Opinion Magazine
Number of visits: 10,347,647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સચિવાલયમાં માણસાઈ સિવાય બધું જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 November 2026

ગયા મંગળવારે બીજા ચારેક મિત્રો સાથે સચિવાલય જવાનું થયું. આમ તો અગાઉ પણ સચિવાલય ગયો છું, પણ આ વખતનો હેતુ જુદો હતો. હું વર્ષોથી અન્ય વિષય ઉપરાંત શિક્ષણ વિષયક લેખો સ્પષ્ટતાથી લખતો રહ્યો છું. એના કેટલાક મુદ્દાઓ સાથે એક આવેદનપત્ર શિક્ષણ મંત્રીશ્રીને આપવાની ગણતરી સાથે અમે સચિવાલયના પ્રવેશ દ્વારે પહોંચ્યા. અગાઉથી અમને મંગળવારનો સમય આપ્યો હતો એટલે તે મુજબ સુરતથી ગાંધીનગર પહોંચ્યા. અમારી ઇચ્છા મંત્રીશ્રી સાથે સંવાદ કરવાની અને આવેદનપત્ર આપવાની જ હતી.

પ્રવેશ દ્વાર આગળ ખબર પડી કે પાસ લેવો ફરજિયાત છે. એને માટે ત્યાં લાઈનમાં ઊભા રહેવાનું હતું. એકાદને બાદ કરતાં અમે સૌ સિનિયર સિટીઝન્સ હતા. ત્યાં વયસ્કો અને મહિલાઓ માટે જુદી લાઈન હતી, પણ સિનિયર્સે પણ લાઈનમાં ઊભા રહેવું ફરજિયાત હતું. એક તરફ સિનિયર્સ માટે સરકાર અનેક સુવિધાઓ પૂરી પાડે છે, પણ સચિવાલય જનાર રાતોરાત યુવાન થઈ જાય એ રીતે સિનિયર્સ માટે લાઈનમાં ઊભા રહેવાનું ફરજિયાત કર્યું હોય તો એ ઠીક નથી. જે 80ની ઉપર હોય તેણે સચિવાલય જવું હોય તો, આવા અશક્ત માણસોને લાઈનમાં ઊભા રાખવાનો આગ્રહ રખાવો ન જોઈએ. સિનિયર્સ સચિવાલય સુધી ફરવા જતા હોય એવું નથી. બને ત્યાં સુધી કોઈ જ સરકાર સુધી પહોંચવા તૈયાર હોતું નથી. કોઈ જ રસ્તો ન બચે તો સિનિયર્સ નાછૂટકે સચિવાલયને દરવાજે પહોંચે છે. તેમને આમ લાઈનમાં ઊભા રાખવાનું શરમજનક છે. કોઈ પણ રીતે સરકારે એવું વલણ અપનાવવું જોઈએ કે સિનિયર્સને લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે.

પ્રવેશદ્વાર પાસેની ઓફિસમાં જે તે કર્મચારીઓ ઊખડેલા મોં સાથે રોબોની જેમ સેવા આપી રહ્યા હતા. એ બધા નાછૂટકે કામ કરતા હોય એવા ભાવવિહીન ચહેરા સાથે ઉતાવળે કામ કરતા હતા. ત્યાં લાઈનમાં ઊભા રહ્યા પછી ખબર પડી કે આધાર કાર્ડ બતાવવો ફરજિયાત છે. કરમની કઠણાઈ એવી કે હું આધાર કાર્ડ વગર જ ગયેલો. આમ તો આધાર કાર્ડ સાથે જ રાખતો હતો, પણ હોસ્પિટલની સારવાર વખતે બધા કાર્ડ મારા દીકરાને આપેલા ને તે પાછા લેવાનું ભૂલી ગયેલો. મારો વારો આવે તે પહેલાં સાથી મિત્રે મોબાઈલમાંથી મારો આધાર શોધવાની કોશિશ કરી જોઈ, પણ બહુ ખોળવા છતાં મોબાઈલમાંથી કાર્ડ ન તે ન જ મળ્યો. આધાર કાર્ડ રાખવો ફરજિયાત નથી, અલબત્ત ! જરૂરી ખરો. એ જે હોય તે, મારું ઘોડું દશેરાને દિવસે જ ન દોડે એવી હાલત થઈ. હવે કરવું શું? એકાએક ખ્યાલ આવ્યો કે દીકરાને કહું કે આધાર કાર્ડનો ફોટો પાડીને તાત્કાલિક મોકલી આપે. થોડી જ સેકન્ડમાં આધાર કાર્ડના આગળ, પાછળના ફોટા વોટ્સએપ પર મોકલી દીધા. એ કાર્ડનો ફોટો બતાવ્યો તો કર્મચારીએ નન્નો ભણતા સાફ શબ્દોમાં ‘આ ન ચાલે’ – કહીને બીજા વૃદ્ધ તરફ નજર ઠેરવી.

