સૂરજને કહી દો, કાલથી ઊગવું છે ભૈ? તો કાગળ લઈને ઊગે,
પકડો પવનને, પૂરો પાંજરે, પછી પૂછ્યા વગર પાછો ક્યાં ય ના પૂગે.
આકાશ ધરે આધાર તો આભારવશ બસ આમ ઊભા રહેવાશે,
ધરતી પુરાવા પાડે પૂરા માટીના, નહિ તો માટી ભેગી થાશે.
વડલાના વડવા – ભડના ભૈ, ન્યાં પીપળે કેમ જઈને વળગ્યાં?
સરનામે સાગર શોધતી નદીયુંના ઘર વડવાનલ થઇ સળગ્યાં.
શું ભાળીને યમુનાનીરે કાળીધોળી પ્રીતિ, સંગમરમર સંગ જોડી!
કોના કીધે ચાંદો એનો સૂરજ મારો રમતાં'તા, રમતાંમાં મળી કોડી!
કેવું પ્રમાણ લ્યા! વળી કોણ પ્રમાણે, કોણ જુએ, કોણ જાણે,
અક્કલમઠાધિપતિ આડા ફાટ્યા છ', એ તો એના બાપનીયે આણે.
કહી દો, નથી …
નથી દાખલો, ઓળખ-બોળખ, પરવાનો, ચિઠ્ઠી ચપાટી, કોઈ પ્રમાણપત્ર,
કુદરત છું હું, નીચે-ઉપર, અંદર-બા'ર, પાછળ-આગળ, અત્ર તત્ર સર્વત્ર.
જળ છું જળમાં ભળી ગયેલું, તળ છું તળમાં ગળી ગયેલું, એ જ તો હું જે તું છું,
આધાર આપણ બંને, કાગળ પણ આપણ બંને, ચલ લખીએ, તું લખાણ, હું લખવું છું.
e.mail : chirag.trivedi@ahduni.edu.in
![]()


શીર્ષક ગીત પહેલીવાર સાંભળ્યું ત્યારે કવિ મુકેશ જોશીની આ રચનાના શબ્દો તો સ્પર્શી જ ગયા હતા, પરંતુ ગાનારનો કંઠ, કમ્પોઝિશન અને અરેન્જમેન્ટ પણ કંઈક જુદી લાગી. કંઠ હતો મણિપુરી ગાયિકા ઝરણા વ્યાસનો અને સ્વરાંકન ઉદયન મારુનું. મુકેશ જોશી સંવેદનાના કવિ છે. એમની રચનાઓ ચોટદાર હોય છે. પરંતુ આ ગીતમાં કવિને અવઢવ છે. ગીત પ્યારું છે અને ગઝલ પણ દિલની કરીબ છે. તો લખવું શું? છેવટે કવિ ઈશ્વર પર જ પોતાની અવઢવનો ભાર નાખીને શરણાગતિ સ્વીકારી લે છે કે ભલે હું મારો હક માનું પણ હકીકતમાં લખાવનાર તો ઉપરવાળો જ છે. એટલે જ એ કહે છે, કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક …!
ઝરણા આ વિશે ઉત્સાહપૂર્વક કહે છે, "મને આનંદ છે કે મારી માતૃભાષા ઉપરાંત ગુજરાતી જેવી સમૃદ્ધ ભાષામાં ગાવાની મને તક મળી. બારમા ધોરણ પછી મણિપુરની રાજધાની ઈમ્ફાલથી હું સંગીતનો વિશેષ અભ્યાસ કરવા મુંબઈ આવી. મુંબઈએ મને સંગીતની કારકિર્દી તો આપી પણ પ્રેમાળ ગુજરાતીઓનો પરિચય કરાવ્યો. ઉદયનભાઈ, દક્ષેશભાઈ જેવા સંગીત ગુરુઓ આપ્યા. આથી વિશેષ શું જોઈએ? આ ગીત વિશે કહું તો આ મારું ગમતું ગીત છે. તમે માનશો, આ આખા ગીતની અરેન્જમેન્ટ મણિપુરી છોકરાએ કરી છે. સ્વરાંકન એટલું સરસ હતું કે મેં ઉદયનભાઈને કહ્યું કે ઈમ્ફાલમાં મારો ભાઈ, જેનું નામ જ ગીત છે, એ સરસ અરેન્જમેન્ટ કરે છે. એમની પાસે કરાવીએ? એમણે સંમતિ આપી એટલે આખું ગીત અમે ઈમ્ફાલમાં રેકોર્ડ કર્યું. તમે ધ્યાનથી સાંભળશો એનું ઈન્સ્ટ્રુમેન્ટેશન જુદું લાગશે. ગીતમાં ગિટાર પણ ગીતે જ વગાડી છે. ‘ટહુકો’ પર આ ગીત ઉપલબ્ધ છે.
ઉદયન મારુના પિતા અરવિંદ મારુ પોતે સંગીતના જાણકાર. ખૂબ સરસ અવાજ. ઑલ ઈન્ડિયા રેડિયો પર ગાતા હતા. એમનું સંગીત સાંભળીને ઉદયનભાઈને સંગીતમાં રસ જાગ્યો. સંગીતકાર વિનાયક વોરા પાસે છ વર્ષ તાલીમ લીધી, પરંતુ વ્યાવસાયિક વ્યસ્તતાને લીધે સંગીતને ફક્ત શોખ તરીકે અપનાવ્યું. ઉદયનભાઈની શૈલી એવી છે કે મોટે ભાગે ગીતના દરેક અંતરા જુદા સ્વરબદ્ધ કરે એટલે ક્યારેક ગાયક માટે અઘરું બને પણ ગીત સરવાળે મધુર લાગે. એમણે સ્વરબદ્ધ કરેલું ગીત :