
રવીન્દ્ર પારેખ
હા, ઘણી બાબતોમાં એવું છે. જૂનવાણી જ છીએ. કેટલીક બાબતોમાં એ આવકાર્ય પણ છે, પણ એ જ વખતે મોડર્ન હોવાનું ભૂત પણ આપણા પર સવાર હોય છે. પહેલેથી જ આપણા બતાવવાના અને ચાવવાના જુદા રહ્યા છે. એક તરફ લેટેસ્ટ ફેશન દેશ-વિદેશથી અપનાવીએ છીએ ને ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં એ જ પરંપરા અને રીતરિવાજોનું પણ ચુસ્તીથી પાલન કરીએ છીએ. એ વખતે મોંઘવારી આપણને નડતી નથી. આટલી મોંઘવારી છતાં ઉધાર-ઉછીનું કરીને લગ્નને આપણે ઉજવીએ છીએ. લગ્નમાં અમર્યાદ દેવું કરીને પ્રસંગને દીપાવવા કુટુંબો બનતું બધું જ કરી છૂટે છે. એવું નથી કે આ બધું કરવું અનિવાર્ય છે. એવું જરા પણ નથી. અડધું તો દેખાદેખી ચાલે છે. અમુકના લગ્નમાં કે અમુક સામાજિક પ્રસંગમાં બીજાનું જોયું હોય ને ત્યાં જે થયું હોય, તેથી ઓછું તો પરવડતું જ નથી. ઘણી વાર તો એવું લાગે કે વરઘોડિયાં બદલાય છે કે પાર્ટી પ્લોટ બદલાય છે, બાકી, કપડાંલત્તા, પહેરવું, ઓઢવું, ખાવું પીવું સરખું જ હોય છે. આ નકલખોરીને લીધે મૌલિક કે જુદા વિચારો પ્રગટતા નથી. એક સમય હતો જ્યારે સાતઆઠ વસ્તુઓથી આખો લગ્ન પ્રસંગ ઉજવાઈ જતો. એટલી વાનગીથી જાનૈયાઓ રાજીના રેડ થઈ જતાં. હવે તો 100 જેટલી વાનગીઓ બને છે ને તો ય ધરવ નથી થતો. ઉપરથી એટલો બગાડ થાય છે કે બીજી જાન જમી શકે.
આ ઉપરાંત વસ્ત્રો પાછળ પણ લખલૂટ ખર્ચ થાય છે. ભર ઉનાળામાં વરરાજો વૂલન શૂટ પહેરીને ફરતો આપણે જોયો જ છે. લગ્ન, વિવાહને ઉજવાય તેનો તો શો વાંધો હોય, પણ હવે તો પ્રિ-વેડિંગ શૂટની નવી ફેશન પણ નીકળી છે, જેમાં લગ્ન પહેલાંનો વરકન્યાનો વીડિયો ઉતારીને સંબંધીઓ, મિત્રોની જાણ માટે જાહેરમાં મૂકાય છે. લગ્નમાં એ જ વસ્ત્રો તો નહીં પહેરાય, તે પ્રસંગનાં કપડાં જુદાં. લગ્નના અઠવાડિયા પહેલાંથી પ્રસંગો શરૂ થઈ જાય ને રોજનું ખાવાપીવાનું, પહેરવા ઓઢવાનું પણ જુદું થઈ જાય. એમાં ધાર્મિક વિધિઓ અને તેની પાછળના યજ્ઞ-યાગની વિધિઓ ને તેના ખર્ચ વગેરે ધાર્મિક હોવાની રીતે વકરે છે. પ્રસંગો પણ એટલા કે માણસ એટેન્ડ કરતા કરતા હાંફી જાય. હલદીનો દિવસ જુદો, સંગીત સંધ્યાની રાત જુદી, ડાન્સની રાત જુદી, ગ્રહસાતેક / ગ્રહશાંતિ જુદી ને એમ અનેક કુટુંબો કામકાજ છોડીને લગ્ન માણતાં હોય છે. એમાં પણ વરવહુના સંગીતના, હલદીના, ડાન્સનાં વસ્ત્રો, બૂટ ચંપલો જુદાં.
આમાં પહેરવાં ઓઢવાનું કે ખાવાપીવાનું બાદ કરતાં મોડર્ન શું છે? શું સુધર્યું છે? ઊલટાનું, આપણે વધુ જૂનવાણી થયાં છીએ, પહેલાં આપસમાં થતું હતું તે હવે સાર્વજનિકની હદે વકર્યું છે. લોકો પણ સૌથી વધુ દેખાડો કરી શકે તેને જ મોડર્ન કહેતા હશે. આપણી સામાજિક, ધાર્મિક નિર્ભરતા અગાઉ આટલી ન હતી. આપણે રૂઢિના વધુ ગુલામ બની ગયા છીએ.
એ પણ છે કે આપણા સંતાનો તરફ આપણે વધુ દુર્લક્ષ સેવી રહ્યા છીએ. ‘છોરું કછોરું થાય’ તો પણ સંતાનો પાસેથી વધુ અપેક્ષા રાખી તેમના પર દબાણ ઊભું કરવું, જૂનવાણીપણાનો જ વિસ્તાર છે. એ જ રીતે વૃદ્ધ માતાપિતાનો તિરસ્કાર, પણ જૂનવાણીપણાનો જ દેખાડો છે. સાચું તો એ છે કે આપણે સામાજિક પ્રાણી છીએ, એમાં પણ સામાજિક ઓછા ને પ્રાણી વધુ છીએ. પ્રાણીઓ દુર્વ્યયમાં બહુ માનતા નથી, પણ માણસને દુર્વ્યય પરવડે છે. આ દુર્વ્યય પોષાતો નથી, પણ પરવડે છે, કારણ ઉધાર-ઉછીનું કરીને પ્રસંગો પાર પડાય છે, એ આમ તો દેવું વધારે છે, એટલે પોષાતો નથી, પણ બેચાર દિવસમાં બધું વહાવી દેવાનું પરવડે છે. એમ લાગે છે કે આપણે પૈસા વેડફવાના પૂરતા માર્ગો શોધી લીધા છે ને નવાની શોધ ચાલુ જ છે. બધું જ ભવ્ય, ધ્યાન ખેંચનારું, મોટું ને ઝાકઝમાળવાળું જ પરવડે છે. એવી ઝાકઝમાળ જેને પરવડતી હોય તેનો તો વાંધો જ નથી. વાંધો એનો છે જેની પહોંચ નથી તે લોકો પણ આ દેખાડામાં પડે છે.
*
આપણે સુધર્યા તો છીએ. આપણી બાહરી ટાપટીપ અમર્યાદ રીતે વધી ગઈ છે, તેમાં ધાર્મિક તો ઘણી વધારે છે. આ ધાર્મિક્તાએ આપણને વધુ રૂઢિચુસ્ત, વધારે ધર્માંધ બનાવ્યાં છે. એ જ કારણે આપણી બાહરી ટાપટીપ વધી છે, તે સાથે જ આપણે વધુ સંકુચિત થયા છીએ. આપણે મોડર્ન દેખાઈએ છીએ, પણ હકીકતે ઘણાં પછાત છીએ. આ પછાતપણામાં ભદ્ર વર્ગ પણ આવી જાય. જો કે, કેટલાક સમાજોમાં ખુલ્લાપણું આવ્યું છે ને જ્ઞાતિ બહાર બેટી પરણાવતા થયા છે.
કોણે ક્યાં જન્મ લેવો એવું અગાઉથી કોઈ નક્કી કરી શકતું નથી. એવી જ રીતે કોને ક્યાં પ્રેમ થશે તે પણ નક્કી નથી. આ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે. સમાજ પૂરો વિકસ્યો ન હતો, ત્યારે પણ પ્રેમ જાતિ, જ્ઞાતિ વગર થઈ શકતો. થયો છે. આધુનિક સમયમાં શિક્ષણ વધ્યું, સ્ત્રીઓ ઘર બહાર નીકળતી, ભણતી, ગણતી થઈ, એટલે નોકરી ધંધા કે શિક્ષણને નિમિત્તે સ્ત્રી-પુરુષનું વધુ નજીક આવવાનું થયું. નજીક આવવાને લીધે પ્રેમ થયો. પ્રેમ કરતાં પહેલાં ન તો છોકરીએ ન્યાત જાત પૂછી કે ન તો છોકરાએ જ્ઞાતિજાતિ જોઈ. આ બધું થાય તે પહેલાં તો પ્રેમ થઇ ગયો. એકબીજાને મળવા મૂકવાના કોલ અપાયા. એકબીજાના હાથમાં હાથ નાખી હર્યાંફર્યાં. રેસ્ટોરન્ટમાં ખાધું, પીધું, ફિલ્મો-નાટકો જોયાં. કોલ કર્યા, મોબાઈલ પર મેસેજો જોયા, મોકલ્યા. એ પછી પરણી જવાનો ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો તે પછી પાછળ હટવાની તો કલ્પના પણ થાય એવું ન હતું.
ઘરમાં પૂછવાની વાત આવી ને ચિંતા ને ચિંતન વધ્યાં. કોણ પૂછે ને કોને પૂછે એ વાત આવી. છોકરીને તો હતું કે પપ્પા આધુનિક વિચારના છે, એટલે બહુ વાંધો નહીં આવે, છોકરાને પણ હતું કે ઘરમાં બધા ફ્રી માઈન્ડના છે, એટલે વાંધો નહિ આવે. કેટલાંક યુવક-યુવતીઓએ ઘરમાં વાત કરી પણ ખરી ને છોકરા છોકરી રાજી છે તો થોડી ઘણી તપાસને અંતે શરણાઈઓ વાગી પણ ખરી. પણ, આધુનિક વિચારધારાના માબાપ કેટલીક બાબતોમાં નોખા પડ્યા. મોડર્ન હોવાના બધાં વાઘાં ઊતરી ગયાં ને દીકરા કે દીકરી પર પ્રતિબંધો લાગુ પડ્યા. પિતા કે માતાને જ્ઞાતિ, જાતિનો વાંધો પડ્યો ને ન્યાતની જ છોકરી બતાવવા માંડી ને લગ્ન કરવાનું દબાણ પણ વધવા માંડ્યું. રખેને, પ્રેમિકા ટપકી પડે ! એવું જ છોકરી માટે પણ થયું. તેને પણ પ્રેમી સાથે પરણાવવાનો વાંધો એટલે લેવાયો કે છોકરો બીજી ન્યાતનો છે. એને પણ ન્યાતના છોકરા બતાવવામાં આવ્યા ને લગ્નનું દબાણ વધ્યું. છોકરાએ ને છોકરીએ બહુ કાલાવાલા કર્યા, પણ માબાપ ને આખું કુટુંબ ન તે ન જ માન્યાં.
માબાપ અને અન્ય સભ્યો સંતાનનું ભલું જ ઇચ્છતા હોય છે, પણ એમનું ભલું ઇચ્છવું લગ્નોત્સુક પ્રેમીઓને બહુ ભારે પડતું હોય છે. કેટલાંકથી એ બોજ નથી વેઠાતો ને નથી વેઠાતું તો આત્મહત્યા કરી લે છે. માબાપ પછી માથે હાથ દે છે, પણ ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. માબાપ દીકરો કે દીકરી દુ:ખી ના થાય એટલે પાબંદીઓ લગાવે છે, પણ માબાપનું ધારેલું કરવા જતાં પણ સંતાન સુખી નથી જ થતું. આખી જિંદગી હૃદયમાં ફાંસ વાગતી હોય તેમ એક કણસાટ ભીતરથી ઊઠતો રહે છે.
આપણે સુધરેલા પછાત છીએ. ધારો કે છોકરો કે છોકરી જ્ઞાતિમાંથી ગમતું પાત્ર શોધી લાવે છે, તો પણ વાંધા ઊભા જ રહેતા હોય છે. દીકરા કરતાં નવું પાત્ર ઉંમરમાં મોટું હોય તો તે પણ ચાલતું નથી. એવી જ રીતે છોકરી કરતાં છોકરો 12 વર્ષ મોટો નીકળે તો પણ, માબાપને વાંધો પડે છે ને લગ્ન અટકે છે. માબાપ આખી જિંદગી સાથે રહેવાનાં નથી, પણ તેમની જીદને કારણે બે જિંદગીઓ દાવ પર લાગી જાય છે. એવું નથી કે માબાપે લગ્નની બાબતે દખલ ન કરવી, પણ બંને પ્રેમીઓ એક બીજા સાથે જીવવાનું મન બનાવી ચૂક્યા હોય તો માબાપે લગ્ન કરાવી આપવામાં કશું ખોટું નથી. બહુ બહુ તો માબાપ ભવિષ્ય અંગે ચેતવણી આપી શકે, પણ એથી વધુ દખલ ન કરે એ ઇચ્છવા જેવું છે. લગ્ન પછી કંઇ થાય તો પતિ-પત્ની માબાપને તો બ્લેઈમ ના કરી શકે. માબાપને તો નહીં જ ! કારણ એમણે સાવધાન નથી કર્યાં એવું કહે તો પણ કોને અને કયા મોઢે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 09 ઑગસ્ટ 2026
![]()

