આઝાદ વિચારનો ચહેરો બનનારા ઉમર ખાલિદ છેલ્લા એક દાયકાથી જેલમાં હોવા છતાં બહાર તેમની ચર્ચા સતત થતી રહે છે. હાલમાં તેમનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. નામ છે : ‘ફ્રેક્ચર્ડ કોમ્યુનિટીઝ – આદિવાસી હિસ્ટરીઝ એન્ડ ધ પોલિટિક્સ ઑફ પાવર.’ ખાલિદ પર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં દેશ-વિરોધી નારા લગાવવાનો અને 2001માં થયેલા સંસદ હૂમલાના દોષિત અફઝલ ગુરુના ફાંસી વિરોધમાં પ્રદર્શન કરવાનો આરોપ છે. જો કે સુપ્રિમ કોર્ટમાં થઈ રહેલી સુનાવણીમાં કાયદાના નિષ્ણાતોએ નોંધ્યું છે કે ખાલિદ વિરુદ્ધ પુરાવા નબળા છે, તેમ છતાં ઉમર ખાલિદને જામીન મળી રહ્યા નથી. દેશમાં અનેક જાગ્રત નાગરિક મંડળોએ ઉમર ખાલિદના ન્યાય માટે અરજ કરી છે, પરંતુ સુપ્રિમ કોર્ટ તેમને જામીન આપતા નથી. આ અગાઉ પણ 2020માં તેમનાં પત્રો અને લખાણોનું સંપાદિત પુસ્તક ‘ઉમર ખાલિદ એન્ડ હિઝ વર્લ્ડ – એન એન્થોલોજી’ પુસ્તક પ્રકાશિત થયું હતું. ઉમર વિશે હાલમાં પ્રસ્તુત વાત તેના પુસ્તકની તો છે જ; પણ સાથે સાથે ‘ધ વાયર’ નામના ન્યૂઝ પોર્ટલ પર હાલ ‘આઝાદી કે માયને’ નામની હપ્તાવાર સિરીઝ પ્રકાશિત થઈ રહી છે. આ લેખમાળામાં ચુંનદા લેખકો પોતપોતાની રીતે આઝાદીનો વ્યાપક અર્થની વિભાવના લખી રહ્યા છે. તેમાં કેટલાંક એકેડેમેશિયન છે, સાહિત્યકાર છે અને પત્રકાર પણ છે. ઉમર ખાલિદને દિલ્હી યુનિવર્સિટીના અધ્યાપક વિજેન્દ્રસિંહ ચૌહાણે એક પત્ર લખ્યો છે અને તે પત્રમાં તેમણે ઉમરની અને દેશની આઝાદીના ખ્યાલને શબ્દોમાં રજૂ કર્યો છે.

વિજેન્દ્ર સિંહ ચૌહાણ
વિજેન્દ્ર સિંહ ચૌહાણ ‘પ્યારે ઉમર’ એમ કરીને 15 ઑગસ્ટના રોજ આઝાદીના દિવેસ શું-શું થશે તેની વાત શરૂઆતમાં મૂકીને આગળ લખે છે કે, ‘હું તમને કોઈ વાર્તાનો હિરો બનાવવા માટે પત્ર નથી લખી રહ્યો. ન તો તમને દિલાસો આપવાની મારી ક્ષમતા છે. ન તમારા વતી બોલવાનો કોઈ અધિકાર. જેલની દીવાલો, બંધ દરવાજા, ગણતરીની મુલાકાતો અને સામાન્ય જીવનથી અંતર – બહાર બેસેલી વ્યક્તિ આનો પૂરો મતલબ ક્યાં સમજે છે? હું એટલું જરૂર સમજું છું કે પૂરો મુકદ્દમો ચાલ્યા વિના, વર્ષોની કેદ માત્ર તમારી પાસેથી દિવસો નથી છીનવતી. તે પરિવારનું હાસ્ય, માતા-પિતાની ઊંઘ, મિત્રોનો સમય, પ્રેમની સહજતા અને ભવિષ્યની તસવીરમાં કશુંક ને કશુંક તમારામાંથી કાપી નાંખે છે. બહાર કેલેન્ડર પર તારીખ બદલાય છે, જેલના અંદર સંભવત્ એ જ તારીખ સ્મૃતિમાં લખાય છે.’ અધ્યાપક આગળ લખે છે કે, ‘ઉમર, તમને થયેલી જેલ મને અન્યાય લાગે છે. આ મારો સ્પષ્ટ રીતે નૈતિક અને નાગરિકનો નિર્ણય છે. અદાલતની પોતાની કાર્યવાહી છે, આરોપ અને બચાવ પોતાની જગ્યાએ. પરંતુ કોઈ નાગરિકનો મુકદ્દમો પૂર્ણ થાય પહેલા જ કેદ આટલી લાંબી થઈ જાય કે જીવનના મોટા ભાગ સજાની જેમ વિતવા લાગે, તો આપણે કાયદાની પુસ્તકો દાખવીને પોતાની જાતને નિર્દોષ નથી દાખવી શકતા. ત્યારે કાર્યવાહી અને સજાનું અંતર દૂર થઈ જાય છે. અને હવે જેલમાં તે યુવાનો હોય જેની ઓળખ સવાલ પૂછવાની, દલીલો કરવાની અને શાસન સામે અસંમતિ દાખવવાની હોય તો તાળું માત્ર એક વ્યક્તિના આઝાદી પર નથી લાગતું. તે અવાજ વિશ્વવિદ્યાલયો, સભાઓ અને એ તમામ બાળકો સુધી પહોંચે છે જે હવે બોલતા અગાઉ એવું વિચારે છે કે આની કેટલી કિમત ચૂકવવી પડશે.’

અધ્યાપક વિરેન્દ્રસિંહ ચૌહાણ પત્ર તો વ્યક્તિગત રીતે ઉમરને લખી રહ્યા છે, પરંતુ તેઓ દેશમાં જે કંઈ બન્યું છે અને તેમાં ઉમર સાથે કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે તેનો આખો વિસ્તૃત અહેવાલ લખતા હોય તેમ બધું લખે છે. આગળ તેમના શબ્દો : ‘તમારો એક વધુ સ્વતંત્રતા દિવસ જેલમાં વિતવો તે આ આઝાદ દેશની કડવી વાસ્તવિકતા છે. પરંતુ તેથી પણ વધુ ક્રૂર વાસ્તવિકતા એ છે કે આપણામાંથી ઘણાએ આ અંગે વાંચવાનું જ છોડી દીધું છે. લાંબી કેદ પહેલાં તો સમાચાર બને છે, પછી તે સમાચાર જૂના બનતા જાય છે, અને આખરે તે આપણી સ્મૃતિમાં ધૂંધળા બને છે. પહેલાં બેચેની થાય છે, પછી આદત પડી જાય છે અને પછી અંતહીન મૌન. આ મૌનમાં મારો પણ હિસ્સો છે. અને આ વાત કહેતા મને શરમ આવે છે. હું અધ્યાપક છું, બાળકોને કહું છું કે સવાલ પૂછો. બંધારણ વાંચો. ડરીને ચૂપ ના બેસી રહો. મંચ પરથી વિશ્વાસ સાથે કહું છું કે અસંમતિ નાગરિકોની તાકાત છે. જો કે હું તો પછી ક્લાસ, રેકોર્ડિંગ, પ્રવાસ અને પોતાની રોજિંદા જીવનમાં પાછો ફરી જઉં છું. તમારા અર્થે ક્યારેક દુઃખી થયો, ગુસ્સો પણ આવ્યો, કશુંક કહ્યું પણ ખરાં, પરંતુ જેટલું બોલવું જોઈએ એટલું ન બોલી શક્યો. જેટલા સમય સુધી બેચેની રાખવી જોઈએ, સંભવત્ તે ન રાખી શક્યો. તમારી કેદ માટે હું કોઈ રીતે જવાબદાર નથી. પરંતુ આ વાતને ક્ષુલ્લક બનાવી દેવાના સામાજિક મૌનમાં હું પોતાની જાતને પાક-સાફ નથી સમજી શકતો.’ કેટકેટલી પોતાની મર્યાદા અધ્યાપકે દાખવી દીધી છે. તેમનાથી જે કંઈ ન થઈ શક્યું તે બધું જ તેમણે અહીં પ્રમાણિકપણે બયાન કરી દીધું છે. આગળ તેઓ લખે છે : ‘શિક્ષક હોવું એટલે માત્ર યોગ્ય ઉત્તર સમજાવી દેવા જરૂરી નથી. ક્યારેક-ક્યારેક વિદ્યાર્થી સામે પોતાની મર્યાદા અને પોતે કરેલું સમાધાન પણ સ્વીકારવું જોઈએ. અમે તમારી પેઢીને કહ્યું હતું કે, આ લોકતંત્ર તમારું છે. પ્રશ્ન કરતા રહો, બંધારણ પર ભરોસો રાખજો, શાંતિ સાથે અંસમતિ દાખવતા રહો. પરંતુ જ્યારે પ્રશ્નોની કિમત તમારી આઝાદીથી ચૂકવાઈ, ત્યારે અમારામાંથી કેટલાં લોકો તમારી સાથે રહ્યા, જેઓ જેટલી ઠોસ રીતે ક્લાસમાં અસંમતિનું મહત્ત્વ ભણાવ્યું હતું. તમારો જેલવાસ, રાજ્યતંત્ર સાથે સાથે અમારા જેવા શિક્ષકો, પત્રકારો અને નાગરિકોની પણ પરીક્ષા છે. અને સત્ય તો એ છે કે અમે સારાં ગુણોથી પાસ નથી થયા.’

ઉમર ખાલિદ
અધ્યાપકના સંદર્ભોમાં રાજકારણ તો છે જ, પણ તેમણે શિક્ષણજગતને પણ આવરી લીધું છે. આગળ તેઓ આઝાદીના સમય ટાંકતા કહે છે કે, ‘આજે 1947ને વિજયની તારીખની જેમ જોવી મુશ્કેલ છે. અંગ્રેજી રાજથી મુક્તિ સામાન્ય વાત નહોતી. તેમાં થતી લૂંટ, અંગ્રેજોનો અહંકાર અને એ ખ્યાલ પર ઊભેલી સત્તાનો અંત હતો – જે એવું માનતા હતા કે હિંદુસ્તાન પોતાના માટે નિર્ણય લેવા માટે સક્ષમ નથી. પરંતુ સરકાર બદલી જવાથી દરેક વ્યક્તિ આઝાદ થઈ જતી નથી. 1947થી અંગ્રેજોથી મુક્તિ મળી. 1950થી બંધારણે પ્રજાને નાગરિક બનાવવાનું કામ શરૂ કર્યું. એ ફરક ભૂલી જઈએ કે ધ્વજ બદલાય છે, શાસકની ભાષા પણ બદલાય, પરંતુ સત્તા અને માણસનો જૂનો સંબંધ છે જે નવાં કપડાંમાં આવી શકે છે. આપણા બંધારણે ભારતને માત્ર સાર્વભૌમ રાષ્ટ્ર નથી કહ્યો. તેણે કહ્યું છે કે આપણે લોકતાંત્રિક, સમાજવાદી અને ધર્મનિરપેક્ષ ગણરાજ્ય બનવું છે. આ શબ્દો ખાસ્સા ગંભીર લાગી શકે છે, પરંતુ તેનો અર્થ એકદમ ઘરેલુ છે. લોકતંત્રનો અર્થ છે કે બહુમતી સરકાર તો બનાવી શકે છે, પરંતુ કોઈ નાગરિકના સન્માનનો માલિક બની શકતો નથી. ધર્મનિરપેક્ષતાનો મતલબ છે કે તમારો ધર્મ અને અધિકાર, તમારી પ્રામાણિકતાનો માપદંડ નહીં હોય. સમાજવાદનો મતલબ છે કે ભૂખ, બીમારી અને રોજગારીથી આઝાદી માત્ર શ્રીમંતોની સગવડ સુધી મર્યાદિત નહીં રહે. ગણરાજ્યનો અર્થ છે કે આ દેશ રાજા, પરિવાર, ધર્મ, જ્ઞાતિ કે નેતાની માલિકીની નથી, આ સૌની સહિયારી જગ્યા છે.’ પત્ર તો ખાસ્સો લાંબો છે. અધ્યાપકે તેમાં બંધારણની અનેક વિગતો ટાંકી દીધી છે. પત્રના બહાને જાણે તેમણે એક આદર્શ સમાજની વિભાવના મૂકી આપી છે. સાથે તેઓ તેની મર્યાદા પણ દાખવતા જાય છે.
પત્ર વિસ્તૃત છે, તેમાંથી થોડી વિગતો અહીં ટાંકી છે. આખરમાં પત્ર લખનાર ઉમરને લખે છે કે, ‘એક દિવસ જેલનો દરવાજો ખુલે, એવી દુઆ છે. પરંતુ તેનાથી પણ મોટા આશિર્વાદ એ છે કે આ દેશના દરવાજા એટલા ખુલે કે કોઈ વિદ્યાર્થીને પોતાના પ્રશ્ન, નામ, ધર્મ કે અસંમતિની આવી કોઈ કિંમત ક્યારે ય ચૂકવવી ન પડે.’
e.mail : kirankapure@gmail.com
![]()

