Opinion Magazine
Number of visits: 9993674
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—349

દીપક મહેતા|Opinion - Opinion|11 July 2026

મુંબઈના લાખો મુસાફરો BESTની લાલ પરીને રોજ કહેતા : मैं तेरा तू मेरी, जाने सारा हिंदुस्तान 

जानूँ मेरी जान, मैं तेरे क़ुर्बान
जानूँ मेरी जान, मैं तेरे क़ुर्बान
अरे मैं तेरा तू मेरी
जाने सारा हिंदुस्तान

૧૯૮૦માં આવેલી ‘શાન’ ફિલ્મનું આ ગીત આજે એકાએક યાદ આવવાનું કારણ? સુનીલ દત્ત, શશી કપૂર, અમિતાભ બચ્ચન, શત્રુઘન સિંહા, રાખી ગુલઝાર, પરવીન બાબી, બિંદિયા ગોસ્વામી, જોની વોકર, કુલભૂષણ ખરબંદા જેવાં ધરખમ કલાકારો એમાં હતાં એટલે? ના. આર.ડી. બર્મનનું સંગીત હતું એટલે? ના, ના. આ આખું ગીત ફિલ્માવાયું હતું BESTની લાલ લાલ ડબલ ડેકર બસમાં, એટલે આજે આ ગીત યાદ આવ્યું. એક જમાનો હતો આ ‘લાલ પરી’ના દબદબાનો. મુંબઈના હજારો-લાખો મુસાફરો BESTની લાલ પરીને પણ રોજ કહેતા : अरे मैं तेरा तू मेरी, जाने सारा हिंदुस्तान. આખા દેશમાં મુંબઈની આ લાલ બસ મશહૂર હતી.  મુંબઈ આવતા સહેલાણીઓ ભલે એક-બે વાર, પણ તેમાં અચૂક બેસતા. 

લંડનથી આવેલી પહેલી બસ, ૧૯૨૬ 

હા, અમારા સુજ્ઞ વાચકોને થતું હશે કે ટ્રેન ને સ્ટીમર, સ્ટેશન ને બંદર છોડીને આજે આ ભાઈ મુંબઈની BEST બસ પાછળ કેમ મંડી પડ્યા છે? કારણ હવે એ બરાબર એક સો વરસની ઉંમરની થઈ છે. મુંબઈની પહેલી BEST બસ સો વરસ પહેલાં, ૧૯૨૬ના જુલાઈની પંદરમી તારીખે શરૂ થઈ હતી. એ વખતે કાફલામાં ૨૪ સિંગલ ડેકર બસ હતી. એ બધી જ બસો ગ્રેટ બ્રિટનથી મગાવવામાં આવી હતી. બસ સેવાની શરૂઆત થઈ હતી કોલાબામાં આવેલ અફઘાન ચર્ચથી ક્રાફર્ડ માર્કેટ જતી બસ દ્વારા. થોડા દિવસમાં જ બીજા બે રૂટ ઉમેરવામાં આવ્યા : દાદરથી કિંગ્સ સર્કલ, અને ઓપેરા હાઉસથી લાલ બાગ. શરૂઆતનાં ઘણાં વરસ બસના રૂટને નંબર આપવામાં આવ્યા નહોતા, પણ A, B, C જેવા અંગ્રેજી આલ્ફાબેટના અક્ષરો દ્વારા બસ રૂટ ઓળખાતા. 

मैं तेरा तू मेरी, जाने सारा हिंदुस्तान

આ લખનારને બરાબર યાદ છે. પહેલાં ગોવાળીયા ટેંક પાસેની ન્યૂ ઈરા સ્કૂલમાં અને પછી ધોબી તળાવ પાસે આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં રોજ ભણવા જવાનું તે તો ટ્રામમાં જ. કારણ ટ્રામની ટિકિટ એક આનો, બસની ટિકિટ ચાર આના. પણ પછી એમ.એ.ના વર્ગો બોમ્બે યુનિવર્સિટીએ ચોપાટી પરની વિલ્સન કોલેજમાં લેવાનું શરૂ કર્યું. અને ત્યાં તો ટ્રામ જાય નહિ. ટ્રામ કરતાં બસની ટિકિટ ઘણી મોંઘી. પણ કાળજું કઠણ કરીને રોજ H રૂટની બસમાં જવા-આવવાનું શરૂ કર્યું. લેકચર પછી ઘણુંખરું અમે ત્રણ મિત્રો એ જ રૂટની બસમાં ઘરે પાછાં ફરીએ. રાજેન્દ્ર નાણાવટી સી.પી. ટેંક ઊતરી જાય. આ બંદા ચીરા બજાર ઊતરી જાય અને છેલ્લે ઊતરે મેટ્રો સિનેમા પાસે વર્ષા આચાર્ય (પછીથી અડાલજા). આખે રસ્તે જાતભાતનાં ગપ્પાં. પણ એ વખતે સૌથી વધુ મજા આવતી એ તો C રૂટની મુસાફરીમાં. તેનો મોટો ભાગ મરીન ડ્રાઈવ અને ચોપાટી પરથી પસાર થાય. તેની ડબલ ડેકર બસમાં ઉપલે માળે ચડીને છેક આગળની સીટ ‘પકડી’ લેવાની. સામેની અને બંને બાજુની બારીઓ ખોલી નાખવાની. અને જે ફરફરાટ પવન આવે! ચોમાસાના દિવસોમાં વરસાદની ઝાપટથી ભીંજાવાની મજા તો માણવી જ પડે. પછી ભલે ને સાંજ પડે શરદી જોરશોરથી હુમલો કરે! માના હાથની ગરમાગરમ રાબ પીતાં વેંત શરદી તો થોડી વારમાં છૂ થઈ જાય. એ જમાનાની બીજી એક યાદગાર મજા તે દિવાળીના દિવસોમાં BEST રંગબેરંગી રોશનીથી શણગારેલી થોડી ટ્રામ અને બસ જૂદા જૂદા રૂટ પર સાંજ પછી દોડાવે તે જોવાની. જો કે એ શણગારેલી ટ્રામ-બસમાં મુસાફરો બેસી શકે નહિ. ફક્ત ઉજવણીના ભાગ રૂપે એ મોડી રાત સુધી દોડતી રહે. 

સાહેબ! આજે તો ખીચોખીચ ભરેલી બસમાં કંડક્ટરને શોધી કાઢતાં પણ આંખે પાણી આવી જાય. પણ એક જમાનો હતો જ્યારે દરેક સ્ટોપ પર કંડક્ટર બસના દરવાજા આગળ પહોંચી જાય. ત્યાં જતાં સુધીમાં કુલ કેટલી સીટ ખાલી છે એ ઝડપથી ગણી લે. અને સ્ટોપ પર બસ ઊભી રહે એટલે બોલે : ‘લાઈન સે પાંચ આ જાવ’. બસ સ્ટોપ પર વ્યવસ્થિત રીતે લાઈનમાં ઊભેલા મુસાફરોમાંથી પહેલા પાંચ બસમાં ચડી જાય એટલે કંડક્ટર બે ઘંટડી વગાડે. એટલે ડ્રાઈવર બસ ઉપાડે. ક્યારેક કોક અદક પાંસળીયો પોરિયો બસ ચાલુ થયા પછી કૂદીને બસમાં ચડી જાય તો કંડક્ટર તરત એક ઘંટડી વગાડે. એટલે ડ્રાઈવર બસ ઊભી રાખે. પેલો અદક પાંસળીયો ઊતરે નહિ ત્યાં સુધી બસ આગળ ચાલે જ નહિ. ડ્રાઈવર એ બસનાં હાથ-પગ, અને કંડક્ટર તે આંખ-કાન. બંને પહેરે ખાખી રંગનાં યુનિફોર્મ. 

કંડકટરનું ટિકિટ બોક્સ

અસલના કંડક્ટર પાસે ત્રણ વાનાં હોય જ. એક, જુદી જુદી રકમની ટિકિટો વ્યવસ્થિત રીતે જેમાં ગોઠવી હોય તેવી પેટી ખભેથી લટકતી હોય. બીજે ખભેથી લટકતી હોય પૈસા (મુખ્યત્વે પરચૂરણ) રાખવાની ચામડાની થેલી. અને હાથમાં હોય ચીપિયા જેવું પંચિંગ મશીન. પૈસા લઈ, ટિકિટ પંચ કરીને પેસેન્જરને આપે. જાણે હાલતું-ચાલતું મશીન! પછી વખત જતાં જરૂર પ્રમાણેની ટિકિટ છાપતાં મશીન આવ્યાં. પંચિંગ મશીન ગયાં. જેટલી જગ્યા હોય તેટલાં જ છડિયાં લેવાનો આગ્રહ ગયો. મારે તેની તલવાર એ ન્યાય લાગુ પડ્યો. બસ સ્ટોપ પર ક્યૂને બદલે ટોળાં. 

પેટ્રોલ બસની જગ્યાએ પહેલાં ડીઝલ અને પછી ઇલેક્ટ્રિક બસ આવી. એર કન્ડિશંડ બસો આવી. ટ્રેલર બસો આવી ને ગઈ. ગોવાળિયા ટેંક અને મઝગાંવ વચ્ચે ચાલતી ટ્રોલી બસો પણ આવી અને ગઈ. બસ રૂટનું જાળું વધુ ને વધુ મોટું થતું ગયું. આજે બેસ્ટની બસો ૩૦૦ કરતાં વધુ રૂટ પર દોડે છે – બલકે ગોકળગાયની ગતિએ સરકે છે. ક્યારેક બસના રંગ પણ બદલાયા. હવે તો ઘણી વાર આખી બસ પર જાહેર ખબરો ચિતરી હોવાથી બસ કાબરચિતરી દેખાય છે. વચ્ચે વળી ડબલ ડેકર કાઢીને બધી બસ સિંગલ ડેકર કરવાનો વા વાયો. હવે ડબલ ડેકર પાછી આવી છે, ઇલેક્ટ્રિક બસ રૂપે. હવે BESTની બસો બેસ્ટ રહી નથી. પરાંઓમાં ઓટોરિક્ષાનું ચલણ વધ્યું છે. તો આખા શહેરમાં મેટ્રો ટ્રેનો અને તેનાં સ્ટેશનોનું જાળું પથરાતું જાય છે. એક બાજુથી વિકલ્પો વધતા જાય છે. બીજી બાજુથી BESTની બસોનું જાળું તૂટતું જાય છે. વેટ લીઝની સિસ્ટમને કારણે બેસ્ટનું તંત્ર, સ્ટાફ, અને મુસાફરો ઓશિયાળાં બનતાં જાય છે. અકસ્માતો વધતા જાય છે. ઘણી બસોની દશા ભંગારવાડામાં શોભે એવી હોય છે. 

ડબલ ડેકર – અગાઉની

૧૮૭૩માં સ્થપાયેલી મૂળ ખાનગી માલિકીની કંપનીનું નામ હતું બોમ્બે ટ્રામ-વે કંપની લિમિટેડ. એ જ વરસે કંપનીએ ઘોડાથી ખેંચાતી ટ્રામ મુંબઈમાં શરૂ કરી. ૧૯૦૫માં એ કંપની ખરીદી લીધી બીજી એક કંપનીએ. તેણે શહેરના કેટલાક ભાગોને વીજળી પૂરી પાડવાનું કામ પણ હાથમાં લીધું. એટલે કંપનીનું નામ રાખ્યું બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રામવે (BEST) કંપની. ૧૯૨૬ના જુલાઈની ૧૫મીથી તેણે ટ્રામ સેવા ઉપરાંત બસ સેવા પણ શરૂ કરી. ૧૯૪૭માં આ ખાનગી કંપનીને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને લઈ લીધી. ટ્રામ સેવા બંધ થયા પછી ટ્રામવેની જગ્યાએ ટ્રાન્સપોર્ટ શબ્દ મૂકાયો એટલે BEST નામ બદલાયું નહિ. પણ પછી ખુદ બોમ્બેનું જ નામ બદલાયું. બોમ્બે બન્યું મુંબઈ. હવે બેસ્ટ નામ ચાલુ કઈ રીતે રાખવું? કોઈ ચતુર સુજાણને સરસ નુસખો સૂઝ્યો. નામમાંનો પહેલો શબ્દ ‘બોમ્બે’ને બદલે ‘બૃહનમુંબઈ’ રાખીએ! એટલે પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. BEST નામ કાયમ રહ્યું. 

