એક ‘દિ જંગલી અને પાલતુ જાનવરને ભેગાં કરીને થોડાક ચાલાક જાનવર કેવા મંડ્યા “અરે, તમે કાંઈ હાંભર્યું કે? આપડા ઓલા ગીરના સિંહ, બંગાળના વાઘ, કેરળના હાથી અને હિમાલયના કાળા રીંછને હ્યુમનોફોબિયા થઇ ગિયું છ.”
“એલા, ઈ વળી છે સું?”
“માણહને ઇસ્લામોફોબિયા થાય સે ને એવું આ સે.”
“પણ માણહને ઇસ્લામોફોબિયા થાય ત્યારે થાય સું ઈ તો કે.”
“જો, આંઈ બેહો બે ઘડી. હું તમને હમજાવું. કોક કોક માણહને મસલમાન મસ્જિદમાં જાય, એની પવિત્ર ચોપડી કુરાન વાંચે, એની મા અને દીકરિયું મોઢું ઢાંકે એવાં લૂગડાં પેરે, ડુક્કરનું માંસ નો ખાય અને અલ્લા હો અકબર બોલે ઈ નો ગમે અને આખે આખા બીવા માંડે.”
“પછી? પછી ઈવડા ઈ મસલમાનને હું કરે?”
“કોક મલકના મુખી અને ઈના મળતિયા આખી કોમને કીયે, ‘તમે આંઈ અમારા મલકમાંથી ઠામુકા હાલ્યા જ જાઓ. ઓલા એમ કે કે ભાઈ આ અમારો ય મલક સે, તો તમારી જેમ કાં નો રયીએ? તો ય ઓલા ભડકેલા આખલા જેવા લોક તો બસ એને હંકારી કાઢવાના પેતરા જ કઈરા કરે. અને કોઈ બીજા મલકના મુખી એમ કેવા મઈંડા છે જે આવી ગ્યા ઈ છો રિયા, પણ બીજાને નો આવવા દઇયેં અમે. અને પોતાની ભાગોળે બેસાડેલા ડાઘિયા ચોકીદારોને કઈ જ દીધું સે કે હંધાંયનું નામ અને ધરમ પુસવો. જો જવાબમાં મસલમાન કિયે તો એને ન્યાં ને ન્યાંથી પાછો ધકેલી દેવો. અને જો કોઈ મરદ કે ઓરત એમ કિયે કે ભાઈ ઈ બધાં ય આપડા જેવા બે પગાળાં માણહ સે, ઈને આંઈ રેવા દ્યો, ભગવાન સઉને બે મુઠ્ઠી ધાન દઈ દેશે, તો એને તો સીધા બંદૂકે દઈ દે છે મારા હાળા.”
“ઈ તો હંધુંય ઠીક પણ એમાં આપડા જાત ભાઈયુંનું સું થ્યું ઈ તો કે. આવડો મોટો સબદ હ્યુમનોફોબિયા મને તો બોલતાં ય નો આવડે, તે હમજું તો ક્યાંથી?”
“હવે આપડા ઈ જાત ભાયુંને આ માણહ લોકમાંથી કોક ધોળાં કપડાં પેરે, કોક લીલાં પેરે ને કોક ભગવાં પેરે તો બીક લાગવા માંડી છે. કે છે ઈવડા ઈ માણહે આપડા કિરતારને પોતાની માફક જ મકાનમાં પૂરી દીધો છ. કોકને મંદિરમાં તો કોકેને મસ્જિદમાં, કોકને ગિરજાઘરમાં, તો કોકને ગુરુદ્વારામાં. ને પાછા ઈ લાકડાનું મેરાયું કરીને આગ લગાવે અને ઘમસાણ મચાવે છ.
“તો હવે ઈવડા ઈ સું કરસે?”
“જેમ માણહ મસલમાનને જોઈને ભડકે અને એને ભડાકે દઈ દીયે સ ઇમ જ આપડા આ જાત ભાયું માણહને મારવાની રટ લઈને બેઠા સ.”
“પણ એમાં તું કાં મુંજાસ? મારવા દે ઈને જેને મારવા હોય ઈને, એમાં તારું સું જાય?”
“એલા, સમજ તો ખરો, જેમ માણહની બીમારી આપડા વાળાને વળગી એમ ઈવડા ઈ આપડાં ટોળાંમાં ભળે ને એનાથી થાય ઈ આપડાં બચ્ચાંને એવો રોગ થાય તો સું થાય આપડું?”
એમાં થ્યું એવું કે બીજા જાનવર હાંભળતા’તા એને માણહની અળવીતરાઈ હાટુ એને ય પાટુ મારવી જોઇં એવું લાગ્યું તે જોર જોરથી રાડું પાડવા માઇંડા, ‘માણહ જાતને મારો, કાપો’ ને પછી તો હલ્લો એવો થિયો કે વાત ના પૂછો.
તેવામાં ઈ બધા ય જાનવરોનાં બચ્ચાં આવી પૂગ્યાં ને કે કે “એ બાપલિયાઓ, આમ ઇસ્લામોફોબિયાની પેઠે હ્યુમનોફોબિયાને વાંહે નો દોડાય, નકર આપડે માણાહ જેવા કેવાઈ. માણહમાંથી તો માણસાઈ જવા બેઠી સ, પણ આપડામાંથી જાનવરપણું જાય ઈ કેમ પોસાય? આપડે જો, સાપ જમીન પર લસરે તો હાથી એને કચડે નઇ, વાંદરો ઝાડ પર કૂદે તો જિરાફ એને હડફેટે નો લિયે, મગર પાણીમાં તરે તો આભમાં ઊડતી સમડી એને નો કનડે. આપડે કેવા સંપીને રઇયે છ? બસ એમ જ રેસું. તમને જો ઓલા ચાર જાતભાયુંને થયો એવો રોગ થાહે તો અમારું સું થાહે? લ્યો હવે હાલો, મેલો પડતી ઈ માણહોની ઇસ્લામોફોબિયાની વાતું, એને આપડામાંથી હારી હારી વાતું સીખવી હોય તો સીખે નકર આપડે તો ઈ જાત પાહેંથી હારું હારું સીખીને હારા રઇયે. આપડે તો ઘણું કામ બાકી સ, ઓલા જે ચારને હ્યુમનોફોબિયા થયું સ એને હાજા નરવા કરવા સે.”
પસી તો હંધાય
“બોલો જાનવર જગતની જે” (સિવાય કે માણહ જાત) બોલતા વિખેરાવા લાગ્યા
હવે તો ઈ માણહ જાત ઝટ કરે તો હારું, નકર દુનિયામાંથી માણહનું નામ નઈ રે
હરિ કરે સો હોય. આપડાથી માણહની હદે નઈ ઊતરાય ઈ નક્કી.
e.mail : 71abuch@gmail.com