મારી સમજાવટનો કોઇ અર્થ ના હતો. એ કર્મચારીઓ તો ડેટા ફીડ કર્યો હોય એમ યાંત્રિક રીતે જ જવાબ આપતા હતા, પણ આધાર કાર્ડ માટે મોબાઈલમાં મોકલેલો ફોટો વેલીડ ન ગણાય એ આઘાતજનક છે. એક તરફ સરકાર જ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની હિમાયત કરતી હોય તો મોબાઈલમાં આવેલો કાર્ડ, કાર્ડમાં દેખાતો ફોટો, એમાં દેખાતો નંબર વેલીડ ન ગણાય તે અક્કલનું દેવાળું ફૂંકવા બરાબર છે. જેણે પણ હાર્ડ કોપી જોવાનું ફાઈનલ કર્યું હોય તેણે ડિજિટલ કાર્ડને પણ વેલીડ ગણવા જોઈએ. આ ફેરફાર તાત્કાલિક અસરથી થવો જોઈએ. તે એટલે પણ કે મંત્રીને મળવા નીકળેલ કોઈ સિનિયર મહેનત કરીને જેમ તેમ સચિવાલય સુધી પહોંચ્યો હોય ને તેને માત્ર આધાર ન હોવાથી પાછો કાઢવાનું કોઈ રીતે યોગ્ય નથી, તે પણ સરકારની આગોતરી મંજૂરી મેળવી હોય ત્યારે આધાર કાર્ડનો, ને તે પણ હાર્ડ કોપીનો જ આગ્રહ રાખવો એ અમાનવીય છે. એ નિયમ હોય તો તે પણ બદલાવો જોઈએ. નિયમને જડતાપૂર્વક વળગી રહેવા કરતાં, સરકારની મંજૂરી મેળવી હોય તેવી કોઈ પણ વ્યક્તિ સચિવાલયથી પાછી ન જાય એટલી દરકાર સરકારે રાખવી જોઈએ.

ખેર, હું તો સિક્યુરિટીની નજર ચૂકવીને સચિવાલયમાં પ્રવેશ્યો ને ખૂબ ચાલ્યા પછી શિક્ષણ મંત્રીની ઓફિસ સુધી, અન્ય મિત્રોની મદદથી પાહોંચ્યો. ત્યાં થોડીવાર રાહ જોવાનું થયું ને પછી અમારા નામની બૂમ પડી. અમે થોડું ચાલીને મંત્રીશ્રીની ઓફિસ સુધી પહોંચ્યા. અમે ખુરશી પર બેઠા ન બેઠા ત્યાં તો અમને બોલાવવામાં આવ્યા. અમારામાંના એક વડીલે ‘આવેદનપત્ર આપવા આવ્યા છીએ’ એનો ખુલાસો કર્યો ને આવેદનપત્રની એક નકલ મંત્રીશ્રીને આપી.

મંત્રીશ્રીએ આવેદનપત્ર વાંચવા લીધું. અમે પાંચ જણા પાંડવોની જેમ નિરાધાર ઊભા હતા. સારું એ બન્યું કે મંત્રીશ્રીએ આવેદન આખું વાંચ્યું. જરૂર જણાઈ ત્યાં આવેદનપત્રમાં પેનથી નિશાનીઓ કરી ને નીચે લીટીઓ ય કરી. ક્યાંક એકાદ શબ્દ લખ્યો ને બારેક મિનિટ પછી તેમણે કહ્યું, સારું. અમે કહ્યું કે શિક્ષણ પાછળ બહુ ઓછો ખર્ચ થાય છે. જી.ડી.પી.નો 6 ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની માંગ કરી, જેથી આડેધડ થતું ખાનગી કારણ રોકી શકાય. કેટલા ય વખતથી જી.ડી.પી.નો 6 ટકા હિસ્સો ખર્ચવાની વાત થાય છે, પરંતુ એ ખર્ચ દોઢ બે ટકાથી આગળ જતો નથી. શિક્ષકોની કાયમી ભરતી કરવાનો ને કામચલાઉ નિમણૂકો ન આપવાનો મુદ્દો પણ છેડ્યો. મંત્રીશ્રીએ હકારાત્મક ડોકું ધૂણાવી અમને વિદાય આપી.

અમે સાહેબની ઓફિસ છોડી ત્યારે બે ભાવ અમારા મનમાં હતા. એક તો સાહેબે આખું આવેદનપત્ર વાંચ્યું તેનો સતોષ હતો ને દુ:ખદ એ હતું કે મંત્રીશ્રીની સામે અમે પાંચ જણા માંગનારાઓની જેમ ઊભા હતા, પણ સાહેબે એટલો વિવેક પણ ન દાખવ્યો કે અમને સામેની ખુરશીમાં બેસવાનું કહે. અમે બધા જ સિનિયર્સ હતા ને બાર પંદર મિનિટ ઊભા રહેવું અમારે માટે સરળ ન હતું. ગમે એટલા કામમાં જ કેમ ન હોય અમને બેસવાનું કહેવા જેટલો વિવેક તો મંત્રીશ્રી દાખવી જ શક્યા હોત, પણ વિવેકની ઊણપ જણાઈ.

ખબર નથી પડતી કે સરકારમાં મંત્રીશ્રીઓ ને તેમની હાથ નીચેના અધિકારીઓનાં ચહેરાઓ એકદમ રુક્ષ, નિર્લેપ કે નિષ્ઠુર કેમ થઈ જાય છે? આ લોકો ઘરમાં પણ આમ જ રહેતાં હશે? તો ઘરની સ્ત્રીઓ, બાળકોની હાલત શી થતી હશે? કે આ ભાવવિહીન ચહેરાઓનું મહોરું ઓફિસો પૂરતું જ સીમિત હશે? એવું હોય તો તેમ કરવાની જરૂર શી પડતી હશે? જ્યાં પણ હોય, બધે જ માનવ સહજ સ્વભાવ દાખવવાનું એટલું મોંઘુ ન બનવું જોઈએ કે પ્રેમનો તો ઠીક, નફરતનો ય સંબંધ ન રહે. સાહેબોને એ ખ્યાલ રહેવો જ જોઈએ કે સામે ઊભેલો માણસ પણ માણસ છે ને તેને સતત અવગણનાનો અનુભવ ન કરાવાય. એટલું પણ સમજાવું જોઈએ કે અન્ય સંજોગો ન હોય ને કોઈ રાજકીય વગ ન હોય તો કોઈ મંત્રી સુધી પહોંચવા ઉત્સુક નથી હોતું. તેમાં મંત્રીશ્રીની હાથ નીચેની ઓફિસોમાં તો હાલત બદથી બદતર હોય છે. એમને એ ખ્યાલ જ નથી હોતો કે સામે ઊભેલી વ્યક્તિ પણ માન મોભો ધરાવતી હોય છે. ઘરેથી મંત્રીશ્રીની ઓફિસ સુધી પહોંચતામાં અનેક મુશ્કેલીઓ મુલાકાતીએ વેઠી હોય, તેને સજાની જેમ સમય આપવો હિંસા જ છે. કોઈને પણ, કંઇ પણ કહ્યા વગર, આંગળી પણ અડાડ્યા વગર અપમાનિત કરી શકાય છે. કમ સે કમ સિનિયર્સ તો આવાં અપમાનથી બચેલા રહેવા જોઈએ.

સરકારમાં અને સરકારી સંસ્થાઓમાં સાધારણ માણસ પ્રવેશી શકે એવું વાતાવરણ જ નથી. આધારકાર્ડના બંને બાજુના ફોટા મોબાઈલમાં બતાવ્યા છતાં વેલીડ ન ગણાય એ પદ્ધતિ તાત્કાલિક અસરથી નાબૂદ થવી જોઈએ. એ પણ દુ:ખદ છે કે સચિવાલયની બહાર સિનિયર્સે પાસ લેવા લાઈનમાં ઊભા રહેવું પડે. એ સ્થિતિ પણ બદલાવી જોઈએ. ગમે તે કક્ષાના જ મંત્રી કે અધિકારી કેમ ન હોય, સામે ઊભેલી વ્યક્તિનું માન જળવાય એટલું ધ્યાન તો અપાવું જ જોઈએ.

સરકાર આટલું ધ્યાન આપી શકશે, ખરી?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 નવેમ્બર 2026

Loading

6 November 2026 Vipool Kalyani
← જેન ઝી નવપડાવ અને રામલીલા પર્વ : પ્રતિરોધની રાજનીતિ વિકલ્પ ભણી 

Search by

Opinion

  • જેન ઝી નવપડાવ અને રામલીલા પર્વ : પ્રતિરોધની રાજનીતિ વિકલ્પ ભણી 
  • વીસમી એશિયન ગેમ્સની વ્યવસ્થા અને વર્તનના ખેલની કથા
  • લાખના ભજિયાં ને ખાખના કજિયા …
  • આપણાં પાયાનાં મૂલ્યો અને આંતરિક પડકારો
  • ‘ભલે !  ભલે !’ ભણકારા  હવે વાગશે !

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved