ભારુલતાનું નામ કદાચ બ્રિટન અને ભારતમાં વસતા કર્મશીલો અને સાહસિકોથી અજાણ નહીં હોય.
ટૂંકમાં પરિચય આપવો હોય તો કહી શકાય કે એક પ્રતિભાશાળી, મક્કમ નિર્ધારવાળી, અદ્દભુત કલ્પનાશક્તિ ધરાવનારી, વિવિધ પ્રકારની બુદ્ધિ પ્રતિભાનાં ધણી અને બિલકુલ વાસ્તવિક દ્રષ્ટિકોણ ધરાવનાર એવી આ મહિલા છે.
ભારુલતાની સિદ્ધિઓ વિષે જાણતાં પહેલાં તેમનું આવું લોખંડી મનોબળ અને સાહસિક વ્યક્તિત્વ કેમ ઘડાયું તે સમજવા તેમના ઉછેર અને સંયોગો જાણવા ઉપયોગી થઈ પડશે. નવસારી પાસેના એક નાના ગામ આટમાં તેમનો જન્મ. ચારેક વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. માતા ખાસ ભણેલાં નહીં. તેઓ પુનર્વિવાહ બાદ ઇંગ્લેન્ડ આવ્યાં. કઇંક શિક્ષણનો અભાવ અને કઇંક અંશે સામાજિક માન્યતાઓની અસરને પરિણામે તેઓ પોતાની બંને પુત્રીઓ શાપ રૂપ છે તેમ માનતાં. આથી જ તો કદાચ ભારુલતા અને તેમની બહેનને ભારત છોડીને તેઓ વિદેશ ગયાં. બંને દોહિત્રીઓને નાના, કે જેઓ શિક્ષિત હતા અને સારી વગ ધરાવતા હતા તેમણે ઉછેરી. નાનાજીના મૃત્યુ બાદ ભારુલતાના મોટા મામાએ ભાણીઓને કમ સે કમ માની છાયા મળે એ હેતુથી બહેનને સમજાવી ભારુલતા અને તેમની બહેનને લંડન મોકલ્યાં. હવે ગુજરાતના સાવ નાના ગામડામાંથી આવેલી બે કુમારિકાઓ, સાવકા પિતાનો ખાસ સાથ નહીં, ઇંગ્લિશ ઝાઝું જાણે નહીં એટલે વેમ્બલીની એક સાડીની દુકાનમાં કામ કરવું શરૂ કર્યું. એ દુકાનનાં માલિકણ બહેનની ભલામણથી ESOL કોર્સ કરી ઇંગ્લિશ શીખ્યાં. બહેન એર હોસ્ટેસ બની અને ભારુલતાએ પૂરા સમયની કામગીરી બજાવતાં બજાવતાં ઉચ્ચ શિક્ષણના ચઢાણ સર કર્યાં. તેમણે The Chartered Institute of Legal Executives, UKમાંથી ઉપાધિ મેળવી અને તે જ સંગઠનના એસોસિએટ સભ્ય પણ બન્યાં. ત્યાર બાદ તેમણે યુનિવર્સીટી લંડનમાં કાયદાનો અભ્યાસ પણ કર્યો. તેઓ સિવિલ સર્વિસમાં જોડાયાં અને લોયર પણ થયાં. ભારુલતાના શબ્દોમાં કહું તો “એક સાવ ગામની છોકરીમાંથી બ્રિટિશ ગર્લ બની પછી ડોક્ટર પતિ મળ્યો.” સાસરું જોઈએ તેવો સહયોગ તેમના કામને આપી નથી શકતું, પણ પતિએ દહેજ ન આપવાની બાબતમાં ભારુલતાને જ સાથ આપ્યો. આજે યુરોલોજિસ્ટ પતિ અને બે હોનહાર પુત્રો સાથે તેઓ સુખેથી જીવન વિતાવે છે.
આવી કઠિનાઈઓમાંથી માર્ગ કાઢીને ઉચ્ચ ધ્યેયોને આંબવાની પ્રેરણા થવાનાં કારણો જણાવતાં ભારુલતાએ કહ્યું, “અમે બે બહેનો નાનાને ઘેર ઉછરીને મોટી થઈ હતી. એક દિવસ મારા કાકા મળવા આવ્યા, ત્યારે નાનાએ અમ બે બહેનોની જવાબદારી ઉઠાવવા કહ્યું જેના જવાબમાં કાકા બોલ્યા, ‘છોકરી અને રસ્તામાં પડેલ પથ્થરમાં શો ફેર? મારે માટે એમની કોઈ કિંમત નથી.’ એ વાત મારા મનમાં ખૂબ ચોટ પહોંચાડી ગઈ.” સદ્નસીબે નાનાજીને ભારુલતાના હીરની પહેલેથી પરખ થઈ અને તેની શક્તિઓને ઓળખીને એ વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું તેમ કહી શકાય. આથી જ તો તેઓ ભારુલતાને દરેક કાર્યક્રમમાં ગીતો ગાવાં અને વાર્તાઓ કહેવા પ્રોત્સાહન આપતા. માત્ર ચૌદ વર્ષની ઉંમરે તેમનું પ્રથમ લખાણ પ્રકાશિત થયું. ત્યારથી તેમણે કદી પાછું વાળીને જોયું નથી અને સફળતા તમના કદમો ચુમતી આવી છે. ‘દીકરી છે, ઝાઝું ભણાવીને શું કરવાનું?’ એવી માનસિકતા હજુ પણ કેટલાંક સમૂહો અને પરિવારોમાં ઘર કરીને બેઠી છે જેનો ભોગ ભારુલતા પણ બન્યાં. પરંતુ તેનાથી જરા પણ ડગી ગયા વિના તેઓ અભ્યાસમાં આગળ ધપ્યે ગયા એટલું જ નહીં, ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પણ ઉચ્ચતમ તાલીમ મેળવી. આગળ જતાં આત્મવિશ્વાસ અને ભરપૂર ઉત્સાહથી ભરેલ આ તરુણીને નાટિકાઓનું દિગ્દર્શન કરવાની તકો મળી. એમ તો યુનાઇટેડ કિંગ્ડમના એક ફેશન શોમાં ભારતીય ફેશનના મોડેલ તરીકે પણ થોડા સમય માટે ઝળક્યાં. આટલું હજુ ઓછું હોય તેમ તેમણે ઘણી દસ્તાવેજી ફિલ્મનું લખાણ, પ્રોડક્શન અને દિગ્દર્શન પણ કર્યું છે.
ભારુલતામાં મજબૂત નિર્ણય શક્તિ, બેજોડ હિંમત અને અડગ મનોબળની સાથે મૃદુતાનો સુંદર સંગમ જોવા મળે છે, જેને કારણે તેઓ જરૂરિયાતમંદોને મદદ કરવા તત્કાલ પ્રવૃત્ત થતાં રહ્યાં છે. તેમની અંદર છુપાયેલ એક ક્રાંતિકારી વ્યક્તિત્વ હંમેશ સમાજમાં કઇંક બદલાવ લાવવા તડપતું હોય છે. સામાજિક અન્યાયો સામે અવાજ ઉઠાવવાની તેમની રીત અનોખી છે. તેઓએ સ્ત્રી-પુરુષ સમાનતા અને માનવ અધિકારનાં પ્રચારકની રૂએ અનેક દેશોમાં ભ્રમણ કર્યું છે.
ડ્રાઇવિંગનાં શોખીન આ સન્નારીનાં સાહસોનાં કેટલાક દ્રષ્ટાંતો જોઈએ. ભારતના સ્વાતંત્ર્યના 70 વર્ષની ઉજવણીના ભાગ રૂપે તેઓએ યુનાઇટેડ કિંગ્ડમના Lands Endથી John ‘O’Groat એટલે કે દેશના એક છેડેથી બીજે છેડે એકલ પંડે લગભગ 1,500 માઈલની સફર 15થી 16 કલાકમાં કરી. આ સફરનો હેતુ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. એ જ હેતુસર તેમણે 120 મહિલાઓ સાથે લંડનથી લેસ્ટર સુધીની યાત્રા પણ કરેલી, જેની માહિતી અને તસ્વીર અહીં સામેલ છે.
કન્યાઓ અને સ્ત્રીઓની કેળવણી માટે સુવિધા કરવાની તમન્ના ભારુલતાને પોતાની જાત માટે એક બીજો પડકાર આપવા તરફ દોરી ગઈ જેમાં તેમણે 32 દેશોમાં કોઈના પણ સાથ વિના મુસાફરી કરી.
બે ખંડ, 9 ટાઈમ ઝોન, 3 રણ પ્રદેશ, 9 પર્વત માળાઓ અને 32 દેશોને ખૂંદી વળવા 5,500 કિલોમીટરની યાત્રા કરીને આ નિર્ભય અને મક્કમ નિર્ધારવાળી મહિલાએ દરિયાની સપાટીથી 13,000 ફૂટ ઊંચાઈ સર કરીને પોતાના વ્યક્તિત્વને દુનિયા સમક્ષ ખડું કર્યું.
કોઈ એક મહિલા અને તેમાં ય ભારતીય મૂળની મહિલાએ કદી ન મેળવી હોય તેવી સિદ્ધિઓ હાંસલ કરી હોવાને લીધે, ભારુલતાને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યાં છે, તેમ કહું તો તેમાં કશું આશ્ચર્ય નહીં થાય. તેમાંનો એક એવોર્ડ હતો ઓલ ઇન્ડિયા અચીવર્સ કોન્ફરન્સમાં મળેલ ‘Woman of substance award’ જે તેમની વ્યક્તિગત સિદ્ધિઓ ઉપરાંત દેશની અસ્મિતા જાળવવાના પ્રયાસ રૂપે આપવામાં આવેલ. અહીં તેની કચકડે મઢેલ ઝાંખી છે.
ભારુલતાને જાણે નિર્ભયતાનું વરદાન મળ્યું છે અને એટલે એકલ પંડે અનેકાનેક સફરો ખેડી ચુક્યાં છે, જે બે-ચાર કે આઠ-દસ સાહસવીરોની ટુકડીમાં જનાર પુરુષો પણ હિંમત નથી કરતા હોતા. એમાંનો એક સાહસ પ્રવાસ તે Arctic Circleનો પ્રવાસ. પૃથ્વી પરના અત્યંત વિષમ ગણાતા ભૂ ભાગની આરપાર એકલાં સફળ ખેડાણ કરીને તેમણે પોતાનાં વ્યક્તિત્વની મક્કમ નિર્ણય શક્તિ દર્શાવી. આ તેમની પહેલી મોટી સાહસ યાત્રા હતી જેમાં 2,792 કિલોમીટરનું અંતર માત્ર ચાર દિવસમાં કાપ્યું. વળી આ સાહસ માટે તેમને મદદ કરનાર કોઈ ટીમ, કોઈ વાહન કે નિષ્ણાતો નહોતા રોકેલાં. જો કોઈ જોખમકારક સ્થિતિ આવી હોત તો શું થાત એ તો કલ્પના બહારની વાત છે. કોઈ મહિલાએ Arctic Circleનો પ્રવાસ એકલાં કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો નોંધાયેલ છે. એક મહિલા એકલાં પોતાની સામાન્ય ફેમિલી કાર લઈને યુનાઇટેડ કિંગ્ડમથી પ્રયાણ કરી ફ્રાન્સ, લક્સમબર્ગ, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ વગેરે દેશો ખૂંદીને Arctic Circle પહોંચ્યાં એમ કહીએ તો માનવું મુશ્કેલ પડે તેવી તેમની આ સફર કહી શકાય. આ હજુ પૂરતું ન હોય તેમ લગભગ 50,000 કિલોમીટર ડ્રાઈવ કરીને 50 દેશોની મુસાફરી કરવાની યોજના ભારુલતાએ કરી છે. અત્યન્ત જોખમકારક રસ્તાઓ અને વિષમ હવામાનવાળા પ્રદેશોમાંથી પસાર થવાનું આવશે અને જ્યાં ભાગ્યે જ કોઈ માનવીએ પગ મુક્યો હોય તેવાં વેરાનમાંથી પણ માર્ગ કાઢવાનો રહેશે એ વાતથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં આવું જોખમ ઉઠાવવા પાછળ ભારુલતાનો ઉદ્દેશ દરેક ઉંમરની બાળા અને સ્ત્રીને પોતાની શક્તિ અને અધિકારનો અહેસાસ કરાવી બધા પ્રકારની મર્યાદાઓને ઉલ્લંઘીને જીવનમાં આવતા પડકારોને પૂરેપૂરી તાકાતથી લલકારવા જરૂરી શક્તિ કેળવવાનો સંદેશ પહોંચાડવાનો છે. અલબત્ત આ સફર દરમ્યાન તેઓને વિવિધ સંસ્કૃિતના લોકોનો ભેટો થશે જેમની જીવનરીતિ સાથે પોતાની માન્યતાઓ અને ખ્યાલોનો મેળ ન પણ થતો હોય. પરંતુ અશક્યને શક્ય બનાવે તેનું નામ જ ભારુલતા.
આટલી માહિતી વાંચનારને કદાચ એવો ભાસ થાય કે એક અત્યન્ત હિંમતવાન મહિલા કે જેને ડ્રાઈવીંગનો શોખ છે અને સ્ત્રીઓનું હિત દિલમાં વસેલું છે, એટલે આવા અસાધારણ પ્રવાસો ખેડવા એટલું જ એમનું કાર્ય છે. આ ભારતીય નારીનું કાર્યક્ષેત્ર સાહસ પ્રવાસોથી અટકી નથી જતું. તેઓ અનેકવિધ ટ્રસ્ટ્સ અને પ્રકલ્પોમાં પણ સંલગ્ન છે, જેમ કે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન, પ્રિશ ફાઉન્ડેશન ટ્રસ્ટ, હેલ્થ કેર ઈન ઇન્ડિયા, આદિવાસી વિસ્તારોમાં પૂરી પડાતી પ્રાથમિક સારવાર અને સાવિત્રીબાઈ ફૂલેના નામના નેજા હેઠળ ચાલતી સેવાઓ અને તેના જેવા અન્ય અનેક સંગઠનોને પોતાની દ્રષ્ટિ અને શક્તિનો લાભ આપતાં રહે છે. તેમની આવી બહુવિધ સેવાઓની કદરરૂપે આ વર્ષની 20મી જાન્યુઆરીને દિવસે અન્ય 111 નારીઓની જોડે ભારુલતાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે ‘નારી શક્તિ પુરસ્કાર’ એનાયત થયો. ભારતની અને સમગ્ર જગતની નારીઓને ગૌરવ અપાવનાર આ એક અનોખી મહિલા છે તે નિ:શંક છે.
બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારુલતાના સાહસ પ્રવાસોમાં જોડાવા કેટલાંક લોકો ભાગ્યશાળી હશે, પરંતુ જેઓ તેવા અભિયાનોમાં સક્રિય પણે ભાગ ન લઈ શકે, તેઓ તેમનાં કાર્યોને અન્ય પ્રકારે સહાય કરી શકે તો પણ તેમના આ યજ્ઞના પુણ્યમાં હિસ્સો મળી શકે. બાળકીઓ અને સ્ત્રીઓનાં ઉત્થાન માટે શરૂ કરેલી આ સાહસ સફર ભારુલતાને ધારેલી સફળતા અપાવે તેવી શુભકામનાઓ યુનાઇટેડ કિંગ્ડમ અને ભારતના મહિલા જગત વતી આપીને વિરમું.
e.mail : 71abuch@gmail.com