૧૯૭૭માં મુંબઈની સડકો પર લાગેલાં પોસ્ટરોની યાદ આવે છે જેમાં કહેવામાં આવ્યું હતું : ‘કૉન્ગ્રેસ કડે રજની પટેલ, જનતા પાર્ટી કડે શાંતિ પટેલ, મરાઠી માણસાનાં કસે પટેલ.’ એ સમયે રજની પટેલ મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ હતા અને ડૉ. શાંતિ પટેલ જનતા પાર્ટીના મુંબઈ એકમના. પટેલનો અર્થ મરાઠી ભાષામાં ગળે ઉતરવું કે સ્વીકારવું એવો થાય છે. મરાઠી મુંબઈમાં મુખ્ય રાજકીય પક્ષો પર ગુજરાતીઓનો કબજો હોય એ મરાઠીઓ કેવી રીતે સ્વીકારી શકે? બાળ ઠાકરેમાં શબ્દો સાથે ખેલ કરીને વિનોદ કરવાની શક્તિ ગજબની હતી અને એ સાથે તેઓ ગંભીર રાજકીય નિવેદન પણ કરી લેતા હતા. ઉપર કહ્યાં એ પોસ્ટરોમાં આ બધું હતું. મહારાષ્ટ્ર પર અને મરાઠી મુંબઈ પર મરાઠીઓનું રાજ હોવું જોઈએ. મરાઠીઓને માત્ર એ જ હકીકત ગળે ઊતરી શકે, અન્ય સ્થિતિ નહીં.
અમારા પર અમારું રાજ એ સંસ્થાનવાદના યુગમાં મહાન ધ્યેય હતું અને એ મહાન આધ્યાત્મિક ધ્યેય પણ છે. પણ આઝાદી પછી અમારા પર અમારું રાજનો અર્થ અમારા કુટુંબનું રાજ એવો કરવામાં આવ્યો છે. બાળ ઠાકરે મહારાષ્ટ્ર પર મરાઠીઓનું રાજ સ્થાપવા નીકળેલા અને જ્યારે અવસાન થયું ત્યારે પુત્રમોહનો શિકાર બની ગયા હતા. તેમણે તેમની છેલ્લી સભામાં પોતાના પુત્રને સ્વીકારી લેવાની વિનંતી કરી હતી. આને કારણે બાળ ઠાકરેના ચિરંજીવ ઉદ્ધવ ઠાકરે શાસનનો કોઈ અનુભવ ધરાવતા નથી, જિંદગીમાં કોઈ ચૂંટણી લડ્યા નથી અને સીધા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયા છે. તેમની એક માત્ર લાયકાત બાળ ઠાકરેના પુત્ર હોવાની છે. અહીં સુધી પણ ઠીક છે; પરંતુ તેમણે તેમના પુત્ર આદિત્ય ઠાકરેને પણ પ્રધાનમંડળમાં લીધા છે અને એ પણ કેબિનેટ પ્રધાનના દરજ્જા સાથે. આદિત્ય ઠાકરેએ તો હજુ ગયા વરસે રાજકારણમાં પદાર્પણ કર્યું હતું. આ છે મરાઠી માણસોને ન્યાય જેનું રાજકારણ શિવસેના કરતી આવી છે?
રાજકારણી પરિવારનું સંતાન રાજકારણ ન કરી શકે એવું નથી, પણ તેની શરૂઆત નીચેથી જમીન પરથી થવી જોઈએ. લોકતંત્રમાં બધા સરખા પણ થોડા લોકો વધુ સરખા એ ન ચાલી શકે. એટલે તો રાજકીય પક્ષોમાં લોકતંત્રની અપેક્ષા રાખવામાં આવે છે અને એવી માગણી કરવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના પક્ષો બાપીકી પેઢી જેવા છે ત્યાં કૉન્ગ્રેસના પરિવારવાદની શું ટીકા કરવી? જે પક્ષોમાં (બી.જે.પી./તૃણમૂલ/ટી.ડી.પી./જે.ડી.યુ.) સર્વોચ્ચ સ્થાને હજુ સુધી પરિવારવાદ નથી ત્યાં જે તે નેતાઓનો પરિવારવાદ છે. ડાબેરીઓને છોડીને કોઈ પક્ષ આનાથી મુક્ત નથી. જો લોકતંત્રની આટલી જ ખેવના હોય તો ભારતમાં લોકતંત્ર વિકસે કેવી રીતે? ઠાકરે પરિવાર કહે છે કે મરાઠી માણસાનાં ગુજરાતી પટેલ પટો કે ન પટો ઠાકરે પટવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં કુલ ૪૩ પ્રધાનો છે જેમાંથી ખુદ ઉદ્ધવ ઠાકરે સહિત ૧૯ પ્રધાનો કોઈને કોઈ નેતાના સંતાન હોવાને નાતે પ્રધાન બન્યા છે.
આવું જ શરદ પવારનું. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષ એક પરિવાર છે, બધા જ શરદ પવારનાં સંતાન છે, બધા સમાન છે; પરંતુ અજીતદાદા પવાર વધારે સમાન છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ માણસે હજુ મહિના પહેલા કાકાનો વિશ્વાસઘાત કર્યો હતો. એ પહેલાં પણ તેમણે કાકાની આણ ઉથાપી હતી અને બતાવી આપ્યું હતું કે સત્તા માટે આ માણસ ગમે તે સ્તરે જઈ શકે એમ છે. આમાં મહિના પહેલાં કાકા સાથે વિશ્વાસઘાત કરીને અને બી.જે.પી. સાથે મળીને રાતના અંધારામાં તેઓ જે રીતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે સરકારમાં જોડાયા હતા એ તો આઘાતજનક ઘટના હતી. સરકાર રચાઈ એ પછી સવાર થતાં પહેલું કામ દેવેન્દ્ર ફડનવીસે કેબિનેટની બેઠક બોલાવી અજીત પવાર સામેના ભ્રષ્ટાચારના બધા કેસ બંધ કરી દેવાનું કામ કર્યું હતું. બીજા દિવસે સર્વોચ્ચ અદાલતે વિશ્વાસનો મત લેવા માટે પૂરતો સમય નહીં આપ્યો ત્યારે અજીત પવારે સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. નવી સ્થિતિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પણ રાજીનામું આપવા સિવાય છૂટકો નહોતો.
સવાલ એ છે કે એ પ્રકરણ શું હતું? અજીત પવારની ગદ્દારી હતી? કાકા સામે બળવો હતો? જો એમ હતું કે અજીત પવારને ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં સ્થાન શા માટે આપવામાં આવ્યું અને એ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે? આવા ઉદાર અને પ્રેમળ કાકા તો નસીબદારને જ મળે! કે પછી પવારનો અપત્યપ્રેમ અંકુશ બહારનો છે? આટલી ક્ષમાશીલતા અને આટલો પ્રેમ વિશ્વાસઘાતી પર કોઈ ભાગ્યે જ બતાવે એ જોતાં વહેમ તો એવો પણ જાય છે કે અજીત પવારની બળવાખોરી શું એક રાજકારણ હતું? ભત્રીજા પાસે બળવો કરાવીને બી.જે.પી.ને જાળમાં ફસાવી અજીત પવાર સામેના કેસો પાછા ખેંચાવી લીધા હતા અને કામ પતાવીને ભત્રીજો પાછો આવી ગયો. જે કામ આપણે કરવું પડે એમ હતું એ દુશ્મને કરી આપ્યું અને હવે સિંચાઈ ભ્રષ્ટાચાર વિષે બોલી પણ શકે એમ નથી.
પવારની રાજકીય રમત વિષે આવો ઈશારો એ ઘટના બની ત્યારથી કરવામાં આવતો હતો, પરંતુ તેના પર ખાસ વિશ્વાસ બેસતો નહોતો; પણ હવે કાકાની અસાધારણ ક્ષમાશીલતા જોઇને વહેમ જાય છે. બી.જે.પી.એ ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળના વિસ્તરણ માટેની સોગંદવિધિમાં ઉપસ્થિત નહીં રહીને તેની સંકુચિતતા બતાવી આપી હતી, તો કેટલાક પ્રધાનોએ સોગંદ લેતી વખતે જે તે સૂત્રોચાર કરીને સોગંદવિધિ જેવી ગંભીર બાબતને ચાપલુસીની રમતમાં ફેરવી નાખી હતી. જ્યારથી સોગંદવિધિ રાજભવનમાં કે રાષ્ટ્રપતિ ભવનમાં યોજવાની જગ્યાએ લોકોની વચ્ચે જાહેરમાં મેદાનોમાં યોજવા લાગી છે ત્યારથી તેણે તેની બંધારણીય ગંભીરતા ગુમાવી દીધી છે.
લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ સરકાર ટકશે અને બી.જે.પી. ટકવા દેશે? કર્ણાટક જેવું નહીં થાય? બી.જે.પી.ની અધીરાઈ જોતા થઈ શકે એમ છે. એમાં ખાસ કરીને અડધી રાતે સરકાર રચવાની એક જ ઘટનામાં એક સાથે બેવકૂફ અને બેશરમ બન્ને સાબિત થયા એનો ચચરાટ બી.જે.પી.ના નેતાઓ અનુભવી રહ્યા છે. લાગતું નથી કે બી.જે.પી. આ સરકારને ટકવા દેશે. યોગ્ય સમયે મહારાષ્ટ્રમાં કર્ણાટક થશે.
બંધારણીય મર્યાદાનું પાલન બી.જે.પી.એ કરવું જોઈએ એમ તો સાવ કેમ કહેવાય? કુટુંબીજનોની સરકાર એ શું લોકતંત્ર છે? માટે જ્યારે પણ જેના દ્વારા મર્યાદાલોપ થતો નજરે પડે ત્યારે બોલવું જોઈએ. મામકા જોઈને મૂંગા રહેવામાં નુકસાન આપણને છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જાન્યુઆરી 2020