Opinion Magazine
Number of visits: 9997079
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

AI

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 July 2026

રવીન્દ્ર પારેખ

અણુશસ્ત્રોને બાદ કરતાં લગભગ તમામ શોધો માનવજાતનાં કલ્યાણ માટે જ થયેલી છે. એ જુદી વાત છે કે તે શોધનો ઉપયોગ માનવ હિતની વિરુદ્ધ થયો હોય. એમાં પણ અતિ – થયું છે, ત્યારે જ વાંધો આવ્યો છે, બાકી શોધ બહુ નડતરરૂપ થઈ નથી. સ્માર્ટ ફોન આવ્યા ને આખી દુનિયા સ્ક્રીનમાં પોતાનો સમય ખર્ચવા લાગી. તેમાં હવે તો કોઈ પણ ઉંમર બાકાત નથી. દોઢેક વર્ષનાં બાળકથી લઈને વૃદ્ધો સુધીનાં તમામ સ્માર્ટ ‘લોકો’ એમાંથી બાકાત નથી. બાળકો વરસાદી પાણીમાં કાગળની હોડીઓ તરાવતાં હતાં, એ બાળપણ હવે મોબાઈલમાં વીતે છે. ઇનડોર ગેઈમ્સ, આઉટ ડોર ગેઈમ્સ, હરવુંફરવું આ બધું મોબાઈલમાં કેન્દ્રિત થઇ ગયું છે. બાળક હવે રમવાને બદલે, ગેઇમ્સમાં અન્યને રમતાં જોઇને રાજી થાય છે. યુવાનોની પણ એ જ દશા છે. નવરા પડ્યા નથી કે મોબાઈલ મચડ્યો નથી ! ઘણીવાર તો કામ બાજુ પર મૂકીને, મોબાઈલને જ કામ બનાવી લેવાય છે. હરખ-શોક કંઇ પણ હોય, આખી દુનિયા મોબાઈલમાં વસી ગઈ છે.

ગયા ઓગસ્ટમાં આર્ટસ, સાયન્સ, કોમર્સના હજારેક વિદ્યાર્થીઓ, રજાનો કેવોક ઉપયોગ કરે છે તેનો સરવે  થયો, જેમાં જાણવા મળ્યું કે રજાના દિવસોમાં વિદ્યાર્થીઓ બેથી પાંચ કલાક સ્ક્રીન પર પસાર કરે છે. એમાં 61.૩૩ ટકા વિદ્યાર્થીઓ તથા 63.૩૩ ટકા વિદ્યાર્થિનીઓ છે. તેમાં આર્ટ્સના 64.28. સાયન્સના 64.17 ટકા અને કોમર્સના 68.૩૩ ટકાનો સમાવેશ થાય છે, માત્ર 29 ટકાને જ પુસ્તકો વાંચવામાં રસ પડે છે. મોબાઈલનું આટલું ઓછું હતું તે AI અને જેમિની જેવાએ પૂરું કર્યું. હવે જાણે એની બહાર જગત રહ્યું જ ન હોય તેમ બધું AIને સોંપી દેવાયું છે. એટલું સારું છે કે લોકોએ ખાવાપીવાનું પોતાની પાસે રાખ્યું છે. કાલે એવું બને કે AIને એવો હુકમ અપાય કે મારું ખાવાનું ખાઈ આપ ને એવું થાય તો માણસને ખાવાપીવાની ય ઝંઝટ ન રહે. અત્યારે તો ખાવાપીવાનું બાદ કરતાં, ઘણુંબધું AIને જ સોંપી દેવાયું છે. એ જેમ જેમ સર્જે છે, તેમ તેમ માણસની સર્જકતા ઘટતી આવે છે. AI માણસની મદદ માટે છે. AI પોતે માણસ નથી, પણ માણસે બધું એને સોંપવા માંડ્યું છે. કંઇ કરવાનું રહેતું જ નથી જાણે !

ચેટ જી.પી.ટી. સામાન્ય લોકો માટે આવ્યું એ વાતને ય ત્રણેક વર્ષ થયાં. હવે ચેટ જી.પી.ટી. અને જેમિની જેવા AI LLM સવાલો પૂછવા પૂરતાં સીમિત નથી. તે જટિલ કાર્યોને સરળ અને ઝડપી બનાવવાં લાગ્યાં છે, તો કેટલાંક કાર્યો પોતે જ કરવાં લાગ્યાં છે. સેમ આલ્ટમેનની આ કંપની AI મોડલ્સ અને એજન્ટ્સ પછી ‘AIએજન્ટ ફોન’ બનાવવાની પેરવીમાં છે. આ એવો સ્માર્ટ ફોન હશે જે ફોનના વપરાશની પદ્ધતિ જ બદલી કાઢી શકે. આમાં ઓપન એ.આઈ. અને એપલ જેવી કંપનીઓ રસ લઇ રહી છે. જલદી જ લોન્ચ થશે આ AI ડિવાઈસ ! આ ફોન પોતે ઈ-મેઈલનો જવાબ આપી શકશે, કોલ કરી શકશે. ગ્રોસરી પોતે ઓર્ડર કરી શકશે. મતલબ કે સ્ક્રોલ કરવાને બદલે ફોનને કામ પણ સોંપી શકાશે. તેનો ઇન્ટરફેસ એવો હશે કે તેનો સ્ક્રીન આંખો સામે હશે, પણ તે આંખોને બ્લોક નહીં કરે. એટલે કે ટ્રાન્સપેરન્ટ એલિમેન્ટ દ્વારા માહિતી દેખાશે. આ જેમિની પર આધારિત હશે. તે પ્રશ્નોના જવાબ આપવા ઉપરાંત રસ્તો બતાવશે અને નોટિફિકેશન લેન્સ પર બતાવશે. આ ફોન 2027 સુધીમાં લોન્ચ થઈ શકે અને પહેલે જ વર્ષે ૩ કરોડ યુનિટ્સ વેચવાનો અંદાજ છે.

એક સમયે બધું જ સ્માર્ટ હતું. સ્માર્ટ ફોન, સ્માર્ટ ટી.વી., સ્માર્ટ હોમ … વગેરે. તે વખતે અપેક્ષા એવી હતી કે ફ્રિજ પોતે જ દૂધ ઓર્ડર કરે, દરવાજો, મોબાઈલ ખોલે, માઈક્રોવેવ જવાબ આપે, પરંતુ હવે ‘સ્માર્ટ’ વિપરીત ‘બેઝિક’ વસ્તુઓનો ટ્રેન્ડ ઊભરી રહ્યો છે. એટલે કે એવા ફોન, ટી.વી.… જે ફક્ત પોતાનું કામ કરે અને ઈન્ટરનેટ કે એપ સાથે જોડાયેલાં ન રહે. અમેરિકા સહિત પશ્ચિમી બજારોમાં યુવાનો બેઝિક ફોન તરફ પાછા ફરી રહ્યા છે. લોકો બેઝિક ટી.વી. શોધી રહ્યા છે. એવી સ્ક્રીન, તમે જે ચલાવવા માંગો છો એ જ બતાવે. એમ થાય તો આપણી જોવાની ટેવો ટ્રેક થતી અટકશે. આમ થવાનું કારણ ડિજિટલ થાક છે. આજકાલ અમેરિકાના અડધા કિશોરો લગભગ બધો સમય ઓનલાઈન રહે છે. આ ટ્રેન્ડ ટેકનોલોજી વિરોધીઓમાં નહીં, પણ ટેક-સેવીમાં જોવા મળે છે. તેઓ ટેકનોલોજીનો પોતાની શરત પર ઉપયોગ કરવા માંગે છે. સ્માર્ટનેસ બધી વસ્તુઓ કનેક્ટ કરવામાં નહીં, પણ કઈ વસ્તુ કનેક્ટ ન કરવી એમાં પણ જોઈએ. કદાચ આગામી ટેક ક્રાંતિ ઓછું બોલનાર અને વધુ સમજદાર હશે.

એક તરફ ‘સ્માર્ટ’નો વિકલ્પ ‘બેઝિક’માં જોવાઈ રહ્યો છે, જયારે અમેરિકામાં યુવાનો આ બધાંથી ઉબાઈ ગયાં-ની સ્થિતિ છે. નો ચેટ જી.પી.ટી., નો જેમિની જેવા નારા લાગી રહ્યા છે. અમેરિકામાં 25 ટકા જેન ઝી એ સ્વીકાર્યું છે કે તેઓ અત્યારે સ્ક્રીન ટાઈમની કિંમત ચૂકવી રહ્યા છે. સ્માર્ટ ફોન અને સોશિઅલ મીડિયા વચ્ચે ઉછરેલી પેઢીને એ જ ટેકનોલોજી માટે સવાલો થવા લાગ્યા છે તે શુભ કે અશુભ સંકેત ગણવો એ સમજાતું નથી. આયોજિત ટેકનોલોજી પર શંકા કરનારાઓનું એક સંમેલન ન્યૂયોર્કમાં 28 જૂનથી 5 જુલાઈ દરમિયાન યોજાઈ ગયું. આ સંમેલનમાં અઈપોડથી મુક્તિ અપાવીશું, નો ચેટ જી.પી.ટી., નો જેમિની, નો ગ્રોક, નો ક્લોડ – જેવાં સૂત્રો પોકારવામાં આવ્યાં. આયોજનનો પ્રચાર વ્યક્તિગત સંપર્ક અને પોસ્ટર્સથી કર્યો. એટલે બહુ ભીડ ન હતી, પણ ઉપસ્થિત રહેલાંઓમાં મોટે ભાગના 20 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં હતાં.

આ વલણ જેન-ઝી(1997થી 2012 દરમિયાન જન્મેલાં લોકો)નાં બદલાતાં વલણ અંગેનો સંકેત પણ છે. સ્માર્ટફોનના જમાનામાં ઉછરેલી આ પેઢી એમ માનવા લાગી છે કે સતત સ્ક્રીન પર રહેવાની કિંમત ચૂકવી રહી છે. ન્યૂયોર્કમાં 28 જુલાઈથી 5 જુલાઈ, 2026 સુધી AI અને સોશિઅલ મીડિયા પર શંકા કરનારા લોકોનું એક સંમેલન મળી ગયું. 2024ના એક સરવેનું તારણ કહે છે કે જેન-ઝીના ¼ ભાગના લોકોએ કહ્યું કે કાશ આ સ્માર્ટ ફોનની શોધ જ ન થઈ હોત ! અડધાથી વધુ લોકોએ 16 વર્ષથી ઓછી વય માટે સોશિઅલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની વાતને સમર્થન આપ્યું. ટેકનોલોજીનો સંપૂર્ણ વિરોધ ન કરતાં તેમને દેખરેખ રાખતાં, દખલ કરતાં અલ્ગોરિધમ અને સામાજિક જીવન પર વધતી ડિજિટલ અસરો સામે વાંધો છે. AIએ પણ ચિંતા વધારી છે. 70 ટકા જેન-ઝી માને છે કે AIની રોજગારી પર નકારાત્મક અસરો પડી શકે છે. તે ઘણો બગાડ કરે છે, એ પણ ખરું.

AI નાં ડેટા સેન્ટર્સ ચલાવવા માટે વીજળી પાણીનો બહોળો ઉપયોગ થાય છે. ડેટા સેન્ટર્સને કૂલ રાખવા માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. એક અંદાજ પ્રમાણે 100 કરોડ લોકો AIનો ઉપયોગ કરી રહ્યા છે. તેની પ્રોસેસ પાછળ દરરોજ 6.80 લાખ કિલોવોટ વીજળી વપરાય છે. આટલી વીજળીથી 22 હજાર ઘરોને એક દિવસ વીજળી આપી શકાય. ડેટા સેન્ટર્સને ઠંડા રાખવાં જરૂરી છે, નહિતર તે કામ કરતાં નથી. એ કામ કરે એટલે પાણીનો મોટો જથ્થો વપરાય છે. ડેટા સેન્ટર્સ પાછળ વર્ષે 2,300 કરોડ લિટર પાણીનો જથ્થો વપરાય છે. ટૂંકમાં, 150 કરોડ લોકોને પૂરતો થાય એટલો જથ્થો પાણીનો AI પાછળ વપરાય છે. એ પરથી પણ ખ્યાલ આવશે કે AI કઈ હદે ઉપયોગી છે ! એમાં દર વર્ષે 17 ટકાનો વધારો થાય ને વધતો જ રહે એમ છે.

