Opinion Magazine
Number of visits: 9734070
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુ ગોરખનાથ, ગોરખદર્શન, ગોરખ સંપ્રદાય અલગ ચીજ છે અને ગોરખપુરની પીઠના કોમી ગોરખધંધા અલગ ચીજ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 March 2017

આખરે યોગી આદિત્યનાથ બંધારણીય ઢબે ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે. તેમણે બંધારણની મર્યાદામાં રહીને બંધારણનું પાલન કરવાના સોગંદ લીધા છે એટલે તેમણે આપેલાં વચનો પર ભરોસો ન બેસતો હોવા છતાં ભરોસો કરવો જોઈએ, એ ત્યાં સુધી જ્યાં સુધી ભરોસો તોડવામાં ન આવે

ઉત્તર પ્રદેશના એકવીસમા મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ પછી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નક્શેકદમ ચાલવાના છે. નરેન્દ્ર મોદીની માફક જ તેમણે કહ્યું હતું કે તેઓ શાંત બેસવાના નથી અને પ્રધાનોને શાંત બેસવા દેવાના નથી. તેમણે તેમના પ્રધાનમંડળના દરેક પ્રધાનને તેમની સંપત્તિ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં વિકાસનાં અનેક કામો કરવાનાં છે અને આગલી સરકારોએ જે અવ્યવસ્થા પેદા કરી છે એને દૂર કરીને વ્યવસ્થા પેદા કરવાની છે. તેમણે કહ્યું હતું કે તેમના શાસનમાં કોઈ કોમ વચ્ચે ભેદભાવ કરવામાં નહીં આવે. રાજ્યના વિકાસમાં દરેક કોમ એકસરખી ભાગીદાર હશે અને તેમની પહેલી પ્રાથમિકતા રોજગારી પેદા કરવાની છે. તેમણે પત્રકારપરિષદમાં હિન્દુત્વ વિશે કોઈ વાત કરી નહોતી કે કોઈને ચેતવણી આપી નહોતી. મુખ્ય પ્રધાન બન્યા પછીની પહેલી પત્રકારપરિષદમાં ચિરપરિચિત યોગી આદિત્યનાથ નજરે નહોતા પડતા.

યોગી આદિત્યનાથની આ બધી વાતો પર કેટલો ભરોસો મૂકવો એ એક સવાલ છે. તેમની અત્યાર સુધીની રાજકીય પ્રવૃત્તિ અને કથનો જોતાં આ વાત ગળે ઊતરતી નથી. જો ખાતરી કરવી હોય તો તેમની પોતાની વેબસાઇટ પર એક નજર કરી જુઓ. તેમની વેબસાઇટના હોમપેજ પર તેમને ‘હિન્દુ પુનર્જા‍ગરણ કે મહાનાયક’ તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને આગળ કહેવામાં આવ્યું છે કે તેઓ ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ કે પ્રતીક એવમ્‌ હિન્દુત્વ ઔર વિકાસ કે સ્વપ્નદ્રષ્ટા’ છે. તેમની વેબસાઇટ પર તેમણે લખેલા ૩૦ લેખોની લિન્ક આપવામાં આવી છે એ જોઈને ખાતરી થશે કે તેઓ કેવા ભારતમાં માને છે અને એમાં લઘુમતી કોમનું શું સ્થાન હશે. તેઓ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં શબ્દો ચોરતા નથી કે ગોળગોળ બોલતા નથી. આ વખતે પહેલી વાર કદાચ તેમણે તેમના સ્વભાવથી વિરુદ્ધ જઈને એવી વાતો કરી છે જે તેમના સ્વભાવધર્મની વિરુદ્ધ છે.

દાયકા પહેલાં તેમણે હિન્દુ યુવા વાહિનીની સ્થાપના કરી હતી અને તેઓ પોતે તેમ જ હિન્દુ યુવા વાહિની એક કરતાં વધુ વખત ભારતીય જનતા પાર્ટી સાથે સીધાં સંઘર્ષમાં ઊતર્યા છે. કેટલાક લોકો એમ માને છે કે તેમણે હિન્દુ યુવા વાહિનીની સ્થાપના એટલા માટે કરી હતી કે સંઘપરિવારના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ જેવાં સંગઠનો તેમને ખરે ટાણે ખસી જનારાં ત્રેવડ વિનાનાં લાગતાં હતાં. તેમણે કાયદો હાથમાં લઈ શકે એવા તોખાર યુવકોની સેના બનાવી હતી જે સંઘપરિવાર કરતાં લાંબી લાઇન ખેંચી શકે. હિન્દુ યુવા વાહિનીની રચના પાછળ કોમી અને રાજકીય એમ બન્ને ગણતરી હતી. એટલે તો અનેક લોકો એમ માને છે કે તેમણે ધરાર મુખ્ય પ્રધાનપદ દિલ્હીના હાકેમો પાસેથી આંચકી લીધું હતું. બીજા શબ્દોમાં કહીએ તો યોગી આદિત્યનાથને હરખે મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા નથી, પરંતુ બનાવવા પડ્યા છે. આ વાત જો કે ગળે ઊતરે એવી નથી. ઉત્તર પ્રદેશની ચૂંટણી યોગી આદિત્યનાથે નથી જીતી, પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાએ અને અમિત શાહના ચૂંટણીકીય માઇક્રો મૅનેજમેન્ટે જીતી છે. યોગી આદિત્યનાથની ભૂમિકા ક્યારે ય કેન્દ્રવર્તી નહોતી એ એક હકીકત છે.

બીજું, ગોરખપુરની ગોરખનાથ પીઠ આઝાદી પહેલાંથી હિન્દુ કોમવાદનો અખાડો રહી છે. ત્યાં ગોરખનાથનું દર્શન અને ગોરખ સંપ્રદાયની મર્યાદાઓ દૂર-દૂર સુધી પણ જોવા નહીં મળે. યોગી આદિત્યનાથના દાદા ગુરુ યોગી દિગ્વિજયનાથ હિન્દુ મહાસભાના નેતા હતા અને યુનાઇટેડ પ્રોવિન્સ (અત્યારના ઉત્તર પ્રદેશ)ના અધ્યક્ષ હતા. તેમણે ગાંધીજીની હત્યા કરવામાં આવી એના ત્રણ દિવસ પહેલાં લોકોને ઉશ્કેરતાં જાહેરમાં કહ્યું હતું કે કોઈકે આ અહિંસામાં માનનારા નપુંસકની હત્યા કરવી જોઈએ. નવ મહિના જેલમાં રહ્યા પછી ૧૯૪૮ના અંતમાં તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી ૧૯૪૯માં બાવીસ ડિસેમ્બરની રાતે તેમણે બાબરી મસ્જિદમાં રામ લલ્લાની તસવીર ઘુસાડી હતી અને ભગવાન પ્રગટ થયા હોવાનો શોર મચાવ્યો હતો. એ પછી તેમણે ચોવીસ કલાકની રામધૂન શરૂ કરીને રીતસર મસ્જિદનો કબજો લીધો હતો.

છેતરપિંડી અને લબાડીમાં માનનારા આ રામભક્તને તેમના ગોરખધંધામાં કે.કે.કે. નાયર નામના સનદી અધિકારીએ મદદ કરી હતી. નાયર એ સમયે ફૈઝાબાદના ડિસ્ટિૃક્ટ અધિકારી અને યોગી દિગ્વિજયનાથના જૂના મિત્ર હતા. આ ઘટના બની કે તરત કેન્દ્રના ગૃહપ્રધાન સરદાર પટેલે યુનાઇટેડ પ્રોવિન્સના મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંતને પત્ર લખીને આદેશ આપ્યો હતો કે તાત્કાલિક રામલલાની તસવીર હટાવવામાં આવે અને મસ્જિદ ખાલી કરવામાં આવે. કોમી હુલ્લડો ફાટી નીકળશે એવો ભય બતાવીને કેન્દ્ર સરકારના આદેશનું કે.કે.કે. નાયરે પાલન કર્યું નહોતું. ૧૯૬૭ની લોકસભાની ચૂંટણીમાં હિન્દુ મહાસભાએ યોગી દિગ્વિજયનાથને ગોરખપુરમાં ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા અને કે.કે.કે. નાયરને બહરાઇચમાંથી ભારતીય જન સંઘે ઊભા રાખ્યા હતા અને સમાજવાદીઓના નૉન-કૉન્ગ્રેસીઝમના પ્રતાપે બન્ને ચૂંટાઈ આવ્યા હતા.

તો ગુરુ ગોરખનાથ, ગોરખદર્શન, ગોરખ સંપ્રદાય અલગ ચીજ છે અને ગોરખપુરની પીઠના કોમી ગોરખધંધા અલગ ચીજ છે અને એનો લાંબો ઇતિહાસ છે. યોગી આદિત્યનાથ ત્રીજી પેઢીના વારસ છે જે હવે મુખ્ય પ્રધાન બન્યા છે અને આપણને સધિયારો આપી રહ્યા છે કે ચિંતા કરશો મા, હું બંધારણની મર્યાદામાં રહીને શાસન કરીશ. કોઈએ ડરવાની જરૂર નથી. કોઈને અન્યાય કરવામાં નહીં આવે અને વિકાસમાં દરેક એકસરખા ભાગીદાર હશે.

આખરે યોગી આદિત્યનાથ બંધારણીય ઢબે ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે. તેમણે બંધારણની મર્યાદામાં રહીને બંધારણનું પાલન કરવાના સોગંદ લીધા છે એટલે તેમણે આપેલાં વચનો પર ભરોસો બેસતો ન હોવા છતાં ભરોસો કરવો જોઈએ. ત્યાં સુધી જ્યાં સુધી ભરોસો તોડવામાં ન આવે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 22 માર્ચ 2017

Loading

23 March 2017 admin
← પરિણામ, ટકાવારી અને જનાદેશ
Wanted by Anti-Romeo Squad, UP, India →

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved