આપણા કમ્યુનિકેશનનાં તંત્ર, અર્થતંત્ર, વ્યાપાર એ બધાનાં ટકવા પર અત્યારે જોખમ તોળાઇ રહ્યું છે અને માની ન શકાય તે રીતે ટેલિકોમ્યુનિકેશની કિંમતો આકાશે આંબે તેવી શક્યતા છે.
થોડા વખત પહેલાં બી.એસ.એન.એલ. અને એમ.ટી.એન.એલ.નાં લગભગ ૯૨,૭૦૦ કર્મચારીઓએ વી.આર.એસ. એટલે કે વૉલેન્ટરી રિટાયરમેન્ટ લઇ લીધું. આ ઘટના ઘટી ત્યારે આવેલા સમાચારો અનુસાર આટલા કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિને પગલે દેવામાં ડૂબેલી આ ટેલિકૉમ કંપનીઓને અંદાજે ૮,૮૦૦ કરોડ રૂપિયાની બચત થવાની હતી. બંન્ને કંપનીઓ પર અંદાજે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું હતું જ્યારે આટલા કર્મચારીઓને નિવૃત્તિ લીધી. સરકારને ૭૦,૦૦૦ કરોડમાં પડેલી આ વી.આર.એસ. યોજનાને કારણે સાવ નબળી પડેલા બંન્ને સરકારી સાહસો પરનો આર્થિક બોજો હળવો થયો અને બી.એસ.એન.એલ. અને એમ.ટી.એન.એલ.ની ઑફિસીઝ જે ઇમારતોમાં ચાલતી હતી તે પણ ખાલી થવાથી રિયલ એસ્ટેટમાંથી પણ જેટલા મળી શકે તેટલાં નાણાં સરકારને મળશે. એમ.ટી.એન.એલ. અને બી.એસ.એન.એલ.ની કફોડી હાલતને બેવડ વળે એ ૧૪,૧૧૫ કરોડ જેટલી રકમ બી.એસ.એન.એલ.ને અને ૬,૨૯૫ કરોડ એમ.ટી.એન.એલને 4G સ્પેક્ટ્રમ માટે અને બી.એસ.એન.એલ.ને ૨,૫૪૧ કરોડ તથા એમ.ટી.એન.એલ.ને ૧૧૩૩ કરોડ જી.એસ.ટી.ની ચૂકવણી માટે ફાળવવામાં આવી છે. આ બધું થવા છતાં ય એવી કોઇ ગેરંટી નથી કે એમ.ટી.એન.એલ. અને બી.એસ.એન.એલ. નફો કરાવે એવી જાહેર સાહસ સાબિત થઇ શકશે.
આ તો સરકારી સાહસની વાત થઇ પણ ખાનગી ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરની વાત કરીએ તો એક સમય હતો જ્યારે ભારતમાં આઠ મોટા ખાનગી ટેલિકૉમ પ્રોવાઇડર્સ હતા અને આજે માત્ર બે બચ્યા છે જે પણ મરવાને વાંકે જીવી રહ્યા છે. સીધી વાત કરીએ તો ભારતનું ટેલિકૉમ સેક્ટર કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે, અને સંજોગો એવા છે કે તેમાંથી તે ટટ્ટાર કમરે ખડું થઇ શકે તેવી શક્યતાઓ બહુ જ ઓછી લાગે છે. ટેલિકૉમ કંપનીઓનું તો નિકંદન નિકળી જ રહ્યું છે પણ આપણે બધાં જે આમાંથી કોઇને કોઇ સર્વીસનો ઉપયોગ કરીએ છીએ અને આપણને પણ તેમની માંદલી સ્થિતિથી હેરાનગતિ થવાની છે અને થઇ રહી છે. મને બરાબર ખ્યાલ છે કે આ ક્ષણે તમે વિચારી રહ્યા છો કે બહુ વાર કૉલ ડ્રોપ થાય છે, આપણે આખે આખી વાત કહી દઇએ પછી ખબર પડે કે સામે વાળાને એક અક્ષર સુદ્ધાં સંભળાયો નથી અને કાં તો પછી આપણે માત્ર ‘બીપ બીપ’નો અવાજ ચારેક વાર સાંભળી કંટાળીને ફોન કરવાનું જ ટાળીએ છીએ. આપણા કમ્યુનિકેશનનાં તંત્ર, અર્થતંત્ર, વ્યાપાર એ બધાનાં ટકવા પર અત્યારે જોખમ તોળાઇ રહ્યું છે અને માની ન શકાય તે રીતે ટેલિકોમ્યુનિકેશની કિંમતો આકાશે આંબે તેવી શક્યતા છે.
ભારતીય ટેલિકૉમ સેક્ટર ૧.૪૭ કરોડના દેવામાં છે અને સુપ્રિમ કોર્ટે કરેલા હુકમ અનુસાર આ કંપનીઓએ સરકારનાં એગ્રેગેટ ગ્રોસ રેવન્યુ ફોર્મ્યુલા પ્રમાણે સરકારને નાણાં ચુકવવાનાં રહેશે. આ અનુસાર કંપનીઓએ જીવવું હશે તો બને ૧.૫ લાખ કરોડ રૂપિયા, બને તેટલા જલદી, સરકારને ચુકવવા પડશે. આ રકમમાં પેનલસ્ટીઝ અને વ્યાજનો આંકડો પણ ઉમેરાયેલો છે. જો સુપ્રિમ કોર્ટ આ કાયદો સરકાર અનુસાર લાગુ કરશે તો જાહેર સાહસો માટે પરિસ્થિતિ વધુ આકરી થઇ જશે. ટેલિકૉમ કંપનીઓએ થોડી મુદ્દત અને રાહતની વિનંતી કરી તો ખરી પણ સરકારે ચુપકીદી સેવવાનું પસંદ કર્યું. સરકારે કોઇ એવો રસ્તો શોધવો જોઇતો હતો જેના થકી સુપ્રિમ કોર્ટ કાયદાને સંકડાશથી ન જુએ તથા યોગ્ય ગણતરીઓ કરવા માટે પૂરતો સમય મળી રહે.
અત્યારે આ સ્થિતિ છે ત્યારે જે 2G સ્પેક્ટ્રમ કૌભાંડને લઇને જે હોબાળા અને આશ્ચર્ય મિશ્રિત આઘાત દેશને લાગ્યા હતા તેને મમળાવવા જરૂરી થઇ પડે છે. એ કૌભાંડમાં ૧.૭૬ લાખ કરોડ સંડોવાયેલા હતા તેવી વાતો હતી. ટેલિકૉમ સેક્ટર ધૂળધાણી થઇ ગયું હતું અને અડધો અડધ કંપનીઓએ ભારતમાં કામ કરવાનુ જ બંધ કરી દીધું. એ વર્ષે સુપ્રીમ કોર્ટે ૧૨૨ ટેલિકૉમ લાઇસન્સ રદ્દ કર્યા હતા. જો કે આટલા બધા ડ્રામા પછી અંતે સ્પેશ્યલ સી.બી.આઇ. કોર્ટે જાહેર કર્યું હતું કે કોઇ કૌભાંડ થયું જ નહોતું. લ્યો ત્યારે! વગર વાંકે ઢગલોએક ટેલિકૉમ કંપનીઓ ઘરભેગી થઇ ગઇ અને રાજકીય તંગદિલી પણ ખડી થઇ કારણ કે કોઇ કૌભાંડ હતું જ નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી. આ બધી ધમાલ પછી માત્ર ચાર ટેલિકૉમ પ્લેયર્સ માર્કેટમાં રહી ગયા – બી.એસ.એન.એલ., એમ.ટી.એન.એલ., વૉડોફોન અને એરટેલ. થોડાં વર્ષ પહેલાં આ માર્કેટનાં સૌથી મોટા પ્લેયરે પા પા પગલી કરી અને જીઓ તો હવે ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીની જીવાદોરી બની ચુકેલી સેવા છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
વર્તમાન સંજોગોમાં સુપ્રીમ કોર્ટ રોષમાં છે અને સરકાર કંઇ જ પગલાં નથી લઇ રહી. આવી સ્થિતિમાં એક થઇ ગયેલા વોડાફોન અને આઇડિયા માટે અસ્તિત્વનો સવાલ થઇ જશે. સુનીલ ભારતી મિત્તલનાં એરટેલે પૈસા જમા કરાવ્યા છે અને તેને સિંગાપોરથી મદદ મળી છે એટલે એવું બને કે એ ટકી જાય પણ વોડાફોન માટે તો આટલી મોટી રકમ ચુકવવી બહુ જ અઘરું છે.
સુપ્રીમ કોર્ટનાં કડક વલણને કારણે કોઇ તત્કાળ રસ્તો મળવો મુશ્કેલ છે. વોડાફોને ભૂતકાળમાં પોતાની સ્થિતિ કેટલી તંગ છે તે અંગે ટ્વિટર પર ખુલાસા પણ કર્યા હતા અને વોડાફોન જેવા મોટા સર્વિસ પ્રોવાઇડરની આ હાલત હોય ત્યારે સમગ્ર ટેલિકૉમ સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળે તે સ્વભાવિક છે. ભારતમાં ૧ જી.બી. ડેટાનો ભાવ .૨૬ ડૉલર, અમેરિકામાં ૧૨.૩૭ ડૉલર્સ અને યુ.કે.માં આ કિંમત ૬.૬૬ ડૉલર્સ છે. ભારતમાં ડેટા આટલો સસ્તો હોવા છતાં પણ, વિશ્વનું તોતિંગ માર્કેટ હોવા છતાં પણ, જ્યાં મોબાઇલ માર્કેટ માટે પણ અધધધ શક્યતાઓ છે ત્યાં ટેલિકૉમ સેક્ટર સફળતાની ટોચે પહોંચે એ પહેલાં મરણપથારીએ પહોંચી ગયું છે. એમાં પાછી જીઓની એન્ટ્રીને કારણે ટેલિકૉમ સેક્ટરમાં સ્પર્ધા એક સાવ નવા જ સ્તરે પહોંચી ગઇ, એમાં પાછી જીઓ માત્ર ટેલિકૉમ કંપની છે એમ પણ નથી.
સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીઓનો હાથ આમળ્યો, કંપનીઓ સમયસર ચુકવણી ન કરી શકી-ખાસ કરીને વોડાફોન – તેમાં સરકારનાં કોઇ ડેસ્ક ઑફિસરને પગે રેલો આવ્યો જેમાં સરકારે પોતાની સફાઇ આપતા સાફ ના ભણી દીધી અને સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ કંપનીની આસપાસ પોતાની પકડ વધારે સખત કરી.
ટૂંકમાં સર્વિસ પ્રોવાઇડર્સે એગ્રેગેટ ગ્રોસ રેવન્યુ ચુકવી નહીં અને સરકાર તેમને ઢીલ આપતી ગઇ જે બધું અંદરોઅંદરની સાંઠગાંઠથી ચાલ્યા કર્યું. ટેલિકૉમ પ્રોવાઇડર્સને સરકારી ઑક્શનની પદ્ધતિ સામે વાંધો હતો, બીજી તરફ સરકારને ચુકવવાનાં નાણાંની રકમ વધી રહી હતી અને સરકારે પોતાની ટેલિકૉમની નીતિઓમાં સુધારા કરવાની પણ કોઇ પહેલ ન કરી. સુપ્રીમ કોર્ટનું વચ્ચે પડવું સરકાર અને ટેલિકૉમ કંપની બન્ને માટે મુશ્કેલ બન્યું છે. ડીજિટલ ઇન્ડિયા, મલ્ટિનેશનલ કંપનીઝ વગેરેની વાતો કરનારો આપણા દેશમાં નીતિના માળખાને લકવા મારી ગયો છે, તેમાં કોઇ ઢંગધડા નથી અને કોઇ પણ વિદેશી કંપનીઓને આ બધી મોંઘીદાટ અને પેચીદી નીતિઓ સાથે કામ પાર પાડવામાં લગીરેક રસ નથી રહ્યો.
બાય ધી વેઃ
હવે એવી હાલત છે કે જ્યારે 5G સ્પેક્ટ્રમ માર્કેટમાં આવશે ત્યારે માંડ બે કંપનીઓ હશે અને પછી સ્પર્ધામાં સ્તર નહીં જળવાય. ઓછામાં ઓછી ત્રણ સર્વિસ પ્રોવાઇડર કંપની હોય ત્યારે સ્પર્ધા પણ બહેતર હોય અને ગ્રાહકોને પણ લાભ મળે. એમ.ટી.એન.એલ. અને બી.એસ.એન.એલ. તો સરકારનાં વલણને પગલે દેવાળું ફૂંકીને જ બેઠી છે અને જે ખાનગી કંપનીઓ કામ કરવા માગે છે તેને માટે નીતિઓ સરળ બનાવવામાં સરકારને રસ નથી. દીવાલો બાંધીને ઝૂંપડાં સંતાડવાથી વિકાસ નથી થતો, પણ જે કામ કરવા માગતા હોય તેમને માટે મોકળા રસ્તા અને મજબૂત નીતિઓ જ જોઇતી હોય છે. સરકાર ગુંચવાયેલી છે, તેમને ગુંચવાડામાં રસ નથી કે પછી સમસ્યા સામે નહીં જોવાની ટેવ હજી ચાલુ જ રાખવી છે એ સમજવું મુશ્કેલ છે. જો કે એટલું ચોક્કસ સમજી શકાય છે કે વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓનાં કર્મચારીઓને તો વી.આર.એસ. પણ નહીં મળે, અચાનક જ તેઓ કામ વગરનાં થઇ જશે. થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર્સ, બિલિંગ એજન્સી, સ્ટોર નેટવર્ક બધું જ રાતોરાત બેરોજગાર થઇ જશે. તમારા-મારા જેવાઓને રાતોરાત એરટેલ કે જિઓમાં જવું પડશે પણ આ કંપનીઓ અચાનક જ આવી પડેલા ગ્રાહકોને પોતાની સર્વિસીઝ ક્ષણભરમાં તો નહીં જ સમાવી શકે કારણ કે તેમને પણ પોતાના માળખાનો વિસ્તાર કરવો પડશે, જે કરવા માટે તેમને સરકારી નીતિઓને ટેકો જોઇશે જે કેવી રીતે મળશે તે અત્યારે નથી સમજાઇ રહ્યું. જો સરકાર આંખ નહીં ખોલે તો ટેલિકૉમ સેક્ટરનું નેટર્વક સદંતર ફ્લાઇટ મોડમાં જ જતું રહેશે અને તેમાં ભોગ તો ગ્રાહકોને જ લેવાશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2020