Opinion Magazine
Number of visits: 9451194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેતન રૂપેરા : છપાયેલાં પાનાં પાછળની પ્રતિભા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 January 2017

“नवजीवनનો અક્ષરદેહ” સામયિકના સંપાદક અને “નિરીક્ષક”ના સંપાદન સહાયક કેતન રૂપેરાને ૨૦૧૬ના વર્ષ માટેનું કાકાસાહેબ કાલેલકર પત્રકારત્વ સન્માન …

નવજીવન સંસ્થાના સંપર્કપત્ર અને ગાંધીવિચારના પ્રસારપત્ર એવા માસિક ‘नवजीवनનો અક્ષરદેહ’ની અનેક વિશેષતાઓ છે. તેમાંની એક તે તેના મોટા ભાગના લેખો પહેલાં, ત્રાંસા અક્ષરમાં મૂકવામાં આવેલી, લેખની ભૂમિકા આપતી નોંધો. તેમાં સમય તેમ જ પ્રસંગના સંદર્ભ, લખાવટની ચોકસાઈ અને લાઘવ જોતાં તેમાં કેટલી બધી મહેનત પડી હશે તેનો ખ્યાલ આવે છે. આ તમામ બસો કરતાં ય વધુ નોંધો કેતન રૂપેરાએ લખી છે. આ નોંધો લખવા ઉપરાંત પણ એ માસિકમાં ઘણું બધું કરે છે. જેમ કે, ત્રણેય આવરણોની પસંદગી અને તેના માટેનાં લખાણ એનાં હોય છે. લેખો પણ ઘણું કરીને એ જ નક્કી કરે છે અને નિમંત્રે છે. માસિકના અનેક અંકોને તે લાજવાબ પ્રાસંગિકતા આપે છે, તેમાં પ્રાચીન અને પ્રસ્તુત(ધ આર્કાઇવલ ઍન્ડ ધ રેલેવન્ટ)નું સંયોજન હોય છે. ખરેખર તો કેતનની સંપાદકીય મુદ્રા નવજીવનના માસિક જાન્યુઆરી ૨૦૧૩ના પહેલા અંકથી હમણાંના ‘કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક’ સુધીના, ગુણવત્તાનું સાતત્ય બતાવતા તેંતાળીસ અંકમાંથી દરેક અંક પર છે. આમ કહેવામાં કેતનના અત્યાર સુધીના કામને જોનારને અતિશયોક્તિ (અને તેની ટીમની ક્ષમતાની ઉપેક્ષા) નહીં લાગે એમ માની શકાય. ‘नवजीवनનો અક્ષરદેહ’ માસિક જેમ નવજીવન સંસ્થાની ઓળખ બન્યું છે, તેમ એ ચોંત્રીસ વર્ષના સાલસ સંપાદનકર્મી કેતનની પણ ઓળખ છે.

‘નિરીક્ષક’ની બાબતમાં કેતનનું છેક આવું નથી, પણ છતાં ગયાં અઢી વર્ષથી ‘નિરીક્ષક’ના અંકોમાં પહેલાં જેટલાં જ પાનાં છતાં વાચનસામગ્રીમાં જોવા મળતો વધારો એ કેતનના કામને લીધે લેઆઉટ-ડિઝાઈનમાં આવેલી ચુસ્તીને આભારી છે. આ ઉપરાંત તેમાં ભૂલોના નહીંવત્‌ પ્રમાણ અને તેના રૂપમાં જોવા મળતી એકંદર સુઘડતા માટેનું ઘણું શ્રેય પણ કેતનને મળે છે. એ ‘નિરીક્ષક’ માટે કામના મૂલ્યના પ્રમાણમાં બહુ ઓછો પગાર લે છે (પ્રકાશભાઈનો ‘પગાર’ તો ‘છાપાંનું બિલ માંડ નીકળે’ એટલો છે), વળી કારકિર્દીના આ વસંતારંભે પણ કેતન સામયિકમાં પોતાનું નામ મૂકતો  નથી. નાટકમાં તખ્તા પાછળ અને ફિલ્મમાં પડદા પાછળની વ્યક્તિઓ હોય છે, જેમનું કામ પ્રેક્ષકોની સામે ચમકતા સહુ કલાકારો જેટલું જ મહત્ત્વનું હોય છે, પણ તે દુનિયાની સામે ખાસ આવતા નથી. કેતન સામયિક અને પુસ્તકોનાં છાપેલાં પાનાં પાછળની પ્રતિભા છે. પૈસા-પદ-પ્રતિષ્ઠાની પાછળ દોડવાને બદલે જીવ નિચોવીને કામ કરવામાં ઇતિકર્તવ્ય માનનારાં કેટલાંક ઉજળાં યુવક-યુવતીઓ ગુજરાતમાં આપણી આજુબાજુ છે તેમાં સંપાદનનો કીમિયાગર કેતન પણ છે. તેને દિલ્હીની ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ અને ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ દ્વારા યુવા પત્રકારોને આપવામાં આવતું કાકાસાહેબ કાલેલકર સન્માન (૩૧-૧૨) મળ્યું તેનો આનંદ છે. સાથે, ખુદને બાજુ પર રાખી દેવાની માંગ કરતી સંપાદકીય કામગીરી ખૂબ નિષ્ઠા અને નિસબતથી બજાવનાર આ સાલસ યુવાન પાસે મૌલિક પ્રદાનની અપેક્ષા રહે છે.

ઉત્તમના આગ્રહી કેતને સામયિક અને ગ્રંથપ્રકાશનનાં ક્ષેત્રોમાં સામગ્રી-સંપાદન (કન્ટેન્ટ એડિટિંગ), પ્રત-સંપાદન (કૉપી એડિટિંગ), પુસ્તકનિર્માણ(બુક પ્રોડક્શન)માં અભ્યાસીઓએ જેની નોંધ લેવી જોઈએ અને લેખકોએ જેનો લાભ લેવો જોઈ એવી કામગીરી કરી છે. તેમાં  ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, લેખનપદ્ધતિ, સજાવટ, કમ્પ્યુટર-કસબ, મુદ્રણતંત્ર જેવી અનેક બાબતોમાં કેતનનાં રસ-રુચિ-અભ્યાસનો અંદાજ મળતો રહે છે. પુસ્તકોના સંપાદક તરીકે ત્રણ દળદાર સંગ્રાહ્ય સ્મૃિતગ્રંથો તેની પાસેથી મળે છે – ‘ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ’ (૨૦૧૨), ‘નીડર પત્રકાર, સંપૂર્ણ પરિવારજન : તુષાર ભટ્ટ’ (૨૦૧૪) અને ‘અગ્નિપુષ્પ : ચુનીભાઈ વૈદ્ય સ્મૃિતગ્રંથ’ (૨૦૧૫). આ ગ્રંથો તેના નાયકોના જીવનકાર્યનો લગભગ સર્વસંગ્રહ બને છે.

ચુનીકાકાનો શ્રદ્ધાંજલિ ગ્રંથ તો કેતન વિના બહાર ન પડી શક્યો હોત એમ એ ગ્રંથના પ્રકાશન સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે કહી શકું છું. એકાદ અઠવાડિયું તો એના કામનો રોજનો સાક્ષી રહ્યો છું, એને ચુનીકાકાના ગ્રંથનો જાણે લગભગ નશો થઈ ગયો હતો! આ ગ્રંથરત્નમાં એક વિભાગ ચુનીકાકાએ તેમના સંગઠન ‘ગુજરાત લોકસમિતિ’ના મુખપત્ર ‘લોકસ્વરાજ’માં લખેલા લેખોમાંથી ચૂંટેલા લેખોનો છે. તે લેખોની તારવણી માટે કેતન તેના ત્રેવીસેક વર્ષના અંકોમાંથી પસાર થયો હતો એટલું જ નહીં પણ એક લઘુશોધનિબંધ માટે કરે એટલો અભ્યાસ પણ એણે કર્યો હતો. ગ્રંથના છેલ્લા તબક્કામાં કામમાં એકાગ્રતા રહે અને સમય બચે એ માટે છેલ્લાં પંદરેક દિવસ ગૂજરાત વિદ્યાપીઠના સહયોગ છાત્રાલયમાં રહ્યો હતો. ચુનીકાકા પરના ગ્રંથના કામ દરમિયાન અનેક વાતો થતી. તેમાં સ્મૃિતગ્રંથોના સંપાદનની એની આગવી સમજ જોવા મળતી. ચરિત્રનાયકોનાં વ્યક્તિત્વ, જીવનકાર્ય અને પુસ્તકની સાઇઝનો સંબંધ એ બતાવતો. ફોન્ટ સાઈઝ અને ફોન્ટ નેચર, લેઆઉટ, કાગળની પસંદગીમાં તેની જાડાઈ અને રંગ, પુસ્તકની બાંધણીના પ્રકાર જેવાં અનેક પાસાં સમજાવતો ત્યારે તે પુસ્તકની નહીં પણ માણસની વાત કરતો હોય તેવું લાગતું. આમ પણ કેતન પુસ્તકના કે સામયિકના સંપાદન-નિર્માણના કામ કરતી વખતે ભારે ઉલ્લાસમાં હોય છે તેવી જ રીતે એના વિશે બોલતી વખતે પણ પૂરબહારમાં હોય છે!

પ્રત-સંપાદકનું એટલે કે કૉપી એડિટરનું કામ અને તેનું મહત્ત્વ આપણે ત્યાં પ્રકાશનમાં ઓછું સમજાયું છે. કેતન ઉપરાંત તે કોઈ કરતું નથી એવું નથી, પણ કેતનના કામને કારણે તેની પર ધ્યાન ખેંચાયું. તેને સ્વીકૃતિ મળવાની શરૂઆત થઈ તે વિજયસિંહ પરમારના ‘પીડ પરાઈ જાણે રે’ (૨૦૧૩) પુસ્તકના પ્રકાશનથી. સેવાભાવી ડૉક્ટર અને મહુવા લોકઆંદોલનના નેતા ડૉ. કનુભાઈ કળસરિયાના જીવનપ્રસંગો પરના આ પુસ્તકની હસ્તપ્રતમાંથી પસાર થવાનું બન્યું છે એટલે કેતને તેને કેટલું અને કેવું મઠાર્યું છે તેની બરાબર ખબર છે. સમાજશાસ્ત્રના અધ્યાપક ગૌરાંગ જાનીએ તેમના લેખસંગ્રહ  ‘વિદ્યા વધે એવી આશે’(૨૦૧૫)માં પ્રત-સંપાદક તરીકે ઇમ્પ્રિન્ટ પેઇજ પર  કેતનના નામનો ખાસ ઉલ્લેખ કર્યો છે. તે પુસ્તકના પ્રકાશન સમારંભમાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વના અધ્યાપક અશ્વિનકુમારે પ્રત-સંપાદકના મહત્ત્વ અને કેતનના કૌશલ્યને શ્રોતાઓ સામે મૂકી આપ્યું હતું. કેતનની સૂઝ કાગળની પસંદગી અને પાનાંની ડિઝાઇનમાં દેખાય જ છે, પણ આ પુસ્તકનાં અવકાશપૂરકો તેની મોટી સંપત્તિ છે. કેતને દરેક લેખને અનુરૂપ અવતરણો તેના સ્રોત સાથે મૂક્યાં છે. આ સ્રોત મોટેભાગે પુસ્તકો છે અને કેતન જાણતલ પુસ્તકપ્રેમી છે. તેની સાખ આમ તો ‘नवजीवनનો અક્ષરદેહ’ના દરેક અંક પૂરે છે, પણ તે ખાસ ખીલ્યો છે તે ‘નવજીવનનો અક્ષરદેહ’ના ગાંધી અને કળા, પુસ્તકપરિચય, સ્વરાજ્ય, કાકાસાહેબ પ્રસ્તાવના અંક જેવા વિશેષાંકોમાં. અહીં ગ્રામલક્ષી પાક્ષિક ‘ગ્રામગર્જના’ના પહેલી જૂન, ૨૦૧૬ના ‘ગ્રામસ્વરાજ કેન્દ્રિત પુસ્તક પરિચય વિશેષાંક’નો ઉલ્લેખ પણ કરવો જોઈએ. તેનો અતિથિ સંપાદક કેતન છે. તેમાં બાવીસ ગ્રામલક્ષી પુસ્તકોનો તેમનાં મુખપૃષ્ઠની નાની છબિ સાથે સરેરાશ  બસો શબ્દોમાં લખાયેલો ટૂંકો પરિચય મળે છે. સાથે મનને આકર્ષે તેવાં ઇઠોતેર પુસ્તકોની નામાવલિઓ છ જગ્યાએ અવકાશપૂરકો તરીકે મૂકવામાં આવી છે. ગાંધી, ગામડું અને ગ્રંથ-આ તેની ત્રણ પ્રિય બાબતોને સાથે મૂકતો અંક નજીવા પુરસ્કારથી બનાવતી વખતે કેતનનો ઉમળકો સ્પર્શી જાય તેવો હતો.

ગાંધીવિચાર અને પર્યાવરણને લગતી સ્વૈચ્છિક સંસ્થા ‘હિન્દ સ્વરાજ મંડળ’માં દોઢેક વર્ષની કામગીરી દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છની આઠ ઉત્તર બુનિયાદી શાળામાં ફીલ્ડ વર્કનો અનુભવ પણ કેતને લીધો છે. ચરખા વિશે તેમણે કરેલું સંશોધન ‘ખાદીયાત્રા : ૧૮૫૭ થી ૨૦૧૦’  ગુજરાતમાં પાંચ વર્ષ પહેલાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના ખાદી ઉત્સવના થીમ પેવેલિયનમાં રજૂ કરાયું હતું. પછી તે પાંચ વર્ષના વધુ સંશોધન ઉમેરા સાથે ‘नवजीवनનો અક્ષરદેહ’(સપ્ટે, ૨૦૧૫)માં પ્રસિદ્ધ થયું. ‘જલસેવા’, ‘વલોણું’, અને ‘સારા સમાચાર’ પત્રિકાઓનું સંપાદન કેતને કર્યું છે. ‘દિવ્ય ભાસ્કર’માં ન્યુઝપેપર ડેસ્કનો અનુભવ મેળવ્યો છે. ‘અભિયાન’ના પત્રકાર તરીકે તેણે ચોવીસ મહિનામાં સો જેટલી સ્ટોરીઝ અને ફીચર્સ લખ્યાં છે.

કેતન અત્યારે નડિયાદમાં આ વર્ષે શરૂ થયેલી અમૃત મોદી કૉલેજ ઑફ માસ કમ્યૂિનકેશનમાં પત્રકારત્વ ભણાવે છે. આ કૉલેજ નડિયાદની સૂરજબા મહિલા કૉલેજના સમર્પિત આચાર્ય હસિત મહેતા અને વિચક્ષણ પત્રકાર ઉર્વીશ કોઠારીએ ગુજરાતમાં સારા પત્રકારો ઊભા કરવાના આશયથી શરૂ કરી છે. પસંદગીનાં ઊંચાં ધોરણો અને બહોળો લોકસંપર્ક ધરાવનાર આ બંનેને પત્રકારત્વના અભ્યાસક્રમને સંભાળવા માટે સહુથી યોગ્ય જે બે વ્યક્તિઓ લાગી તેમાંથી એક તે  કેતન. ‘નિરીક્ષક’ માટે પ્રકાશભાઈ પણ એને જ પસંદ કરે છે. આવા કેટલાયનો કેતન માનીતો છે. બધાને એના કામથી સંતોષ જ નહીં પણ ખુશી હોય છે. કેતન પોતે ય હંમેશાં ખુશ દેખાય છે. તેનામાં માયૂસી ભાગ્યે જ દેખાઈ છે. મોટે ભાગે એ તાજગી અને તરવરાટથી છલકાતો હોય છે.

ગુજરાત કૉલેજમાંથી બી.એસસી. થનાર કેતન અમદાવાદ આવ્યો તે વીરમગામથી. ‘ભારતમાં ગાંધીજીની સહુ પ્રથમ લડત વાયા વીરમગામ’ થઈ હતી એવું સાબિત કરતો લેખ પણ એણે લખ્યો છે. ગાંની વિદ્યાપીઠમાંપત્રકારત્વનું ભણ્યો. તેના અનુસ્નાતકમાં ઉચ્ચ શિક્ષણના માસિક ‘દૃષ્ટિ’ (અત્યારે ‘અભિદૃષ્ટિ’) પર લઘુ શોધ નિબંધ લખ્યો (પછી તેમાં એ સંપાદન સહાયક પણ બન્યો). એમ.ફિલ.ની પદવી માટેનું  સંશોધન ‘હરિજનબંધુ’ પત્રિકામાં પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણ વિચાર વિષય પર કર્યું. સજ્જતા વધારતો ગયો. આજીવિકા માટે એક પછી એક એસાઇનમેન્ટસ મેળવતો ગયો. પણ કામની પસંદગીમાં બાંધછોડ ભાગ્યે જ કરી. ખોટું કે વરવું કરવાનો તો પ્રશ્ન જ નથી. અમદાવાદમાં ગોઠવાયો છે. (મહેનતથી ધોરણસરનું કમાય છે.) જરૂરિયાત છે, પણ અસંતોષ અને અભરખા નહીં. લગભગ બધું આપબળે કરે છે. નમ્રતાપૂર્વક શીખતો રહે છે, અથાક મહેનતથી, સમયના સદુપયોગથી એકથી એક રૂડાં કામ કરતો જાય છે. એનામાં આત્મવિશ્વાસ છે, પણ અભિનિવેશ નથી, અખૂટ આવડત છે પણ આપવડાઈ નથી. મિત્રો એને કેતન રૂપાળા પણ કહે છે, એ માત્ર એના દેખાવને લીધે જ નહીં!

હમણાં કેતને સંપાદિત કરેલો કાકાસાહેબ કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક એક મુસાફરીમાં વાંચતો હતો. ‘ઍબ્રાહમ લિંકનની જીવનસાધના’  વિશે કાલેલકરે  લખેલી વાત –  અલબત્ત મર્યાદિત અર્થમાં  –  કેતનની બાબતમાં પણ મને બંધબેસતી લાગી : ‘ જે કોઈ ચોપડી હાથમાં આવે તે ધ્યાનથી વાંચી જવી, જે કાંઈ પરિસ્થિતિ આસપાસ ગોઠવાયેલી હોય તેનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરવો અને પોતાના પ્રયત્ન વડે, ઉત્તમોત્તમ ચારિત્ર્ય વડે આગળ વધતા જવું …’

૨૬  ડિસેમ્બર ૨૦૧૬

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2017; પૃ. 15-16

Loading

3 January 2017 admin
← આ પ્રવાસનું ફર્સ્ટ હેન્ડ વર્ણન
કેશલેસ : પૈસા જ્યારે પૈસા નહીં, પ્રાઇવસીનો અધિકાર સ્ટેમ્પ હોય →

Search by

Opinion

  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved