આપણે 15 ઓગસ્ટ, 1947ને રોજ સ્વતંત્ર થયા. એ દિવસે જુદી જુદી ચીજવસ્તુઓના ભાવ કૈંક આવા હતા. સોનાનો ભાવ 1 તોલા(10 ગ્રામ)નો 88.62 રૂપિયા હતો. આજે લગભગ 1.55 લાખ દસ ગ્રામનો ભાવ છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ 106 રૂપિયા હતો. તેનો ભાવ ઘણો તૂટ્યો છે ને સોનું 44.00૦ સુધી નીચે આવ્યું છે. કમાલ એ છે કે સોનાચાંદીનો ભાવ તૂટી રહ્યો છે ને કાંદા-બટાકાના ભાવ વધી રહ્યા છે. સામાન્ય માણસને સોનું સસ્તું થાય એમાં નહીં, પણ શાકભાજી ને દાળચોખા સસ્તાં થાય એમાં રસ છે. ખાંડનો ભાવ કિલોના 40 પૈસા હતો. તે હવે 50ની નજીકના ભાવે વેચાય છે. દેશી ઘી કિલોગ્રામના લગભગ 2.50 ભાવ હતો, તે આજે લગભગ 1.200ના ભાવે વેચાય છે. ચોખા તથા ઘઉં કિલોગ્રામના 10થી 25 પૈસા હતા તે હવે 50થી 60 રૂપિયે કિલો મળે છે. દૂધ લીટરના 12 પૈસા હતું. તે હવે 68 રૂ. પ્રતિ લીટર મળે છે. બટાકા 10થી 25 પૈસા ભાવ હતો, તે આજે 20 કિલોના 309ની આસપાસ છે. એ જ રીતે કાંદાનો ભાવ 50 થી 60 સુધી ગયો છે ને લીંબુ તો કિલોના 300 રૂપિયા બોલે છે. પેટ્રોલ લીટરના 25 પૈસે મળતું હતું તે હવે 92-104નાં ભાવે મળે છે. ત્રીજા વર્ગનું રેલવેનું ભાડું ત્રણેક આનાથી વધુ ન હતું. તે વખતે મુંબઈ-દિલ્હીનું ભાડું 123 રૂપિયા હતું જે આજે ફર્સ્ટ ક્લાસ ACનું 4,800-5,200રૂ. છે. સિનેમાની ટિકિટ 30થી 40 પૈસા હતી, તે સેંકડોના ભાવે વેચાય છે.(1947માં ચલણ આના, પાઈ, પાવલી, અડધો રૂપિયો અને એક રૂપિયો એવું હતું.)
તે સમયે લોકોની આવક ઘણી ઓછી હતી. એટલે આ ભાવ ત્યારે પણ મોંઘાં જ લાગતા હતા. ભારત સ્વતંત્ર થયું તે વખતે માથા દીઠ આવક (PER CAPITA INCOME) 250થી 274 જેટલી હતી. તે વખતની મહિનાની આવક માત્ર 20થી 25 રૂપિયા હતી. સરકારી કર્મચરીઓનો પગાર 55 રૂપિયા હતો જેમાં 25 તો મોંઘવારી ભથ્થું હતું. મંત્રીઓનો પગાર મહિનાનો 2.000 હતો. તે પણ કરમુક્ત ! તે વખતનો મહત્તમ પગાર જ 2,000 હતો.
હવે એવી પરિસ્થિતિ છે કે લાખ રૂ. માસિક પગાર હોય તો પણ જીવવાના ફાંફા પડી જાય છે. પાંચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી સૌથી વધુ છે. જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં 11.39 ટકા થઈ છે, જે ઓગસ્ટમાં 9.92 ટકા હતી. જથ્થાબંધ મોંઘવારી વધવાના કારણોમાં ખાદ્યપદાર્થ, ઇંધણ, વીજળી વગેરેના વધેલા ભાવ છે. ખાદ્યપદાર્થમાં ઓગસ્ટનો મોંઘવારી દર 7.05 હતો, તે સપ્ટેમ્બરમાં 8.66 ટકા નોંધાયો છે. એ જ રીતે ઇંધણ-વીજળીમાં ઓગસ્ટનો દર 22.93 ટકા હતો તે સપ્ટેમ્બરમાં 25.85 ટકાએ પહોંચ્યો છે. જથ્થાબંધ મોંઘવારી એટલે જે વસ્તુ 100માં મળતી હતી તે હવે 111.39માં મળે છે. રિટેલ મોંઘવારી પણ સપ્ટેમ્બરમાં 5.54 ટકા પર પહોંચી છે, જે ઓગસ્ટમાં 4.82 ટકા હતી. જથ્થાબંધ મોંઘવારીની અસર સામાન્ય માણસ સુધી પહોંચી છે. બધામાં જ વધેલા ભાવની ટકાવારી નાની હોય તો પણ એ બધાનો જ સરવાળો સામાન્ય માણસ પર પડે છે, એટલે તેનાથી મોંઘવારીની રાડ પડી જાય છે. બને છે એવું કે જથ્થાબંધ મોંઘવારીનો બોજ ઉત્પાદકો ગ્રાહકો પર નાખી દે છે, એટલે ઉપરથી આવતો વધારો નીચેના માણસ સુધી આવતા અસહ્ય થઈ પડે છે. સરકાર હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ(WPI)ને નિયંત્રિત કરી શકે છે, પણ WPIમાં ધાતુ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક જેવી ફેક્ટરી સાથે જોડાયેલી વસ્તુઓનો બોજ વધુ હોય છે. જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારીને ચૂકવે છે ને એનો પણ બોજ ગ્રાહકો સુધી વધતો આવે છે.
રિટેલ મોંઘવારી કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ(CPI)માં ગ્રાહકો દ્વારા ભાવ ચૂકવાય છે. સામાન્ય રીતે માંગ અને પુરવઠાનું અસંતુલન, તેમ જ તહેવારોની મોસમમાં રોજિંદી ચીજવસ્તુઓના અને ઇંધણના ભાવ વધારાથી મધ્યમ અને ગરીબ વર્ગની ખરીદશક્તિ ઘટી છે. ગરીબોને તો સરકાર મફત અનાજ આપે છે, પણ મધ્યમવર્ગને એવી કોઈ મદદ ન હોવાને કારણે તેને મોંઘવારીનો માર વધુ લાગે છે.
ક્યારેક ચમત્કારની જેમ ભાવ ઘટે છે, પણ રોજિંદી ચીજવસ્તુઓમાં કશાકનો ભાવ તો વધતો જ આવે છે ને તેની સામટી અસર મધ્યમ તેમ જ ગરીબ વર્ગને થાય છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે મોંઘવારી રાષ્ટ્રના વિકાસમાં બાધા બને છે. ખરીદશક્તિ ઘટવાને કારણે અર્થતંત્રની વૃદ્ધિ અવરોધાય છે. એથી ગરીબી અને બેરોજગારી વધે છે. આ સમસ્યાઓને નિવારવા સરકારે યોગ્ય નીતિઓ ઘડવાની રહે. કૃષિ અને ઉદ્યોગનાં ક્ષેત્રમાં વધુ સુધારાની જરૂર છે. કરવેરા અને નીતિઓ સુધરે તો મોંઘવારી ઘટી શકે, પણ સરકારનું વલણ વૈશ્વિક નીતિઓ તરફ વધુ છે, એટલે પણ મોંઘવારી તરફ ધ્યાન ઓછું જ છે. એ પણ ખરું કે જેટલી મોંઘવારી વધે છે, એટલું મોંઘવારી ભથ્થું વધતું નથી. એ સ્થિતિમાં મોંઘવારીને જ નિયંત્રિત કરવાની રહે. એ સમજી લેવાનું રહે કે રાષ્ટ્રનો વિકાસ એટલે ભારતનો વિકાસ. એ અમેરિકા કે ઇંગ્લેન્ડના વિકાસ સાથે બહુ સંબંધિત નથી. એ માટે તો ભારત તરફ જ સરકારે ધ્યાન આપવાનું રહે. વૈશ્વિક નામના વધે ને રાષ્ટ્રનો વિકાસ ખોખલો થવા લાગે તો મોડી વહેલી એની અસર સરકાર પર પણ પડે છે.
સાચું તો એ છે કે ફ્રાન્સમાં મોંઘવારીના મુદ્દે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. અનેક શહેરોમાં હિંસક જૂથો બેકાબૂ બન્યાં છે. તોડફોડ અને લૂંટને લીધે 1,200 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 150થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આવું બધું ભારતમાં પણ સામાન્ય થઇ પડ્યું છે તે. દુ:ખદ એ છે કે પ્રિન્ટ મીડિયા ભાવ વધારા સાથે ગ્રાહકની પણ સામે પડ્યું હોય એવું વાતાવરણ છે. ઘણીવાર તો એ જ નથી સમજાતું કે મીડિયા જાણ કરે છે કે આડકતરી રીતે સરકારને મોંઘવારી વધારવાની સૂચના આપે છે? તે ગ્રાહકોને આગોતરી વરદી આપે છે કે તેને ચેતવે છે? સમાચારોની જાહેરાત એવી રીતે થાય છે કે સરકારને મોંઘવારી વધારવાનું બહાનું મળી રહે. ઘણીવાર તો વહેમ પડે કે મીડિયા તો મોંઘવારી નથી વધારી રહ્યુંને ! એ એટલા ઉમંગથી મોંઘવારીના સમાચાર જનતા સમક્ષ મૂકે છે કે આઘાત લાગે. એની પણ કમાલ જ છે કે, ડુંગળી, લીંબું તો સસ્તા નહીં થાય, પણ મોંઘી ફ્લાઈટ સસ્તી થશે. મનમાની રીતે વસૂલાતાં ભાડાંને કન્ટ્રોલ કરવાના નવાં નિયમો અંગે સુપ્રીમ કોર્ટ પાસે પણ સરકારે વધામણી ખાધી છે.
બીજી તરફ ઓક્સફોર્ડ ઇકોનોમિક્સે દાવો કર્યો છે કે ભારતમાં નવેમ્બરમાં ઇંધણના ભાવ વધશે. મોંઘવારીમાં ઝડપથી વધારો થશે એવું પણ ચેતવણી રૂપે કહેવાય છે. મોંઘવારી દર ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં 6.2 ટકા ને 2027ના પ્રથમ ત્રિમાસિકમાં 6.5 ટકા સુધી વધી શકે છે. આવી આગાહીઓ વચ્ચે ભારતીય અર્થશાસ્ત્રીઓ દ્વારા કેળવાયેલું મૌન અકળ છે. અલબત્ત ! ભારતીય રિઝર્વ બેન્કે એ અનુમાન જરૂર કર્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર માટે મોંઘવારી દર 6 ટકા રહી શકે છે, પણ જાન્યુઆરી-માર્ચમાં ઘટીને 5.57 ટકા થઈ જશે. એ વાત જુદી છે કે આવતાં વર્ષમાં ઉત્તર પ્રદેશ, પંજાબ જેવાં સાતેક મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, એટલે ઈંધણનો ભાવ વધારતાં સરકારે સો વાર વિચાર કરવો પડશે. આમ છતાં સરકાર ઇંધણના ભાવ વધારશે, તો ચૂંટણીનાં પરિણામો માટે પણ તૈયારી રાખવી પડશે.
બધે બધું જ મોંઘું છે ત્યાં ભેળસેળ તો વધુ નફો મેળવવા ચાલ્યા જ કરે છે. એક જાણીતી બ્રાન્ડની બિસ્કિટમાં પશુઓને ખવડાવાતાં ભૂસાનો ઉપયોગ થયાની વાત બહાર આવી છે. એક દૂધની બ્રાન્ડમાં ડિટરજન્ટ મળ્યું છે. FSSAIએ ૩ કંપનીઓ સામે કેસ કર્યો છે.
મોંઘવારીનું એવું છે કે એ કોઈ પણ સમયમાં હતી ને હશે. સ્વતંત્રતા મળી એ સમયમાં લોકો ગરીબ હતા ને છે. દૂધઘીની નદીઓ ત્યારે પણ વહેતી ન હતી ને આજે તો વહેતી નથી જ ! ગરીબોને ત્યારે પણ ઘીદૂધ નસીબમાં ન હતા ને આજે પણ નથી. સૌથી વધુ ગરીબ તો સરકારમાં છે જે લાખો રૂપિયા પગાર-ભથ્થાં કરમુક્ત રીતે ખાવા છતાં સંસદની કેન્ટીનમાં સસ્તામાં સસ્તી કિંમતે ચા-નાસ્તા હોજરીમાં ઠાલવે છે. આપણને મોંઘવારી એટલી રાસ આવી ગઈ છે કે કંઇ વધતું ન હોય, તો પણ થોડે થોડે દિવસે મોંઘવારીના મણકા ફરતા રહે છે. લોકોને સહન કરવાની ટેવ પડી ગઈ છે. સરકાર કોઈ પણ હોય, તે મોંઘવારી માટે જ હોય છે. ખરેખર તો વિપક્ષોને ટકાવવા ભાવ વધે છે, જેથી સરકાર સામે બાથ ભીડી શકાય. સાચું તો એ છે કે કોઈને મોંઘવારી નડતી નથી. પેટ્રોલ મોંઘુ છે, પણ શો-રૂમમાંથી ગાડીઓ, સ્કૂટરો ઊપડે જ છે. ઘી મોંઘું છે, પણ મીઠાઈઓ હજાર બારસો રૂપિયે વેચાય જ છે. સસ્તામાં સસ્તું કંઇ હોય તો તે આંસુઓ છે, જે અમસ્તાં જ વહ્યાં કરે છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ઑક્ટોબર 2026
![]()

