ગયા અઠવાડિયાના લેખનો ઉપસંહાર કરતા કહેવામાં આવ્યું હતું કે ભારતમાં જે ઇસ્લામ ધર્મ આવ્યો હતો એ મહમ્મદ પ્રેરિત શુદ્ધ ઇસ્લામ નહોતો, અને ભારતમાં જે મુસલામન આવ્યા હતા તેને મહમ્મદ સર્ટિફિકેટ આપે એવા શુદ્ધ મુસલામન નહોતા.
દરેક ધર્મની બાબતમાં બને છે એમ ઇસ્લામની બાબતમાં પણ બન્યું હતું. એક તો લોકોની સ્થળ કાળ મુજબની ખાસ પોતોકી જરૂરિયાત હોય તે વિષે જો ધર્મગ્રંથમાં કોઈ ખુલાસો ન મળે તો શું કરવું? બીજું શાસકોની ખાસ જરૂરિયાત હોય અને ધર્મગ્રંથનું વચન તેની વિરુદ્ધ જતું હોય તો શું કરવું? આવું દરેક યુગમાં દરેક ધર્મની બાબતમાં બનતું આવ્યું છે. હિંદુઓ વર-કન્યાની કુંડળી ન મળતી હોય અને જો બેને લગ્ન કરવાં જ હોય તો ગ્રહોને શાંત કરવાનો કર્મકાંડ કરી આપે છે, એવું. દરેક ધર્મમાં છીંડાં પાડનારાઓ છીંડાં પાડી આપે છે.
ઇસ્લામમાં કુરાન પવિત્ર ગ્રંથ છે અને અંતિમ પ્રમાણ પણ છે. એ સિવાય મહમ્મદ પેગંબરે આયાત સિવાયનાં જે વચનો કહ્યાં હતાં તેને પણ પ્રમાણ માનવામાં આવ્યા. આ ઉપરાંત મહમ્મદસાહેબે વખતો વખત જુદા જુદા પ્રસંગે જે આચરણ કર્યું હતું અને વલણ અપનાવ્યું હતું તેને પણ પ્રમાણ માનવામાં આવ્યાં. આ બેને હદીસ કહેવામાં આવે છે અને ત્રણેને મળીને શરિયા કહેવામાં આવે છે. આમ મહમ્મદ સાહેબે આપેલી કુરાનની આયાતો, તેમનાં અન્ય વચનો અને તેમનું કાર્ય એ ત્રણેય મુસલમાનો માટે પ્રમાણ મનાય છે.
એક તો લોકોની વ્યવહારજન્ય જરૂરિયાત, શાસકોની સ્વાર્થજન્ય જરૂરિયાત અને તેમાં વધારાના પ્રમાણોની પૂરક બારીઓ ખોલવામાં આવી એ સાથે ભેળાણ થવા માંડ્યું. એમ કહેવાય છે કે એક સમયે હદીસોની સંખ્યા વધતા વધતા પાંચ લાખ જેટલી થઈ ગઈ હતી. જેને જેનો ખપ હોય એ હદીસ ઘડીને છીંડુ પાડી લેતો હતો. નવમી સદીમાં થઈ ગયેલા મહમ્મદ અલ બુખારીએ બધી જ હદીસો ચકાસીને જેટલી પયગંબરની સંભવિત હોય એવી હદીસોને નોખી તારવી હતી. બુખારીના કહેવા પ્રમાણે માત્ર ૭,૨૭૫ હદીસ એવી છે જેને પેગંબરના કર્મ-વચન તરીકે પ્રમાણ ગણી શકાય. ક્યાં પાંચ લાખ અને ક્યાં ૭,૨૭૫. ત્રણસો વરસમાં આટલો ફુગાવો થયો હતો. શાસક અને ધર્માનુયાયીના સ્વભાવનું આમાં દર્શન થાય છે.
આ ઉપરાંત ઇસ્લામ એક રાજકીય ધર્મ છે. મહમ્મદ સાહેબના ગયા પછી ખલીફાઓની નિયુક્તિમાં ઝઘડા થવા માંડ્યા હતા અને તેમાં હત્યાઓ થઈ હતી. એ પછી શિયા અને સુન્ની એમ બે સંપ્રદાયમાં ઇસ્લામ વિભાજિત થયો હતો. અરબસ્તાનમાં સુન્નીઓનું પ્રમાણ મોટું હતું અને ઈરાન અને અડધા ઈરાકમાં શિયાઓનું પ્રમાણ વધારે હતું એટલે એને કારણે અરબસ્તાન અને ઈરાન એમ બે મુસલમાનોમાં સત્તાકેન્દ્રો વિકસ્યા હતા. એ બે દેશો વચ્ચે હરીફાઈ અને અથડામણો થવા લાગી. આમ એક બાજુ ઇસ્લામમાં સરળતા અને સમાનતાના ગુણ હોવાથી તેનો ઝડપથી વિકાસ થવા લાગ્યો હતો તો બીજી બાજુ તેની અંદર આંતરિક સમસ્યાઓ પણ પેદા થવા લાગી હતી. ત્રણસો વરસની અંદર અંદર એ ઇસ્લામ ધર્મ નહોતો રહ્યો જે મહમ્મદ સાહેબને અભિપ્રેત હતો.
ભારતમાં મુસલમાનોનો બે રીતે પ્રવેશ થયો હતો. એક વેપારી તરીકે અને બીજો આક્રમણકારો તરીકે. જે બીજા પ્રકારના મુસલમાનો આવ્યા એ મોડેથી આવ્યા હતા અને ત્યાં સુધીમાં તો ઇસ્લામનું સ્વરૂપ મૂળ કરતાં ઠીકઠીક માત્રામાં બદલાઈ ગયું હતું. બીજું તેઓ મુસલમાનો તો હતા, પણ સાચા મુસલમાનો નહોતા. તેઓ એ જ પ્રદેશમાંથી ભારતમાં આવ્યા હતા જ્યાંથી આ પહેલાં પણ તેમના પૂર્વજો આવ્યા હતા. તેઓ એના જ વારસો હતા જે આ પહેલાં પણ ભારત પર આક્રમણ કરી ચૂક્યા હતા. તેઓ એટલા જ જંગલી હતા જેટલા આ પહેલાના તેમના પૂર્વજ આક્રમણકારો હતા. ફરક એ હતો કે આગલી પેઢીના આક્રમણકારો ભારતમાં વસી ગયા હતા, અને તેમનો ઇસ્લામ જેવો કોઈ સંગઠિત ધર્મ નહોતો એટલે હિંદુ ખરલમાં વટાઈ ગયા હતા. બર્બરતા એટલી જ હતી, પરંતુ તેમનો કોઈ વિશિષ્ટ ધર્મ નહીં હોવાથી તેઓ ભારતીય બની ગયા હતા અને ઓગળી ગયા હતા.
બન્યું એવું કે જે ઇસ્લામ તુર્કી, મધ્ય એશિયા વગેરે અરબસ્તાનના ઉત્તરના દેશોમાં પહોંચ્યો એ મહમ્મદ સાહેબનો ઇસ્લામ નહોતો અને તેને જેમણે અપનાવ્યો એ ઇસ્લામને ખરેખર સમજ્યા પણ નહોતા. અર્ધ સંસ્કારી કબીલાઈ પ્રજા તેમના પૂર્વજો જેટલી જ હિંમતવાન હતી અને તેમણે મુસ્લિમ બનીને ભારત પર આક્રમણ કર્યા હતાં. પૂર્વજોનાં આક્રમણો આપણને ખટકતા નથી, પરંતુ સંતાનોનાં આક્રમણો ખટકે છે; એનું કારણ એ હતું કે તેમની નવી ધાર્મિક ઓળખને કારણે ખરલ ખોટવાઈ જવા લાગી હતી. ઇસ્લામનાં જે આદેશો છે એમાં ઈશ્વરની ઈબાદત, ખેરાત, યાત્રા, વગેરે તો બંને ધર્મમાં છે. જે ફરક છે એ મૂર્તિપૂજાનો છે. ભારતમાં જે મુસલમાનો આવ્યા હતા તેમણે મૂર્તિપૂજાને હિંદુ ધર્મની ઓળખ માની લીધી અને મૂર્તિપૂજાનો વિરોધ (અભાવ નહીં વિરોધ) મુસલમાનોની ઓળખ બનાવી દીધી. પોતાની એક વિશિષ્ટ ઓળખ માટે, પોતાનું સર્વોપરીપણું બતાવવા માટે અને હિંદુઓને નીચા દેખાડવા માટે તેમણે મૂર્તિપૂજાને મૂળ ઇસ્લામમાં જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે એના કરતાં વધુ મહત્ત્વ આપવા લાગ્યા. આ તેમની થોડીક જરૂરિયાત હતી અને વધુ તો તુમાખી હતી. આજે પણ ભારતીય મુસલમાનો કારણ વિના વંદે માતરમ્ નહીં ગાઈને મૂર્ખાઈનું પ્રદર્શન કરે છે. મૂર્તિપૂજાનો વિરોધ એ ઇસ્લામની કેટલીક ઓળખમાંથી એક છે એક માત્ર ઓળખ નથી, પણ પછીના મુસલમાનોએ તેને એકમાત્ર ઓળખ બનાવી દીધી હતી.
૧૧મી સદી પછી ભારતને જે ઇસ્લામનો પરિચય થયો એ મુખ્યત્વે અધૂરા મુસલમાનો દ્વારા થયેલો પરિચય હતો. બીજું, પેગંબર સાહેબના મૃત્યુ પછી આમ પણ ઇસ્લામમાં ઠીકઠીક પરિવર્તન થયું હતું અને એમાં અધૂરા મુસલમાનો દ્વારા જે ઇસ્લામ ભારતમાં આવ્યો એ તો હજુ વધુ અધુરો હતો.
(ક્રમશ:)
12 સપ્ટેમ્બર 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 સપ્ટેમ્બર 2019