આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું.
WHOએ કોરોના વાઇરસને પેન્ડેમિક એટલે કે વૈશ્વિક કટોકટીનાં સ્તરનો રોગ – મહામારી જાહેર કરી દીધો છે. જાહેર સ્થળોએ કાયમ કરતાં થોડી ઓછી ભીડ જોવા મળે છે જો કે જેને ચિંતા છે એ લોકો માસ્ક ચઢાવીને સેનિટાઇઝર વાપરતાં જાય છે અને સતત હાથ ધોતા જાય છે. દેશ હાથ ધોતાં શીખ્યો છે તો આખી દુનિયા નમસ્તે કરતા શીખી ગઇ છે. માળું છીંક, ખાંસી અને તાવ આટલા ડરામણા થઇ જશે એ તો ક્યારે ય નહોતું વિચાર્યું અને માટે જ અધધધ રૂપિયા જેમાં નખાય છે તેવા લાઇફ સાયન્સિઝ, ફાર્મા કંપનીઓનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં સંશોધનો આ વાઇરસની સામે અવાચક થઇ ગયા છે. જો કે આજથી દસ વર્ષ પહેલાં હેલ્થકેર કે મેડિકલ સાયન્સિઝનાં સંશોધનોમાં જેટલો ખર્ચો થતો હતો તેના કરતાં કંઇ ગણો વધારે આજે થાય છે.
દેશમાં દુનિયામાં શું છે ફાર્માસ્યુટિકલ્સ અને ડ્રગ માર્કેટની સ્થિતિ?
ભારતમાં લાઇફ સાયન્સિઝ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા ત્રણ દાયકામાં આ ક્ષેત્રે સંશોધનો વધ્યાં છે અને નવાં ઉત્પાદનોથી માંડીને પેટન્ટ ફાઇલ કરવામાં પણ વધારો થયો છે. વિદેશમાં પણ આ ક્ષેત્રનો વિસ્તાર થયો છે, જેનું મૂળ કારણ મોટે ભાગે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જ હોય છે. વૈશ્વિક સ્તરે ભારત કુલ માગનાં ૫૦ ટકાથી વધુ વેક્સિન્સ સપ્લાય કરે છે. જનરિક ડ્રગની વૈશ્વિક માગનાં ૪૦ ટકા યુ.એસ.એ.માં અને યુ.કે.માં ૨૫ ટકા તથા બાકી વિશ્વનો ૨૦ ટકા સપ્લાય ભારતમાંથી થાય છે. ફાઇનાન્શિયલ વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસનો આંકડો ૬.૭ બિલિયન યુ.એસ. ડૉલર્સ રહ્યો. ભારતમાં હેલ્થકેર સેક્ટર સૌથી વધુ ઝડપતી વધી રહેલું ક્ષેત્ર છે અને ૨૦૨૨ સુધીમાં તેનો આંકડો ૧૩૩ બિલિયન યુ.એસ. ડૉલર્સ સુધી પહોંચવાની વકી છે તથા નિકાસનો આંકડો ૨૦૨૦ દરમિયાન ૨૦ બિલિયન યુ.એસ. ડૉલર્સે પહોંચી શકે છે. વળી મેડિકલ ડિવાઇસિઝનું માર્કેટ પણ નાનું નથી અને તે પણ ૨૦૨૦ દરમિયાન ૫૫ બિલિયન યુ.એસ. ડૉલર્સ જેટલું થવાની શક્યતાઓ છે. ધી એસોસિયેશન ઑફ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અનુસાર ૨૦૦૭થી ૨૦૧૬ દરમિયાન ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં અંદાજે ૧.૩૬ ટ્રિલિયન ડૉલર્સનું રોકાણ થયું છે અને ૨૦૨૨ સુધીમાં આ રોકાણ ૧૮૧ બિલિયન ડૉલર્સ થઇ શકે છે. યુ.એસ.એ.માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ રોકાણ-ખર્ચ કરાય છે અને યુરોપમાં યુ.કે. આમાં અગ્રણી છે. આ આંકડાઓ નેશનલ ટ્રેડને આધારે છે જેમાં અધિકૃત સ્ટેટેસ્ટિક્સ નથી દર્શાવાયા.
કેવા વાઇરસોએ આપણને ડરાવ્યા છે?
વાઇરસ સામે લડવા અનેક સંશોધનો થઇ રહ્યાં છે પણ નવી ડ્રગ બનાવવામાં વર્ષો લાગી શકે છે અને ત્યા સુધીમાં આ મહામારી પોતે જ મરી ગઇ હોય અને કોઇ નવું જોખમ માથે નાચતું હોય. આપણી લડાઇઓ કંઇક આવી રહી છે – ૨૦૦૧માં એન્થ્રેક્સ સામે, ૨૦૦૨માં વેસ્ટ નાઇલ વાઇરસ, ૨૦૦૩માં એસ.એ.આર.એસ., ૨૦૦૫માં બર્ડ ફ્લુ, ૨૦૦૬માં ઇકોલી, ૨૦૦૯માં સ્વાઇન ફ્લુ, ૨૦૧૪માં ઇબોલા, ૨૦૧૬માં ઝિકા, ૨૦૧૮માં નિપા વાઇરસ. દર વખતે દુનિયા હવે પૂરી થઇ જશેનો હાહાકાર હતો, પણ હું અને તમે બંન્ને સાબૂત છીએ અને રહીશું. કોરોના વાઇરસ વિષે તો ૨૦૧૭માં એસ્ટ્રીક કોમિક્સમાં ય વાત હતી જેમાં આ નામનો એક સારથી હતો. કોરોના વાઇરસ તો પહેલેથી હતો જ પણ વુહાનમાંથી આ વાઇરસે પોતાનું જોર બતાડવાની કોઇ નબળી કડી શોધીને પ્રકોપ ફેલાવ્યો. જો કે આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું. વાઇરસ કરતાં વધુ ઝડપથી આ ખોટી માહિતીઓ અને ડર ફેલાય છે.
અમેરિકા જેવી મહાસત્તા, જ્યાં ફાર્મા તથા લાઇફ સાયન્સિઝમાં સૌથી વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય છે ત્યાં કોરોના વાઇરસનાં ૧,૨૬૭ કેસિઝ નોંધાઇ ચુક્યા છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં ૩૮ દર્દીઓ કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે. આખા વિશ્વનાં અત્યારના આંકડા પર વાત કરીએ તો કુલ ૧ લાખ ૨૬ હજાર અને ૧૦૦ લોકોમાં આ વાઇરસ જોવા મળ્યો છે અને લગભગ ૪,૬૦૦ જેટલા લોકો તેમાં મૃત્યુ પામ્યા છે. આ લેખ વંચાતો હોય ત્યાં સુધીમાં આ આંકડામાં વધારો ન થયો હોય તેની પ્રાર્થના જ અત્યારે તો કરવી પડે તેમ છે.
અઢળક રૂપિયા ખર્ચાતા હોવા છતાં છેલ્લા દસ વર્ષમાં આપણે જાતભાતનાં વાઇરસનાં જોખમો વેઠ્યાં છે. અત્યારે પણ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસ – કોવિડ-૧૯ની દવા શોધવા માટે જાત ભાતની ડ્રગ્ઝ પર પ્રયોગો વિશ્વભરમાં થઇ રહ્યાં છે. આ વાઇરસ સિઝનલ ફ્લુ કરતાં ૧૦ ગણો જોખમી છે તેવું વિધાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝનાં ડિરેક્ટરે તાજેતરમાં કર્યું હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ તો આ સુક્ષ્મ વાઇરસ આજે આધુનિકતાનાં નવા આયામો સર કરનારી માનવજાત સામેનાં સૌથી મોટાં જોખમો છે. અગણિત સંશોધન પછી પણ આધુનિક મેડિસિનની મદદથી આપણે હજી સુધી માત્ર એક જ વાઇરસને સંપૂર્ણપણે દૂર કરી ચૂક્યા છે અને તે છે સ્મોલપૉક્સ જેને માટે પણ દાયકા સુધીના વેક્સિનેશનની જરૂર પડી હતી.
અત્યારે જે વાઇરસ વિશ્વને ભરડામાં લઇ રહ્યો છે તે કઇ રીતે માણસનાં શરીર પર હુમલો કરે છે તે સંશોધકોએ સમજી લીધું છે અને તેને નજીક આવતો રોકવાના રસ્તા પણ તેઓ શોધી શક્યા છે. પરંતુ આ વાઇરસ અંગે થઇ રહેલા રિસર્ચની મદદથી તેના વિસ્તારને આપણે એકદમથી રોકી શકીશું કે કેમ?
વાઇરસ સામેની લડાઇ અઘરી કેમ?
વાઇરસ બહુ જ વિચિત્ર જીવાણુ હોય છે જે જરાક અમસ્તા અણુ-પરમાણુનો ઉપયોગ કરીને મનફાવે તેવા આકારમાં એક સાથે ગોઠવાઇ જાય છે અને સહેજ અમસ્તી હલન-ચલનની મોકળાશ મળે તો તે આખા તંત્રને – ઇકોસિસ્ટમને હચમચાવી શકે છે. હવા, પાણી, જમીન અને નાનકડાં છાંટામાં તે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી શકે છે, તેમનામાં ફેરફાર પણ બહુ જ ઝડપથી આવે છે. આ વાઇરસ આકાશથી માંડીને દરિયાના તળ સુધી ક્યાં ય પણ હોઇ શકે છે. વાઇરસિઝ તો બીજા જીવાણુઓને ય માંદા પાડી શકે છે પણ તે એટલા સરળતાથી બંધારણનું રૂપ લેતા હોય છે કે વૈજ્ઞાનિકો તેમને સજીવ તરીકે ગણવાનું ય જરૂરી નથી માનતા. તમે માનશો કે કોવિડ-૧૯ની પાછળ જે એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ વાઇરસ રહેલો છે તેનું કદ માત્ર ૧૨૦ નેનોમિટર્સ છે અને માનવ શરીરનાં રક્તકણ આનાથી ૬૪ ગણા મોટા હોય છે. માણસનાં શરીરને ૨૦,૦૦૦ પ્રકારનાં પ્રોટીનની જરૂર હોય છે, આ એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ માત્ર ૩૩ પ્રકારનાં પ્રોટીન વાપરે છે પણ માણસનાં નાકમાં દમ કરી શકે છે અને જીવ સુદ્ધાં લઇ શકે છે.
બેક્ટેરિયા અને વાઇરસમાં શું ફેર?
બેક્ટેરિયા અને વાઇરસમાં એક બહુ મોટો તફાવત હોવાથી તેમની સામેનાં યુદ્ધ પણ અલગ હોય છે. જેમ કે, બેક્ટેરિયામાં જે અણુઓ હોય તે અંદર બનતા રહે અને તેને કારણે જ બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે ટકી નથી શકતા, આ અણુઓ બેક્ટેરિયાને નબળા બનાવે છે, માનવ કોષને નહીં. પરંતુ એન્ટિબાયોટિક્સ વાઇરસિઝ પર અસર નથી કરતી કારણ કે વાઇરસ પોતાના જેવા બીજા વાઇરસ ઉત્પન્ન નથી કરતાં બલકે તેઓ માનવીય કોષો પર હુમલો કરે છે અને પોતાના યજમાન કોષનો જ ઉપયોગ કરીને પોતાના જેવા બીજા ક્લૉન્સ પેદા કરે છે માનવ કોષમાં વાઇરસની નકલ પેદા થતી રહે છે અને એ કારણે તે માટેની દવા શોધવી મુશ્કેલ બને છે. પ્રાણીજન્ય વાઇરસની દવા શોધવી તો બહુ જ મુશ્કેલ છે, એક સમયે ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ, મેલેરિયામાં ગામો ઉજ્જડ થઇ જતાં પણ આ તમામ પણ સમયાંતરે નાબૂદ થયાં, ઓછા થયાં કે પછી તેમની દવાઓ શોધાઇ. આ અંગેની દવાઓ કે વેક્સિન શોધવામાં પણ વર્ષો પસાર થયા હતાં અને કેટલાકને જડથી નાબૂદ કરે તેવી દવાઓ આજે પણ ઉપલબ્ધ નથી.
હાલમાં વાઇરસ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે સંશોધકો બે જ રસ્તા અપનાવે છે. કાં તો તેઓ વાઇરસથી થતા નુકસાનને ધીમું પાડે છે અને શરીરની પ્રતિકારક શક્તિને ઝડપી તથા મજબૂત બનાવે છે. એન્ટિવાઇરલ ડ્રગ્ઝ પણ એક રસ્તો છે જેનાથી વાઇરસની પ્રજોત્પત્તિ માનવીય કોષોને નુકસાન ન થાય તે રીતે અટકાવી શકાય છે.
જો કે વાઇરસને નાથવાનો સૌથી અસરકારક રસ્તો છે ઇન્ફેકશન્સ અટકાવવું અને તે ક્વૉરેન્ટાઇન્સ અને સામાજિક અંતરો વધારવાથી જ થઇ શકે છે, અને હા વીસ સેકન્ડ સુધી હાથ ધોતા રહેવાથી પણ!
બાય ધી વેઃ
જેમ જેમ માણસો વધુ આધુનિક સંશોધનોમાં સિદ્ધિ મેળવતા જાય છે તેમ તેમ કુદરત વધુ સંકુલ સમસ્યાઓ ખડી કરીને જાણે આખા ચક્રને સંતુલિત કરવાનો પ્રયત્ન કરતી હોય એમ લાગે છે. લાંબા લેખમાં વિજ્ઞાનની વાત કર્યા પછી પણ મને એમ કહેવું યોગ્ય લાગે છે કે અંતે તો કુદરત માણસને વખત આવ્યે તેનું સ્થાન બતાડી જ દે છે, કે ભાઇ તારે જેટલા ફાંકા રાખવા હોય એ રાખ પણ એક નહીં દેખાતા વાઇરસથી હું તને ડરને માર્યે ધ્રુજાવી શકું છું. જો આપણે તો ભારતમાં રહીએ છીએ. ગંદકી અને ઉકરડાની આપણને ટેવ છે એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘણી મજબૂત છે. ૨૦૦૩માં એસ.એ.આર.એસ. ૨૯ દેશોમાં હતો અને ૧,૦૦૦ જણા મૃત્યુ પામ્યા હતા જ્યારે આપણે ત્યાં ૩ મૃત્યુ થયા હતા. વુહાનમાંથી ભારત લવાયેલા ૩૨૭ જણાને કોઇ ઇન્ફેક્શન નહોતું. અમેરિકામાં ૨૦૧૦થી ગયા વર્ષ સુધીમાં ફ્લુને કારણે વર્ષે લગભગ ૩,૭૪૪ લોકો મૃત્યુ પામ્યા છે અને આપણે ત્યાં દસ વર્ષમાં આ આંકડો ૧,૧૦૩ છે, આ સાબિતી છે કે આપણે અન્ય દેશોની સરખામણીએ મજબૂત છીએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2020