Opinion Magazine
Number of visits: 9733870
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાહબાનો અને અૅટ્રોસિટીઝ એક્ટ: તુષ્ટિકરણના રાજકારણનો ચહેરો એકસરખો હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 August 2018

૧૯૮૪ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને અભૂતપૂર્વ વિજય મળ્યો હતો. લોકસભાની એ વખતની કુલ ૫૩૩ બેઠકોમાંથી કોંગ્રેસને ૪૧૪ બેઠકો મળી હતી અને ૪૯.૧૦ ટકા મત મળ્યા હતા. (૨૦૧૪માં બી.જે.પી.ને મળેલી ૨૮૨ બેઠકો અને ૩૧ ટકા મત આની સામે ફિક્કા લાગશે.) ચૂંટણીમાં આટલી સફળતા તો જવાહરલાલ નેહરુને પણ નહોતી મળી. ૧૯૮૫ અને ૧૯૮૬નાં  વરસ રાજીવ ગાંધી માટે સારા ગયાં હતાં અને એ પછી ૧૯૮૭થી સાડાસાતી બેઠી હતી તે ત્યાં સુધી કે ૧૯૮૯ સુધીમાં રાજીવ ગાંધી બદનામ થઈ ગયા અને ૧૯૮૯ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.

આવું કેમ બન્યું? અનેક કારણ હતાં એમાં મુખ્ય કારણ ત્રણ હતાં : બોફોર્સ, અયોધ્યામાં બાબરી મસ્જિદનાં તાળાં ખોલાવ્યાં અને શાહબાનો કેસમાં પીછેહઠ. ૧૯૮૪ પછી પહેલીવાર ૨૦૧૪માં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી મળી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા. રાજીવ ગાંધીની જેમ તેમનાં પણ બે વરસ સારાં ગયાં અને ત્રીજા વરસે સાડાસાતી બેઠી. રાજીવ ગાંધીની સરકારે બોફોર્સ તોપનો સોદો આત્મવિશ્વાસના અતિરેકમાં કર્યો હતો જે રીતે નરેન્દ્ર મોદીએ રાફેલનો કર્યો છે. વિરોધ પક્ષ નિર્બળ છે, શું કરી લેશે એવી કોઈ સમજે બન્ને વખતે કામ કર્યું હોવું જોઈએ.

એ પછી લોકપ્રિયતાનો ગ્રાફ નીચે જવા લાગ્યો ત્યારે તેમણે જે તે પ્રજાનું મન જીતવા આડા-અવળા હાથપગ મારવા માંડ્યા હતા. ૧૯૪૮થી બાબરી મસ્જિદને તાળાં લાગેલાં હતાં જે તેમણે હિંદુઓના મત અંકે કરવા ખોલાવ્યા હતા. એ પછી સર્વોચ્ચ અદાલતનો શાહબાનો કેસમાં તલ્લાકપીડિત મુસ્લિમ મહિલાઓને ખાધાખોરાકી આપવાને લગતો ચુકાદો આવ્યો. એ ચુકાદો મુસ્લિમ મહિલાઓને ન્યાય કરનારો હતો, પરંતુ રૂઢિચુસ્ત મુસલમાનોએ એ ચુકાદાનો મઝહબના અને શરિયતના અધિકારના નામે વિરોધ કર્યો હતો. રાજીવ ગાંધીને એમ લાગ્યું કે હવે મુસલમાનોના મત અંકે કરવાની સારી તક મળી છે એટલે તેમણે સંસદમાં ખરડો પસાર કરીને શાહબાનોના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ઊલટાવ્યો હતો. છેવટે ૧૯૮૯ સુધીમાં રાજીવ ગાંધીને સમજાઈ ગયું હતું કે તેમણે ગોળા સાથે ગોફણ પણ ગુમાવી દીધી છે. બાબરી મસ્જિદનાં તાળાં ખોલવાનાં કારણે મુસલમાનોના મત ગુમાવ્યા અને શાહબાનોના કારણે હિંદુઓના મત ગુમાવ્યા. હિંદુઓને એમ લાગવા માંડ્યું કે કોંગ્રેસ મુસ્લિમ તરફી પાર્ટી છે. રાજીવ ગાંધી વમળમાં ફસાઈ ગયા હતા.

એમ લાગે છે કે નરેન્દ્ર મોદીની સરકાર પણ એ જ માર્ગે છે જે રાજીવ ગાંધીએ અપનાવ્યો હતો. દેશભરમાં હિન્દુઓના મત મેળવવા આસામમાં નેશનલ સિટિઝન્સ રજિસ્ટરનો માર્ગ અપનાવ્યો છે જે પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.ની વિરુદ્ધ જઈ શકે છે. દેશભરમાં હિન્દુઓનું ધ્રુવીકરણ થશે કે નહીં એ તો સમય કહેશે, પરંતુ અત્યારે આસામ અને બંગાળનું ધ્રુવીકરણ થઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ બી.જે.પી. માટે બહુ મહત્ત્વનું રાજ્ય છે, કારણ કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી લોકસભાની ૪૨ બેઠકો ધરાવતું ત્રીજા ક્રમનું મોટું રાજ્ય છે.

કેન્દ્ર સરકારે બીજો નિર્ણય દલિતો અને આદિવાસીઓને અત્યાચાર સામે રક્ષણ આપનારા કાયદા વિષે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને ઊલટાવવાનો લીધો છે. ડીટ્ટો શાહબાનો મોમેન્ટ. વાત એમ છે કે સર્વોચ્ચ અદાલતે ગયા માર્ચ મહિનામાં ચુકાદો આપ્યો હતો કે ૧૯૮૯માં ઘડવામાં આવેલા શિડ્યુલ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ ટ્રાઈબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે એટલે હવે પછી એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાની સાથે આરોપીની ધરપકડ કરવામાં ન આવે. બે ન્યાયમૂર્તિઓએ આપેલા આ ચુકાદામાં કાંઈ જ અજુગતું નથી. અદાલતે કાયદાને રદ્દ નથી કર્યો. અદાલતે એમ પણ નથી કહ્યું કે આરોપીની ક્યારે ય ધરપકડ કરવામાં ન આવે. અદાલતે માત્ર એટલું જ કહ્યું છે કે તાત્કાલિક ધરપકડ કરવામાં ન આવે. પોલીસ પ્રાથમિક કેસ છે કે નહીં એની તપાસ કરે અને કહેવાતા આરોપીનો પક્ષ પણ સાંભળે. જો ગળે ઊતરે એવી ફરિયાદ હોય તો જ ધરપકડ કરવામાં આવે. 

પહેલાં તો સરકાર ચુકાદો જોઇને રાજી થઈ હતી કે ચાલો બી.જે.પી.ના સમર્થક સવર્ણો રાજી થશે. સવર્ણોને રાજી કરવા માટે તો સરકારે સુનાવણી દરમ્યાન કાયદાને હળવો કરવાની દરખાસ્તનો વિરોધ નહોતો કર્યો. સર્વોચ્ચ અદાલતે સરકારને પૂછ્યું હતું કે તાત્કાલિક ધરપકડ કરવામાં ન આવે એવી અરજદારની માંગણી વિષે સરકારને શું કહેવાનું છે? કેન્દ્ર સરકારે કોઈ પક્ષ નહોતો રાખ્યો. ચુકાદા પછી દલિતોએ વિરોધ કર્યો હતો. રામ વિલાસ પાસવાન અને રામદાસ આઠવલે જેવા કેન્દ્રના દલિત પ્રધાનોએ પણ ચુકાદાનો વિરોધ કર્યો હતો. બી.જે.પી.ના નેતાઓએ ચુકાદાનો વિરોધ કર્યો હતો. ટૂંકમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ઊલટાવવાની માગ ચારે બાજુએથી ઊઠી હતી. આમ પણ ગૌરક્ષકોને કારણે દલિતો સરકારથી નરાજ છે અને એમાં આ ચુકાદાએ વધુ નારાજ કર્યા છે.

મુસ્લિમ મહિલાઓને ન્યાય આપનારા અત્યંત વાજબી ચુકાદાને જે રીતે રાજીવ ગાંધીની સરકારે ઊલટાવ્યો હતો એમ નિર્દોષ માણસને ન્યાય અને રક્ષણ આપનારા ચુકાદાને નરેન્દ્ર મોદીની સરકાર ઊલટાવી રહી છે. શા માટે? દલિતોના મત જોઈએ છે જેમ કોંગ્રેસને ત્યારે મુસલમાનોના મત જોઈતા હતા. વાચકોએ નોંધ્યું હશે કે આ લખનાર દલિતો માટે ખૂબ ઊંડી હમદર્દી ધરાવે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે કાયદાનો દુરુપયોગ કરીને કોઈને હેરાન કરવામાં આવે. દલિતોને અને આદિવાસીઓને આપવામાં આવતી અનામતની જોગવાઈનો મેં હંમેશાં બચાવ કર્યો છે.

બાય ધ વે, અનામતની જોગવાઈ જગતના ઘણા દેશોમાં છે અને તેમાં સમૃદ્ધ દેશોનો પણ સમાવેશ થાય છે. થોડાં નામ જાણવા હોય તો અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, રશિયા, ચીન, જપાન, ઇઝરાયલનાં આપી શકાય જે અનામતની જોગવાઈ હોવા છતાં પાછળ નથી રહ્યા. આપણે ત્યાં જેને રિઝર્વેશન કહેવામાં આવે છે તેને અમુક દેશો અફર્મેટિવ એક્શન તરીકે ઓળખાવે છે તો બ્રિટનમાં તેને પોઝિટિવ એક્શન તરીકે ઓળખાવવામાં આવે છે. બીજા દેશોમાં ઊંચ-નીચની સીડીમાં બે-ચાર પગથિયાં માંડ હોય છે, જ્યારે આપણે ત્યાં બે હજાર પગથિયાં છે એટલે ઉપરવાળાને નીચેવાળો કઠે છે અને નીચેવાળાને ઉપરવાળો કઠે છે.   

મૂળ વિષય પર પાછા ફરીએ. શિડ્યુલ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ ટ્રાઈબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એ જગજાહેર છે. આવી જ રીતે ઘરેલું હિંસા અને દહેજને લગતા કાયદાઓનો પણ કેટલીક મહિલાઓ દુરુપયોગ કરે છે. તેમને આનો દુરુપયોગ કરવાનું વકીલો શીખવે છે એ પણ ઉઘાડી વાત છે. મૂળભૂત મુદ્દો એ છે કે કાયદાનું રક્ષણ દરેકને મળવું જોઈએ. જેની સાથે અત્યાચાર થાય છે એ દલિતોને, આદિવાસીઓને અને મહિલાઓને તો ચોક્કસ મળવું જોઈએ, પણ એની સાથે એને પણ રક્ષણ મળવું જોઈએ જે નિર્દોષ છે.

આ સરકારમાં સત્ય અને ન્યાયના પક્ષે ઊભા રહેવાની હિંમત નથી જે રીતે લોકસભામાં પ્રચંડ બહુમતી હોવા છતાં રાજીવ ગાંધીની સરકારમાં નહોતી. આને માટે જવાહરલાલ નેહરુનું ગજું જોઈએ જેમણે મધ્ય પ્રદેશમાં ચુરહટ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીસભામાં જાહેરમાં કબૂલાત કરી હતી કે અમે અહીં ખોટા ઉમેદવારને ઊભો રાખ્યો છે માટે તમે તેને તમારો કિંમતી મત નહીં આપતા. એ ઉમેદવાર કોણ હતો એ જાણો છો? મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અર્જુન સિંહના પિતા શિવ બહાદુર સિંહ.

સત્યનો મારગ છે શૂરાનો …

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2018

Loading

6 August 2018 admin
← કોંગ્રેસ દાયકાઓ સુધી પૉલિટિકલ સ્પેસ જાળવી રાખે અને બી.જે.પી. વિરાટ રાજકીય કદ ધરાવતા નેતા હોવા છતાં પણ મેળવેલી જગ્યા જાળવી ન શકે એનું શું કારણ?
વૉટરફિલ્ટર →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved