
રવીન્દ્ર પારેખ
છેલ્લાં થોડાં વર્ષોમાં શિક્ષકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. પહેલાં શિક્ષકનું એક જ કામ હતું, ભણાવવાનું. ભણાવે તે શિક્ષક. હવે ન ભણાવે તે શિક્ષક એવી નવી વ્યાખ્યા થઈ છે. એમાં શિક્ષકો ભણાવવા ઉત્સુક નથી એવું નથી. તેઓ તો સ્કૂલે ભણાવવા જ જાય છે, પણ ડેટા એન્ટ્રી અને શિક્ષણેતર એટલી કામગીરી માથે મરાય છે કે શિક્ષક બાપડો વર્ગમાં જઈને ભણાવી જ નથી શકતો. બીજું, સરકાર અને તેની સમિતિઓ આયોજન જ એવું કરે છે કે શિક્ષક ભણાવી જ ન શકે. વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતીનાં ઠેકાણાં નથી ને સરકાર કામચલાઉ શિક્ષકોથી આંગળાં ચાટીને પેટ ભરી રહી છે. વળી એવું પણ નથી કે સરકારને બજેટ ખૂટે છે ને તે શિક્ષકો ન રાખવા લાચાર છે ! એટલી લાચારી કદી હતી નહીં. ખરેખર તો તે પ્રવાસી શિક્ષકો કે વિદ્યા સહાયકોથી કામ કાઢે છે. એ પછી પણ ભણાવવાનું તો ગૌણ જ છે. મોટે ભાગે તો શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જ શિક્ષક રોકાયેલો રહે તેવી વ્યવસ્થા છે. આવી 93 જેટલી પ્રવૃત્તિઓમાં શિક્ષકો જોતરાયેલા છે.
આશ્ચર્ય એ વાતનું છે કે આ બધાનો વિરોધ કરતું સબળ આંદોલન છેડાતું નથી. નાના મોટા વિરોધ થાય છે, પણ સરકાર સુધી પહોંચતો પ્રચંડ અવાજ ઊભો થઈ શકતો નથી. 2017થી શિક્ષકોની ઘટ ચાલી આવે છે, પણ અત્યાર સુધીમાં એવો વિરોધ થયો નથી કે સરકારને પોતાની નીતિરીતિ માટે ફેરવિચારણા કરવાની ફરજ પડે. સરકારને શિક્ષકો પાસેથી કામ લેવાનો સંકોચ નથી, તેણે શિક્ષણનું કામ તો ઓનપેપર જ બતાવવું છે ને સ્કૂલો શિક્ષકો વગર ચલાવવી છે. શિક્ષક વગર પણ શિક્ષણ ચાલુ રહી શકે એવી નવી શોધ સરકારે કરી છે.
એક તરફ રાજ્યની સરકારી સ્કૂલોમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી થતી નથી, એટલે ચિત્ર વિષય ભણાવનાર શિક્ષકો જ નથી ને એવું જ અન્ય વિષયો સંદભે પણ છે. એવું નથી કે જે તે વિષયના શિક્ષકો મળતા નથી. ગધેડે ગવાય છે, પણ સરકાની જ દાનત નથી કે જે તે વિષયના શિક્ષકો રાખે. ગમ્મત જુઓ કે ચિત્ર શિક્ષક નથી ને ચિત્ર સ્પર્ધા તો યોજાય જ છે, એટલું જ નહીં, ચિત્ર સ્પર્ધામાં 100 ટકા બાળકોને જોડવા શિક્ષણ વિભાગ દ્વારા પ્રયત્નો પણ શરૂ થયા છે. ધારો કે 100 ટકા બાળકો સ્પર્ધા માટે તૈયાર થાય, તો તેમને ન્યાય થાય એવા ને એટલા ચિત્ર શિક્ષકો શિક્ષણ વિભાગ પાસે છે ખરા? વિદ્યાર્થીઓ તૈયાર હોય ને શિક્ષકો હોય જ નહીં તો શું કરવાનું? શિક્ષણ વિભાગ ફતવા તો બહાર પાડી દે છે ને ચિત્ર સ્પર્ધા ઠોકી પાડે છે. આમ પણ પૂરતી વ્યવસ્થા વગર યોજના કે સ્પર્ધા શિક્ષણ વિભાગ ઠોકી જ બેસાડે છે, પછી એ કેવી રીતે થશે એ સરકારની ચિંતાનો વિષય નથી, તે ચિંતા આચાર્ય કે વધ્યા ઘટ્યા શિક્ષકોએ કરવાની છે. સરકાર તો કહી દે કે ચિત્ર સ્પર્ધામાં 100 ટકા બાળકો જોડાય, પણ તે કેવી રીતે શક્ય બનશે, તે અંગેની વિભાગ દ્વારા કોઈ વિચારણા થતી હોય એવું લાગતું નથી. શિક્ષણની જવાબદારી ઉપાડવા વિભાગ તૈયાર જ નથી. શિક્ષણ વિભાગનું એક જ કામ છે ને તે પરિપત્રો બહાર પાડીને આચાર્યો, શિક્ષકોને એટલાં કામમાં રાખવા કે તેઓ બીજું ત્રીજું વિચારી જ ના શકે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને ફરજિયાત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દબાણ પણ કરવામાં આવે છે. આટલું દબાણ હોય તો આચાર્ય, શિક્ષકોનું ટેન્શન વધે જ. એમાં કામ થાય તો અભિનંદનના બે શબ્દો પણ કોઈ કહે નહીં, પણ કામ ના થયું તો જવાબો માંગી માંગીને શિક્ષક-આચાર્યને એવું ટેન્શન ઊભું કરાય કે એકાદ વખત તો મરવાનો વિચાર આવે જ.
આચાર્યો, શિક્ષકો ને વિદ્યાર્થીઓ સરકારી સભામાં શોભાના ગાંઠિયાં તરીકે જ સરકારને કામના છે, બાકી એ શિક્ષણ માટે છે એવું તો શિક્ષણ વિભાગ પણ માનતો નથી. શિક્ષકો સરકારના શિક્ષણ સિવાયના હેતુઓ માટે જ ઉપયોગી છે. સરકારમાં જે હોય તેમને શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓને એડી નીચે રાખવામાં મજા પડતી હોય છે.
ગઈ કાલે 17 સપ્ટેમ્બર હતી. એ દિવસે તમામ શાળાઓના શિક્ષકોને દીપોત્સવ કાર્યક્રમમાં જોડાવાની સૂચના આપવામાં આવી અને તેનો અમલ થાય તેની તાકીદ પણ કરવામાં આવી. તાકીદ એ રીતની કે શિક્ષકો કાર્યક્રમમાં જોડાયા જ હતા તે મતલબના પુરાવા પણ રજૂ કરવા.
રાજ્યના છેવાડાના એક જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આ અંગે મેસેજ મોક્લ્યા છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે 17 સપ્ટેમ્બરનાં રોજ દીપોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે. એ કાર્યક્રમ અંતર્ગત, ગામના કોઈ મંદિરે સામૂહિક આરતી ઉતારવાનો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો છે તો તમામ શાળાના સ્ટાફે હાજર રહેવું. એ ઉપરાંત બીજો આદેશ પણ હતો કે જે ગામમાં તલાટી ન હોય ત્યાં શાળાના મુખ્ય શિક્ષકે દીપોત્સવ કાર્યક્રમને પાર પાડવો.
એ અત્યંત શરમજનક છે કે શિક્ષક કાર્યક્રમમાં હાજર હતો એનો પુરાવો માંગવામાં આવે છે. ખરેખર તો શિક્ષકની ફરજ જ નથી એવાં કામ માટે ઉપસ્થિત રહેવાની ફરજ પાડવી ને ઉપરથી એ ફરજ બજાવી છે કે નહીં તેનો પુરાવો માંગવો એ કોઈ પણ રીતે સરકારને પક્ષે શોભાસ્પદ નથી. સત્તરમીનો શિક્ષણેતર કાર્યક્રમ પાર પડે તે સાથે 19 સપ્ટેમ્બરની આગોતરી વરદી પણ સરકારે નોંધાવી દીધી છે. 19 સપ્ટેમ્બરે બાલસભાનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. આ ફતવાની ભાષા વિનંતીની લાગે, પણ હકીકતે તો તે હુકમની ભાષા છે, સરમુખત્યારની ભાષા છે. દીપોત્સવના કાર્યક્રમમાં સ્ટાફે હાજર રહેવું કે ન રહેવું, એ સ્ટાફની મુન્સફી પર છોડવું જોઈએ. એને બદલે શિક્ષકોને ગુલામ ગણીને તેમને હાજર રહેવાના આદેશો આપવા એ લોકશાહીની નીતિરીતિને જરા પણ અનુરૂપ નથી.
સરકારી બીજી નોકરીઓમાં આવી જોહુકમી ચાલતી નથી, તો શિક્ષકો પર જ કેમ ? એમાં એક કાયક્રમ પતે ત્યાં બીજી ધમકી ઊભી જ હોય છે. આવાં તમામ આયોજનોમાં ભૂલમાં પણ બાળકોને ભણાવવા અંગેની કોઈ તાકીદ ક્યારે ય કરવામાં આવતી નથી. બાળ પ્રવૃત્તિઓનો તોટો નથી, પણ તકલીફ શિક્ષકો પાસેથી બાળ શિક્ષણ લઈ લેવાયું એની છે. ભણાવવા સિવાયના તમામ કાર્યક્રમોમાં શિક્ષકોને સતત જોતરવામાં આવતા હોવાથી જુદી જ હવા બંધાયેલી છે. એ પણ છે કે શિક્ષકો પણ ભણાવવાના આગ્રહી નથી. શિક્ષકો ચરી ખાય છે એવી માન્યતાનો ભોગ શિક્ષકો જ બન્યા છે, એટલે કામ લેવા સરકારે શિક્ષકોને ઈતર પ્રવૃત્તિઓનું કામ સોંપ્યું. એ વખતે એવી સમજ પણ કામ કરી ગઈ કે ખરેખર જ શિક્ષકો ચરી ખાતા હશે. કદાચ એથી જ શિક્ષકોનો વિરોધ ધાર્યું પરિણામ આપતો નથી.
એ નથી સમજાતું કે આટલી પ્રવૃત્તિઓની તાકીદ પર તાકીદ કરવા છતાં શિક્ષકો મજૂરી કૂટી ખાય છે. શિક્ષકોની નરમાઈનો લાભ સરકાર દ્વારા બરાબર ઉઠાવાઈ રહ્યો છે. આનો વિરોધ કરવામાં શિક્ષકો બહુ પાંગળા પુરવાર થયા છે. છાપાંઓ વધારે ઉદારતાથી શિક્ષકોમાં આ મામલે ‘રોષ ફેલાઈ રહ્યો’ હોવાનો પ્રચાર શિષ્ટ રીતે કરતા હોય છે, પણ હકીકતે શિક્ષકોમાં રોષ ફેલાતો જ નથી. રોષ ફેલાતો હોય તો 93 જેટલી પ્રવૃત્તિઓમાં ફેર પડે ને ! આટલાં વખતથી શિક્ષકો પાસેથી ઈતર કામ લેવાય છે, એનો વિરોધ સાચે જ હોય તો એકાદ પણ ઈતર પ્રવૃત્તિ ઓછી થવી જોઈએ ને ! તેને બદલે એક પણ ઓછી થઈ નથી, બલકે, પ્રવૃત્તિઓ ઉત્તરોત્તર વધતી આવે છે. એવું ન હોય તો 1થી 93 પ્રવૃત્તિ સુધી વાત આવે કઈ રીતે?
સાદી વાત એટલી છે કે ૩ લાખ જેટલા શિક્ષકો પર બિન જરૂરી કામગીરીનો બોજ વધ્યો છે. આ અસહ્ય ભારને કારણે કેટલાક શિક્ષકોએ આપઘાત કર્યો છે, તો કેટલાકે પરિસ્થિતિ વિષે વિચાર કર્યો, પણ વાત એથી આગળ વધી નહીં. આપણે ત્યાં વાતથી વાત આગળ જતી જ નથી એટલે ચોક્કસ પરિણામ સુધી પહોંચતી પણ નથી. આવા વિરોધ વાંઝિયા છે. તેમાં જીવ નથી. એ જીવ શિક્ષકોને લીધે નથી. શિક્ષકોની તકરાર હોય તો તેનો વાંધો શિક્ષકોને પડવો જોઈએ, પણ તેવું થતું નથી. શિક્ષકો વતી કોઈ બીજું લડે તો જ ફેર પડે એવું શિક્ષકો માનતા લાગે છે, બાકી, શિક્ષકોથી તેમની સમસ્યાઓ ઉકલે એ વાતમાં માલ નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 સપ્ટેમ્બર 2026
![]()

