વૈશંપાયન ઋષિ એણી પેરે બોલ્યા, ને સુણ જનમેજય રાય:
સંક્ષેપે તુજને સંભળાવું માણેક-પર્વ મહિમાય!
અહો! રાયજી સુણિયે!
દૂર દેશાવર ગામ જે, કરાંચી તેનું નામ,
બાળક બાર વરસ તણો દાદા કેરે ઠામ.
બેસી રોજ થડા પરે, કરતો નવલાં કામ,
કરતો નવલાં કામ, ગણવાં મૂકી દામ,
લખતો નિત નિત દોહરા, ઈશ્વરનું લઈ નામ.
અહો વાચકજી! વાંચીયે!

કરસનદાસ માણેક
દૂર દેશાવરના કરાંચી શહેરમાં દાદાની પેઢીના થડા પર બેસીને બાળવયે પ્રભુભક્તિના દોહરા લખનાર આ છોકરાનો જન્મ ર૮મી નવેમ્બર ૧૯૦૧. આ વરસે તેના જન્મને ૧૨૫ વરસ પૂરાં થશે. નામે કરસનદાસ, અવટંકે માણેક. ૫૭ વરસની ઉમ્મરે ‘મધ્યાહ્ન’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે તેની પ્રસ્તાવનામાં માણેકે લખેલું, “અગિયારેક વરસની ઉમ્મરે કરાંચીમાં દાદાની પેઢીના થડા ઉપર બેસીને ઈશ્વરસ્તુતિના દોહરા લખતો, તે પછી ઠેઠ આજ સુધી મારી કાવ્યરચના પ્રવૃત્તિ કોઈ કોઈ વાર આછી જરૂર બની છે, પણ થંભી કદીય નથી.” ૭૬ વર્ષની ઉમ્મરે, ૧૯૭૮ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, જેને જીવનમાં એક આદર્શ માનેલો તે પ્રેમાનંદના. વીરક્ષેત્ર વડોદરામાં માણેકનું અવસાન થયું ત્યાં સુધી હકીકતમાં તેમની આ કાવ્યરચના પ્રવૃત્તિ થંભી તો નહીં જ પણ છેવટ સુધી નવાં નવાં વહેણ, વલણ અને વળાંકો પ્રગટ કરતી રહી.
ત્યારે જે બ્રિટિશ ભારતમાં આવેલું હતું તે કરાંચી શહેરમાં કરસનદાસ માણેકનો જન્મ. એ વખતે કરાંચી ગુજરાતીઓથી ધમધમતું શહેર. એટલે તળ ગુજરાતથી દૂર રહેવા છતાં બાળપણમાં માણેકે માણભટ્ટો અને કથાવ્યાસોને સાંભળેલા. પણ એ વાત માણેકના શબ્દોમાં જ સાંભળીએ. ત્રણ ભાગમાં પ્રગટ થયેલ ‘મહાભારતકથા’ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં માણેક કહે છે : “આ સદીના પહેલા દાયકાની વાત છે. કરાંચીના દાંડિયા બજારના નાકા પર દાદાની જથ્થાબંધ અનાજની વખાર. શાસ્ત્રી રેવાશંકર ગણપતરાવ ભટ્ટ એ જમાનાના કરાંચીના સર્વશ્રેષ્ઠ સંસ્કૃતવિદ્, વેદાન્તાભ્યાસી પૌરાણિક અને કીર્તનકાર. વખારની પાસે જ આવેલા રણછોડરાયના મંદિરમાં શાસ્ત્રીજી રોજ રાતે ભાગવતની કથા કરે. દાદા ભાગ્યે જ એ સત્સંગ ચૂકે અને હું ભાગ્યે જ દાદાની આંગળી ચૂકું. સાડા નવને ટકોરે ‘અચ્ચુતમ્ કેશવમ્’ થાય. શ્રોતાઓ ધીરે ધારે પોતાના ઘર ભણી રવાના થવા માંડે, અને હું નજીકમાં જ આવેલ બાર્નલના ચોક ભણી દોટ મૂકું, જ્યાં આગળ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી આવેલ કોઈ ને કોઈ માણભટ્ટ હજારેક જેટલી જનમેદની વચ્ચે નરવા કંઠે મહાભારતની કથા કરતો હોય. કથા પૂરી થતાં હું નજીકમાં જ નેપિયર રોડ પર આવેલ અમારા ઘર તરફ દોડું અને પથારીમાં દાદાની પડખે પડતાંવેત ઘસઘસાટ ઊંઘી જઉં.”
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કરાંચીમાં. અસહકારની ચળવળ વખતે સ્કૂલ છોડી અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૧માં જોડાયા. સ્નાતકની પરીક્ષા આપ્યા વગર બે વર્ષ પછી પાછા કરાંચી જઈ સંસ્કૃત અને અંગ્રેજી સાથે બી. એ. થયા. ૧૯૩૯ સુધી કરાંચીની બે હાઈસ્કૂલમાં પહેલાં શિક્ષક અને પછી હેડમારતર તરીકે કામ કર્યું. ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું. ૧૯૩૦ અને ૧૯૩૨માં આઝાદીની લડતમાં ભાગ લઈ કારાવાસ ભોગવ્યો. ૧૯૩૯ પછી કરાંચી છોડી મુંબઈવાસી બન્યા. ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૪૮થી ‘નૂતન ગુજરાત’ના તંત્રી બન્યા. સ્વતંત્ર રીતે ‘સારથિ’ અને ‘નચિકેતા’ નામનાં સામયિકો ચલાવ્યાં. ૧૯૫૬ના અરસામાં આકાશવાણીના મુંબઈ કેન્દ્ર સાથે સંકળાયા અને પછી મુંબઈની એસ.આઈ.ઈ.એસ. કૉલેજમાં ગુજરાતી વિભાગના વડા તરીકે કામ કરી ૧૯૬૪માં નિવૃત્ત થયા. પછીનાં વર્ષો કીર્તનની પ્રવૃત્તિને જ આપ્યાં. અમદાવાદ, વલ્લભવિદ્યાનગર અને મુંબઈના વિલેપાર્લેમાં પંદર વર્ષ સુધી દર પખવાડિયે કીર્તનો કર્યાં. કીર્તન નિમિત્તે ગુજરાતનાં અનેક શહેર ગામ-ગામડાં ઉપરાંત કલકત્તા, નાગપુર, હૈદરાબાદ વગેરેના પ્રવાસો કર્યા.
આમ, માણેકનાં રૂપ જુદાં જુદાં. શાળાના શિક્ષક, પત્રકાર , આકાશવાણી પર બોલાતો શબ્દ, કૉલેજમાં અધ્યાપક, કીર્તનકાર. પણ એ બધામાં પડેલો માંયલો તે તો લોકશિક્ષકનો, ટીચરનો. પણ પ્રીચરનો ક્યારે ય નહીં. આજના બાપુઓ શાસ્ત્રીઓ-મહારાજો અને માણેક વચ્ચેનો મૂળભૂત તફાવત તે આ : મહાભારત, રામાયણ ભાગવત, કુરાન, બાઈબલ જેવા ધર્મગ્રંથો પાસે માણેક ગયા તે તેમાંના કાવ્યત્વથી આકર્ષાઈને તેને પામવાના ઇરાદે. માણેક કહે છે : “પૂર્વગ્રહોથી મુક્ત કેવળ રસનિષ્ઠ દષ્ટિ, એ જ આવા ‘ધાર્મિક’ કે ‘સાંપ્રદાયિક’ લેખાતા સાહિત્યના પરિશીલન પાછળ હોવી જોઈએ એવી અનુભવે કરીને મારી માન્યતા બંધાઈ છે. આ સિવાયની બીજી કોઈ પણ દષ્ટિએ એ ગ્રંથો વાંચતાં અથવા સાંભળતાં, આપણે આપણી જાતને તેમ જ એ ગ્રંથોને બન્નેને ઘોર અન્યાય કરીએ છીએ એમ મને હંમેશાં લાગ્યા કર્યું છે … હકીકતમાં રસદષ્ટિ એ જ સર્વાંગી સર્વગ્રાહી અને અખંડ દષ્ટિ છે, જ્યારે ધાર્મિક કે સાંપ્રદાયિક કે પુણ્યોપાર્જક દષ્ટિ એ એકાંગી, સંકુચિત અને ખંડદષ્ટિ છે.” અને આ શબ્દો તેમણે લખેલા અવસાનનાં છ વર્ષ પહેલાં, ૧૯૭૨માં.
માણેકનો માંયલો લોકશિક્ષકનો, પણ જીવ કવિનો, ઈમોશન કરતાં ય વધુ તો પેશનના માણસ. કહે છે.
થોડું દિલ, થોડી દિલેરી, થોડી ફાકામસ્તી બસ
આ ધંધામાં આ સિવાયે બીજી કોઈ લાગત નથી!
ઉમાશંકર, સુન્દરમ્, મનસુખલાલ, ઝવેરી, સુંદરજી બેટાઈ, સ્નેહરશ્મિ જેવા ગાંધીયુગના બીજા કવિઓ કરતાં માણેક ઉમ્મરમાં મોટા, અને એક ઉમાશંકરને બાદ કરતાં કવિતાને ક્ષેત્રે તેમનો પ્રવેશ થયો તે પણ બીજા કવિઓની સાથોસાથ. ‘ખાખનાં પોયણાં’ ‘ઊર્મિ’ના કાવ્યાંકમાં ૧૯૩૩માં પ્રગટ થયું અને ૧૯૩૪માં સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રગટ થયું. ૧૬ પાનાંના આ ખંડકાવ્ય પછી પહેલો કાવ્યસંગ્રહ ‘આલબેલ’ ૧૯૩૫માં પ્રગટ થયો. ૧૯૩રના જાન્યુઆરીની ૨૬મી તારીખે ૨૭ મહિનાની જેલની સજા માણેકને થઈ. ‘આલબેલ’માં પ્રગટ થયેલાં ઘણાં ખરાં કાવ્યો આ કારાવાસ દરમિયાન લખાયેલાં, જેમાં ગાંધીયુગની આબોહવા વ્યાપેલી જોવા મળે છે. ૧૯૩૬માં ‘મહોબતને માંડવે’ લખાયું, પણ તે પ્રગટ થયું ૧૯૪૧માં, ઉમાશંકરના ‘વિશ્વશાંતિ’ની પ્રસ્તાવના લખનાર કાકાસાહેબ કાલેલકરની જ પ્રસ્તાવના સાથે. ગાંધીજીને જ કેન્દ્રમાં રાખીને લખાયેલું ખંડકાવ્ય ‘કલ્યાણયાત્રી’ ૧૯૪૪માં પ્રગટ થયું. ગાંધીજીના ૭૬મા જન્મદિવસે માણેકે જાતે તે ગાંધીજીના હાથમાં મૂકેલું. ગાંધીજીએ પાનાં ફેરવ્યાં. પછી કહે : “તારું આ કાવ્ય તો અધૂરું કહેવાય.” “કેમ?” “મારાં પંચોતેર વરસ તો ગઈ કાલે પૂરાં થઈ ગયાં. આજે તો છોંતેરમું ચાલે છે.” કશા ખંચવાટ વગર માણેકે કહ્યું: “આપ સો વરસ પૂરાં કરશો ત્યારે ૧૦૧ શ્લોકનું કાવ્ય રચીને આપને ભેટ ધરવા આવીશ.”
મુંબઈ આવ્યા પછી એક પત્રકાર-પદ્યકારની રૂએ સમકાલીન ઘટનાઓ પર હાસ્ય-કટાક્ષયુક્ત ‘વૈશંપાયનની વાણી’ અને ‘અહો, રાયજી સુણિયે’ એ બે કાવ્યધારાઓ શરૂ કરી તે જન્મભૂમિ, લોકસત્તા, જનસત્તા, સંદેશ વગેરે છાપાંઓમાં ૧૯૫૬ સુધી પ્રગટ થતી રહી. આ બન્ને કાવ્યધારાઓની તત્કાલીન લોકપ્રિયતાનો આજે ખ્યાલ આવવો મુશ્કેલ છે. ‘વૈશંપાયનની વાણી’ બે ભાગમાં પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે તેની બે હજાર નકલ એક અઠવાડિયામાં વેચાઈ ગયેલી! પણ ‘વૈશંપાયનની વાણી’ ને મળેલી આ અસાધારણ લોકપ્રિયતા કેટલાક વિવેચકોને હાથવગી થઈ પડી – એમ જણાવવા કે ‘આલબેલ’ના કવિ હવે માત્ર ‘વૈશંપાયન’ બની ગયા છે. પણ ૧૯૫૮માં ‘મધ્યાહ્ન’ સંગ્રહ પ્રગટ થયો ત્યારે એ હકીક્ત સ્પષ્ટ થઈ કે માણેકની મૂળ કાવ્યધારાનું વહેણ તો ચાલુ હતું જ. પણ કવિ તરીકે માણેકનું સૌથી સુભગ દર્શન થાય છે તે તો ૧૯૬૪માં પ્રગટ થયેલ ‘રામ, તારો દીવડો’ સંગ્રહમાં. ૧૨૫ ગીતો ધરાવતો આ સંગ્રહ આમ તો માણેકની કીર્તન પ્રવૃત્તિના ફળરૂપ છે પણ ગુજરાતી ગીતોના સંગ્રહોમાં તે આગવી ભાત પાડે તેવો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં રામપ્રસાદ બક્ષીએ કહ્યું છે તેમ “આ ગીતોનો પ્રધાન મનોભાવ છે, અંધકારમાંથી પ્રકાશમાં જવાની ઝંખના અને પ્રાર્થના. પણ એમાં કેવળ પ્રાર્થના નથી, પુરુષાર્થરહિત પ્રપત્તિ નથી, ગોતનો ઉત્સાહ છે. એ ગોત સ્વયં જ્યોત બનીને મુકાશે અને એમાં અંધારું પણ હસી ઊઠે એવી આત્મશ્રદ્ધા છે.” ‘અહો રાયજી સુણિયે’, ‘શતાબ્દીના સ્મિતે’ અને ‘અશ્રુમાં પ્રેમધનુષ્ય’, ‘હરિનાં લોચનિયાં’, ‘લાક્ષાગૃહ’ વગેરે તેમનાં કાવ્યનાં અન્ય પુસ્તકો.
વ્યક્તિ તેમ જ કવિ તરીકે માણેક મસ્ત, મુક્ત, મનમોજી. પોતે જ કહે છેઃ
છું ફક્ત સહિત્યસર્જક, કોથી નિસ્બત નથી,
એકલો જીવું, ઝૂઝું હું, મારે કોઈ પંગત નથી.
મોજમાં આવે તે છેડું, સૂર એકલરામ હું.
કોઈના ભ્રૂભંગ ઉપર, નર્તન તણી આદત નથી.
અલાણી-ફલાણી પંગતમાં બેઠા હોત તો માણેકને માન-ચાંદ, પુરસ્કાર-પ્રમુખપદાં મળ્યાં હોત, પણ ૭૬ વર્ષના આયુષ્ય દરમિયાન માણેકને એક પણ ચન્દ્રક, પુરસ્કાર, સન્માન આપવાનું આપણા સાહિત્યિક કારોબારના કારભારીઓને જરૂરી ન લાગ્યું તે કમનસીબી છે – માણેકની નહીં, એ કારભારીઓની, અને આપણી.
કવિતા ઉપરાંત ગદ્યનાં વિવિધ સ્વરૂપોને પણ માણેકની કલમે સ્પર્શ કર્યો છે. ‘રામઝરૂખે બૈઠકે’, ‘તરણા ઓથે’માં તેમની ટૂંકી વાર્તાઓ સંઘરાઈ છે, તો ‘પ્રકાશનાં પગલાં’,’ દિવ્ય વાર્તાઓ’, ‘અમર અજવાળાં’, ‘રઘુકુળરીતિ’માં ધર્મકથાઓ, પુરાણકથાઓ, અને બોધકથાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘સિંધુની પ્રેમકથાઓ’ ‘સિંધુનું સ્વપ્ન’ અને ‘પ્રીતનો દોર’માં સિંધી ભાષાના સંતકવિ શાહ લતીફના રસાલાને આધારે લખાયેલી કથાઓ છે. ‘કળીઓ અને કુસુમો’, ‘ગીતાવિચાર’, ‘હરિનાં દ્વાર’માં નિબંધના જુદા જુદા પ્રકાર જોવા મળે છે. આ ઉપરાંત તેમણે પદ્યનાટક, રેડિયોનાટક, સંકીર્તન, એકાંકી, રેખાચિત્રો વગેરે લખ્યાં છે અને સંપાદનો તથા અનુવાદો પણ કર્યા છે. માણેકની પષ્ટીપૂર્તિ નિમિત્તે પ્રગટ થયેલ ગ્રંથ ‘અક્ષર-આરાધના’માં અનંતરાય રાવળે કહ્યું છે તેમ “કવિતા દ્વારા પ્રથમ પ્રગટ થયેલી શ્રી માણેકની સર્જક્તાએ આમ, સમય જતાં સુંદરવનમાંના ગંગાનદીના અનેક ફાંટાઓની માફક પંખાકારે ફેલાતાં જઈ કાવ્યક્ષેત્રમાં અને ગદ્યક્ષેત્રમાં પ્રવૃત્તિવિસ્તાર સાધ્યો છે.”
માણેકના જીવનમાં અને લેખનમાં વિસ્તાર વધુ અને વ્યવસ્થા ઓછાં, ઉમળકાનો અને ઉભરાનો માણસ. પણ બન્નેને ઓસરી જતાં ય વાર ન લાગે. મમત અને મમત્વનો અભાવ તો નહીં, પણ બન્ને ઓછાં ખરાં. પુસ્તકોના પ્રકાશન અંગે પણ જોઈએ તેવી કાળજી લીધેલી નહીં. છેલ્લાં પંદર-વીસ વર્ષ તો મુદ્રિત શબ્દને બદલે બોલાતા શબ્દ વડે સીધો લોકસંપર્ક સાધતા કીર્તનકાર બની રહ્યા. પરિણામે આજે માણેકનાં બધાં પુસ્તકો જોવા માટે મેળવતાં નાકે દમ આવી જાય તેમ છે. બીજું કંઈ નહીં તો ય માણેકની સવા સોમી વરસગાંઠે તેમની સમગ્ર કવિતા તો પુસ્તકરૂપે પ્રગટ થવી જ જોઈએ. તેમનાં ગદ્ય લખાણોમાંથી પણ એક અલગ સંચય તૈયાર થઈ શકે.
માણેકનાં જે પુસ્તકો ઘણા લાંબા વખત સુધી લોકો સુધી પહોંચતાં રહ્યાં તે ‘મહાભારતકથા’ (ભા. ૧-૩), ‘શ્રીમદ્ ભાગવત’, અને ‘શ્રીરામકથા’. પહેલી નજરે આ પુસ્તકો ધર્માશ્રયી લાગે, પણ એ લખતી વખતે માણેકની આંખ તો કાવ્યાશ્રયી નજરે મહાભારત, ભાગવત અને રામાયણને જોતી હતી. ‘મહાભારતકથા’ વિષે હરીન્દ્ર દવેએ કહ્યું છે : “મહાભારતકથા મૂળ મહાભારત વાંચ્યા પહેલાં વાંચવાથી મૂળનો આનંદ વધારે ઊંડો થશે અને કદાચ કોઈ મૂળ કૃતિ સુધી ન જઈ શકે તો ‘મહાભારતકથા’નું વાંચન કે શ્રવણ એને પણ મહાભારતના શ્રવણ જેટલું જ પુણ્ય આપી શકશે … મેં વાંચેલી વિવિધ મહાભારતકથાઓમાંથી કોઈ એકને જ આગળ મૂકવાનો સમય આવે તો ‘મહાભારતકથા’ને જ એ યશ મળે એવી મને પાકી શ્રદ્ધા છે.”
સુરેશ દલાલે કહ્યું છે તેમ “માણેક એટલે શબ્દોનો ધોધ, ઉમાશંકર એટલે શબ્દની શોધ. શબ્દો એમને હોઠવગા અને કલમવગા. શબ્દો એટલા અનાયાસે આવે કે એમને શબ્દ માટે પ્રતિક્ષા કરવી ન પડે. અને કવિતા તો માગે શબ્દો, પ્રતિક્ષાથી પવિત્ર થયેલા. એક બાજુ કવિતાની આ માગણી હોય અને બીજી બાજુ કવિનું આ કાઠું હોય, તો કવિતા ન આવે એમ નહિ. પણ એના પથારામાંથી ભાવકે કવિતા શોધી કાઢવી પડે.” અકાવ્યની વચ્ચે કાવ્યનો દ્વિપ હોય એને આપણે જુદો સ્થાપવો પડે. પણ કાવ્યની સાથોસાથ અકાવ્યની ઉપસ્થિતિ તો કોઈ પણ કવિના સર્જનમાં હોવાની જ. કોઈમાં થોડી ઓછી, તો કોઈમાં થોડી વધુ, એટલો જ ફરક. ગાંધી યુગના – કે હકીકતમાં કોઈ પણ યુગના – કોઈ પણ કવિમાં અકાવ્ય નથી જ એમ કહેવું મુશ્કેલ. અને કોઈ પણ યુગની કવિતાને ઘડવામાં એક-બે કવિનો ફાળો હોઈ ન શકે. ગાંધી યુગના બે-ત્રણ કવિઓ માટેના અહોહોભાવમાંથી બહાર નીકળી, એ યુગના માણેક સહિતના બીજા કવિઓનું વિવેકપૂર્ણ મૂલ્યાંકન કરી, તેમને ઉચિત સ્થાને સ્થાપવાનો વખત ક્યારનો પાકી ગયો છે.
ઉથલો
ભક્તિની કવિતા કરી, ગાયાં કીર્તન-ગીત,
કવિતાની ભક્તિ કરી, પૂજી નવધા રીત.
ખીલવ્યાં ખાખે પોયણાં, મધ્યાહને કરી શીત;
બેઠા મહોબત માંડવે, આલબેલની જીત.
રામ તણા દિવડા પ્રગટાવ્યા, કથા કહી મહાભારતની,
‘જીવન અંજલી થાજો’ એવી આરત ગાઈ અંતરની.
સવ્વા સો વરસો વીત્યાં, સુણો જનમેજન રાય,
સંક્ષેપે સંભળાવિયો, માણેક-પર્વ મહિમાય.
*** *** ***
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “પરબ”; સપ્ટેમ્બર 2026
![]()

