જન્માષ્ટમીની ઉજવણી બસ હજી હમણાં જ પતી છે, સાતમ–આઠમનો જુગાર, દહીં હાંડી અને ભોગ પ્રસાદની સમાપ્તિ પછી શ્રીકૃષ્ણના મુખે એક કાલ્પનિક એકાલાપ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કૃષ્ણ સાક્ષાત્કાર કરીને કંઇક કહે તો આજના યુગના સંદર્ભે તેમનું મંતવ્ય શું હશે?

ચિરંતના ભટ્ટ
હવે દીવા ઓલવાઈ ગયા છે. મીઠાઈઓ પણ ખવાઈ ગઈ છે. હિંડોળા ઉતારી લેવાયા છે અને ઘણાં લોકોએ તો પોતાના પ્રોફાઇલ ફોટા પરથી જન્માષ્ટમીની ફ્રેમ કે ફિલ્ટર્સ પણ હટાવી દીધી હશે. સારું થયું. તમે મારા નામે, મારી સ્મૃતિમાં ગાતા હતા ત્યારે તમારી સાથે વાત કરવાનું મન નહોતું. હવે કરું. જન્મદિવસની ઉજવણી અને મિજલસ પતે પછી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે બધું બહુ સરસ કર્યું. ઉપવાસ કર્યા, મધરાતે આરતી ઉતારી, પારણાં શણગાર્યાં અને સેંકડો પંડાલોમાં કારાગૃહમાં થયેલા એક જન્મને જાણે ઉત્સવની ઝાંખી હોય એમ ફરી ભજવ્યો.
હું બધું જ નિહાળતો હતો. દર વર્ષની જેમ. તમારો ઉત્સાહ જોઈને પ્રસન્ન થવા કરતાં ઘણીવાર મને રમૂજ થતી હતી. મને ઉજવવામાં તમે ખરેખર બહુ કુશળ છો. પણ, મારી વાત યાદ કરી તેને અનુસરવામાં એટલા કાબેલ નથી.
અને એ બે વચ્ચે જે અંતર છે, આજે મારે એની જ વાત કરવી છે. જો કે મને નવાઈ લાગવી પણ ન જોઈએ. તમને હંમેશાં મારાં એ સ્વરૂપો વધારે ગમ્યાં છે, જે તમારી અનુકૂળતામાં સમાઈ જાય. પારણામાં સૂતેલું બાળક માત્ર ઝુલાવવાનું કહે છે. માખણ ચોરતો કાનુડો તમને હસાવે છે. વાંસળી વગાડતો કૃષ્ણ કૅલેન્ડરમાં બહુ સુંદર લાગે છે. અરે, પર્વત ઊંચકતો કૃષ્ણ પણ મનોહર ચિત્ર બની શકે, બસ, ચિત્રમાં પર્વત થોડો નાનો દોરી દેવો પડે.
સારથિ તરીકેનો હું તમારે માટે એટલો અનુકૂળ નથી. એ યુદ્ધની વચ્ચે ઊભેલા એક યોદ્ધાના નૈતિક સંકટમાં દખલ કરે છે અને તેનાં મનને ગમે એવો સહેલો જવાબ આપતો નથી.
માળો સામે સવાલ કરે છે કે, “કરુણા અત્યારે જ કેમ જાગી?” બરાબર એ જ ક્ષણે, જ્યારે કર્તવ્ય નિભાવવાની કિંમત પોતે ચૂકવવાની આવી?
એ જાણે છે કે ક્યારેક સદ્ગુણ પણ માણસ પોતાની જાતને છુપાવવા માટે ઓઢી લેતો હોય છે. સ્વાભાવિક છે, મારું આ સ્વરૂપ તમારા બધાંનાં પ્રોફાઇલ ફોટોગ્રાફ્સમાં ઓછું દેખાય છે.
ચાલો, યુદ્ધભૂમિ પર કહેલી મારી એક વાત યાદ કરાવું. પછીથી તમે તેને વર્ગખંડોમાં કહી, કૉર્પોરેટ ટાઉનહૉલમાં કહી, પ્રેરણાત્મક ભાષણોમાં કહી અને અગણિત વૉટ્સઍપ મેસેજમાં ફૉરવર્ડ પણ કરી : એ જ, ‘કર્મણ્યેવાધિકારસ્તે ….’ વાળી વાત;
તમારો અધિકાર કર્મ પર છે, તેના ફળ પર નહીં. મેં એ વાત તમને ફળની આસક્તિમાંથી મુક્ત કરવા કહી હતી. પણ તમે તો અંચઈ કરી અને એમાંથી છટકબારી શોધી કાઢી.
રાજકારણીઓ એ શ્લોક બોલે છે અને દરેક નિર્ણયનું મૂલ્ય આગામી ચૂંટણીના મતમાં ગણે છે. રાષ્ટ્રો કર્તવ્યની વાત કરે છે અને સાથે બરાબર હિસાબ પણ કરે છે કે એ કર્તવ્યમાંથી શું મળશે; જમીન, તેલ, પ્રભાવ, અનુકૂળ હેડલાઇન કે ચૂંટણીમાં થોડા વધુ મત. મેં તમને પરિણામોની પરવા ન કરવાનું નહોતું કહ્યું, જેથી તમને જોઈતું પરિણામ મેળવી લો અને પછી હાથ નિર્દોષ હોવાનું માનો.
મેં તો એટલું કહ્યું હતું કે તમે શું કરી રહ્યા છો અને શા માટે કરી રહ્યા છો, એ વિશે કમ સે કમ પોતાની જાત સાથે જૂઠું ન બોલો. તમારામાંથી મોટા ભાગના લોકોએ જૂઠું બોલવાનું છોડ્યું નથી.
માત્ર જૂઠું બોલવામાં વધુ કુશળ થયા છો. યાદ હોય તો અર્જુનની પહેલી ઇચ્છા ધનુષ મૂકી દેવાની હતી. અને તેની પાસે આમ વિચારવાનાં કારણો નબળાં નહોતાં.
સામે ઊભેલા લોકો તેના સ્વજનો હતા, ગુરુઓ હતા, મિત્રો હતા. જીતનો સ્વાદ પણ રાખ જેવો લાગવાનો હતો. યુદ્ધ જેમને ગળી જવાનું હતું, તેમને કોઈ વિજય પાછા લાવી શકવાનો નહોતો.
તેની વ્યથા સાચી હતી. પણ વ્યથા સાચી હોય એટલે નિર્ણય પણ સાચો જ હોય એવું નથી. ક્યારેક નિર્ણય ન લેવો એ પણ એક નિર્ણય હોય છે.
ફરક માત્ર એટલો કે તેના પર તમારી આંગળીઓનાં નિશાન નથી રહેતાં. આ પ્રકારની નિર્દોષતા તમે બહુ સારી રીતે શીખી ગયા છો.
અન્યાયને નીતિ બનતો જુઓ છો. ક્રૂરતાને મનોરંજન બનતી જુઓ છો. અસત્યને આખો ઉદ્યોગ બનતો જુઓ છો. અને પછી કહો છો : વાત બહુ જટિલ છે. ઘણી વાર ખરેખર જટિલ હોય છે.
પરંતુ ‘જટિલતા’ હવે સંતાઇ જવાની તમારી મનપસંદ જગ્યાઓમાંની એક બની ગઈ છે. અર્જુન પાસે તેની નિષ્ક્રિયતાને પ્રશ્ન કરનાર કૃષ્ણ હતો. તમારી પાસે પૅનલ ડિસ્કશન છે. મૌનને ‘તટસ્થતા’ કહેવાનું પણ તમને બહુ ગમે છે. જાણે નામ થોડું સભ્ય કરી દેવાથી મૌન કોના પક્ષે ઊભું છે એ બદલાઈ જવાનું હોય.
દુર્યોધનને આ ભેદ બહુ ગમ્યો હોત. તેને સભામાં બેઠેલા દરેક વડીલની સંમતિની જરૂર નહોતી. તેને એટલું જ જોઈતું હતું કે પૂરતા લોકો પોતાની ગરિમા જાળવીને, મનમાં દ્વિધા લઈને, મૂંગા બેઠા રહે. એક વખત હું એવા યુદ્ધની વચ્ચે હતો જે અઢાર દિવસ ચાલ્યું. એ યુદ્ધને પોતાનું નામ ધરાવતી ભૂમિ હતી. સેનાઓ ઓળખાતી હતી. શત્રુઓ એકબીજાની સામે ઊભા હતા. નિયમો હતા; ભલે વારંવાર તૂટતા રહ્યા હોય. મને ખબર હતી કે યુદ્ધ કોને જોઈએ છે, કોણ એનાથી ડરે છે, કોને એમાંથી લાભ થવાનો છે અને શાંતિ માટે વાત કોની સાથે કરવાની છે.
અને હા, પહેલાં મેં શાંતિનો પ્રયત્ન કર્યો હતો. હું દૂત બનીને ગયો હતો.
નિઃશસ્ત્ર. એવી સભામાં, જ્યાં બેઠેલા મોટાભાગના લોકોએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે સાંભળવું નથી. છેવટે મેં રાજ્ય પણ નહોતું માગ્યું.
માત્ર પાંચ ગામ માગ્યાં હતાં. એ સભામાં મારી રાહ જોતા અહંકારને હું ઓળખતો હતો. આ વાતચીત ક્યાં જઈને અટકશે એનો પણ મને અંદાજ હતો. તો ય હું ગયો. મેં સભા ટાળી નહોતી. તમે વારંવાર સભા સુધી જવાનું જ ટાળી દો છો; અને એને ‘વ્યૂહરચના’ કહો છો. આજે તમે જે કરી રહ્યા છો એને હું શું કહું?
તમારાં યુદ્ધો હવે હંમેશાં પોતાની ઓળખ જાહેર નથી કરતા. પોતે યુદ્ધ છે એમ કહીને નથી આવતા. તમારા છેતરામણાં યુદ્ધોમાં હું શા માટે સારથિ બનું, ભલા? એ મિસાઇલથી પણ લડાય છે અને બજારથી પણ. ટેરિફથી પણ અને ટેક્નૉલૉજીથી પણ, પ્રચારથી પણ અને એવા ડ્રોનથી પણ, જેના હુમલાની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી.
હિંસાનો આદેશ આપનાર માણસ કદાચ એ માણસથી હજારો કિલોમીટર દૂર બેઠો હોય છે જેના પર એ હિંસા વરસવાની છે. ભોગ બનનારને કદાચ પોતાના શત્રુનું નામ પણ ક્યારે ય ખબર ન પડે. અને હુમલો કરનારને કદાચ પોતાના ભોગની આંખોમાં ક્યારે ય જોવું પણ ન પડે.
કુરુક્ષેત્રને તો ઓછામાં ઓછું એક યુદ્ધમેદાન હતું. તમારાં યુદ્ધો એટલો વિવેક પણ રાખતાં નથી.
મને માત્ર એટલો જવાબ આપો કે, હું ઊભો ક્યાં રહું?
અને પછી હજી એ આફતો છે, જેને તમે હજી પણ બહુ સહેલાઈથી ‘કુદરતી’ કહી દો છો. જ્યાં ક્યારેક નદીઓ વહેતી હતી ત્યાં બાંધકામ કરીને વધુ વિનાશક બનાવેલાં પૂર. નફા માટે ચીરી નાખેલા પહાડો પરથી ધસી આવતી માટી. સરોવરોને રિયલ એસ્ટેટમાં ફેરવી દીધા પછી પાણીમાં ડૂબતાં શહેરો. અને દાયકાઓ સુધી આંખ આડા કાન કર્યા પછી અસહ્ય બની ગયેલી ગરમી. આશ્રય તમે નષ્ટ કરો છો. જોખમ તમે ઊભું કરો છો. અને પછી બચાવવા માટે આકાશ તરફ જુઓ છો.
તમને હજી પણ લાગે છે કે હું ફરી કોઈ પર્વત ઊંચકી લઈશ. એક વાર ઊંચક્યો હતો. એક એવા ગામ માટે, જેને પોતાનો ભય ક્યાં મૂકવો એની ખબર નહોતી. મેં ગોવર્ધન ઊંચક્યો અને લોકો એની નીચે એકઠા થયા. વાવાઝોડું પસાર થયું ત્યાં સુધી, સાથે રહ્યા. તમને મારી ટચલી આંગળી યાદ રહી. એની નીચે ઊભેલા લોકો ભૂલાઈ ગયા. આજે પણ તમે ઉપર જ જુઓ છો.
તમે સર્જેલાં વાવાઝોડાંની આગાહી કરતા ઉપગ્રહો તરફ. જે તોડવામાં પોતાનો લાભ હતો એ જ ફરી બાંધી આપવાનું વચન આપતા નેતાઓ તરફ. અને આકાશ તરફ; ક્યાંકથી કોઈ હાથ ઊતરશે અને બધું ફરી ઠીક કરી દેશે એવી આશામાં. એ હાથ નીચે નહીં ઊતરે. સ્વાભાવિક છે, આ વાત જન્માષ્ટમીની સજાવટમાં કે શણગારમાં ક્યાં ય લખી નહોતી.
અને હા, જો તમને અત્યાર સુધી એવું લાગવા માંડ્યું હોય તો સ્પષ્ટ કરી દઉં કે હું ગુસ્સે નથી. ગુસ્સો મારું પહેલું સાધન ભાગ્યે જ રહ્યું છે. મને હંમેશાંથી સમજાવવું વધુ ગમ્યું છે. ધીરજ રાખવી ગમી છે. થોડી લીલા કરવી ગમી છે. અને જરૂર પડે ત્યારે, તમારી સામે એક અણગમતો અરીસો ધરવો ગમ્યો છે. તમને તો હંમેશાં વાંસળી જ વધુ ગમી. કારણ કે વાંસળી તમારી પાસેથી કશું માગતી નથી. એને શણગારી શકાય. એનો ફોટો પાડી શકાય. મારી મૂર્તિની બાજુમાં મૂકી શકાય.
અરીસો જોવો થોડો વધુ મુશ્કેલ છે. એ કદાચ તમને બતાવી દે કે ધર્મ અને તમે ખરેખર પસંદ કરેલા જીવન વચ્ચે કેટલું અંતર છે. એ જ અંતર, જે ન જોવાની કળા શીખવામાં તમે આખી જિંદગી કાઢી નાખી. તો જન્માષ્ટમીના બે દિવસ પછી, દીવા સંકેલી ચૂકેલા તમને મારે માત્ર એટલું જ કહેવું છે:
હું ફરી ક્યારે આવીશ એ પૂછવાનું બંધ કરો. હું કોઈ દૂરના લોકમાં બેઠો નથી કે વધુ અનુકૂળ યુગ આવે ત્યારે તમે મને બોલાવી લો. હું આજે પણ તમારી બાજુની બેઠક પર જ બેઠો છું.
હા, એટલું જરૂર જોઉં છું કે રસ્તો જેવી જ કોઈ એવી દિશામાં વળે છે, જ્યાં તમે જોવા નથી માગતા, તમે તરત લગામ તમારા હાથમાં લઈ લો છો. મુશ્કેલી ક્યારે ય મારી ગેરહાજરી નહોતી. મુશ્કેલી એટલી જ છે કે મોટા ભાગના દિવસોમાં તમને એવું જ ગમે, હું હાથમાં વાંસળી રાખું, કંઈક સુરીલું વગાડતો રહું …અને કશું બોલું નહીં.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 સપ્ટેમ્બર 2026
![]()

