાં એ માપદંડની, બાદબાકી થઈ ગઈ.
ભાગલા ને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી પામેલા બિનમુસ્લિમો—આટલે સુધીનો સરકારી એજેન્ડા તેમની અત્યાર લગીની ચાલચલગત પ્રમાણેનો હતો. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે અફઘાનિસ્તાનનો ઉમેરો કરીને આ સરકારે તેમની વિભાજનકારી નીતિ તથા હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં નવું પરિમાણ ઉમેર્યું. ભાગલા પછીના કોઈ પણ તબક્કે અફઘાનિસ્તાન સાથે ભારતની સરહદ મળતી નથી. પરંતુ ત્યાં ઇસ્લામી રાજ્ય છે, એટલે ત્યાં સતાવાયેલા બિનમુસ્લિમ અહીં આવ્યા હોય તો તેમને પણ આશરો આપવો—એવું નક્કી કરવામાં આવ્યું.
તેનો આડકતરો સંદેશો એ થાય કે જેમ સતાવાયેલા યહૂદીઓ માટે ઇઝરાઇલ છે, તેમ સતાવાયેલા હિંદુઓ (અને સાવ ચોખ્ખેચોખ્ખું હજું કહેવાતું નથી એટલે, સાથે શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો) માટે ભારત છે. આવો ભેદભાવ ત્યારે વાજબી ગણાય, જ્યારે સતાવાયેલા ભારતીયોને (હિંદુઓને કે બીજાઓને) અન્ય કોઈ દેશ સંઘરતો ન હોય અથવા બધે તેમની ધર્મના લીધે અમુક પ્રકારે સતામણી થતી હોય (જેવું યહૂદીઓના કિસ્સામાં હતું). પરંતુ હિંદુ અને બાકીના ધર્મી ભારતીયો પશ્ચિમી દેશોથી માંડીને ઇસ્લામી શાસન ધરાવતા અખાતી દેશોમાં બધે વસે છે. એવા સંજોગોમાં હિંદુ રાષ્ટ્રનો આભાસ આવા ભેદભાવથી આપી શકાય અને તેનો રાજકીય લાભ ખાટી શકાય.
કાયદામાં ફેરફાર કરનારાને ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને પડકારવામાં આવશે અને કદાચ અદાલત તેને રદ્દ પણ કરી દે. એવું થાય તો, નાક તો છે નહીં, એટલે એ ચિંતા નથી. પણ પોતે આવો ફેરફાર કરીને હિંદુ હિતનું (ને મુસ્લિમોને બાકાત રાખવાનું) મહાન કામ કર્યું, એવા સંદેશાના ઢોલ વગાડીને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તો ઊભું કરી જ શકાશે (બલકે, એવું ધ્રુવીકરણ ઊભું થઈ જ રહ્યું છે. તેમાં પંખો નવેસરથી ચાલુ કરવાનો તો છે નહીં, એક-બે પર ચાલતો હોય તેને જ છ પર લઈ જવાનો હોય) રામ મંદિર-૩૭૦નો કાર્યક્રમ પૂરો થયા પછી પણ મંદી પીછો ન છોડતી હોય ત્યારે નાગરિકતાના નિયમમાં ફેરફાર અને નાગરિકતાનું રજિસ્ટર આવતી ચૂંટણી માટે કોમી ધ્રુવીકરણના નવા મુદ્દા તરીકે બહુ કામના બની શકે છે—અદાલત ફેરફાર રદ્દ કરે તો પણ. અને કોઈ કારણસર અદાલત ફેરફાર બહાલ રાખે, તો કથિત હિંદુહિત અને અકથિત મુસ્લિમવિરોધના મુગટમાં વધુ એક પીછું.
*
નાગરિકતાના કાયદામાં ફેરફાર કરીને અમિત શાહ આસામમાં તેમની જ સરકારની નાગરિકતા ચકાસણી કવાયતમાં નાપાસ થયેલા બારેક લાખ હિંદુઓને નાગરિકતા અપાવી દેશે; કારણ કે તે હિંદુ છે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો તેમનો એજેન્ડા તો સચવાઈ જશે, પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના બાંગલાદેશી ઘુસણખોરોનો વિરોધ કરતા આસામીઓના અજંપાનું શું? તેમને બાર લાખ હિંદુઓને નવા કાયદા પ્રમાણે નાગરિકતા મળે તેની સામે વાંધો ન હોય તો પણ, તે એનાથી ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમોને ઘુસણખોર જાહેર કરીને તેમને બહાર કાઢવા માટે દબાણ નહીં કરે? અથવા સરકારે આસામીઓને રીઝવવા માટે નવેસરથી, મુસ્લિમ ઘૂસણખોરો સામે ચીપિયા પછાડવાના બાકી રહેશે.
આસામના અનુભવ પછી પણ અમિત શાહ ભારતભરમાં સિટિઝન રજિસ્ટર લાગુ કરવા માગે છે, એ તેમની ધ્રુવીકરણ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. તે જાણે છે કે નાગરિકોને બે ભાગમાં વહેંચી દઈએ અને ઠીક ઠીક માત્રામાં હિંદુઓના મનમાં મુસ્લિમવિરોધનું તાપણું ગમે તેમ કરીને સળગતું રાખીએ, તેને હવા આપ્યા કરીએ, તો (તો જ) આપણું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે. બાકી, નબળામાં નબળા વિપક્ષ છતાં આર્થિક સમસ્યાઓના સ્ટીમ રોલર નીચે કચડાઈ જવાનો વારો આવશે. એટલે તે અને હવે તેમની પાછળ અદૃશ્ય હાથ તરીકે કામ કરતા તેમના સાહેબ દેશની એકતાના નામે દેશના નાગરિકોને વિભાજિત કરી રહ્યા છે અને અસ્થિરતા ફેલાવી રહ્યા છે. સમસ્યા ઉકેલવાના નામે નવી સમસ્યાઓ ઊભી કરીને, તેમાંથી પોતાનો ફાયદો કેવી રીતે કાઢી લેવો, તેની વેતરણ કરવી એ ચાણક્યબુદ્ધિ નથી, નિતાંત દુષ્ટ બુદ્ધિ છે.
માટે વિરોધનો વિરોધ કરતી વખતે, સરકારી ટીકાકારોની ટીકામાં રહેલાં છીંડાં જરૂર બતાવીએ ને એ બાબતે તેમની ટીકા કરીએ, તેમનો રાજકીય એજેન્ડા હોય તો જરૂર ખુલ્લો પાડીએ, પણ વ્યાપક અનિષ્ટની ગંભીરતા પરથી નજર હઠાવ્યા વિના.
વિરોધીઓની ટીકામાં રહેલાં (વાજબી) છીંડાં દર્શાવવામાં, આપણે વ્યાપક અનિષ્ટને નજરઅંદાજ કરી બેસીએ કે તેની ગંભીરતાને વિરોધીઓની મર્યાદા સામે મૂકીને, સામસામો છેદ ઉડાડી દેવામાં આપણે જાણેઅજાણે સરકારના સાથીદાર તો નથી બની જતા ને? એ વિચારવાનું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 01, 02 તેમ જ 13
કોઈ પણ લોકશાહી દેશમાં રાજકીય નિર્ણયની ત્રણ બાજુ હોય છે. એક નૈતિક, બીજી બંધારણીય અને ત્રીજી વ્યવહારુ. વર્તમાન સરકારે નાગરિક ધારામાં જે સુધારો કર્યો છે તેની નૈતિક બાજુ જવા દઈએ. જો કે ગાંધીજીએ તો કહ્યું હતું કે ગમે એટલું ઉદ્દાત સાધ્ય હોય પણ જો સાધન અશુદ્ધ હોય તો જે તે દહાડે તે અશુદ્ધ સાધનની પણ કિમંત ચૂકવવી પડતી હોય છે. આમ છતાં અત્યારે એ નૈતિક બાજુને કોરે મૂકીએ.
વાચકને એટલી જાણ તો હશે જ કે બંધારણ પણ જે તે દેશની વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને વ્યવહારુ ધોરણે ઘડવામાં આવે છે. એટલે તો અલગ અલગ લોકશાહી દેશોમાં તે લોકશાહી દેશ હોવા છતાં પણ બંધારણ અલગ અલગ છે. દરેક દેશની પોતાની સામાજિક-ભૌગોલિક વાસ્તવિકતા હોય છે અને તેને અનુરૂપ જરૂરિયાત હોય છે. ભારતનું બંધારણ ઘડનારાઓએ ભારતની વાસ્તવિકતા અને જરૂરિયાત ધ્યાનમાં રાખી હતી.
અહીં એક વાત નોંધી લેવી જોઈએ. ભારતનું બંધારણ ઘડનારાઓમાંથી ચુસ્ત ગાંધીવાદી અને નેહરુવાદી તો દસ ટકા પણ નહોતા. અહીં એક પ્રસંગ ટાંકવો ઉચિત રહેશે. પ્રો. શ્રીમન્ન નારાયણ અગ્રવાલે બંધારણસભાની રચના થઈ ત્યારે આગ્રહ રાખ્યો હતો કે બંધારણ ઘડનારાઓએ ગાંધીજીના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવું જોઈએ. ટૂંકમાં ભારતનું બંધારણ ગાંધીપ્રણિત હોવું જોઈએ. બંધારણ સભાએ ડૉ. અગ્રવાલને ગાંધીજીને અભિપ્રેત હોય એવો બંધારણનો મુસદ્દો રજૂ કરવા કહ્યું હતું. શ્રીમન્ન નારાયણે એવો મુસદ્દો તૈયાર કરીને ગાંધીજીને આપ્યો હતો. ગાંધીજીએ એ વાંચીને શ્રીમન્ન નારાયણને પાછો આપ્યો હતો. નહોતી તેના પર સહી કરી, નહોતી તેને માન્યતા આપી કે નહોતું તેમાં કોઈ પરિવર્તન સૂચવ્યું. તેમણે શ્રીમન્ન નારાયણને કહ્યું હતું કે મારે આ વિષે કાંઈ કહેવાનું નથી. મારા વિચારો લોકો જાણે છે.
ગાંધીજીએ આવું વલણ અપનાવ્યું એની પાછળનું કારણ એ હતું કે ગાંધીજી તાજા આઝાદ થયેલા દેશના સ્વરૂપ-ઘડતરમાં દખલગીરી કરવા નહોતા માગતા. ગાંધીજીની કલ્પનાનો સમાજ એ લાંબા ગાળાની યોજના છે અને તાજા આઝાદ થયેલા દેશની કેટલીક તાત્કાલિક જરૂરિયાતો છે એ ગાંધીજી સમજતા હતા. આ બાજુ શ્રીમન્ન નારાયણે તેમની દ્રષ્ટિએ ગાંધીજીને અભિપ્રેત મનાતા બંધારણના મુસદ્દાને બંધારણસભામાં રજૂ કર્યો હતો. તમને ખબર છે એ મુસદ્દાનું શું થયું હતું? તેના પર બંધારણસભામાં દસ મિનિટ પણ ચર્ચા નહોતી થઈ. નેહરુએ પણ તેના પર લક્ષ નહોતું આપ્યું અને ગાંધીજીને અભિપ્રેત બંધારણના મુસદ્દાને કચરાટોપલીમાં નાખી દેવામાં આવ્યો હતો. ગાંધીજીને બંધારણસભાના સભ્યો પર ભરોસો હતો કે તેઓ દેશનું લાંબા ગાળાનું હિત ધ્યાનમાં રાખીને દેશની જરૂરિયાત મુજબનું બંધારણ ઘડશે અને બંધારણસભાના સભ્યોને ખાતરી હતી કે ગાંધીજી દેશની વ્યવહારુ જરૂરિયાતો ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવા દેશે અને તેમાં વચ્ચે નહીં આવે.
આનો અર્થ એ થયો કે ભારતના બંધારણ પર ગાંધીજીનો કોઈ સીધો પ્રભાવ કે છાપ નથી. જે પ્રભાવ છે એ આડકતરો છે. ભારતનું બંધારણ ગાંધીજીથી સ્વતંત્ર દેશની જરૂરિયાત પર આધારિત કૃતિ છે.
તો શું બંધારણ પર નેહરુનો પ્રભાવ છે? જરા પણ નહીં. બંધારણસભામાં જેટલા સભ્યો હતા એમાં નેહરુવાદીઓ તો બહુ ઓછા હતા. બંધારણનો મુસદ્દો ઘડનારી કમિટીના અધ્યક્ષ ડૉ. આંબેડકર હતા જે ગાંધી-નેહરુ વિરોધી હતા. કનૈયાલાલ મુનશી હતા જે હળવા હિંદુવાદી હતા અને નેહરુની ગુડબુકમાં નહોતા. એન. ગોપાલસ્વામી આયંગર અને અલ્લાદી કૃષ્ણ સ્વામી ઐય્યર, સર. બી.એલ. મિત્તર હતા જે કોઈ અર્થમાં ગાંધીવાદી કે નેહરુવાદી નહોતા. તેમણે આઝાદીની લડતમાં ભાગ પણ નહોતો લીધો એટલે ગાંધીજીના પ્રભાવમાં હોવાનો તો સવાલ જ નહોતો. આ ઉપરાંત સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા સોએક જેટલા હિંદુ પક્ષપાત ધરાવનારા હળવા હિંદુવાદીઓ તેમાં હતા. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવા આકરા હિન્દુત્વવાદી પણ તેમાં હતા. સમાજવાદીઓ હતા અને રજવાડાઓના પ્રજાના પ્રતિનિધિઓ હતા. જો તમારે ખાતરી કરવી હોય તો ભારત સરકારની વેબસાઈટ પર જાઓ. બંધારણસભાના એકેએક સભ્યની પૃષ્ઠભૂમિ તપાસો. નિષ્ઠાવાન ગાંધીવાદી અને નેહરુવાદી કહી શકાય એવા વીસ સભ્યો પણ નહીં જડે.
આટલી વાસ્તવિકતા સમજી લીધા પછી સવાલ એ ઉપસ્થિત થાય એ છે કે ગાંધી-નેહરુના વિરોધીઓ (ડૉ. આંબેડકર – ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી), હળવા હિંદુવાદીઓ (જે બહુમતીમાં હતા) અને ગાંધીજીના આદર્શવાદથી દૂર ભાગનારા કહેવાતા વહેવારવાદીઓએ મળીને સર્વસંમતિ સાથે (પ્લીઝ નોટ, સર્વસંમતિ સાથે) એવું બંધારણ કેમ ઘડ્યું જે આજના શાસકોને અને સંઘપરિવારને સ્વીકાર્ય નથી? ગાંધી-નેહરુવાળાઓ સંઘપરિવારની કલ્પનાના ભારતની વિરુદ્ધનું બંધારણ ઘડે એ તો સમજી શકાય, પણ અહીં તો એવા લોકોએ સંઘની કલ્પનાના ભારતની વિરુદ્ધનું બંધારણ ઘડ્યું હતું જેઓ ગાંધી-નેહરુના પરિઘની બહાર અને અને એ પણ પાછું સર્વસમંતિ સાથે.
શા માટે તેમણે હિન્દુત્વવાદીઓની કલ્પનાના ભારતને આકાર આપનારું બંધારણ ન ઘડ્યું અને એવું બંધારણ ઘડ્યું જે હિન્દુત્વવાદીઓને સ્વીકાર્ય નથી અને એ પણ આગળ કહ્યું એમ સર્વસંમતિ સાથે. શા માટે? ભક્તો આના બે જ ખૂલાસા આપી શકે. કાં તો તેમનામાં સંઘપરિવારના નેતાઓ જેટલી અક્કલ નહીં હોય અથવા તેઓ સંઘપરિવારના નેતાઓ જેટલા દેશભક્ત નહીં હોય. મને ખાતરી છે કે થોડા ભડવીર ભક્ત એવા મળી આવશે જે બંધારણસભાના શુક્રતારક સમા તેજસ્વી સભ્યોને તેમના અને તેમના નેતાઓ કરતાં ઓછી અક્કલવાળા અને ઓછા દેશપ્રેમી ગણાવશે. આટલી જીગર તેઓ ધરાવે છે તેની કબૂલાત કરવી જ રહી.
અને જો તમે ઓછા સાહસિક હો અને વિચારતા આવડતું હોય તો વિચારવું જોઈએ કે શા માટે તેમણે એ બધી જોગવાઈ બંધારણમાં નહીં કરી જે સંઘપરિવાર ઈચ્છે છે. તેઓ આ પ્રશ્નોથી અજાણ હતા એવું નથી. બંધારણના ઘડતરની કાર્યવાહીનાં ૧૨ વોલ્યુમ્સ અને બંધારણ સભાની પેટા-સમિતિઓમાં થયેલી ચર્ચાને નીરુપતા બી. શિવા રાવના છ વોલ્યુમ્સ તપાસી જશો તો ખાતરી થશે કે તેમણે નાગરિકત્વ સહિત દરેક પ્રશ્ને સાંગોપાંગ ચર્ચા કરી હતી. તેમણે ખૂબ વિચાર વિમર્શ કરીને, કહો ચાહી કરીને એવું બંધારણ ઘડ્યું હતું જેની સામે હિન્દુત્વવાદીઓને વાંધો છે. શા માટે? અત્યારના દેશભક્ત રાષ્ટ્રવાદી શાસકો કરતાં તેઓ ઓછા બુદ્ધિશાળી નહોતા અને ઓછા દેશભક્ત નહોતા એમ જો તમે માનતા હોય તો તમારે આ પ્રશ્નનો ઉત્તર શોધવો જોઈએ.
આનો ઉત્તર એ છે કે તેમણે તેમની મધુર કલ્પનાના ભારત કરતાં વાસ્તવિક ભારતનો સ્વીકાર કર્યો હતો. એ સમયે દરેક વિચારધારાઓના નેતાઓની ભારત વિશેની પોતપોતાની મધુર કલ્પનાઓ હતી. દલિતો મધુર કલ્પના ધરાવતા હતા કે ભારતમાં બ્રાહ્મણો હાંસિયામાં હોય. પરંપરારક્ષકો ઈચ્છતા હતા કે આધુનિકતાના પ્રવાહમાં તેમને મન જાળવવા જેવી મહાન પરંપરા તણાઈ ન જાય. આદિવાસીઓની કલ્પનાના ભારતમાં જંગલમાં સ્વાયત્તતા હતી. દ્રવિડોની કલ્પનાના ભારતમાં આર્યાવર્તના પ્રભાવથી મુક્તિ હતી. પણ બીજી બાજુ તેમને એની પણ જાણ હતી કે પચરંગી ભારતમાં આપણી કલ્પનાનું ભારત સ્થપાવું મુશ્કેલ છે. જ્યાં આટલી પચરંગી પ્રજા સાથે વસ્તી હોય અને તેમના હિતસંબંધો અથડાતા હોય ત્યાં આપણી કલ્પનાના દેશ માટે આગ્રહ રાખવાનો ન હોય. ભારત એક બૃહદ્દ પરિવાર છે જેમાં સંપ જાળવી રાખવો હોય તો જતું કરતા આવડવું જોઈએ.
કેટલાક કહેશે, શા માટે આગ્રહ ન રાખે? જે પ્રજા બહુમતીમાં હોય તેને આગ્રહ રાખવાનો અધિકાર છે. શું લઘુમતી દેશના હિતમાં બહુમતીનો દ્રષ્ટિકોણ ન અપનાવી શકે? આટલો પણ ત્યાગ ન કરે? આપણે ક્યાં તેમને દેશમાંથી ચાલ્યા જવાનું કહીએ છીએ. આપણે તો માત્ર એટલું જ કહીએ છીએ કે બહુમતી દ્રષ્ટિકોણની તરફેણમાં તમે તમારો વૈચારિક આગ્રહ જતો કરો. માત્ર વૈચારિક આગ્રહો જતા કરવાની વાત છે, કોઈ તમારી મિલકત માગતું નથી. આ જ દલીલ છે તમારી કે બીજી કોઈ? કેટલી ‘વ્યવહારુ’ અને ‘સોજ્જી’ દલીલ છે નહીં!
પણ આ દલીલ જેટલી સોજ્જી દેખાય છે એટલી નથી. વ્યવહારુ તો એ બિલકુલ નથી. જો એ સોજ્જી હોત તો ભિન્ન દ્રષ્ટિકોણ કે સંસ્કૃતિ ધરાવનારા લોકો સાથે સંવાદ સાધ્યો હોત. તેમની સાથે હળીમળીને તેમનો પ્રેમ જીત્યો હોત. જો તેમનો દેશપ્રેમ સાચો હોત તો જે પ્રજા હિંદુ સાંસ્કૃતિક ગર્ભગૃહની બહાર છે તેને અંદર લેવાનો પ્રયાસ કર્યો હોત. ખ્રિસ્તી મિશનરીઓ કઈ રીતે કામ કરે છે તે જુઓ છોને! છેક યુરોપથી ભારત આવે. ભારતની પ્રતિકુળ આબોહવામાં જીવતાં શીખે, સ્થાનિક ભાષા શીખે, લોકોની સેવા કરીને તેમનો પ્રેમ સંપાદન કરે, વિશ્વાસ સંપાદન કરે અને પછી તેમને ખ્રિસ્તી બનાવે. આટલી જહેમત તેઓ એટલા માટે ઊઠાવે છે કે તેઓ ઈશુના ધર્મને પ્રેમ કરે છે. તેમનો પ્રેમ સાચો છે. જો સાચો પ્રેમ હોય તો પરાયાને પોતાનાં કરીને તમે જે ચીજ સ્વીકૃત બનાવવા માગતા હો તે કરાવી શકો છો.
હિન્દુત્વવાદીઓએ કદાપિ આવો પ્રયાસ કર્યો છે? એક પણ પ્રસંગ બતાવો. જેણે આવો પ્રયાસ કર્યો હતો તેનું (મોહનદાસ કરમચંદ ગાંધી) ઊલટું તેમણે ખૂન કર્યું હતું. શા માટે આવો પ્રયાસ કરે જ્યારે હિંદુઓ બહુમતીમાં છે. બહુમતીએ તો શરતો લાદવાની હોય. વધુમાં વધુ સૌમ્ય ભાષામાં શરતો મુકવાની. ન માને તો ઈશારાની ભાષા વાપરવાની અને એ પછી પણ ન સાંભળે તો કાન આમળવાનો. બહુમતી લઘુમતીના લાડ શા માટે લડાવે? આમ ઉપર કહી એ દલીલ સોજ્જી તો નથી, વ્યવહારુ પણ નથી. સંયુક્ત પરિવાર શરતો લાદીને ટકી ન શકે એટલું સમજવા જેટલું વ્યવહારજ્ઞાન બંધારણ ઘડનારાઓમાં હતું અને ભારત એક સંયુક્ત પરિવાર છે એ તેની અફર નિયતિ છે.
આને કારણે બંધારણસભાની બહાર જે આંબેડકર હતા એ બંધારણસભાની અંદર જુદા હતા. તેમને એટલી જાણ હતી કે એક સંયુક્ત પરિવારના સહઅસ્તિત્વનું બંધારણ ઘડવાનું છે, માત્ર દલિતો માટેનું નહીં. સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી જેવા હિંદુવાદીઓ આ વાત જાણતા હતા કે સંયુક્ત પરિવાર ભારતની નિયતિ છે એટલે બંધારણ એવું હોવું જોઈએ જેમાં સંયુક્ત પરિવાર સંયુક્ત રીતે જીવી શકે અને ધીરે ધીરે રાષ્ટ્રીય ભાવના વિકસે. બંધારણ સભામાં જે બીજા વિચાર અને વલણના લોકો હતા એ પણ ભારતની વાસ્તવિકતા જાણતા હતા એટલે તેમણે સંયુક્ત પરિવાર ટકી શકે એવું બંધારણ ઘડવામાં સાથ આપ્યો હતો. બંધારણ સર્વસંમતિ સાથે ઘડાયું અને એક અવાજે માન્ય રખાયું એનું રહસ્ય આ છે.
બંધારણ ઘડનારાઓ લોંઠકા હિન્દુત્વવાદીઓ કરતાં વધારે બુદ્ધિમાન હતા અને વ્યવહારુ હતા. તેમને જાણ હતી કે શરતો મૂકવાથી રાષ્ટ્રની રચના ન થાય એટલે સ્વતંત્ર ભારતની કલ્પના અને રચના વિષે રાષ્ટ્રીય સર્વસંમતિ બની હતી. દરેક સભ્યે તેનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો હતો. બાકી શરતો મૂકતા તો તેમને પણ આવડતું હતું. તેઓ ઊલટા વધારે અધિકારથી શરતો મૂકી શક્યા હોત, કારણ કે તેમનામાંના મોટા ભાગનાઓએ દેશની આઝાદી માટે ભોગ આપ્યો હતો, ખાલી ખિસ્સાવાળા ડરપોક ઠણઠણપાલ નહોતા. આમ છતાં તેમણે સંયમ દાખવ્યો હતો, કારણ કે તેઓ બુદ્ધિમાન હતા, સાચા દેશપ્રેમી હતા અને વ્યવહારુ હતા.
તેમણે તેમનો અંગત ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો એનું બીજું કારણ એ હતું કે ભારતમાં કોઈ બહુમતીમાં છે જ નહીં. શું ઉત્તર ભારતીય હિંદુ દક્ષિણ ભારતમાં હિંદુ હોવા છતાં અને દક્ષિણ ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં બહુમતીમાં છે? શું ઉત્તર ભારતીય હિંદુ, મુંબઈમાં હિંદુ હોવા છતાં અને મુંબઈમાં હિંદુઓ બહુમતીમાં હોવા છતાં તે પોતે બહુમતીમાં છે? તમે જોયેલા કોઈ પણ એક ગામની કલ્પના કરો. એ ગામમાં જે જાતિ બહુમતીમાં હશે તે બાજુના ગામમાં લઘુમતીમાં હશે. ઉત્તરથી દક્ષિણમાં કે ઉત્તર ભારતથી નીકળીને મુંબઈમાં કે પછી એક ગામથી નીકળી બાજુના ગામમાં પગ મૂકતાની સાથે પ્રતીતિ થશે કે તે લઘુમતીમાં છે. પાછા પ્રતીતિ કરાવનારા શરત-બહાદુરો દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. આમ ભારતમાં હિંદુઓ સહિત કોઈ પ્રજા બહુમતીમાં નથી એ જોતાં બહુમતીવાદ ચાલી ન શકે. આને કારણે તેમણે તેમનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો. આટલી દીર્ઘદ્રષ્ટિ, દેશપ્રેમ, અક્કલ અને વ્યવહારુતા તેઓ ધરાવતા હતા.
બંધારણ ઘડનારાઓએ તેમનો ભિન્ન મત રાષ્ટ્રીય સર્વસંમતિના યજ્ઞમાં હોમી દીધો એનું ત્રીજું કારણ એ હતું કે આજે તમને નકશામાં જે ભારત ભળાય એવું ભારત અંગ્રેજોનાં શાસન પહેલાં ઇતિહાસમાં ક્યારે ય નહોતું. ક્યારે ય એટલે ક્યારે ય નહોતું. કોઈ યુગમાં નહીં, અશોક અને અકબરના યુગમાં પણ નહીં. એ તો અંગ્રેજોએ શોષણ કરવાના ઈરાદે દેશના પ્રદેશોને જોડ્યા હતા અને અખિલ ભારતીય વહીવટી માળખું વિકસાવ્યું હતું. નકશામાં જે ભળાય છે તે ભારત અને વહીવટીતંત્ર આપણને વારસામાં મળ્યા છે. એ શારીરિક ભારતની અંદર ભારત નામનો આત્મા રેડવો હોય અને “ભારત સરકાર” નામની ચીજને “આપણી” સરકાર તરીકે સ્વીકૃત કરાવવી હોય તો શરતો અને દાદાગીરી ન ચાલે. છેવટે જે ભારતને ભારતના ઇતિહાસે કદાપિ જોયું જ નથી તેને સ્થિર થવા માટે સમય આપવો જોઈએ. કારણ કે બંધારણ ઘડનારાઓ વધારે બુદ્ધિમાન હતા, વધારે દેશપ્રેમી અને વ્યવહારુ હતા એટલે તેમણે આગ્રહો અને શરતો નહોતી રાખી. બાવડાબાજ બેવકૂફ નહોતા.
અને છેલ્લી વાત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધ્વજમાં જે ભારત (શ્રી લંકા સહિત અફઘાનિસ્તાનથી બર્મા સુધીનું) દેખાય છે એ તેમની મીઠી કલ્પનાનું ભારત છે. આવું ભારત વાસ્તવમાં ક્યારે ય નહોતું. મીઠી કલ્પના કરવામાં કાંઈ જ ખોટું નથી, પરંતુ એ સાકાર કેવી રીતે થાય અને સાકાર થયા પછી તે ટકે કેવી રીતે એ વિષે પણ તેમણે વિચારવું જોઈએ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ વાંચવો જોઈએ. જેનો સૂરજ આથમતો નહોતો એ અંગ્રેજો પણ વખત આવ્યે ભાઈબાપા કરતા હતા અને સમાધાનો કરતા હતા. સંસ્થાનવાદી યુગમાં અંગ્રેજ સામ્રાજ્ય સૌથી વધુ ફેલાયું અને સૌથી વધુ ટક્યું એનું કારણ બાંધછોડ કરવાની તેમની આવડત હતી. જોઈ જુઓ ભારતની આઝાદીનો ઇતિહાસ. ભાગ ભલે ન લીધો હોય, અભ્યાસ તો કરી જ શકાય છે. રાણા પ્રતાપનું શૌર્ય જોઇને ગદગદ થઈ જવાની જગ્યાએ સભ્યતાઓ અને રાષ્ટ્રો કેમ બને છે અને કેમ નાશ પામે છે તેનો અભ્યાસ કરવો જોઈએ.
પણ વાંચે કોણ? વાંચવા-વિચારવાની મનાઈ છે. ઘેટું જો વાંચે અને વિચારે તો નાસી જાય.
આ આખો લેખ વાંચ્યા પછી પણ જો કાંઈ પલ્લે ન પડ્યું હોય તો બોલો ભારત માતા કી જય.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 ડિસેમ્બર 2019