આ ગાળામાં ફ્લિપફોન અને કેસેટ ટેપનું વેચાણ વધ્યું છે. નવા ‘લુડાઈટ ક્લબ’(19મી સદીનાં મશીનીકરણનો વાંધો હતો એવા ટેક્સટાઇલ કામદારો)ના સભ્યોને મશીનીકરણનો એટલો વાંધો ન હતો, જેટલો આજીવિકા અને નોકરી સંદર્ભે હતો. તેવા જ વાંધા AI અને સોશિઅલ મીડિયા સામે હોવાથી યુવાનો પોતાને ‘લુડાઈટસ’ તરીકે ઓળખાવે છે. ત્યારે મશીનીકરણનો વાંધો હતો, હવે AI સામે છે. તેણે ઘણાંની નોકરી છીનવી હોવાના સમાચારો અખબારોમાં પ્રગટ થતા રહે છે. ન્યૂયોર્કના બની બેઠેલા લુડાઈટસ લોકોએ તો એક કેસ ચલાવ્યા પછી, ફોન ડિવાઈસને ફાંસી સુદ્ધાં આપી દીધી. આવો વર્ગ લોકોને સ્માર્ટ ફોન અને સોશિઅલ મીડિયાથી દૂર રહેવા પ્રેરિત કરે છે. કોયડા ઉકેલવા, ગાર્ડનિંગ, સ્ક્રીનથી દૂર રહેવા જેવી પ્રવૃત્તિઓ નવી લાઈફસ્ટાઈલ તરીકે સ્વીકૃત બની રહી છે.

એટલું છે કે મશીનીકરણનો વાંધો હોવા છતાં યંત્રો રોકાયાં નથી અને એનો જ એક છેડો આજના AI સુધી આવ્યો છે. જેમ મશીનોને રોકી શકાયાં નથી, એમ જ AI કે સોશિઅલ મીડિયાને પણ રોકી શકાવાનું નથી, પણ AIનાં લાભ કરતાં, તેનાં જોખમો વહેલાં ધ્યાન પર આવવાં લાગ્યાં છે. એની ચિંતા એક જ છે અને તે માણસને ખસેડીને તેને નકામો બનાવી દેવાની. માણસનાં કેટલાંક કામ પોતાની પાસે લઈ લેવાનું વલણ ચિંતા ઉપજાવનારું છે. માણસને મશીનથી રિપ્લેસ કરવાનું ઠીક નથી ને આજે AIએ ઘણી નોકરીઓ છીનવી લીધી છે ને એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શિક્ષિત બેકારી ચરમસીમાએ હોય ત્યારે નવી બેકારી ઊભી કરવાનો કોઈ અર્થ નથી. AI ઉપયોગી છે જ, જેમ યંત્રો એક કાળે હતાં જ, પણ, તેને એટલાં ઉપયોગી ન બનાવાય, જે માણસના ‘પિતાશ્રી’ બનવાની વેતરણમાં હોય. માણસે મશીન બનાવ્યું, મશીને માણસ બનાવ્યો નથી, એટલું ધ્યાનમાં રખાય તો ય ઘણું. AI અને સોશિઅલ મીડિયાનું આક્રમણ એટલું તીવ્ર છે કે એ જીરવવાનું મુશ્કેલ બન્યું છે, પણ એવા નાના વાંધાઓ, AI અને સોશિઅલ મીડિયાની સામે કેટલું ટકે એ વિચારવાનું રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જુલાઈ 2026

Loading

13 July 2026 Vipool Kalyani
← સતલુજઃ અનામી મૃતકોને ઓળખ આપનારા ખાલરાનું સત્ય લોકો સુધી પહોંચે એ કઠ્યું કેમ?

Search by

Opinion

  • સતલુજઃ અનામી મૃતકોને ઓળખ આપનારા ખાલરાનું સત્ય લોકો સુધી પહોંચે એ કઠ્યું કેમ?
  • ગઝલ
  • ઘર
  • ચલ મન મુંબઈ નગરી—349
  • કેવો વરસાદ? …. જ્યાં વરસે ત્યાં છિન્નભિન્ન સઘળું કરતો આબાદ …!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved