‘હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું…’
વાહ કવિ!
ધરાર આમ અવળું જ …
તમે ભાષા કેવી ખીલવી,
આવનારી પેઢીએ એ જ તો રહી ઝીલવી!
લોકદર્શન પળેપળનું એમાં રહ્યું ફોરી
નગરજીવન દીધું આખું ઝકઝોરી!
વળી પેલા નિરાકારનાં ય કેવાં
ચિતરામણ દીધાં કરી!
એમ વળી ‘ગાયત્રી’નો યુગબોધ દીધો ધરી!
સ્વર્ગ કરતાં ય પૃથ્વીને ચાહી
શબ્દે-શબ્દે એની ઋતુઓ મહેકાવી!
‘પ્રવાલદ્વીપ’માં ભર્યો નર્યો આધુનિક જીવનમર્મ.
ટાગોરનો ય ઘૂંટ્યો મધુરસ, બસ,
શબ્દોને ટેરવે સાચવ્યા કર્યો માનવધર્મ!
… ફરવાને બહાને
તમે છંદનાં ને લયનાં ધરી દીધાં દર્પણ
સહુને કરાવ્યું એમાં જીવનદર્શન!
છેલ્લે-છેલ્લે સાધ્યો-ખીલવ્યો વનવેલ છંદ
કર્યા એમાં સંવાદો મૃત્યુનીનીયે સંગ!
એક થયા’તો સદીઓ પહેલાં નરસિંહ ભગત
એ જ આધુનિક રૂપે
ભાષામાં શું પ્રગટ્યા પાછા નવીન રૂપે
તમે હે નિરંજન ભગત!
શીખવી ગયા કાવ્યવાણી
ભાષા ગુજરાતીની વહ્યા કરશે.
ખળ… ખળ… સરવાણી…
૬ માર્ચ, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 10