ડબલ ડેકર –આજની 

હિન્દી ફિલ્મોએ BESTની બસોને લાડ લડાવ્યાં છે તો તેની બસોએ પણ સિનેમા ઘરોને એક જમાનામાં લાડ લડાવેલાં. ચર્ચગેટ, ગ્રાન્ટ રોડ, દાદર જેવાં સ્ટેશનોથી ચોક્કસ સમયે ‘સિનેમા સ્પેશિયલ’ બસો ઊપડતી. એ જમાનામાં પરાંઓમાં થિયેટરો નહિ જેવાં. એટલે પિક્ચર જોવા શહેરમાં આવવું પડે. બસો મુસાફરોને સ્ટેશનથી સીધા થિયેટર લઈ જતી. શો પૂરો થાય એટલે બસ થિયેટરથી સીધી નજીકના રેલવે સ્ટેશને મુસાફરોને લઈ જતી. આ બસો ‘સિનેમા સ્પેશિયલ’ તરીકે ઓળખાતી. છેલ્લો શો રાતે સાડા અગિયાર કે બાર વાગે પૂરો થાય ત્યારે પણ નજીકના સ્ટેશને જવા આ બસો થિયેટરો પાસે ખડે પગે રહેતી. એવી જ રીતે એસ.એસ.સી.ની પરીક્ષાઓ વખતે બેસ્ટ કંપની વિદ્યાર્થીઓ માટે ખાસ બસો દોડાવતી. તો એક જમાનામાં દરેક બસની અંદર ટપાલ પેટી રાખવામાં આવતી. મુસાફરો પોતાની ટપાલ તેમાં નાખતા. એક જમાનો હતો જ્યારે BESTની બસ એ માત્ર મુસાફરીનું સાધન નહોતું. પણ મુંબઈગરાના જીવનનો એક હિસ્સો હતી. આજે હવે ગરીબડી BEST બસને રસ્તા પરથી મહામહેનતે જતી જોઈને ૧૯૭૬માં રીલીઝ થયેલી ફિલ્મ ‘છોટી સી બાત’માં બસ સ્ટોપ પર ઊભેલી વિદ્યા સિંહાએ ગાયેલા પેલા ગીતની પંક્તિઓ મનમાં ગુંજવા લાગે છે :

अचानक ये मन
किसी के जाने के बाद करे फिर उसकी याद
छोटी छोटी सी बात न जाने क्यूँ

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 11 જુલાઈ 2026

Loading

11 July 2026 Vipool Kalyani
← કેવો વરસાદ? …. જ્યાં વરસે ત્યાં છિન્નભિન્ન સઘળું કરતો આબાદ …!

Search by

Opinion

  • કેવો વરસાદ? …. જ્યાં વરસે ત્યાં છિન્નભિન્ન સઘળું કરતો આબાદ …!
  • बात एक जुगनू की ! 
  • એક શિક્ષક, અનેક વિદ્યાર્થી શાળા, અનેક શિક્ષક, શૂન્ય વિદ્યાર્થી શાળા
  • ‘મૈં વાપસ આઉંગા’ : ઇતિહાસની રાખમાં પ્રેમના બાકી રહી ગયેલા તણખાને ફંફોસતી ફિલ્મ
  • શ્રેય સામે પ્રેય :  સત્યમય જીવન અને મૂલ્ય આધારિત વ્યવસ્થાતંત્ર રચવા માટે નીડોનોમિક્સનો પથ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved