સ્વતંત્રતા, સમાનતા અને માનવાધિકારની આધુનિક ભાષા ઘડવામાં યુરોપનું મોટું યોગદાન રહ્યું છે. આજે તેની સામે સવાલ એ છે કે પોતાનાં મૂળભૂત મૂલ્યો છોડ્યા વગર તે વિવિધતાને કેટલી હદે સ્વીકારી શકે?

ચિરંતના ભટ્ટ
તાજેતરમાં ઍફિલ ટાવર પર સર્જાયેલો એક વિવાદ જાણે આજે આખા યુરોપને મૂંઝવતા પ્રશ્નનું નાનકડું સ્વરૂપ બની ગયો. કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓના આક્ષેપ પ્રમાણે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS સાથે સંકળાયેલા એક પ્રતિનિધિમંડળની વહેલી સવારની મુલાકાત દરમિયાન કેટલીક મહિલા કર્મચારીઓને તેમનાં કાર્યસ્થળ પરથી હટી જવા કહેવામાં આવ્યું હતું. કર્મચારીઓએ તેનો વિરોધ કર્યો, સ્મારક ફરી ખોલવામાં વિલંબ થયો અને પૅરિસના સત્તાવાળાઓએ તપાસનો આદેશ આપ્યો.
BAPSએ મહિલા કર્મચારીઓને દૂર રાખવાની કોઈ માગણી કરી હોવાનો ઇનકાર કર્યો છે. સંસ્થાએ એમ પણ કહ્યું છે કે કોઈ મહિલાને સ્મારકમાં પ્રવેશતાં રોકવામાં આવી નહોતી. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આક્ષેપને ચુકાદામાં ફેરવી નાખવો યોગ્ય નથી. આ એક ઘટનાથી આખું યુરોપ ધ્રુવીકૃત છે એવું સાબિત થતું નથી. પરંતુ ધાર્મિક આચરણનો એક વિવાદ જે ઝડપથી સંસ્કૃતિ અને સભ્યતાની લડાઈમાં ફેરવાઈ ગયો, તે બતાવે છે કે યુરોપમાં વાતાવરણ પહેલાંથી કેટલું વિભાજિત થઈ ચૂક્યું છે. એક સવાલ જરૂર ઊભો થાય છે : કોઈ ધાર્મિક પ્રથા સમાનતાના સિદ્ધાંત સાથે ટકરાય ત્યારે મુક્ત સમાજે તેને ક્યાં સુધી છૂટ આપવી? ફ્રાન્સે હિન્દુઓના ઉપાસના કરવાના અને મંદિર બાંધવાના અધિકારનું રક્ષણ કરવું જ જોઈએ. મધ્ય પૅરિસથી આશરે 30 કિલોમીટર પૂર્વમાં આવેલા બુસી-સેન્ટ-જ્યોર્જમાં તાજેતરમાં ખુલ્લું મુકાયેલું BAPS મંદિર એ જ ધાર્મિક સ્વતંત્રતાનું પ્રતીક છે. પરંતુ મંદિરને મંજૂરી આપવી અને જાહેર કાર્યસ્થળે મહિલાઓ સામે ભેદભાવ કરતી શરત સ્વીકારવાનો ઇનકાર કરવો—આ બે વિરોધી બાબતો નથી.
મહેમાન બનીને જઈએ ત્યારે પોતાના નિયમો બીજાઓ પર કેટલા લાદી શકાય?
કોઈ ધાર્મિક વડા પોતાના નિયમ પ્રમાણે મહિલાઓ સાથેનો સંપર્ક મર્યાદિત રાખવાનું પસંદ કરી શકે છે. રાજ્યએ તેની મજાક ઉડાવવાની કે તેના પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી. પરંતુ પોતાના ધાર્મિક નિયમને સાચવવા માટે જાહેર સ્થળેથી મહિલા કર્મચારીઓને હટાવી શકાય નહીં. સ્વતંત્રતા તમને તમારું ધાર્મિક જીવન તમારી રીતે જીવવાનો અધિકાર આપે છે; તમારી માન્યતા પ્રમાણે બીજાના અધિકાર કે રોજગાર નક્કી કરવાનો નહીં. પોતાના દેશમાં હોય કે બીજા દેશમાં—જાહેર સ્થળે પોતાના ધાર્મિક નિયમો બીજાઓ પર લાદી શકાય નહીં. આટલી સાદી વાત પણ સમજાવવી પડે એ જ આશ્ચર્યની વાત છે.
એક નબળું પડતું કેન્દ્ર
એક સમયે આવી સ્પષ્ટ મર્યાદા યુરોપના વિચારના કેન્દ્રમાં હતી. આજે કોઈ મર્યાદાની વાત થાય એટલે ચર્ચા તરત જ ધર્મ, ઓળખ અને અસ્તિત્વની લડાઈમાં ફેરવાઈ જાય છે, અને આ ફેરફાર એકલા ઍફિલ ટાવર પૂરતો સીમિત નથી. પ્રશ્ન એ છે કે સ્વતંત્રતા અને સમાનતાની વાત કરતું યુરોપ આજે પોતાના જ મૂલ્યો અંગે કેટલું મૂંઝાઈ ગયું છે.
વ્યક્તિગત સ્વતંત્રતા, કાયદા સામે સમાનતા, બંધારણીય શાસન અને માનવાધિકારની આધુનિક ભાષા ઘડવામાં યુરોપનું મોટું યોગદાન રહ્યું છે. જો કે યુરોપ પોતે હંમેશાં આ આદર્શો પ્રમાણે જીવ્યું નથી. સામ્રાજ્યવાદ, વંશીય શ્રેષ્ઠતાના દાવા, ફાસીવાદ અને બે વિશ્વયુદ્ધ પણ યુરોપે જ આપ્યાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપે ઉદાર લોકશાહી વ્યવસ્થા ઊભી કરી. યુરોપ હંમેશાં સહિષ્ણુ હતું એટલે નહીં, પરંતુ અસહિષ્ણુતાની કિંમત કેટલી ભયાનક હોય છે તે તેણે ભોગવીને જોયું હતું. આજે એ વ્યવસ્થાને ટકાવી રાખતું રાજકીય કેન્દ્ર નબળું પડી રહ્યું છે.
તેનો તાજેતરનો સૌથી ચોંકાવનારો દાખલો પૂર્વ જર્મનીના સૅક્સની-એનહાલ્ટ રાજ્યમાં જોવા મળ્યો. પ્રાથમિક પરિણામો પ્રમાણે કટ્ટર જમણેરી ‘અલ્ટરનેટિવ ફૉર જર્મની’ એટલે કે AfDને 43.8 ટકા મત મળ્યા. ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની CDU માત્ર 17.2 ટકા પર આવી ગઈ, જ્યારે SPDને 9.3 ટકા મત મળ્યા. AfD પૂર્ણ બહુમતીથી થોડું પાછળ રહ્યું, પરંતુ રાજ્યની ચૂંટણીમાં તેણે પોતાના ઇતિહાસનું શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું. એક રાજ્યની ચૂંટણીને આખા જર્મની કે યુરોપનો અવાજ ગણી શકાય નહીં. સૅક્સની-એનહાલ્ટ લાંબા સમયથી AfDનો મજબૂત વિસ્તાર રહ્યો છે. તેમ છતાં આ પરિણામને એકલદોકલ રાજકીય આંચકો ગણીને અવગણી શકાય એમ પણ નથી.
PopuList પ્રોજેક્ટના અભ્યાસ મુજબ યુરોપના જુદા-જુદા દેશોની છેલ્લી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં હવે 23 ટકાથી વધારે મતદારો કટ્ટર જમણેરી પક્ષોને મત આપે છે. એક દાયકા પહેલાં આ પ્રમાણ આશરે 10 ટકા અને 1995માં લગભગ 5 ટકા હતું. યુરોપના અનેક દેશોમાં આવા પક્ષો ક્યાંક સત્તામાં છે, ક્યાંક ગઠબંધનનો ભાગ છે અને ક્યાંક સરકારમાં ન હોવા છતાં રાજકીય ચર્ચાની દિશા નક્કી કરી રહ્યા છે. પરંતુ યુરોપ અચાનક અસહિષ્ણુ બની ગયું છે એવું કહી દેવું સરળ છે, સાચું નથી.
યુરોપ એકસરખો રાજકીય સમાજ નથી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ યુરોપના ઇતિહાસ અને ભય જુદા છે. યુવા અને વડીલ મતદારોના વિચારોમાં પણ તફાવત છે. કેટલાક વિસ્તારોમાં યુવા મહિલાઓ રાજકીય રીતે યુવા પુરુષો કરતાં વધુ ઉદાર વલણ ધરાવે છે. અહીં એક વિરોધાભાસ નોંધવા જેવો છે. યુરોપિયન સોશ્યલ સર્વેના અભ્યાસ મુજબ ઉત્તર અને પશ્ચિમ યુરોપના મોટા ભાગમાં ઇમિગ્રેશન પ્રત્યે લોકોનું વલણ ખાસ બદલાયું નથી; કેટલીક જગ્યાએ તો તે વધુ હકારાત્મક બન્યું છે. છતાં ઇમિગ્રેશનનો વિરોધ કરતા પક્ષોની તાકાત વધી છે. મતદારોના વિચારોમાં મોટો ફેરફાર આવ્યો નથી, પરંતુ ઇમિગ્રેશન, રાષ્ટ્રીય ઓળખ અને ‘આ દેશમાં ખરેખર કોણ પોતાનું?’ જેવા પ્રશ્નો મત આપતી વખતે વધુ મહત્ત્વના બની ગયા છે. લોકોના વિચારો કરતાં આ મુદ્દાઓની રાજકીય અસર ઝડપથી વધી છે.
કટ્ટરવાદનું વિષચક્ર કેવી રીતે પોષાય છે?
આનું એક મોટું કારણ ઇમિગ્રેશન છે, પણ એકમાત્ર કારણ નથી. છેલ્લાં વર્ષોમાં યુરોપે આર્થિક કટોકટી, મહામારી, પોતાના દરવાજે યુદ્ધ, ઊર્જાની અછતનો ભય, મોંઘવારી તથા રહેઠાણ અને જાહેર સેવાઓ પર વધતા દબાણનો સામનો કર્યો છે. ઘણા નાગરિકોને લાગે છે કે તેમની સરકારો આ ફેરફારોને સંભાળી શકતી નથી અને તેની કિંમત વિશે પ્રામાણિકતાથી વાત પણ કરતી નથી. સરહદ, રોજગાર, રહેઠાણ કે બહારથી આવેલા લોકોના સમાજમાં ભળવા અંગેની દરેક ચિંતાને પૂર્વગ્રહ કે વંશવાદ ગણાવી દેવાથી તે દૂર થતી નથી; ઊલટું, મતદારો મુખ્ય પ્રવાહના પક્ષોથી વિમુખ થઈને વધુ કટ્ટર વિકલ્પો તરફ વળે છે.
ત્યાંથી એક ચક્ર શરૂ થાય છે: કટ્ટર જમણેરી પક્ષો સત્તામાં ન આવે એ માટે અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવે છે. પરંતુ તેમના વિચારો અલગ હોવાથી સરકાર અસરકારક રીતે કામ કરી શકતી નથી. લોકો વધુ નારાજ થાય છે અને અંતે કટ્ટર જમણેરી પક્ષોને જ વધુ સમર્થન મળે છે.
યુરોપનું ધ્રુવીકરણ માત્ર ઇમિગ્રેશન પૂરતું નથી; યુક્રેનને મદદ ચાલુ રાખવી કે રશિયા સાથે સમાધાન કરવું, યુરોપિયન યુનિયનને વધુ સત્તા આપવી કે દરેક દેશે પોતાના નિર્ણયો જાતે લેવા, જેવા સવાલોએ પણ યુરોપને વહેંચી નાખ્યું છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ વિવાદનો વિષય બની છે: નફરત અને ખોટી માહિતી રોકવાની જરૂર છે, પરંતુ એ બહાને સરકારો સાચા મતભેદને પણ દબાવવા માંડશે એવો ભય પણ છે.
યુરોપની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી
સોશ્યલ મીડિયા દરેક ઘટનાને સહઅસ્તિત્વ નિષ્ફળ ગયું હોવાના પુરાવામાં ફેરવી નાખે છે. કોઈ ઇમિગ્રન્ટે કરેલો ગુનો સમગ્ર ઇમિગ્રેશન વ્યવસ્થા સામેનો આરોપ બની જાય છે. ભેદભાવની એક ઘટના આખા દેશને વંશવાદી જાહેર કરવા માટે પૂરતી ગણાય છે. એક હિન્દુ સંસ્થાને લગતો વિવાદ તમામ હિન્દુઓને શંકાની નજરે જોવાનું બહાનું બની જાય છે. સાચી વાત પાછળ રહી જાય છે, કારણ કે રોષ વધુ ઝડપથી ફેલાય છે. યુરોપ આજે બે બાજુએ ફસાયું છે. એક તરફ એવા લોકો છે જે સરહદ કે ઇમિગ્રેશન અંગેની દરેક ચિંતાને પૂર્વગ્રહ માને છે. બીજી તરફ એવા લોકો છે જે સરકારની દરેક નિષ્ફળતા માટે ઇમિગ્રન્ટ્સ અને લઘુમતીઓને જવાબદાર ઠેરવે છે. આ બન્નેમાંથી કોઈ અભિગમ રહેઠાણની સમસ્યા ઉકેલી શકે નહીં, બહારથી આવેલા લોકોને સમાજમાં ભેળવી શકે નહીં કે જાહેર સંસ્થાઓ પરનો વિશ્વાસ પાછો લાવી શકે નહીં.
આત્મવિશ્વાસ ધરાવતી લોકશાહી એકસાથે બે વાત કહી શકે છે. લઘુમતીઓને પોતાની ઓળખ જાળવી રાખવાનો અધિકાર છે. પોતાની વફાદારી સાબિત કરવા માટે તેમણે ધર્મ, ભાષા કે પરંપરા છુપાવવાની જરૂર નથી. સાથે દરેક સમુદાયે સ્વીકારવું પડે કે જાહેર જગ્યા સ્ત્રી-પુરુષ, આસ્તિક-નાસ્તિક, સ્થાનિક લોકો અને ઇમિગ્રન્ટ્સ, બધાં માટે સમાન છે. આ ધર્મ પ્રત્યેની દુશ્મની નથી. જુદા-જુદા ધર્મના લોકો સાથે રહી શકે એ માટેનો આ પાયાનો નિયમ છે.
ભારત પર અસર
યુરોપના આ મતભેદોની અસર હવે ભારત સહિત બીજા દેશો સુધી પણ પહોંચે છે. વધુ ભયભીત યુરોપ ઇમિગ્રેશનના નિયમો કડક કરી શકે છે. રાજકીય રીતે વહેંચાયેલા EU માટે વેપાર, ટેક્નૉલૉજી અને સંરક્ષણ જેવા મુદ્દે એકમત થવું મુશ્કેલ બની શકે છે. યુરોપની આંતરિક ખેંચતાણ રશિયા, ચીન અને અમેરિકા પ્રત્યેની તેની નીતિને પણ અસર કરશે. ત્યાંના વિવાદો સોશિયલ મીડિયા દ્વારા તરત ભારત સુધી પહોંચે છે. એટલે યુરોપમાં જે બની રહ્યું છે તેનાથી ભારત અળગું રહી શકે નહીં.
ભારતે યુરોપની સ્થિતિને સમજવી જોઈએ, પરંતુ આ કડવાશની નકલ ન કરવી જોઈએ. કોઈ સાચી સામાજિક સમસ્યાનો સ્વીકાર કરવો એ ઉદાર મૂલ્યો સાથેનો દગો નથી. એ જ રીતે એક વ્યક્તિ કે સંસ્થાના વર્તન માટે આખા સમુદાયને જવાબદાર ઠેરવવો પણ ન્યાય નથી. માત્ર કટ્ટર જમણેરી પક્ષોનો ભય બતાવવાથી રાજકીય કેન્દ્ર ટકી શકશે નહીં. લોકશાહી સારી રીતે શાસન કરી શકે છે, પ્રામાણિકતાથી સંવાદ સાધી શકે છે અને બધા માટે એકસરખા નિયમો લાગુ કરી શકે છે, એ તો તેણે પોતાના કામ થકી સાબિત કરવું પડશે.
ઍફિલ ટાવરની તપાસ આખરે કદાચ કોઈ ધાર્મિક માગણી, વ્યવસ્થાપનની ભૂલ, ગેરસમજ અથવા આ બધાના સંયોજન તરફ આંગળી ચીંધશે. સત્ય શું છે એ તપાસ નક્કી કરશે. પરંતુ મોટો પ્રશ્ન અત્યારથી આપણી સામે છે. મુક્ત સમાજે ધાર્મિક માન્યતાને સાચવવા માટે મહિલાઓને અદૃશ્ય ન કરવી જોઈએ; બહુમતીને ખુશ રાખવા માટે ધર્મને પણ અદૃશ્ય ન કરવો જોઈએ. યુરોપ સામેનો ખરો પડકાર લોકોને પોતાની અલગ ઓળખ સાથે જીવવાની મોકળાશ આપવાનો અને સાથે બધા માટેના સમાન નિયમોનું રક્ષણ કરવાનો છે.
બાય ધી વે:
વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ આ વિવાદને ‘હિન્દુઓ વિરુદ્ધ બાકીની દુનિયા’નો નહીં, પરંતુ ‘ગુજરાતી સમસ્યા’નો મુદ્દો ગણાવ્યો છે. તેમની વાતને માત્ર ગુજરાતી વિરોધી ગણાવીને ફગાવી દેવી પણ સહેલો બચાવ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલાક સમૃદ્ધ ગુજરાતી અને ભારતીય જૂથોએ વિદેશમાં એવું વર્તન કર્યું છે જાણે પૈસા ચૂકવ્યા એટલે જાહેર જગ્યા તેમની ખાનગી મિલકત બની ગઈ. વિમાનમાં ખાનગી જમણવાર શરૂ કરી દેવો, એરપોર્ટ કે રસ્તા પર પોતાની ઉજવણીથી બીજાઓને અગવડ પહોંચાડવી અથવા પોતાના ધાર્મિક નિયમો બીજાઓ પર લાદવા – આ વર્તન અસંસ્કારી જ કહેવાય. પરંતુ આ ગુજરાતી હોવાની સમસ્યા નથી. આ ‘પૈસા અને પ્રભાવ છે એટલે આપણને બધું ચાલે’ એવી માનસિકતાની સમસ્યા છે. સમૃદ્ધિ આત્મવિશ્વાસ આપે છે, સંસ્કાર નહીં. આપણે આપણા લોકોના ખરાબ વર્તનની ટીકા કરવી જ જોઈએ; પરંતુ કેટલાક લોકોના વર્તન માટે આખા સમાજને આરોપી બનાવી દઈએ તો આપણે પણ એ જ ધ્રુવીકરણનો ભાગ બની જઈએ છીએ, જેની સામે સવાલ ઉઠાવી રહ્યા છીએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 સપ્ટેમ્બર 2026
https://theprint.in/opinion/sharp-edge/baps-eiffel-tower-hindu-vs-rest-gujarati-problem/3038617/
![]()

