
આરતી નાયર
થોડા અઠવાડિયા પહેલાં મને આજના સમયમાં ગુજરાતી હોવાનો અર્થ શું છે એ વિષય પર યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત, ‘દશમી ભાષા-સાહિત્ય પરિષદ’ની ચોથી બેઠકમાંની એક પેનલમાં બોલવા માટે આમંત્રણ મળ્યું.
ગુજરાતીઓ બૃહસ્પતિ છે કે નહીં, એટલે કે બુદ્ધિશાળી, પ્રતિભાશાળી, અસાધારણ, એ વિચારવાનું શરૂ કરું એ પહેલાં મારે એક ડગલું પાછળ હટીને મારી જાતને એક થોડો વધુ અઘરો સવાલ પૂછવો પડ્યો : ગુજરાતી એટલે કોણ?
પણ એ સવાલ સુધી પહોંચતાં પહેલાં મારે એક વધુ અંગત વાતનો સામનો કરવો પડ્યો.
જ્યારે મને પહેલી વાર આ પેનલમાં બોલવાનું આમંત્રણ મળ્યું, ત્યારે મને અંદરથી સવાલ થયો કે શું હું અહીં હોવાને લાયક પણ છું? શું હું પૂરતી ગુજરાતી છું? મારા મનમાં વર્ષોથી એક ઊંડી અસલામતી રહી છે, કે હું પૂરતી ગુજરાતી નથી અને ક્યારે ય પૂરતી મલયાલી પણ નથી.
મારી સાથે પેનલ પર બીજા બે વક્તાઓ દાયકાઓથી પત્રકારત્વ, સંપાદન અને પ્રકાશન સાથે જોડાયેલા અનુભવી લોકો હતા. ગુજરાત વિશે વર્ષોથી વિચારનારા, લખનારા અને બોલનારા લોકો. મને થયું, શું હું ખરેખર આ ચર્ચાનો ભાગ છું? હું શું ઉમેરું?
સદ્દનસીબે, મારા મિત્રોએ મને એક એવી વાત યાદ અપાવી જે કદાચ હું પોતે ભૂલી ગઈ હતી : મારે દરેક ગુજરાતીનું પ્રતિનિધિત્વ કરવાની જરૂર નથી. હું ફક્ત ગુજરાતી હોવાની મારી પોતાની આવૃત્તિ રજૂ કરી શકું છું.
એ વિચારથી મને એ ચિંતા છોડવાની હિંમત મળી કે હું આ માટે યોગ્ય છું કે નહીં, અને એના બદલે હું શું ઉમેરી શકું એ વિચારવાની તક મળી.
અને કદાચ શરૂઆત કરવા માટે એ જ યોગ્ય જગ્યા હતી. કારણ કે મને સમજાયું કે ગુજરાતી એટલે કોણ? એ સવાલનો જવાબ મેં ધાર્યો હતો એના કરતાં ઘણો વધારે જટિલ છે.
હું અમદાવાદના મણિનગરમાં મોટી થઈ. મારા દાદા-દાદી કેરળથી ગુજરાત આવ્યાં હતાં. એટલે ટેક્નિકલી હું મલયાલી પણ છું.
પણ જો કોઈ મને પૂછે, “Where are you from?”, તો હું લગભગ સ્વાભાવિક રીતે કહું : ગુજરાત.
મને લાગે છે કે આ મારો પહેલો વિરોધાભાસ હતો.
પહેલી વાર જ્યારે મેં ગુજરાતને સવાલ કર્યો.
ગુજરાતી હોવાનો અર્થ શું છે એ વિશે મેં ખરેખર વિચારવાનું શરૂ કર્યું ત્યારે હું લગભગ ૧૯ વર્ષની હતી.
હું કૉલેજમાં હતી જ્યારે મેં પહેલી વાર ‘ghetto’ શબ્દ સાંભળ્યો. અમેરિકાના સંદર્ભમાં એક ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ હતું. મને સમજાયું કે ghetto એટલે માત્ર એવો વિસ્તાર નહીં જ્યાં કોઈ ચોક્કસ સમુદાયના ઘણા લોકો રહેતા હોય. પણ એવો વિસ્તાર પણ, જે સામાજિક, આર્થિક કે ભૌગોલિક રીતે શહેરના બાકીના ભાગથી અલગ પડી ગયો હોય.
અને મને થયું : આપણા અમદાવાદમાં પણ આવા વિસ્તારો છે.
અચાનક, જે જગ્યાઓને હું અત્યાર સુધી મારા શહેરના નકશા પર ઓળખતી હતી, એ જ જગ્યાઓ મને રાજકીય રીતે એકદમ અલગ દેખાવા લાગી.
પહેલી વાર હું જુહાપુરા એક સ્વયંસેવક તરીકે ગઈ ત્યારે મને ખરેખર ત્યાં બંદૂકો જોવા મળશે એવી અપેક્ષા હતી. જુહાપુરા અમદાવાદનો મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જેને ૨૦૦૨ પછી લોકપ્રિય રીતે “મિની પાકિસ્તાન” કહેવામાં આવવા લાગ્યું હતું.
હું ૧૯ વર્ષની હતી. અને મેં મારા માતા-પિતાને કહ્યું પણ નહોતું કે હું ત્યાં જઈ રહી છું.
ત્યાં પહોંચ્યા પછી મારી પહેલી પ્રતિક્રિયા લગભગ રમૂજી હતી :
“ઓહ. અહીં તો કોઈ બંદૂક જ નથી.”
ત્યાં મારા જેવા લોકો હતા. મારા મિત્રો જેવા લોકો. પરિવારો હતા, દુકાનો હતી, બાળકો હતાં. અને એવાં બાળકો હતાં જેમને માત્ર અંગ્રેજી શીખવી હતી.
આખરે અમે ત્યાં ભણાવવાનું શરૂ કર્યું. અમને એક એવી જગ્યા આપવામાં આવી જે સવાર-સાંજ મદરેસા તરીકે ઉપયોગમાં લેવાતી હતી.
હું વારંવાર ત્યાં જવા લાગી. અને ધીમે ધીમે મને એક એવી વાત સમજાઈ જે આજે પણ મારી સાથે છે :
હું જે ગુજરાતને જાણતી હતી, એ એકમાત્ર ગુજરાત નહોતું.
અને કદાચ એના કરતાં પણ મહત્ત્વની વાત એ હતી કે જે લોકોથી મને ડરવાનું શીખવવામાં આવ્યું હતું, એમને પણ મને ઓળખવાની એવી જ તક ક્યારે ય મળી નહોતી.
આ અનુભવ પછી મારો સવાલ જ બદલાઈ ગયો.
મેં પૂછવાનું બંધ કર્યું, “ગુજરાતીઓ કેવા હોય છે?”
અને પૂછવાનું શરૂ કર્યું, “આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?”
કારણ કે ગુજરાતમાં તમે ક્યાં ઊભા છો તેના પર આધાર રાખે છે કે તમે એક જ જગ્યાને કેટલી અલગ રીતે અનુભવો છો.
ગુજરાતી જીવનશૈલી વિશે મેં જે જોયું.
મોટી થતી ગઈ તેમ ગુજરાતી જીવનશૈલીની કેટલીક બાબતો મેં વધારે ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. પહેલી હતી વ્યક્તિગત રીતે આગળ વધવાની (upward mobility) આપણી અસાધારણ મહત્ત્વાકાંક્ષા. આપણે એક સવાલ બહુ સારી રીતે પૂછીએ છીએ :
“હું આગળ કેવી રીતે વધીશ?”
રસ્તા પર હોય, નોકરીમાં હોય, ધંધામાં હોય કે જીવનમાં. પણ કદાચ બીજો સવાલ પૂછવામાં આપણે એટલા સહજ નથી :
“આ વ્યવસ્થા આવી રીતે કામ જ કેમ કરે છે?”
આપણે વ્યક્તિગત પ્રગતિની ઉજવણી કરીએ છીએ, પરંતુ સામૂહિક પ્રગતિ વિશે કદાચ એટલું નથી પૂછતા. શિક્ષણનું શું? જાહેર માળખાકીય સુવિધાઓનું શું? જીવનધોરણનું શું? જાહેર પરિવહનનું શું? રોજગારીનું શું? શાસનનું શું?
જાહેર ચર્ચામાં કેટલીક બાબતો જાણે અસ્પૃશ્ય હોય એવું લાગે છે. આપણે પોતાનું જીવન સુધારવા માટે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હોઈ શકીએ છીએ, પરંતુ આપણી આસપાસની વ્યવસ્થાઓ સુધરી રહી છે કે નહીં એ પૂછવામાં કદાચ એટલો રસ નથી.
બીજી બાબત છે શુદ્ધતાનો આટલો જટિલ ખ્યાલ : ખાસ કરીને ખોરાક, જાતિ અને સમુદાયની બાબતમાં. હું એવા વાતાવરણમાં મોટી થઈ જ્યાં શાકાહારી હોવું માત્ર ખાવાની પસંદગી નહોતું. એ નૈતિકતા, પરિવાર, સમુદાય અને પ્રતિષ્ઠા સાથે જોડાઈ શકતું હતું.
મારી મમ્મીની ૨૫ વર્ષ જૂની કેટલીક મિત્રોને આજે પણ ખબર નથી કે અમે vegetarian nathi. ઈંડાં કે ચિકન ઘરે આવે તો કાળી પ્લાસ્ટિકની થેલીમાં જ આવે. અને મને આ વાત રસપ્રદ અને funny લાગે, કારણ કે આપણે શું ખાઈએ છીએ એનાં કારણે નહીં, પરંતુ જો લોકોને ખબર પડે તો તેઓ આપણા વિશે શું વિચારશે એનાં કારણે.
એક બીજી વસ્તુ પણ કાળી પ્લાસ્ટિકની થેલીમાં આવતી હતી : મારા સેનિટરી પેડ્સ. મને એ હંમેશાં થોડું રમૂજી લાગતું.
કારણ કે એક રીતે જોઈએ તો કાળી પ્લાસ્ટિકની થેલી જાણે એવી દરેક વસ્તુનું પ્રતીક હતી જેના માટે આપણને શરમ લાગે છે, અથવા જેને આપણે છુપાવવા માંગીએ છીએ. ક્યારેક ખોરાક માત્ર ખોરાક હોય છે.
પણ ક્યારેક ખોરાક જાતિ, ધર્મ, પોતાપણું અને શુદ્ધતાનું પ્રતીક બની જાય છે.
આટલા બધા સવાલો હોવા છતાં, ક્યાંક ને ક્યાંક મને ગુજરાતી હોવાનો ઊંડો ગર્વ પણ થવા લાગ્યો.
ખાસ કરીને ભારત છોડ્યા પછી.
ભારત છોડવામાં એક વિચિત્ર વાત છે : કદાચ પહેલી વાર તમે ભારતીય બનો છો.
ભારતમાં હો ત્યારે તમે ગુજરાતી, મલયાલી, મહારાષ્ટ્રીયન, બંગાળી, પંજાબી, તમિલ, તમે જે રીતે મોટા થયા હો તે ઓળખ ધરાવો છો. ભારતની બહાર જતાં અચાનક તમે “Indian” બની જાઓ છો.
અને ત્યારે ઘણી વાર તમારી પ્રાદેશિક ઓળખ પણ વધારે મહત્ત્વની બની જાય છે.
જ્યારે હું પહેલી વાર UK આવી, ત્યારે બે એકદમ અલગ અને એકબીજા સાથે કોઈ સંબંધ ન ધરાવતા ગુજરાતી પરિવારોએ મને મદદ કરી.
એક હિંદુ પરિવાર લંડનની નજીકના એક નાના શહેરમાં રહેતો હતો. હું તેમને પહેલાં ક્યારે ય મળી નહોતી. છતાં તેઓ મને એરપોર્ટ પરથી લેવા આવ્યા. આ અજાણ્યા દેશમાં કેવી રીતે રહેવું અને બધું કેવી રીતે સંભાળવું એ સમજવામાં મને મદદ કરી અને લગભગ છ અઠવાડિયા સુધી મને પોતાના ઘરે રહેવા દીધું. મફતમાં. મને રહેવા માટે જગ્યા આપી, ખાવાનું આપ્યું અને પોતાના પરિવારના સભ્યની જેમ રાખી. કોઈ સવાલ નહીં. તેમણે મને ક્યારે ય ખરેખર જવાનું કહ્યું પણ નહોતું. મારે મારા અભ્યાસ માટે લંડન જવાનું હતું એટલે હું જાતે જ ત્યાંથી નીકળી.
મને ત્યારે થયું : “આવું કોણ કરે?” ગુજરાતીઓ કરે.
બીજી વ્યક્તિ લંડનમાં રહેતા એક મુસ્લિમ ગુજરાતી હતા, જેમણે મારી એક મિત્રને તેના જીવનના ખૂબ જ મુશ્કેલ સમયમાં મદદ કરી હતી. જ્યારે હું વિદ્યાર્થી તરીકે લંડન આવી, ત્યારે તેમણે મારું ભાડું ઓછું કરી આપ્યું. વીજળી અને પાણીનાં બિલ પણ મને ભરવા દીધાં નહીં.
એ અસાધારણ હતું. પણ મને સૌથી વધારે યાદ છે કે જ્યારે પણ તેઓ મને મળતા, ત્યારે ગુજરાતી બોલવામાં તેમને ખૂબ આનંદ આવતો. તેઓ ૨૫ વર્ષ પહેલાં ગુજરાત છોડી ચૂક્યા હતા, પરંતુ મને મળતાં ગુજરાતી જ એવી ભાષા હતી જેમાં તેમને સૌથી વધારે પોતાપણું લાગતું.
તેમના પોતાનાં બાળકો ગુજરાતી બોલતા નહોતાં. તેમને પોતાની ભાષાની ખોટ વર્તાતી હતી.
આ બંને લોકો એકબીજાથી ખૂબ અલગ હતા. તેમના પરિવારો અલગ હતા. ધર્મ અલગ હતા. જીવન અલગ હતાં. કદાચ તેઓ અન્યથા ક્યારે ય એક જ રૂમમાં પણ ન મળ્યા હોત.
પણ તેમની અંદર એક વાત સામાન્ય હતી :
બીજા કોઈ ગુજરાતી, અથવા કદાચ માત્ર બીજા એક માણસ, ને મદદ કરવી એ તેમને પોતાની જવાબદારી લાગતી હતી.
અને એ વાતથી મને ગુજરાતી હોવાનો ગર્વ થયો.
અને પછી મેં જોયું કે શું બદલાઈ ગયું છે
એટલા માટે જ્યારે આજે હું ગુજરાત તરફ પાછું જોઉં છું, ત્યારે ક્યારેક મને એક વિચિત્ર પ્રકારનું દુઃખ થાય છે.
મારી પોતાની ગુજરાતી કમ્યુનિટીના લોકો પાસેથી હું સાંભળું છું કે તેઓ મુસ્લિમ વ્યક્તિને નોકરી નહીં આપે.
હું એવા ડૉક્ટરોને ઓળખું છું જે ખાનગીમાં મુસ્લિમ દર્દીની સારવાર કરવા ઇચ્છતા નથી.
અને મારા મિત્રો મને પૂછે છે કે લંડનમાં મને સલામત લાગે છે કે નહીં, કારણ કે અહીંનો મેયર મુસ્લિમ છે.
અને હું વિચારું છું :
આપણે એકબીજાથી આટલા ડરતા ક્યારે થઈ ગયા?
માત્ર ડરતા જ નહીં.
શંકા કરવા લાગ્યા. અણગમો કરવા લાગ્યા. ક્યારેક તો એકબીજાને અસ્પૃશ્ય ગણવા લાગ્યા.
પહેલા મદદ કરવાની અને પછી સવાલ પૂછવાની એ સહજતા ક્યાં ગઈ?
અને આ ટેવનું unlearning આપણે કેવી રીતે કરીશું?
બહુમતી અને લઘુમતી (majority vs minority)
કદાચ ગુજરાતી હોવા વિશે મારી સમજમાં સૌથી મોટો ફેરફાર એ હતો કે મેં ગુજરાતને કઈ જગ્યાએ ઊભા રહીને જોવાનું શરૂ કર્યું.
ગુજરાતી પરિવારમાંથી ન હોવા છતાં, હું ગુજરાતમાં મોટાભાગે પોતાપણાની લાગણી સાથે મોટી થઈ. મારા દાદા-દાદી કેરળથી આવ્યાં હતાં અને ટેક્નિકલી હું મલયાલી હતી, પરંતુ મને ક્યારે ય ખરેખર લઘુમતી તરીકે જોવામાં આવી નહોતી.
હું ઉચ્ચ જાતિની હિંદુ હતી, અને એ વાત મહત્ત્વની હતી.
બહુમતીનો ભાગ હોવાનો અર્થ શું છે એ વિશે હું હંમેશાં સભાન નહોતી, કારણ કે મારા બાળપણના મોટા ભાગ માટે હું હતી જ. ગુજરાતી મિત્રોના ઘરે મને “સાઉથના” કે મલયાલી કહેવામાં આવતું, પણ એ મારી કુટુંબની મૂળ ઓળખ વિશેની વાત હતી; મારા માટે એ ક્યારે ય પોતાપણામાં અવરોધ બની નહોતી.
પછી, મારા કામ અને સામાજિક કાર્ય દ્વારા, મેં એવા લોકો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું જેઓ અમદાવાદને મારાથી સાવ અલગ રીતે અનુભવતા હતા.
અને આખરે જ્યારે હું લંડન આવી, ત્યારે હું પોતે પણ એક લઘુમતીનો ભાગ બની.
એ હંમેશાં સરળ નહોતું.
બંને બાજુનો અનુભવ કરવાથી આપમેળે એ બંને બાબતો વચ્ચેનો સંબંધ સમજાઈ જાય એવું નથી. પરંતુ એક વાર તમે એ જોડાણ કરી લો, એક વાર તમે આ બે અનુભવોને સાથે મૂકો અને સમજો કે ૧ + ૧ ખરેખર ૨ થાય છે, પછી ઓળખને તમે પહેલાંની જેમ જોઈ શકતા નથી.
તમને વધારે સમજાય છે કે કોને પોતાનું ઘર લાગે છે, કોને સલામત લાગે છે, કોને પોતાના હોવા વિશે વિચાર્યા વિના જ પોતાનુંપણું મળે છે અને કોને દરરોજ એ વિશે વિચારવું પડે છે.
તો આજે મારા માટે ગુજરાતી હોવાનો અર્થ શું છે?
મને આપણી ઉદ્યોગસાહસિકતા પર ખૂબ ગર્વ છે. આપણી વ્યવસાય ઊભા કરવાની ક્ષમતા પર, આપણી ઉદારતા પર, દેશોની સરહદો પાર કરીને નેટવર્ક ઊભાં કરવાની આપણી ક્ષમતા પર અને એકબીજાને મદદ કરવાની આપણી સહજ વૃત્તિ પર.
પણ સાથે સાથે મને એ વાતની ચિંતા પણ છે કે આપણે શું બની રહ્યા છીએ.
કદાચ બૃહસ્પતિ હોવાનો અર્થ અસાધારણ રીતે સફળ, શ્રીમંત કે પ્રભાવશાળી હોવું ન હોવો જોઈએ.
કદાચ એનો અર્થ કંઈક બહુ સરળ હોવો જોઈએ :
સારા માણસો અને સારા નાગરિકો બનવું.
આપણે આપણી વૈશ્વિક સફળતા, આપણા ધંધા, આપણા રાજકારણીઓ, આપણી ડાયસ્પોરા અને આપણી આર્થિક પ્રગતિ તરફ આંગળી ચીંધીને ઘણી વાર જાણે સાબિત કરીએ છીએ કે બધું બરાબર જ હોવું જોઈએ.
પણ ગર્વ આપણને આત્મપરીક્ષણ કરતાં રોકવો ન જોઈએ.
ઊલટું, જો કોઈ બાબત હોય તો, પોતાના સમુદાયનો ભાગ હોવાનો આપણને પોતાના સમુદાયની ટીકા કરવાની હિંમત આપવી જોઈએ.
કદાચ ગુજરાતીઓ અનન્ય રીતે સારા નથી.
કદાચ અનન્ય રીતે ખરાબ પણ નથી.
કદાચ ઘણી રીતે આપણે માત્ર માણસો છીએ — અસાધારણ ઉદારતા પણ કરી શકીએ છીએ અને અસાધારણ પૂર્વગ્રહ પણ રાખી શકીએ છીએ.
મારે એવી ગુજરાતી ઓળખ વારસામાં નથી લેવી જે માત્ર સંપત્તિ, વ્યવસાય, શાકાહાર, સિદ્ધિ કે રાજકીય ગર્વ પર આધારિત હોય.
મારે એ ગુજરાતી વારસામાં લેવો છે જે બહુ ઓછામાંથી ઘણું ઊભું કરી શકે.
જે કોઈ અજાણ્યા માણસ માટે પોતાનું ઘર ખોલી શકે.
જે ગુજરાત છોડીને દુનિયાના કોઈ પણ ખૂણે જાય અને ત્યાં પોતાનો સમુદાય ઊભો કરી શકે.
પણ સાથે સાથે હું એ પણ પૂછવા માગું છું :
આપણે આ સમુદાયની બહાર કોને છોડી રહ્યા છીએ?
અને કદાચ આજે મારા માટે ગુજરાતી હોવાનો અર્થ આ જ છે.
માત્ર કોઈ સમુદાયનો ભાગ હોવું નહીં.
પરંતુ આપણે કેવો સમુદાય બનવા માગીએ છીએ એ નક્કી કરવું.
(Article was first published on Aarti’s Substack.)
https://rtnair.substack.com/p/what-being-gujarati-means-to-me.
e.mail : rtnair91@gmail.com
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, 01-02-08 તેમ જ 09 ઑગસ્ટ 2026 વેળા યોજાયેલી દશમી ભાષા–સાહિત્ય પરિષદ માંહે ચોથી બેઠકના એક વક્તા તરીકે કરાયેલી રજૂઆત
![]()

