Opinion Magazine
Number of visits: 9822276
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કહાણી, લાલુ અને લક્ષ્મીનિયાની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 August 2019

ચારાકાંડમાં દોષિત ઠરી રાંચીની જેલ(અને મોટેભાગે તો હોસ્પિટલ)માં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવ ભારતીય રાજકારણનું વિલક્ષણ પાત્ર છે.

લાલુ પ્રસાદની પાંચ દાયકાની દીર્ઘ રાજનીતિક યાત્રા, આ વરસે પ્રગટ તેમની આત્મકથા ‘ગોપાલગંજ સે રાયસીના’માં આલેખાઈ છે. બે વાર બિહારના મુખ્યમંત્રી અને યુ.પી.એ.-૧ની મનમોહન સિંઘ કેબિનેટના સફ્ળ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ, પોતાને બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયને સર્મિપત રાજનેતા તરીકે ઓળખાવે છે. બી.જે.પી.ની મંદિર રાજનીતિના વિરોધમાં જે મંડલ રાજનીતિ આવી, તેના મુખ્ય કર્તાઓ પૈકીના તેઓ એક મનાય છે. ચૂંટણીના રાજકારણમાં હંમેશાં હાંસિયામાં રહેલા બિહારના પછાતવર્ગો, દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને ગરીબોને તેઓ મુખ્ય ધારામાં લઈ આવ્યા. બેજુબાનોની જુબાન બનેલા લાલુ પ્રસાદે પછાત વર્ગો અને સઘળા ગરીબોને રાજકારણમાં કાયમી ઉચિત સ્થાન અપાવ્યું. મુલાયમ, માયાવતી, નીતીશ જેવા પછાત કે દલિત નેતાઓ રાજકારણના કેન્દ્રમાં આવ્યાં તેના મૂળમાં પણ લાલુ પ્રસાદ છે.

લાલુ પ્રસાદની ચૂંટણીફ્તેહ અંગે રાજકારણના પંડિતો અને મોટા ભાગનાં માધ્યમો તેમના દબંગ સમર્થકોનું બૂથ કેપ્ચરિંગ, યાદવ અને મુસ્લિમોને સાંકળતા ‘માઈ’ ગઠબંધન જેવા સોશિયલ એન્જિનિયરીંગ, લાલુનાં ગામઠી ભાષા-પહેરવેશ જેવાં કારણો ગણાવે છે, પરંતુ લાલુ પોતાની સફ્ળતાનો શ્રેય ગરીબોના પ્રેમ અને સશક્તીકરણને આપે છે. તે સંદર્ભમાં તેમની આત્મકથામાં આલેખિત લક્ષ્મીનિયા સાથેની મુલાકાત હૃદયસ્પર્શી છે.

૧૯૯૧ની લોકસભા ચૂંટણીના પ્રચારઅર્થે નિકળેલા બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ એક બળબળતી બપોરે બાઢ લોકસભા મતવિસ્તારના પુનપુન ગામે પહોંચે છે. મુખ્યમંત્રીના લાવલશ્કરની વચ્ચેથી માર્ગ કરતી કરતી એક ચીંથરેહાલ અને કાંખમાં બાળક તેડેલી ગરીબ સ્ત્રી લાલુને મળવા આવવા મથે છે. સમર્થકો અને સુરક્ષા ગાર્ડને તે મુખ્યમંત્રીને મળવા દેવાની આજીજી કરતી રહે છે. લાલુ પ્રસાદની નજર આ સ્ત્રી પર પડતાં તેઓ પોલીસને તેને આવવા દેવા નિર્દેશ કરે છે. પરસેવે રેબઝેબ અને હાંફ્તી આ સ્ત્રીને જોતાં જ લાલુ પૂછે છે, “લક્ષ્મીનિયા કેમ છે? અને તું અહીં પુનપુનમાં ક્યાંથી?” મુખ્યમંત્રી એક ચીંથરેહાલ સ્ત્રીના આવી આત્મીયતાથી, નામ દઈને હાલચાલ પૂછે, તેનાથી આસપાસના સૌ અચંબિત છે. લક્ષ્મીનિયા હાંફ્તાહાંફ્તા જ જવાબ વાળે છેઃ “ભૈયા, મારી શાદી થઈ ગઈ છે. હું અહીં મારા પતિ સાથે રહું છું. સાંભળ્યું હતું કે તમે આ ગામમાં આવવાના છો એટલે તમને મળવા દોડી આવી.” લાલુ લક્ષ્મીનિયાની કાંખમાં રહેલા દીકરાને તેડીને વહાલ કરે છે. થોડા રૂપિયા આપે છે અને પછી ભારે લાગણી સાથે અશ્રુસિક્ત નયને લક્ષ્મીનિયા લાલુભૈયાની વિદાય લે છે.

આ લક્ષ્મીનિયાની કહાણી આત્મકથામાં લાલુએ માંડીને લખી છે. લાલુના મોટાભાઈ પટણાની વેટરનરી કોલેજના બગીચામાં રોજમદાર હતા. કોલેજના એક રૂમના ચપરાશી ક્વાર્ટરમાં તે રહેતા હતા. લાલુ અહીં તેમની સાથે રહીને ભણ્યા, નોકરી કરી, જાહેરજીવન માંડયું. મુખ્યમંત્રી બન્યા તો આ ચપરાશી ક્વાર્ટરને જ લાલુએ પોતાનું ઘર બનાવ્યું. ભારે અગવડ પછી ત્રણેક મહિના બાદ તે મુખ્યમંત્રી આવાસમાં રહેવા ગયા હતા. આ હોસ્પિટલ પરિસરની બહાર ખુલ્લામાં મુસહરોની વસતી હતી. મુસહર બિહારની એ દલિત મહાજાતિ છે જે ઉંદર ભૂંજીને ખાઈ જીવન બસર કરે છે. ૧૯૮૦ના દસકમાં યુવાન લાલુને મુસહર વસતી સાથે સંબંધ બંધાયો હતો. રસ્તામાં જતાં-આવતા તેઓ મુસહરોની ખબરઅંતર લેતા રહેતા. ભારે ગરીબીમાં જીવતાં ધૂળ અને ઢેફં ભેગાં રમતાં મુસહર બાળકોમાં લાલુને લક્ષ્મીનિયા અને તેનાં ભાંડરાંનો પરિચય થયો હતો. હવે એકાદ દાયકે ફરી લક્ષ્મીનિયા સાથે મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો ભેટો થયો હતો.

ભારે ગરીબી અને અભાવો વચ્ચે ઉછરેલા મુખ્યમંત્રી લાલુના દિલોદિમાગનો કબજો એ દિવસે લક્ષ્મીનિયા અને તેની કાંખમાં રહેલા બાળકે લીધો. “હવે તો હું મુખ્યમંત્રી છું, મારે મુસહરોનાં જીવનમાં ઉજાસ લાવવા કંઈક કરવું જોઈએ” એમ લાગ્યું. સૂકાં પાંદડાં, છાણાં અને તેમાં ભૂંજી ખાતા ઉંદરોથી મુસહરોને મુક્ત કરવા હતા. જો તેમના જીવનમાં પરિવર્તન આણવું હશે તો શિક્ષણ એકમાત્ર રસ્તો છે. લાલુએ વિચાર્યું કે નબળા લોકોને બળવાન બનાવવાના મારા પ્રયાસો તેમનાં બાળકોના શિક્ષણ સિવાય સફ્ળ થશે નહીં. શિક્ષણ મુસહરોથી જોજનો દૂર હતું. તેઓ શિક્ષણની બાબતમાં ન માત્ર અસ્પૃશ્ય હતા, અયોગ્ય અને અક્ષમ પણ ગણાતા હતા. બિહારની મોટાભાગની શાળાઓમાં કથિત નીચલી જાતિનાં બાળકો માટે ભેદભાવ રખાતો હતો. શાળામાં તેમને જુદાં બેસાડાતાં હતાં. આ સ્થિતિમાં લાલુએ જેમ પોતાના જાતભાઈ ગોપાલકો માટે ‘ચરવાહા સ્કૂલ’ શરૂ કરી હતી તેમ મુસહર બાળકો માટે ૩૦૦ શાળાઓ શરૂ કરી. મુસહરોની પહેલી પાઠશાળા લાલુ પ્રસાદે પોતાની મુસહર બહેન લક્ષ્મીનિયાના ગામ પુનપુનની મુસહર વસતીમાં ખોલી. લાલુનું એ સપનું હતું કે લક્ષ્મીનિયાનો દીકરો તેની જેમ ચીંથરેહાલ ન રહે, ઉંદર મારીને ન ખાય પણ ભણેગણે અને સાહેબ બને.

લાલુપ્રસાદે આત્મકથામાં નોંધ્યું છે કે ચૂંટણીપ્રચારમાં અને પત્રકારોને જ્યારે હું એમ કહેતો કે “બેલેટ બોક્સસે જિન્ન નિકલેંગે ઔર હમ જિતેંગે” ત્યારે વિરોધીઓ અને માધ્યમો માટે તેનો અર્થ લાલુના સમર્થકો દ્વારા થનારી મતપત્રોની લૂંટ હતી, પરંતુ લાલુ માટે આ જિન્ન એટલે અનેક નામી-અનામી લક્ષ્મીનિયાના મત હતા. ચૂંટણીમાં પોતાના વિજયનું કારણ લક્ષ્મીનિયા જેવા અનેક ગરીબોનું તેમણે કરેલું સશક્તીકરણ હતું. જ્યાં સુધી ગરીબોને લાલુ અને લાલુને ગરીબોમાં પોતીકાપણું લાગ્યું ત્યાં સુધી લાલુ અજેય રહ્યા. લાલુના જેલવાસ પછીની ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેમના પક્ષને સમ ખાવા પૂરતી પણ કોઈ બેઠક ન મળી. તે પૂર્વે પ્રગટ થયેલી તેમની આ આત્મકથામાં લાલુની ગરીબો પ્રત્યેની સાચી નિસબત અને સંવેદના વ્યક્ત થઈ છે.

લાલુના વિરોધીઓ અને તેમના કટ્ટર સમર્થક ગરીબો વચ્ચેનો અવારનવાર થતો સંવાદ પણ લાલુએ આત્મકથામાં નોંધ્યો છે. લાલુના આલોચકો લોકોને પૂછે છે, ‘શું લાલુએ તમને રોટલો આપ્યો?’ જવાબ ‘ના’. ‘શું તમને ઘર આપ્યું ?’ જવાબ ના. ‘શું તમને પહેરવાં લૂગડાં આપ્યાં?’ જવાબ ના. ‘તો પછી તમારા કલ્યાણ માટે લાલુએ કર્યું શું?’ જવાબ છેઃ ‘લાલુએ અમ ગરીબોને બોલતાં કર્યા, અમ બેજુબાનોને જુબાન આપી.’

આવી લાલુ-લક્ષ્મીનિયાની કહાણીઓ ભારતીય રાજકારણમાં દુર્લભ થતી જાય છે, નહીં?

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 21 ઑગસ્ટ 2019

Loading

21 August 2019 admin
← On Raksha bandhan
ગૌભક્તિ માટેના 2,000 કરોડ રૂપિયાનો હિસાબ કોણ આપશે ? →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—339  
  • હવામાનથી દવામાન …
  • મતનો અધિકાર અને મતદાનનું દાયિત્વ
  • जब कैमरा बोला करता था … 
  • હમ ‘આપ’ કે હૈં કૌન?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved