કચ્છ જિલ્લામાં વીજળીકરણ થયું ન હતું ત્યારે, આજથી ચાર દાયકાપૂર્વે, ચર્મોદ્યોગ ખૂબ જ ધીકતો હતો. ગામડે-ગામડે એના કુશળ કારીગરો હતા. ચામડાંમાંથી વિવિધ પ્રકારની અનેક બનાવટો બનતી હતી એ સમયે, ગામડાંઓમાં પશુધન વધુ પ્રમાણમાં હોવાથી મૃતક ઢોરોનાં ચામડાં ઉતારી મીઠાનાં પાણીની ભરેલી કુંડીમાં ડુબાડીને અને બાવળની છોડીથી સાફ કરી રોગાન કરી તડકામાં સૂકાવીને વેચાણ કરતા હતા. આમ, ચામડાંનો ગૃહઉદ્યોગ ધમધમતો હતો.
બકરાનું ચામડું પાતળું હોતાં એનો ઉપયોગ વાદ્યસાધનો ઢોલ, નગારાં, તબલાં, ખંજરી, તંબૂરો મઢવામાં આવતો હતો.
ચામડાનો ઉપયોગ જ કેમ?
ચામડું વજનમાં હલકું, સુંવાળું, ઠંડું, ટકાઉ ઉપરાંત સહેલાઈથી પ્રાપ્ત થતું હતું. જેથી સર્વત્ર એનો ગૃહઉદ્યોગ ફૂલ્યોફાલ્યો હતો. સીવવામાં, કોતરવામાં, વાળવામાં પણ સહેલું હોતાં એનો ઠેરઠેર ઉપયોગ કરવામાં આવતો.
કચ્છ-કાઠિયાવાડમાં ચામડું પકવતા નથી
ત્રણ પેઢીના જૂના ચામડાના વિક્રેતા બળવંતભાઈ ઝાલાએ માહિતી આપતાં જણાવ્યું કે બે દાયકાથી કચ્છ કાઠિયાવાડમાં ચામડું પકવવાની પ્રક્રિયા સદંતર બંધ થઈ જતાં અને ચેન્નાઈમાં ચામડાંની મોટી બજાર હોઈ ત્યાંથી ચામડું મગાવવું પડે છે. આ ચામડું રૂ. ૩૫૦ કિલોના ભાવે વેચાય છે. પણ આટલું મોંઘું ચામડું પોષાતું નથી એટલે હવે ચર્મકારો બૂટ-ચપ્પલ બનાવતા નથી બજારમાં પ્લાસ્ટિક અને રેક્ઝિનનાં બૂટ ચપ્પલ સસ્તાં વેચાઈ રહ્યાં છે. ચામડાંની વિદેશમાં નિકાસ થાય છે. આથી દેશને કરોડોનું હૂંડિયામણ મળે છે. ઘરના કારીગરો બેકાર બની ગયા છે.
ખેડૂતો સૌથી વધુ ઉપયોગ કરતા
એ સમયે કૂવામાંથી પાણી ઉલેચવા મોટરપંપ ન હતા, જેથી ખેતી માટે કૂવામાંથી પાણી બહાર કાઢવા ચામડાના આઠ ફૂટ મોટા કોસનો ઉપયોગ થયો હોઈ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાધન હતું. બળદને ગાડામાં જોડવા માટે જોતર પણ ચામડાંમાંથી બનતાં, જેથી એના ચામડાની ખપત વધુ રહેતાં એની બનાવટના ખાસ કારીગરોની માંગ રહેતી.
ઘોડા પર બેસવાના આસનમાં પણ ચામડું
એ જમાનામાં ઘોડા મારફતે પરિવહન થતું હતું, જેથી ઘોડાના જીન (ઉપર બેસવાનું આસન) તેમ જ જોગાણ (દાણા ખવડાવવાની કોથળી) પગનાં પેડ, મોયડો અને રાસ (લગામ) ચામડાંમાંથી બનાવવામાં આવતાં, જેથી એના ખાસ કારીગરો હતા.
જીવનજરૂરિયાતમાં ચામડાંની બનાવટો
રબારી તેલ, ઘી, પાણીના સંગ્રહ માટે એક મોઢાવાળી ચામડાની ધભ્ભી (કોથળી) વાપરતાં જે ઊંટ પર બંને બાજુ સમતોલ, સલામત બાંધી શકાય, તો લુહારની ધમણ, સિલાઈ મશીનના પટ્ટા, કટારની મ્યાન, વાળંદનો અસ્ત્રો ઘસવાનો પટ્ટો, સાઇકલની સીટ, પ્રાઇમસમાં હવા ભરવાના પંપનાં વાઇસર, ફૂટવાલની જીસ્સી, ડૉક્ટરબૅગ, સૂટકેસ, મનીપર્સ, ટપાલખાતામાં રૂપિયાની હેરાફેરી માટે બૅગ, ટપાલી અને પોલીસનાં સેન્ડલ વગેરે વિવિધ બનાવટોમાં ચામડાંનો ઉપયોગ વ્યાપક હતો. બૂટ, ચપ્પલ, કમ્મરપટ્ટા ચામડામાંથી બનતા હતા.
ધર્મમાં ચામડાં પર પ્રતિબંધ
મૃતક ઢોરનાં ચર્મને અશુભ માનવામાં આવતું હોઈ ધર્મકાર્યોમાં વપરાશ માટે નિષેધ છે. સંતો, મહંતો એનાં બુટ-ચપ્પલ પહેરતા નથી. જીવદયામાં માનનારો વર્ગ ચામડાંની વસ્તુ વાપરતો નથી.
કલાને જીવંત રાખી છે
વડીલોપાર્જિત ચર્મકલાને ટકાવી રાખવા જમાના પ્રમાણે પરિવર્તન લાવીને દેશવિદેશમાં કચ્છની ચર્મકલાને પ્રખ્યાતિ અપાવનાર હોડકોન નૅશનલ ઍવૉર્ડ પ્રાપ્ત ચર્મકાર ભસરભાઈ ભૂરા મારવાડા તેમ જ ગુજરાત હરિયાણા રાજ્યનો ઍવૉર્ડ પ્રાપ્ત કરનારા સુમાર ભૂરા મારવાડા આ ઉદ્યોગમાં ભરત ભરેલી મોજડી, પંખા, લેટરબોક્સ, વૉલપીસ, નાના ભૂંગા, મોબાઇલ કવર, મઢેલા અરીસા જેવી અનેક વસ્તુઓ બનાવતા છ ભાઈનો પરિવાર આ કલામાં માહિર છે. એમ ને વેચાણ કે માર્કેટ માટે ક્યાં ય જવાની જરૂર પડતી નથી. રણોત્સવમાં કે પ્રવાસીઓ દ્વારા જ આ વસ્તુઓ ખરીદાઈ જાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; પૃ. 05